• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Sushilaben's Weeping Mouth Was Gripped And Closed With A Gampatti And Athang Tapori Was Giving The Final Touches To The Plan To Ask For Three Rupees ...

મારી વાર્તા:સુશીલાબેનનું રડતું મોં કચકચાવીને ચોંટાડેલી ગમપટ્ટીથી બંધ હતું અને અઠંગ ટપોરી ત્રિપુટી રૂપિયા મંગાવવાના પ્લાનને આખરી ઓપ આપી રહી હતી...

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ભારેખમ સૂટકેસ અને પેપરબેગ લઈને આજે તો 10 વાગ્યામાં જ કાકુભાઇ શેઠ પોતાના સુશીલાવિલાના ભવ્ય આંગણમાં પહોંચ્યા, પણ સુશીલાબેનનો ચહેરો ન દેખાયો. 'ક્યાં ગઇ હશે?' એમ વિચારીને સીધા બેડરૂમમાં જ ધસી ગયા, પણ ત્યાં પણ સન્નાટો! તેણે નિઃસાસો નાખ્યો અને પચ્ચીસ ત્રીસ લાખ રૂપિયા ભરેલી સૂટકેસ પહેલાં તો તિજોરીમાં મૂકી દીધી. પેપરબેગમાંથી લંબચોરસ બોક્સ અને નાની પોઇઝન લખેલી બોટલ ગાદલા નીચે સંતાડીને ડ્રોઈંગરૂમમાં આવ્યા.

ત્યાં તો રઘુ રસોઇયાએ જ વણમાગ્યો ખુલાસો કરી નાખ્યો કે, 'બેન તો દસ વાગ્યે આવી જવાનાં હતાં. જરા ફોન કરોને શેઠ, કેટલું મોડું થશે?' કાકુભાઈએ માથું ધુણાવી જતા રહેવાની સૂચના હાથથી આપીને વિચાર કરવા લાગ્યા, 'સાલી બધી જ તૈયારી કરી નાખી છે, પ્લાન પણ જડબેસલાક ગોઠવી નાખ્યો છે, ને આજે જ અરધી અરધી રાત સુધી બહાર રખડવાનું? સાલું બૈરું પણ ધીમે ધીમે માથા પર ચડી બેસે છે એ વાત પણ નક્કી હોં. આવવા દે ત્યારે!' ને રાહ જોવામાં એક પેગ ચડાવી દીધો.

ત્યારે જ, સુશીલાવિલાથી દોઢ કિલોમીટર દૂર નવા બંધાતા સાત માળના બિલ્ડીંગના ચોથા માળે જુદો સીન હતો. રાતના ઘનઘોર અંધારામાં ચાર માણસોનું ધીમું હલનચલન હતું. સુશીલાબેનનું ગભરાટભર્યું મોઢું કચકચાવીને ચોંટાડેલી ગમપટ્ટીથી બંધ હતું. ફક્ત નાકના ધીમા-ધીમા સિસકારા સંભળાતા હતા. અઠંગ ટપોરી ત્રિપુટીના ત્રણ સભ્યો, ખુમારામ 'બાપુડી', દિવાકર 'ડીમલાઈટ' અને દિવાકરની લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી ભાયડાછાપ ચુન્નીબાઈ હવે પછી શેઠને ફોન કરીને માહિતી આપી રૂપિયા મંગાવવાના પ્લાનને ધીમે અવાજે આખરી ઓપ આપી રહ્યાં હતાં.

ચુન્નીબાઈને હવે સુશીલાબેન ઢીલા પડ્યાં હોય એવું લાગ્યું. બાકી તો મહિલા ક્લબના નાકેથી સુશીલાબેનની કારમાં લિફ્ટ માગીને કારમાં ઘુસી સુશીલાબેનને હડસેલા મારી મારીને ધકેલતા અને મુક્કા મારી મારીને બેભાન કરતા તો નેવાનાં પાણી મોભે ચડ્યાં હતાં. નાકે દમ આવી ગયો હતો. એ તો પોતે અને દિવાકર ડીમલાઇટે અહીં સુધી ઘસડી લાવવાનું કામ માંડ માંડ પતાવ્યું.

