તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપ્લોર ઇન્ડિયા:સદેહે સ્વર્ગની સફર એટલે ચંદ્રશિલા...અહીં તન અને મન આધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જશે!!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વના કોઈપણ ખૂણે જાઓ પણ હિમાલયમાં જે આધ્યાત્મિક સત્વ અને તત્વ છે તેવો અનુભવ ક્યાંય નહીં કરી શકો. શિયાળાની કડકડતી ઠંડીમાં બરફ પર ચાલીંને ચંદ્રશિલાની ટોચ પર પહોંચીને નરી આંખે સ્વર્ગ જોઈએ ત્યારે હૃદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી જાય જ. ક્યારેક ભાગતી જિંદગીમાં બ્રેક લેવો હોય, જીવનની દરેક ક્ષણોને બસ જીવી જ લેવી હોય, મોનોટોનસ ટ્રાવેલ પ્લાન્સથી અલગ જ કંઈક કરવું હોય તો ઉત્તરાખંડનું ગઢવાલ આંખ બંધ કરીને ક્યારેય પણ પસંદ કરી શકાય. અહીં વાદળો સાથે પકડદાવ રમવાની જગ્યા, લીલોતરીમાં મહાલવાની જગ્યા અને જાત માટે જ જીવી લેવાની જગ્યા એવી સઘળી જગ્યાઓ હાજર છે. અહીં તન અને મન આધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જાય છે.

અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને 'દેવભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે
અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને 'દેવભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે

ભારતીય પુરાણો અનુસાર, અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને 'દેવભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે. મારી સૌથી વધારે ગમતી જગ્યામાંની એક જગ્યા અહીં જ ઊંચા દેવદાર અને પાઈનનાં જંગલોની વચ્ચે આવેલું ચોપતા. અહીં કાન્હાની મોરલી, શિવનું તાંડવ, રામની સૌમ્યતા બધું જ અનુભવાય છે. અહીંનું સંગીત એક અલિપ્ત વિશ્વમાં લઇ જાય છે તો અહીંનું કુદરતી દૃશ્ય કોઈ પરીઓના કલ્પનાના વિશ્વમાં લઇ જાય છે. અહીં અનુભવી શકાય તેવું દરેક દૃશ્ય શ્રાવ્ય પણ છે. પક્ષીઓનાં સંગીત અને મુગ્ધ કરી મૂકે તેવા આકર્ષક કરતબો નિહાળવાનું આ મનોરમ્ય સ્થળ છે.

રુદ્રપ્રયાગ નજીક ચૌખંભા પર્વત સમૂહની ગોદમાં ચોપતા વેલી છે અને અહીં વિશ્વનું સૌથી અધિક ઊંચાઈ પર સ્થિત શિવમંદિર એટલે તુંગનાથ પણ આવેલું છે, જયાં આજે પણ રામાયણ અને મહાભારતકાળના નાદ સંભળાય છે. દેવોના દેવ મહાદેવના આ મંદિરની વિશેષતા એ પણ છે કે આ સ્થળ પર રામચંદ્રએ જીવનની થોડી ક્ષણો એકાંતમાં વિતાવી હતી. પુરાણો મુજબ, એવું કહેવાય છે કે વ્યાસમુનિની સલાહ પર પાંડવો દ્વારા કુરુક્ષેત્રના નરસંહારની ક્ષમા પ્રાપ્તિ માટે આ મંદીરની સ્થાપના કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી 3680 મીટરની ઊંચાઈ પર આવેલાં આ મંદિરમાં શિવજીના હાથ અને હૃદયની પૂજા કરવામાં આવે છે.

