તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:સૂર્યનગરી જોધપુર - રાજસ્થાનનાં રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું નગર!!

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના થારના રણનાં એ દઝાડતા વહેતાં વાયરા વચ્ચે જાણે દુધિયા દાંત બતાવી મરક મરક હસતું હોઈ એવો આભાસ આપતું શહેર. વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહી આજે અડીખમ ઊભું છે અને એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. રજવાડાંઓની શૌર્યભૂમિમાં અનેક ગાથાઓ સંભળાય છે. વીરતાનો અને સંસ્કૃતિનો વારસો આજે પણ સતત નદીના નીર જેમ વહી રહ્યો છે.

અહીં તાપમાન ખૂબ વધુ હોવાથી લોકો પોતાના ઘરને ઠંડું રાખવા વાદળી રંગથી રંગવા લાગ્યા
અહીં તાપમાન ખૂબ વધુ હોવાથી લોકો પોતાના ઘરને ઠંડું રાખવા વાદળી રંગથી રંગવા લાગ્યા

રાજસ્થાનના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર સંગોપીને બેઠેલું એવું જ એક નગર એટલે જોધપુર. 'બ્લુ સિટી' તરીકે ઓળખાતા જોધપુરના મહેલો, દુર્ગો અને મંદિરોમાં રાજસ્થાનના રંગો ઝળકે છે. અહીંના મહેરાનગઢ કિલ્લાની આસપાસ વીંટળાઈને આવેલી વાદળી, આસમાની રંગોના મકાનોના કારણે આ શહેરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલાં જોધપુરના બ્રાહ્મણોએ તેમના મકાનોની ઓળખ માટે તેમના મકાનો વાદળી રંગથી રંગ્યા અને ધીમે-ધીમે એ શહેરની પરંપરા થઈ અને દેખાદેખીમાં બધા જ ઘર વાદળી રંગના થઈ ગયા. આ ઉપરાંત, અહીં તાપમાન ખૂબ જ વધુ હોવાથી લોકો પોતાના ઘરને ઠંડું રાખવા વાદળી રંગથી રંગવા લાગ્યા. આજે આ બ્લુ સિટી એક ફોટોજનિક શહેર તરીકે વિશ્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે.

પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું
પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું

જોધપુરનું મુખ્ય આકર્ષણ ત્યાંના મહેલો અને કિલ્લાઓ છે. તેમાં મહેરાનગઢ ફોર્ટ સૌથી શ્રેષ્ઠ છે. મહેરાનગઢનો અર્થ સૂર્ય એવો થાય છે. પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આગળના રાજાઓ એમની જરૂરિયાત અનુસાર બાંધકામ કરાવતા ગયા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફોર્ટ ચીડિયાટુક નામની પહાડી પર બનાવવામાં આવ્યો. જેમાં સાત પોલ (દરવાજા) છે અને એક આઠમું રહસ્યમય પોલ પણ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કિલ્લાની રચના કરવામાં આવી હતી. આ કિલ્લાની અંદર ખૂબ જ સુંદર મહેલ, ઝરોખા અને મંદિર છે. હાલ મ્યુઝિયમમાં એ સમયના હથિયારો, જૂનું ફર્નિચર, રાણીઓની પાલખીઓ વગેરે સાચવીને રાખવામાં આવી છે. મહેરાનગઢ ફોર્ટ એ સૂર્યાસ્ત સમયના તેની આસપાસ વીંટળાયેલા નીલા મકાનો અને કિલ્લાના સુંદર દૃશ્ય માટે જાણીતો છે. જોધપુરમાં બહુ બધા રૂફટોપ કાફે અને રેસ્ટોરાં આવેલાં છે, જેની અચૂકથી મુલાકાત લઈ સૂર્યાસ્તના એ રંગોને માણવા જોઈએ. સૂર્યનગરી જોધપુરનો સૂર્યાસ્ત જોવો એ એક લહાવો છે અને દરેકના વિશ લિસ્ટમાં એ જરૂરથી હોય જ છે. ઢળતી સાંજનું આકાશ ધીરે ધીરે વાદળી રંગોના મકાનોને છેલ્લો સોનેરી ઓપ આપીને ગ્રે શેડની ચાદર ઓઢાડી રહ્યું હોય એવા દૃશ્યો મહેરાનગઢની ઊંચાઈએથી કોઈને પણ અભિભૂત કરી મૂકે છે. અહીં મેહરાનગઢના કિલ્લાની સામે જ એક ટેકરી પર નાનકડું મંદિર છે, જેનાં પરથી મહેરાનગઢ સોનેરી ઓપ આપતો સૂર્ય ક્ષિતિજ પર સરકતો જોઈ શકાય અને આખું જોધપુર જાણે સોનેરી રંગે રંગાયું હોય એવું દૃશ્ય સર્જાય છે.

