તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:તપસ અને લહેરી બે વર્ષ બિલકુલ બોલ્યાં નહીં, પરંતુ તેમનો પ્રેમ સતત સંવાદ રચતો હતો...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વાત તપસ અને લહેરીની છે. પ્રેમના કેવા-કેવા સોહામણા અને વાઇબ્રન્ટ રંગ હોય છે તેની પ્રતીતિ કરાવે તેવી બન્નેની ગાથા છે. સંબંધ સાચો હોય તો કેવી રીતે હાર્ડ ટાઈમમાં નબળા સમયમાં પણ ટકી રહે છે એ જોવું જરૂરી છે.

તપસ અને લહેરી અચાનક મળેલાં. તપસને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફીનો શોખ. અમદાવાદમાં તેના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું હતું. લહેરી પોતાની ફ્રેન્ડ્સ સાથે એ પ્રદર્શન જોવા આવી હતી. તસવીરો હતી જ એવી કે કોઈ પણને ગમી જાય. લહેરીને ફોટોગ્રાફીમાં ખાસ રસ નહોતો, એ તો ફ્રેન્ડ્સને કંપની આપવા આવેલી.

જો કે, તસવીરો તેને ગમી. એણે ખૂબ રસપૂર્વક તસવીરો જોઈ. એક તસવીરમાં બે પક્ષીઓનો પ્રેમ જબરજસ્ત રીતે ઝીલાયો હતો. એ પછી તો લહેરીએ તપસ જોડે પક્ષીઓ વિશે ખૂબ વાતો કરી. પક્ષીઓની અવનવી વાતો સાંભળીને લહેરી આવાક થઈ ગઈ. ઓસ્ટ્રેલિયામાં vogelkop bowerbird નામનું એક પક્ષી હોય છે, જેમાં નર પક્ષી પોતાની માદાને ખુશ કરવા બે વર્ષની મહેનત કરીને ચાર ફૂટ બાય પાંચ ફૂટનો માળો બનાવે છે. પક્ષીનું કદ માત્ર 21થી 35 સેમી પોતાના કદ કરતાં અનેક ગણો મોટો માળો બનાવે. માળો તો નામ, બાકી સરસ ઘર બનાવે. જંગલમાંથી લાકડીઓ લાવે, ભીની માટી કાઢીને તેને જમીનમાં ખોસે, રંગબેરંગી ચીજવસ્તુઓથી ઘરને શણગારે.

લહેરી તો પક્ષીઓની અવનવી વાતો સાંભળીને રાજી થઈ અને સ્તબ્ધ પણ થઈ. એ પછી તો તેને પણ ફોટોગ્રાફીમાં રસ પડ્યો. ધીમે-ધીમે તપસ અને લહેરીની મિત્રતા થઈ. એ મિત્રતા નિકટતામાં ફેરવાઈ. બન્ને ઉત્તમ મિત્રો બન્યાં. જ્યારે બે વ્યક્તિઓના વિચારો મળતા હોય છે ત્યારે મિત્રતા નામની સુંદર ઈમારતનું સર્જન થતું હોય છે. તપસ અને લહેરીના વિચારોમાં સામ્યતા હતી તેથી તેઓ એકબીજાથી વધુ નજીક આવ્યાં.

યુવાનોના સંબંધો બે પ્રકારના હોય છે. વિજાતીય આકર્ષણથી બંધાતાં સંબંધો અને વિચારોના આકર્ષણથી સર્જાતા સંબંધો. મુગ્ધાવસ્થા (ટીન-એજ)ની ભૂમિ આકર્ષણ ભૂમિ હોય છે. છોકરો હોય કે છોકરી...આ ઉંમર જ એવી હોય છે કે છોકરાને છોકરીનું અને છોકરીને છોકરાનું આકર્ષણ થાય. ઉમાશંકર જોશીએ એક જગ્યાએ સરસ લખ્યું છે કે ઈશ્વરે સ્ત્રી અને પુરુષમાં પરસ્પર આકર્ષણ મૂકીને કેવું સુંદર કામ કર્યું છે કે જેથી એક અડધી દુનિયા બીજી અડધી દુનિયાને સતત ચાહ્યા જ કરે!

તપસ અને લહેરી એકબીજાને ચાહતાં હતાં. દરેક ચાહતમાં સમસ્યા આવતી જ હોય છે. અહીં પણ એવું જ થયું. તપસને લહેરી પાસેથી અપેક્ષાઓ ખૂબ રહેતી. એને મનમાં સતત થયા કરતું કે લહેરી મારી દરેક અપેક્ષા પૂર્ણ કરે. તપસને જ્યારે લહેરીને મળવાનું મન થાય ત્યારે લહેરી આવવી જ જોઈએ. કોઈ છોકરીને પોતાના પરિવારની કે પોતાની પ્રતિકૂળતાઓ હોઈ શકે તેવો વિચાર પણ તપસને ના આવતો. જાણે અજાણે તે લહેરી પણ પોતાનો 'માલિકી ભાવ' સ્થાપિત કરી રહ્યો હતો. તેનાથી આવું થઈ રહ્યું છે તેવી જો કે તેને ખબર જ નહોતી. તે સહજપણે આમ કરી રહ્યો હતો.

કોઈ નિયત કોફી બારમાં તપસને કોફી પીવા જવાનું મન થાય તો તે તરત લહેરીને મેસેજ કરી દેતો. લહેરીના જવાબની રાહ જોયા વિના તે કોફીબાર પહોંચી જતો. એ ક્યારેય વિચારતો નહીં કે લહેરી કોઈ કારણોસર ન પણ આવી શકે. એના બદલે એ એમ વિચારતો કે લહેરીએ તો આ‌‌વવું જ જોઈએ. ના કેમ આવે? અમારી પરસ્પરની દુનિયા અમે એકબીજા જ છીએ. મારી દુનિયા લહેરી અને લહેરીની દુનિયા હું! અમારી પ્રાયોરિટી અમે બે જ હોવાં જોઈએ.

લહેરી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લહેરીનાં દાદીમા જૈફ વયનાં હતાં. દિવાળી બા તેમનું નામ. લહેરીને દિવાળી બા ખૂબ જ ગમતાં. તે દિવાળી બાને નિયમિત સમય આપતી. દિવાળી બાને માલિશ કરવાની હોય, તેમને નિયત સમયે દવાઓ આપવાની હોય...એમાં ફેરફાર કરવાનું લહેરીને નહોતું ગમતું. તેને તપસ માટે પ્રેમ હતો, તપસ સાદ પાડે કે યાદ કરે તો તેને તરત જ દોડી જવાનું મન થઈ જતું હતું તે વાત એકદમ સાચી, પણ પોતાના ઘરના કે ઘરના પરિવારજનોના ભોગે તેને તપસ સાથે હરવા-ફરવાનું ગમતું નહીં.

એક વાર તો એ‌‌વું થયું કે તપસ લહેરીને પૂછ્યા વિના એક નવી ફિલ્મની ટિકિટ લઈ આવ્યો. અક્ષયકુમાર તપસનો પ્રિય હીરો. તેનું મૂવી આવેલું. ટિકિટ લીધા પછી તેણે લહેરીને કહ્યું તો લહેરીએ હા પણ પાડી હતી. જો કે, દાદીમાની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં. લહેરીને હોસ્પિટલમાં જવું પડ્યું. લહેરીની ફિલ્મ જોવા જવાની, તપસને કંપની આપવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં તે ના જઈ શકી.

તપસને ખોટું લાગ્યું. તેની દલીલ એવી હતી કે ઘરના બીજા કોઈ સભ્ય દાદીમા પાસે રહી શક્યાં હોત. જો કે, લહેરીને જવાનું મન ન થયું. લહેરીએ અલબત્ત એ પછી તપસને સમજાવ્યો. તેણે કહ્યું કે, આપણા પર પરિવારજનોનો અને સમાજનો પણ અધિકાર છે. આપણા ઘડતરમાં તેમની ભૂમિકા હોય છે. આપણે તેમની ઉપેક્ષા ન કરી શકીએ.

તપસને વાત સમજાઈ ખરી, પણ પૂરેપૂરી નહીં. તેની લહેરીની સામે કહેવા ખાતર કહ્યું કે તારી વાત સાચી છે, પણ અંદરથી તો તેને એવું જ થતું હતું કે લહેરીએ મને માત્ર ને માત્ર મને જ મહત્ત્વ આપવું જોઈએ. પહેલો હું પછી બીજાં બધાં. પહેલો હું પછી આખી દુનિયા. આવી એક મજબૂત ગ્રંથિ તેના મન-હૃદયમાં બંધાઈ ગઈ હતી.

આવું થતું હોય છે. અનેક યુવકો સાથે આવું બનતું જ હોય છે. યુવકોના મનમાં અપેક્ષાઓનો મોટો હિમાલય નિર્માણ પામતો હોય છે. આવું અવાર-નવાર બનવા લાગ્યું. લહેરીને તપસ ગમતો, ખૂબ જ ગમતો પણ તે પોતાના પરિવારને પણ ખૂબ જ ચાહતી હતી. જો કે, સંબંધોમાં તિરાડ પડી. નાનકડી તિરાડ ક્યારે મોટી થઈ જતી હોય છે તેની ખબર પણ પડતી નથી. ધીમે-ધીમે અંતર વધવા લાગ્યું.

લહેરી અને તપસ એકબીજાને ચાહતાં હોવા છતાં છેટાં પડવા માંડ્યાં. એકબીજાથી દૂર જવા લાગ્યાં. બંનેનો પરસ્પર પ્રેમ મજબૂત હતો પણ તપસની 'અપેક્ષાઓ'ના વાઇરસે તેમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. અચાનક તપસે લહેરી સાથે બોલવાનું બંધ કરી દીધું. સાચા પ્રેમમાં આવું બનતું જ હોય છે. વ્યવહાર હોય તો આવું ના બને, પણ પ્રેમ હોય તો ચોક્કસ બને.

જો કે, બંનેનો પ્રેમ સાવ સાચો હતો. તેથી, બોલવાનો વ્યવહાર બંધ હોવા છતાં બંને વચ્ચે મૌન સંવાદ ચાલુ જ હતો. સાચો પ્રેમ ના બોલીને પણ બોલતો હોય છે. સાચો પ્રેમ તમે એકબીજાને પ્રત્યક્ષ ન મળો તો પણ મળાવી આપતો હોય છે. સાચા પ્રેમના માથા પર જે સંબંધની ઈમારત ઊભી હોય છે તે રળિયામણી તો હોય જ છે, મજબૂત પણ હોય છે. ટેમ્પરરી ટ્રબલથી સાચો પ્રેમ હારતો નથી.

લહેરી અને તપસ બે વર્ષ ન બોલ્યાં એટલે પ્રેમ વધારે મજબૂત થયો. કોઈ ખેતરમાં બે વર્ષ પાક ન લો અને તેની ફળદ્રુપતા વધે એવું જ પ્રેમનું હોય છે. બે વર્ષ પછી તેઓ એકબીજાને મળ્યા વગર રહી જ ન શક્યાં. પુનઃ મળ્યાં ત્યારે સાચાં મળ્યાં. પુનઃ મળ્યાં ત્યારે કદી છૂટાં જ ન પડે એવી રીતે મળ્યાં. તપસને સમજાયું કે પ્રેમમાં અપેક્ષાઓ બાધા બને છે.

પ્રેમ તો સમર્પણ અને ત્યાગનો પ્રદેશ છે. તમે પ્રેમીજન પાસેથી જ્યારે અપેક્ષાઓ રાખો છો ત્યારે પ્રેમને ગમતું નથી. તપસને બે વર્ષે એ સત્ય સમજાયું. તેણે લહેરીને અંતરના ઊંડા ભાવથી સોરી કહ્યું. લહેરીએ તેને પોતાના બાહુપાશમાં લઈને કહ્યું...માય ડીયર તપસ...કવિ હરિન્દ્ર દવેની એક સુંદર પંક્તિ છે... કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

તપસે કહ્યું, ભૂલ કે ચૂક થઈ ગઈ, બાકી હવે તો દુનિયાની તમામ અપેક્ષાઓ આપણા પ્રેમ પાસે પાણી ભરશે. બંનેના પ્રેમાવેશને જોઈને ખુદ પ્રેમને પણ સાચું લાગ્યું!
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)