તુંગનાથ મહાદેવ એ પંચકેદારમાંસૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે
તુંગનાથ મહાદેવ એ પંચકેદારમાંસૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ તુંગનાથ મહાદેવ એ પંચકેદારમાં (કેદારનાથ, રુદ્રનાથ, તૂંગનાથ,કલ્પેશ્વર, મધ્યમહેશ્વર) સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. ગઢવાલ હિમાલયનાં સૌથી અનૂઠા અને સુંદર ટ્રેકમાંનાં એક ચંદ્રશિલા ટ્રેકની શરૂઆત ચોપતાથી થાય છે. ચંદ્રશિલા એ ચંદ્રદેવની શિવ તપશ્ચર્યાનાં કારણે જાણીતું છે. હિમાલયની ગોદમાં આવેલાં નાનકડાં સુંદર ગામ ચોપતાને એની સુંદરતા માટે મીની સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. કેદારનાથ અને બદ્રીનાથ વચ્ચેનો પડાવ ચોપતા ગામમાંથી પસાર થાય છે. ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન મોટાભાગના લોકોને કેદારનાથ અને બદ્રીનાથનું વધુ આકર્ષણ હોઈ છે. જેથી, લોકો ઘણીવાર અહીં જવાનું ટાળતા હોય છે.

તુંગનાથ ચડતા ચડતા હિમાલયની પર્વતમાળાઓ
તુંગનાથ ચડતા ચડતા હિમાલયની પર્વતમાળાઓ

ચોપતાથી 4 કિલોમીટરના ટ્રેક પછી તુંગનાથ મહાદેવનું મંદિર છે. આ પગપાળા માર્ગમાંથી બુગ્યાલ (ઘાસના મેદાનો) વચ્ચેથી પસાર થતા લાગે કે પગે ચાલતા ચાલતા સ્વર્ગ મળ્યું, આંખ સામે ગમતું વિશ્વ મળ્યું. હિમાલયના પક્ષીઓના ટહુકાઓના વિશ્વ વચ્ચે એકલા વિહરવું એટલે ઊંચાઈ પર જઈને પોતાની જાતની સૂક્ષ્મતા સુધી પહોંચવું. વિશ્વનાં સૌથી ઉંચાઈ ધરાવતા શિવમંદિર તુંગનાથ જવા માટેનો રસ્તો અનેક સરપ્રાઇઝથી ભરેલો છે. કુદરત અહીં દરરોજ એના કેનવાસ પર અલગ અલગ રંગો ભરે છે. એવો સવાલ થાય જ કે કુદરતનો રંગોનો પટારો કેટલો મોટો હશે. તુંગનાથ ચડતા ચડતા હિમાલયની પર્વતમાળાઓને કેમેરામાં ઝડપતા વિચાર આવ્યો કે કેટલા નસીબદાર છે આ જીવ કે કુદરતના ખોળે મહાલવા મળે છે અને આપણે ઇન્ટરનેટના જાળામાં જ અટવાયેલા છીએ.

તુંગનાથ પહોંચ્યા પછીનું દૃશ્ય શબ્દોમાં વર્ણવવું યોગ્ય નથી એ માત્ર અનુભવની જ બાબત છે. જીવનું શિવ સાથેનું કંઈક અંશે જોડાણ કરાવે છે. આ જગ્યા એવી છે જયાં તમે પોતાને સૌથી વધુ જીવંત અનુભવો અને એક અલગ જ પ્રકારની હકારાત્મકતા મળશે. અંદાજે 5000 વર્ષ પૂર્વેના આ મંદિરના એ ઘંટનો રણકાર શરીરમાં ઊંડે સુધી પહોંચી કંઈક અલગ જ કંપનો આપી જાય જે ખરેખર અવિસ્મરણીય છે, અહીંનો ઘંટારવ દૂર સુધી પહાડોમાં ગુંજતો સંભળાય છે ત્યારે જીવનની તમામ નકરાત્મક ઉર્જા આપોઆપ સકારાત્મકતામાં તદબીલ થઇ જાય છે. બાબા તુંગનાથના નાદમાં જ કંઈક મેગનેટ જેવું જાદુ છે, જે તમને કપરા ચઢાણમાં પણ હિમ્મત આપે છે. મંદિરનું સ્થાપત્ય ઉત્તર ભારતીય શૈલી મુજબનું છે. મુખ્ય મંદિરની બાજુમાં પાર્વતીજીનું મંદિર છે. એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પામવા માટે અહીં તપસ્યા કરી હતી. એ ઉપરથી જ કહી શકાય કે આ કેટલી પાવન ભૂમિ છે. આ ઉપરાંત, શંકરાચાર્યએ બનાવેલ અન્ય પાંચ નાના મંદિરો તેમજ ભૈરવ મંદિર પણ આવેલાં છે. આ મંદિરની વાઇબ્સ વિશે એટલું કહી શકીએ કે શબ્દોમાં અને દૃશ્યોમાં એને જોવા માણવા કરતા એકવાર ચોક્કસથી આ મંદિરના વાઇબ્સને અનુભવ કરવા પહોંચી જવું જોઈએ. સામાન્ય રીતે મે મહિનાથી ઓક્ટોબરના મધ્ય ભાગ સુધી મંદિર ખોલવામાં આવે છે અને ચોમાસામાં મકકુમઠમાં બાબા તુંગનાથની પૂજા કરવામાં આવે છે. વૈશાખી પછી તુંગનાથના કપાટ ખોલવામાં આવે છે. જેમ-જેમ ઉપર તરફ પ્રયાણ કરતા જઈએ તેમ તેમ આસપાસના દૃશ્યો બદલાતા જાય છે. શિવજીએ રહેવા માટે હિમાલય જ પસંદ કર્યો એ વાત અહીં આવીને ચોક્કસપણે સમજી શકાય. હિમાલયને પોતાના આગોશમાં સમેટી લેવા મથતાં વાદળાઓ અને એ વાદળોમાં નાના ભૂલકાઓ માફક દોટ મૂકીને ઘૂસી જતા સૂરજના શેરડાંઓને જોઈને અભિભૂત થતો હું ક્યાંય ખોવાઈ ગયો કે મારું અસ્તિત્વ આકાશમાં ચમકતા નાનકડાં તારા માફક નાનકડું થઇ ગયું હોય એવું અનુભવ્યું.

જીવતા જો સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો એકવાર ચંદ્રાશીલા સુધી પહોંચી જવું જોઈએ
જીવતા જો સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો એકવાર ચંદ્રાશીલા સુધી પહોંચી જવું જોઈએ

તુંગનાથથી આગળ જતાં અંદાજે એક કિલોમીટર દૂર આશરે બાર હજાર ફીટની ઊંચાઈ પર ગઢવાલ હિમાલયમાં સ્થિત ચંદ્રશિલા. જીવતા જો સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો એકવાર ચંદ્રાશીલા સુધી પહોંચી જ જવું જોઈએ. તુંગનાથ પહોંચતા સુધી તો ઘણાં લોકો તુંગનાથથી જ પરત ફર્યા હશે પણ ચંદ્રશિલાના કપરા ચઢાણ પછી હિમાલયનાં નરી આંખે દર્શન કરનાર વ્યક્તિ કદાચ એ ક્ષણને જિંદગીભર ન ભૂલી શકે એવો નજારો જોવા મળે. ચંદ્રશિલા જનાર વ્યક્તિ પણ દિવસ આથમે એ પહેલાં તો નીચે ઉતરી જ જાય કારણ કે, ઠંડોગાર પવન, ચોતરફ બરફ અને ક્યાંય રસ્તો પણ ન દેખાય. ચઢાણ કરતાં ઉતારવાનું વધારે, જ્યાં પગ મૂકો ત્યાંથી લપસીને સીધા નીચે આવો. કોઈક કોઈક જગ્યાએ પાકો બરફ જાણે કુદરતી લસરપટ્ટીની રચના થઇ હોય એવું જ કંઈક પણ ચંદ્રશિલા ચઢતા સાથે જ મેં સુમેરુ અને નંદાદેવીને જોતાં જ અહીંયાના સૂર્યાસ્ત પછીની લાલિમાની કલ્પના કરી અને નક્કી કર્યું કે, સૂર્યાસ્ત પહેલાં અહીંયાથી હટવું નથી. કપરા ચઢાણ પછી ચંદ્રશિલા પહોંચીએ કે કુદરત પોતાની પાસે ખેંચીને તમને વહાલ કરે એવો સાક્ષાત્કાર અહીં થાય છે. એટલે જ અહીંયા આવનાર વ્યક્તિ સમયનું ભાન ભૂલીને હિમાલયમાં લીન થઇ જાય છે.

​​​​​​​

આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રએ દક્ષ પ્રજાપતિના ક્ષય રોગના શ્રાપમાંથી મુક્તિ માટે મહાદેવની આરાધના કરી હતી અને ભગવાન શ્રી રામે રાવણવધ પછી બ્રહ્મહત્યા નિવારણ માટે શિવ આરાધના કરી હતી. ગમે તેવો નાસ્તિક અહીંયા આવીને જ સાચો આસ્તિક બની જાય અને શિવમય થઇ જાય. પૂનમ પહેલાંની ઢળતી સાંજ હતી, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો, સૂરજ ડૂબું ડૂબું થઇ રહ્યો હતો અને ચંદ્રશિલા પરના એક પથ્થરને અઢેલીને વાદળોને પહાડની સોડમાં લપેટાયેલાં જોતો હું લગભગ કલાક જેટલો સમય અવાચક બનીને કુદરતની આ પરમ મનોહર લીલાને આંખોથી મારામાં ભરી રહ્યો હતો. આ બધી ક્ષણો એ હતી જે સંપૂર્ણપણે ખાલી મારા માટે જ હતી, મારી જાત માટે જ હતી. સાંજ ઢળતાં સૂરજને ગંગોત્રી રેન્જમાં લપાઈ જતા જોઈને જાતને ઢંઢોળી ત્યાં સુધીમાં એકલદોકલ ટ્રેકર પણ નીકળી ચુક્યા હતા અને હું સાવ એકલો અનિમેષ નજરે હાથી પર્વત પર ચંદ્રને જોઈ રહ્યો અને સૂરજની છેલ્લી લાલાશ બરફાચ્છાદિત પર્વતોને તમસની ચાદર ઓઢાડતી ગઈ. ઢળતી સાંજ રંગોથી પહાડો સાથે રમે ત્યારે વિચારોમાં વહેતા તરંગો પણ આવા જ ગુલાબી હોય છે, તસવીરો માફક વિચારોને પણ આપણે જોઈ શકતા હોત તો કદાચ વિશ્વમાં ઘણાંય શ્રેષ્ઠ સર્જન થયા હોત. ચંદ્રશિલા પર બેસીને કુદરત સાથે સાધેલા સંવાદોને મેં લખ્યા છે અને કુદરત જાણે એમાં સાથ પુરાવતી હોય એવો અનુભવ પણ થયો છે. એક તરફ સૂર્યનો સોનેરી ઢોળ નંદાદેવી અને ત્રિશૂળ પર્વત પર દેખાઈ રહ્યો છે તો એક તરફ ચંદ્રની ગુલાબી ઝાંય આખી ગઢવાલની સુંદરરતાને સજાવી રહી છે. ઢળતી સાંજે મારા મનમાં ઉગતો દિવસ છે આ.

અહીં પહોંચવા માટે ઋષિકેશથી ચોપતા સુધી ટેક્ષી સરળતાથી મળી રહે છે. ચોપતામાં રહેવા માટે સરળ હોમસ્ટે ઉપલબ્ધ છે અને અહીં સાદું ભોજન પણ મળી રહે છે. ઓછામાં ઓછા 4થી 5 દિવસ હાથમાં હોય તો આ સ્થળને મન ભરીને માણી શકાય.

સમયને પેલે પાર જવા માટે વહેતી નદી માફક વહી જવું પડે દોસ્ત, હિમાલયમાં દૂર ક્યાંક બરફ પર પડતી સૂરજની સોનેરી રોશની જોવા કપરાં ચઢાણ ચડવા પડે, હજારો મીટર ઊંચે ઉડતાં પંખીઓનાં કરતબને જોવા એટલી ઊંચાઈએ જઈને બે ઘડી બેસવું પડે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)