શહેરનું બીજું મુખ્ય આકર્ષણ ઉમેદભવન પેલેસ છે. મહારાજા ઉમેદસિંહ દ્વારા નિર્મિત આ ભવન સંગેમરમર અને બાલુક પથ્થરમાંથી દુષ્કાળ દરમિયાન લોકોને રોજગારી મળી રહે એ હેતુથી આ ભવ્ય મહેલ બનાવવાની શરૂઆત કરી હતી. હાલમાં આ મહેલના એક ભાગમાં હોટેલ, બીજામાં સંગ્રહાલય અને ત્રીજા ભાગમાં રાજ પરિવારના સભ્યોના રહેણાંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મારવાડના તાજમહેલ તરીકે જાણીતું જસવંત થડા. મહારાજા સરદારસિંહ દ્વારા તેમના પિતા જસવંતસિંહ દ્વિતિય અને તેમના સૈનિકોની યાદમાં બનાવડાવ્યું હતું. સંગેમરમરના પથ્થરોથી સર્જાયેલ બેનમૂન સ્થાપત્ય કલારસિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જસવંત થડા નજીકમાં જ તળાવ પાસે રાવ જોધાનું સ્ટેચ્યુ આવેલું છે. આ ઉપરાંત, આસપાસ મંડોર ગાર્ડન, ચામુંડા માતાનું મંદિર, બાલસમંદ ઝીલ, કાયલાના લેક, રાવ જોધા ડેઝર્ટ રોક પાર્ક, મસૂરિયા હિલ ગાર્ડન વગેરે સ્થળોની મુલાકાત લઈ શકાય.

કોઈપણ સ્થળની મુલાકાત લઈએ ત્યાં આપણે શોપિંગ તો અચૂક કરીએ જ. જોધપુર શહેરની વચ્ચે ઘંટાઘર આવેલું છે, જેની આસપાસ સરદાર માર્કેટ ભરાય છે, જ્યાં અંદાજે સાતસો ઉપર દુકાનો આવેલી છે. જ્યાં હેન્ડીક્રાફ્ટની આઇટમ્સ ઉપરાંત રાજસ્થાનની સાડી, કુર્તા, લાખની બેંગલ્સ , લોકલ ક્રાફટ અને બીજું ઘણું બધું. શોપિંગ રસિયા માટે અહીંથી વિશેષ કોઈ જગ્યા ન હોઈ શકે. આ ઉપરાંત, મોચી બજાર, ત્રિપોલિયા બજાર, ઘંટાઘર, કપારા બજાર, નઈ સડક માર્કેટ, ઉમેદભવન પેલેસ માર્કેટ વગેરેમાં હંમેશાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. મોચી બજારમાં રાજસ્થાનની ટિપિકલ કસીદાકારીવાળી, ભરત ભરેલી મોજડીઓ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. કેટલીક એન્ટિક વસ્તુઓની દુકાનોમાં સાવ જ યૂનિક કહી શકાય એવું કલેક્શન પણ મળે છે.

શહેરની વચ્ચે 'તુરજી કા ઝાલરા' વાવ આવેલી છે. ઈ.સ. 1740માં મહારાજા અભયસિંહના રાણી તુરજી દ્વારા જળ પ્રબંધ માટે આ વાવ બનાવવામાં આવી હતી. પ્રવાસીઓ અહીં આવીને ચોક્કસપણે ફોટોગ્રાફી કરે છે. આસપાસના વિસ્તારોમાં લોકલ ફૂડ અને મ્યૂઝિકને એક્સપ્લોર કરી શકાય. જોધપુર આવતા લોકો બિશનોઇ ગામની અચૂક મુલાકાત લે છે. અહીંના મૂળ નિવાસીઓનું પ્રકૃતિ સાથેનું નિરાળું સહજીવન, તેમની ગ્રામીણ પરંપરા અને જીવનશૈલી તેમને ખરેખર પર્યાવરણના રક્ષક અને પર્યાવરણપ્રેમી બનાવે છે. બ્લેકબક પ્રજાતિનાં હરણ અને ચીંકારા જેવા પ્રાણીઓ કોઈપણ ડર વગર આ લોકો સાથે રહે છે. તેઓ ખેજડીના વૃક્ષોની પૂજા કરે છે. ખેજડલી ગામમાં તેમનું એક સ્મારક પણ આવેલું છે. એક સમયે અમૃતદેવી બિશનોઇ અને તેમના સાથીઓ દ્વારા ખેજડીના વૃક્ષો બચાવવા સૈનિક સામે બળવો કર્યો, જેમાં 363 લોકોએ ખેજડીના વૃક્ષોની રક્ષા કરવા જીવ ગુમાવ્યો હતો. વિશ્વમાં વૃક્ષો બચાવવા માટેનું આ સર્વોચ્ચ અને અદ્વિતીય બલિદાન છે.