પ્લાનને અમલમાં મૂકતાં જ ખુમારામે સુશીલાબેનને ઉદ્દેશીને વાત શરૂ કરી, 'દેખ બાઈ, હમ કો પતા હૈ, રૂપિયા ત્રીસ લાખ લે કે અબી અબી તેરા કાકુસેઠ ઘર પર પહુંચા હી હૈ. તુ બસ શેઠ કો ફોન લગાકર વો સૂટકેસ ગેટ પર લે કર આને કો બોલ દે. કેશ ચેક કર લેને કે બાદ હી દૂસરી કાર મેં બીસ મિનિટ મેં મૈં ખુદ તુમ્હેં તુમ્હારે દરવાજે પર ઉતાર દૂંગા. કાકુભાઇ કો બોલના જ્યાદા સ્માર્ટ ના બને, વરના તુમ્હારી ડેડબોડી કો હમ ઉસકે સામને રખ દેંગે. દેખ બાઈ, પંદર મિનિટ પૈસે લાને મેં ઓર પંદર મિનિટ તેરેકુ વહાં પહુંચાને મેં લગેંગે. સમજી ના?'

સુશીલાબેને અવાજ વગર રડતાં રડતાં ડોકું હલાવ્યું. દિવાકરે ચુન્નીબાઈને સુશીલાબેનના મોઢેથી ગમપટ્ટી ઉખાડવાનો ઈશારો કર્યો. ગમપટ્ટી ઉખડતાં જ સુશીલાબેન હીબકા ભરતાં ભરતાં બોલવા લાગ્યાં, 'જુઓ ભાઈ તમે કહો એમ હું ફોન કરીશ, તમને કદાચ રૂપિયા મળી જાય, તો પણ મારી એક અરજ માનવી જ પડશે કે તમારે બધાએ રૂપિયા મળ્યા બાદ મને એ નરાધમ શેઠને સોંપવી નહીં. મને આ બિલ્ડિંગના ચોથા માળેથી જ ધક્કો મારી દેજો, ગળું દબાવી દેજો. અરે, સળગાવી દેજો, પણ મને એ નરકના દરવાજે જીવતી મૂકશો નહીં. ખરેખર તો હું આજે જ સાડા દસ વાગ્યે જ ક્લબમાંથી નીકળીને ફ્લાયઓવર પરથી પડતું મૂકવાની હતી. ત્યાં તો આ બધું બનતા આત્મહત્યાના પાપમાંથી બચી ગઇ. હવે તો શેઠને પણ મારું ખૂન કરવાનું પાપ નહીં કરવું પડે. બંનેનો છુટકારો થઇ જશે, ભાઈ તમારું ભલું થાય. બેન, હવે એ ઉંબરે પગ મૂકવાની જરાય હોંશ નથી, તમે રૂપિયા મેળવી લ્યો અને મને આ જીવતરમાંથી છૂટી કરો ભાઈ, જો જો ફરી જતા નહીં હો.' સુશીલાબેને મોં છુપાવીને નાક વાટે જોરજોરથી સિસકારા બોલાવવા માંડ્યા.

આ સાંભળતા જ ટપોરી ત્રિપુટી દુવિધામાં પડી ગઇ. ક્યાંક આ બાઈ અત્યારે જ અહીંયાથી કૂદી ના પડે અને ત્રણેય તેના અંગરક્ષકની જેમ ગોઠવાઈ ગયા. આ સાંભળતાં દિવાકર ડીમલાઇટના મગજની લાઈટ ફુલલાઇટ થઇ. તેણે બાજી હાથમાં લેતાં ખુમારામને કહ્યું, 'દેખો પેહલે કાકુસેઠ સે બાત કર કે અંદાજા લગાતે હૈ કી મામલા ક્યા હૈ? દેખતે હૈ, સેઠ ઇસે જિંદા રખને કે પૈસે દેતા હૈ યા મારને કે લિયે? હમેં તો પૈસે સે મતલબ હે, બરાબર હૈ ના?' અંધારામાં પણ ત્રણેયને સુશીલાબેનના ગોરા રૂપાળા શરીરના પડછાયામાં રૂપિયાનો ઢગલો દેખાયો.

ટૂંકી સંતલસ બાદ સુશિલાવિલામાં લેન્ડલાઈન ગરજી ઊઠી. કાકુભાઇ શેઠે ઘડીભર વિચાર કરીને રિસીવર ઉઠાવ્યું, પણ મૂંગા જ રહ્યા. ત્યાં તો ડીમલાઈટનો અવાજ સંભળાયો, 'કાકુભાઇ બોલતે હૈ ક્યા?'

કાકુભાઇ શેઠે ગુજહિન્દીમાં જવાબ આપ્યો, 'ના, મૈં રસોયા રઘુ બોલતા હૈ.'

ફરી દિવાકરે સત્તાવાહી અવાજમાં કહ્યું, 'સેઠ કો બુલા, સેઠ સે બાત કરની હૈ.'

કાકુશેઠે પણ કોઈ નવાજુની બનવાની કલ્પના કરીને સમય મેળવવા પાસાં ગોઠવી લીધાં, 'અરે, સેઠ તો આવ્યા ત્યારના નશે મેં છે. બોલને સાંભળને કા ભાન હી નહીં હે. સેઠાની ઘરે નથી આવ્યા તે ખૂબ જ તપી ગયા હતા ને આખી બોટલ ચડાવી ઊંધે કાંધ પડ્યા છે, તમે કોણ ભાઈ?'

દિવાકરે બાજી ઊંધી પડતાં ને કઈ માર્ગ નહીં સૂઝતા ફોન જ કટ કરી નાખ્યો ને ખુમારામ તરફ દૃષ્ટિ માંડી રિપોર્ટ આપ્યો. હવે ખુમારામને ફરી બૉસપણું કરવાનું મળ્યું, તેણે તરત જ સુશીલાબેનને નવી સૂચના આપી, ‘દેખ બાઈ, અબ રઘુકો હી બોલ દે વો સૂટકેસ લે કે દરવાજે પે આ જાને કો. બોલના યે સૂટકેસ અપને ભાગીદાર કો તાત્કાલિક એરપોર્ટ પહુંચાની હૈ, સમજી? સમય કમ હૈ, તેરે કો જો ભી બોલના હે બોલ દેને કા, હમકો તો વો ડાર્ક બ્રાઉન સૂટકેસ ચાહિયે.'

મજબૂર સુશીલાબેને અક્ષરશઃ વાત શરૂ કરી, 'રઘુ, હું અને આપણા ભાગીદાર દિવાકરભાઈ પંદર મિનિટમાં આવીએ છીએ. તું ઓફિસના કાગળ ભરેલી ડાર્ક બ્રાઉન સૂટકેસ જે અત્યારે જ સેઠ લઈને આવ્યા છે તે લઈને ગેટ પર આવી જા, કારણ કે દિવાકરભાઈને બારની ફ્લાઇટ પકડવાની છે. લે તેની સાથે વાત કર.' ત્યાં તો કાકુશેઠે જ કોમેન્ટ્રી શરૂ કરી દીધી. 'જુઓ ભાઈ, સેઠ આવ્યા ત્યારના ખૂબ જ ગુસ્સામાં હતા અને આજે તો પિસ્તોલ જેવું સાધન અને પોઈઝન લખેલી શીશી પણ મેં ગાદલા પર જોઇ હતી. અંદરથી લોક કરીને ભરપૂર નશામાં ઘોંટી ગયા છે. કેટલી વાર ખખડાવ્યું પણ ભાનમાં હોય તો સાંભળે ને! મને તો અમંગળ કલ્પના આવે છે. અરે, મારું માનો તો તમે હમણાં ચાર-પાંચ દિવસ સુશીલાબેનને તમારા ઘરે જ રાખો, શેઠ તો આજે પણ બડબડાટ કરતા હતા કે કાં તો સુશી નહીં ને કાં તો હું નહીં.'

સુશીલાબેન પણ કાકુશેઠનો અવાજ સાંભળી રહ્યાં હતાં. વળી, કાકુશેઠે થોડું વધારે ચલાવ્યું, 'સાંભળ્યું ને ભાઈ? પેલી સૂટકેસ પણ બેડરૂમમાં જ છે, એક કામ કરો કોઈ કારીગરને કે પોલીસને ફોન કરીને લેતા આવો, તો રૂમ ખૂલે ને શેઠના હાલ પણ જણાય. સુશીલાબેનને તો અંદર લાવશો જ નહીં.'

ત્રિપુટી અવાચક, વિચારશૂન્ય થઈ ગઈ. ચુન્નીબાઈમાં સ્ત્રીહૃદય જાગી ઊઠ્યું. તેણે સુશીલાબેનનો પીઠ પસવારીને પાણીની બોટલ ધરી. 'બેન પાણી નહીં, ઝેર આપો ઝેર.' સુશીલાબેન અર્ધબેભાન અવસ્થામાં બોલી ઊઠ્યાં. ત્રિપુટીએ એક ખૂણામાં થોડી સંતલસ કરીને એક મત થઇ કોઈ નિર્ણય લઇ લીધો.

ત્રણેયે સુશીલાબેનને પરાણે ઊભાં કર્યાં. સુશીલાબેન છટકવાનો પ્રયત્ન કરી અંધારી ગેલેરી તરફ ધસ્યાં, પણ ચુન્નીબાઈએ બાથ ભીડી લીધી. સુશીલાબેન વળી લથડી પડ્યાં. ત્રિપુટીએ ભેગા મળી સુશીલાબેનને 64 પગથિયાં ટીંગાટોળી કરી ઉતારી, ટેક્ષીમાં પાછલી સીટમાં ચુન્નીબાઈની હિફાઝતમાં સૂવડાવ્યાં. દસ મિનિટ પછી, સુશીલાવિલાના ગેટથી પચાસેક ગજ દૂર ડીમલાઇટ અને ખુમારામે સુશીલાબેનને વિનંતી કરી. એ ન માન્યા તે ટેક્ષીમાંથી ધક્કો મારી ધકેલી જ દીધાં, અર્ધબેભાન જેવાં જ.

ટેક્ષી જેવી નજરથી દૂર થઈ કે સુશીલાબેન નવોઢાની જેમ પૂરજોશમાં દોડી ચોકીદારની સલામ ઝીલ્યા વગર જ ગેટમાં થઇ ડ્રોઈંગરૂમમાં પહોંચી ગયા, સામેથી કાકુભાઇ શેઠ પણ દોડ્યા અને એક મીઠો અકસ્માત થયો ને બંને એકબીજાને આધાર આપતા સોફા પર સજોડે ઢળી પડ્યાં.

શ્વાસોચ્છવાસ નીચે બેસતાં જ કાકુશેઠ દોડીને બેડરૂમમાંથી દસ તોલાના સોનાના હારનું બોક્સ લાવીને સુશીલાબેનને ધરી દીધું. સુશીલાબેન હજી હાર જોવા કાઢે કાઢે ત્યાં તો કાકુભાઈએ પ્યોર પોઈઝન ક્રિસ્ટીઅન ડીઓરની પર્ફ્યુમની બોટલનો સ્પ્રે કરી ડ્રોઈંગરૂમ આખો મઘમઘતો કરી દીધો. આજે તેમનાં લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠ હતી અને સુશીલાબેનનો પચાસમો જન્મદિવસ બાર ને એક મિનિટે શરૂ થયો હતો. જાણે પુનર્જન્મ!
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)