જોધપુરની ગલીઓમાં તમે રાજસ્થાનની મહેકને માણી શકો. નટબજાણિયા અને કલબેલિયાના નૃત્યોનો આનંદ લઈ શકો. વિસરાઈ જતા કઠપૂતળીઓના ખેલ જોઈ શકશો. કેમલ સફારી પણ લઈ શકશો. જોધપુરના સ્ટ્રીટ ફૂડની વાત જ અલગ છે. ખાતા ખાતા માણસનું પેટ ભરાય પણ મન નહીં. જોધપુર જઈને ત્યાંના મિર્ચી વડાંનો સ્વાદ ન માણીએ તો જોધપુરની મુલાકાત અધૂરી રહી કહેવાય. અહીંના મિર્ચી વડા દેશ-વિદેશમાં ફેમસ છે. મરચાંમાં બટેટાંના માવા સાથેનો થોડો સ્વીટ, સ્પાઇસી અને ટેંગી ટેસ્ટ વિસરાય નહીં. આ ઉપરાંત, પ્યાઝ કી કચોરી, કલાકંદ, ચાસણી નાખેલી માવા કચોરી, ઘેબર, બદામનો હલવો, કોફ્તા, શાહી સમોસા, રાજસ્થાનની સ્પેશિયલ દાલબાટી ચૂરમાં અને ગુલામ જાંબુ સાથે મખનિયા લસ્સી, મિશરીલાલજીની લસ્સી અને તેમની પેંડા રબડી ચોક્કસપણે માણવા જેવી. આ સિવાય, પાવતા વિસ્તાર આસપાસમાં સ્ટ્રીટ ફૂડનો લ્હાવો પણ ખરેખર માણવા જેવો છે.

બ્લુ દીવાલોની બેકગ્રાઉન્ડવાળી ફોટોગ્રાફી સુંદર રીતે કરી શકાય
બ્લુ દીવાલોની બેકગ્રાઉન્ડવાળી ફોટોગ્રાફી સુંદર રીતે કરી શકાય

જોધપુરવાસીઓ માટે બ્લુ માત્ર રંગ નથી એ હવે તેમની ઓળખ સમાન છે. ત્યાંની વાદળી સાંકડી શેરીઓમાંથી પસાર થવું એ એક તહેવાર જેવું છે. દૂર દૂરથી આવેલા લોકો અહીંની બ્લુ દીવાલોની બેકગ્રાઉન્ડવાળી ફોટોગ્રાફી કરે જ. અહીં બહુ બધી હોસ્ટેલ આવેલી છે. આપણા ગુજરાતમાં હજી હોસ્ટેલ ક્લચર નથી આવ્યું. આપણે ત્યાં હોટેલ કલ્ચર છે પણ હોસ્ટેલ કલ્ચર હજુ વિકસ્યું નથી. સામાન્ય રીતે હોસ્ટેલમાં આપણે જાતે પોતાનાં ઘરે રહેતા હોય એમ જ રસોડાનો ઉપયોગ કરી શકીએ છીએ, કપડાં ધોવાની વ્યવસ્થા હોય છે અને સાવ જ નજીવા દરે બેડ એન્ડ બ્રેકફાસ્ટ મળી રહે છે.

જો તમે સોલો ટ્રાવેલિંગ કરતા હો અથવા તો કરવાની ઈચ્છા હોય પણ મનમાં ડર લાગતો હોય કે એકલું લાગશે કે ગમશે કે નહીં તો આવી હોસ્ટેલમાં તમને બહુ બધા અલગ-અલગ લોકોનો પરિચય થશે અને તમારે કંઈ જ ન કરવું હોય તો પણ તમે અહીંની આવી હોસ્ટેલના કાફેમાં જઈને આરામથી આખો દિવસ બેસી શકો અને મજાની વાત એ કે તેઓ માત્ર નાઈટમાં જ જો તમારે સ્ટે કરવો હોય તો સાવ નજીવો ચાર્જ લે છે અને એમાં પણ જોધપુરના આવી બધી જ હોસ્ટેલમાં રૂફટોપ કાફે હોય ત્યાં રાત્રે પણ સરસ મજાની રંગબેરંગી લાઈટો સાથે સ્કાયલાઈનને મળતા મેજિકલ મહેરાનગઢના ફોર્ટની બોલતી દીવાલો જોવા મળશે, જે જાણે વર્ષોથી પેઢીઓનો ઈતિહાસ કહી રહી છે તેને જોઈ શકશો, સાંભળી શકશો અને તેના વાદળી આસમાની કલર જાણે એમના ઘરો ઉપર ઉતરી આવ્યો હોય એવો સુંદર નજારો માણી શકશો. સૂર્યનગરી જોધપુરની મુલાકાત લઈને કોઈપણ વ્યક્તિ સોલો ટ્રાવેલિંગ શરૂ કરી શકે છે. creativearyans3@gmail.com (‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો