એક્સપ્લોર ઇન્ડિયા:હિમાલયની ઝાંખી કરાવતું ભારતનું સમર કેપિટલ - 2420 મીટર ઊંચાઈએ આવેલું બિનસર

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ પવનની લહેરખીઓ, રંગબેરંગી ફૂલોની ફોરમ, સંગીતનાં વાદ્યથી પણ વિશેષ એવાં હિમાલયન પક્ષીઓનો મધુર કલરવ અને બરફાચ્છાદિત ધવલ પહાડોમાંથી સોનેરી મિજાજ બતાવી જતો સૂરજ અને એની સાથે તડકા-છાંયાની રમત રમતાં વાદળો… આવા વિસ્મયકારક વિશ્વમાં મહાલવું હોય તો ઉત્તરાખંડમાં કુમાંઉની પહાડીઓમાં આવેલી બિનસર વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુરી. ઉત્તરાખંડમાં સામાન્ય રીતે જે માગો તે સઘળું હાજર હોય છે, પણ હિમાલયનો સાચો આનંદ કુમાઉંની પહાડીઓમાં માણી શકાય. ખુશનુમા વાતાવરણ સાથે તારોડિયાઓથી ભરેલા અનંત આકાશનો આનંદ, સવારે દિવસ ઊઘડે કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી હિમાલયની વિવિધ પહાડીઓ આકાશને આંબવા મથતી હોય અને વાદળો જાણે એને પાર નૃત્ય કરીને એને રોકવા થનગનતાં હોય એવો સાક્ષાત્કાર અનુભવી શકાય.

બિનસરની સવાર અને સાંજ બંને મનને માફક આવે અને આંખોને શાતા આપે એવી અનુભવી શકાય. 7મીથી 18મી સદી સુધી કુમાઉં પર રાજ કરનાર સત્તાધીશો માટે બિનસર એ સમર કેપિટલ હતું, જેથી આજે પણ બિનસર કોઈ યુરોપિયન થીમથી બનેલું ગામ જેવું દીસે. અહીંના ભૌગોલિક સ્થાનના લીધે બિનસર આખાયે કુમાઉંમાં સહુથી સુંદર સ્થળ તરીકે ઊભરી આવે છે. અહીંથી ચૌખંભા, ત્રિશૂળ, નંદાદેવી, પંચચુલી જેવા વિશાળકાય પહાડોને દિવસની પહેલી અને છેલ્લી રોશની સોનેરી વાઘ પહેરાવતા નજરે પડે ત્યારે કુદરત પર આપણે ઓવારણાં લેવા લાગીએ અને હિમાલયને કાળો ટીકો લગાવવાનું મન થઇ આવે. અહીંથી સાવ યુનિક દૃષ્ટિકોણથી દૃષ્ટિગોચર થતો ચૌખંભા કોઈને પણ દિગ્મૂઢ કરી મૂકે તો નવાઈ નહિ. ચૌખંભા ચાર પિલ્લરના પર્વતોથી રચાયેલ અને ગંગોત્રી ગ્લેશિયર સ્થિત ગઢવાલ હિમાલયની સહુથી સુંદર પર્વતશૃંખલા છે. એને કોઈ પણ દિશામાંથી જુઓ એક સરખી જ દેખાય એ એની ખાસ વિશેષતા છે. ચૌખંભા જ અલકનંદા અને ભાગીરથીની ધારાનું મૂળ છે. કેદારનાથ, શિવલિંગ પર્વત જેવા હિમાલયના મનમોહક પર્વતોને કંપની આપતો આ ઉત્તરાખંડનો સહુથી સુંદર પર્વત છે. ગંગોત્રી ગ્રૂપના આ દિવ્ય અને મુખ્ય પર્વતને ગુપ્તકાશી, તુંગનાથ, ચંદ્રશિલા, વાસુકીતાલ, દેઓરીયા તાલ, સાતોપંથ લેક, નાગ ટિબ્બા, કૌરી પાસ અને મદમહેશ્વરથી પણ ખૂબ જ સુંદર રીતે જોઈ શકાય છે, જો કે બિનસરથી ચૌખંભા વિશાળ હિમાલયનાં શંકુદ્રુમ જંગલો સાથે જોઈ શકાય છે. મદમહેશ્વરથી તો સૂર્યની સોનેરી ઝાંય સવાર સાંજ એટલી અદભુત લાગે કે પોતાની આંખો પર વિશ્વાસ ન થઇ શકે. ખાસ તો સૂર્યાસ્ત સમયે ચૌખંભા અને એની શ્રેણીની તમામ પર્વતમાળાને નરી આંખે જોવા અને કુદરતની આ ભવ્યતાને કલાકો સુધી માણી શકીએ તો હિમાલયની આ પર્વતમાળાઓમાં શિવની જટાની કલ્પનાનો સાક્ષાત્કાર થયા વિના ન રહે.

બિનસરથી ચૌખંભા, ત્રિશૂળ, નંદાદેવી, પંચચુલી જેવા વિશાળકાય પહાડોને દિવસની પહેલી અને છેલ્લી રોશની સોનેરી વાઘ પહેરાવતા નજરે પડે ત્યારે કુદરત પર આપણે ઓવારણાં લેવા લાગીએ અને હિમાલયને કાળો ટીકો લગાવવાનું મન થઇ આવે
બિનસરથી ચૌખંભા, ત્રિશૂળ, નંદાદેવી, પંચચુલી જેવા વિશાળકાય પહાડોને દિવસની પહેલી અને છેલ્લી રોશની સોનેરી વાઘ પહેરાવતા નજરે પડે ત્યારે કુદરત પર આપણે ઓવારણાં લેવા લાગીએ અને હિમાલયને કાળો ટીકો લગાવવાનું મન થઇ આવે

માર્ચ મહિનાથી જૂન મહિના સુધી બિનસર માટે ખૂબ જ ઉમદા સમય છે. આ સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો પણ બરફની મોજ માણવા માટે શ્રેષ્ઠ સમય છે. આશરે સાતેક પ્રકારનાં વિવિધ ઘાસિયા મેદાનો, ઊંચાઈએ આવેલાં ઓકનાં વૃક્ષો અને તળેટીનાં જંગલમાં પાઈનનાં જંગલો, 24 પ્રકારનાં અલગ અલગ વૃક્ષો સાથે બિનસર વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુરી પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ સ્થળ બને છે. 200 જાતના વિવિધ રંગબેરંગી અને મધુર કલરવ ધરાવતાં પંખીઓ અહીં માત્ર એક મોર્નિંગ વૉક કરતાં જ મળી જાય છે. હિમાલયન મોનાલ, કલીજ અને કોકલાસ ફીઝન્ટ્સ, હિમાલયન વલ્ચર, ક્રિમસન સનબર્ડ, યલો નૅપ્ડ વુડપેકર જેવા પક્ષીઓ અહીંનું મુખ્ય આકર્ષણ છે. હિમાલયન રેડ ફૉક્સ, હિમાલયન બ્લેક બિયર, પાઈન માર્ટિન જેવાં પ્રાણીઓ પણ અહીં આવવાનું પ્રમુખ કારણ બની શકે.

અલમોડાથી આશરે 30 કિમીનાં અંતરે સ્થિત બિનસર માત્ર એક વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન જ નહિ, પણ દરેક પ્રકારનાં વ્યક્તિઓ માટે સુકૂનનું એક યુનિક સ્થળ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તને માણવાવાળા લોકો અહીં નંદાદેવી જેવી પહાડીઓની ગોદમાં આકાશમાં કુદરતી રીતે જ સર્જાતી રંગોની ચાદર સાથે સૂર્યને અસ્ત થતો માણી શકે અને વળી વિશાળકાય હિમાલયનાં જંગલોમાંથી સૂર્યનો ઉદય થતો માણી શકે. જેઓ પ્રકૃતિમાં રસ ધરાવે છે અને પક્ષીદર્શન કરવાનો શોખ હોય તેઓ અહીં નરી આંખે તો વળી વધુ સ્પષ્ટ રીતે જોવા દૂરબીન લઈને વિવિધ પક્ષીઓનાં કરતબને નિહાળી શકે છે. અહીં આશરે બે કિમીના ટ્રેક પછી ઝીરો પોઇન્ટ સુધી પહોંચી શકાય છે, જે 360 ડિગ્રીમાં હિમાલય દર્શનનો લ્હાવો આપે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને હિમાલયની ગોદમાં જ માણી શકાય છે. જેઓ સાહસિક વૃત્તિ ધરાવે છે તેઓ અહીં વિવિધ ટ્રેઇલ પર ટ્રેક કરી શકે છે અને પોતાની જાતને પ્રકૃતિના હવાલે કરી શકે છે. જેઓને રાત્રિ આકાશ-દર્શનમાં રસ છે તેઓ અહીં કૃષ્ણપક્ષનાં પખવાડિયામાં આકાશ ગંગાને ઊગતી અને આથમતી જોઈ શકે છે તો વળી અહીં સ્વચ્છ આકાશના લીધે ખરતા તારાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શુક્લ પક્ષમાં ચંદ્ર ઉદય અને ચંદ્રને હિમાલયની પહાડીઓમાં અસ્ત થતો જોવો એ પણ એક લ્હાવો છે. જીવનમાં ક્યારેય ન અનુભવેલી ઘટનાઓને મનનાં ઊંડાણ સુધી અનુભવવા માટે અહીં આવીને પથારી છોડીને નિસર્ગમાં જાતને ઘોળવી પડે ત્યારે કુદરત સમગ્ર વિશ્વ જેનાથી અજાણ છે એવી દિવ્ય ઘટનાના સાક્ષી આપણને બનાવે છે.

સૂર્યાસ્ત સમયે ચૌખંભા અને એની શ્રેણીની તમામ પર્વતમાળાને નરી આંખે જોવા અને કુદરતની આ ભવ્યતાને કલાકો સુધી માણી શકીએ તો હિમાલયની આ પર્વતમાળાઓમાં શિવની જટાની કલ્પનાનો સાક્ષાત્કાર થયા વિના ન રહે
સૂર્યાસ્ત સમયે ચૌખંભા અને એની શ્રેણીની તમામ પર્વતમાળાને નરી આંખે જોવા અને કુદરતની આ ભવ્યતાને કલાકો સુધી માણી શકીએ તો હિમાલયની આ પર્વતમાળાઓમાં શિવની જટાની કલ્પનાનો સાક્ષાત્કાર થયા વિના ન રહે

મારે ચંદ્ર સાથે સીધો જ વાતો કરવાનો સંબંધ છે એવું કહું તો કશું જ ખોટું નથી. કશુંક મૂંઝવે કે અગાશી ભણી દોટ મૂકું અને બસ કંઇક ને કંઇક વાત કરી લઉં. બાળપણમાં ડોશીમા અને બકરી શોધતો, પછી સમજ પ્રમાણે ત્યાં જીવ છે એવું માની ને કોઈક હલન ચલન શોધતો. બસ હેતુ બદલાતો, પણ ચંદ્ર સામે તાકીને બેસી રહેવાનો સિલસિલો યથાવત... અહીં મેં ચંદ્ર ઉદય થતો જોયો, કેટલાંયે દૃશ્યો, કેટ કેટલીયે ફ્રેમ નજર સામે તરવરી ઊઠી. મારા અને ચંદ્ર વચ્ચેનો મૂક સંવાદ મને વિજ્ઞાનનાં તથ્યોને ક્ષણભર માટે એક બાજુએ મૂકીને દિવ્ય વિશ્વમાં લઇ જાય છે. જો આ સ્થળે પૂર્ણિમાના સમયે જઈએ તો સૂર્ય અને ચંદ્ર બંનેની હાજરીને માણી શકાય. સૂરજ અને ચંદ્ર બંનેની હાજરી હોય ત્યારે અરણ્યને માણવું એટલે નસીબની વાત છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે હિમાલય મને હંમેશાં બોલાવે છે અને હું જઇ પણ શકું છું. માત્ર સારા ફોટોગ્રાફ લેવા જ નહીં, પણ એ ફોટોગ્રાફને ખરેખર અનુભવવા અને સૃષ્ટિની અફાટ વિશાળતાને સમજવા માટે હું આવાં દૃશ્યોની શોધમાં હોઉં છું અને માણતો હોઉં છું.

અહીં પહોંચવા માટેનો સરળ રસ્તો અલમોડા શહેર છે. દિલ્હીથી ટેક્સી મારફતે સરળતાથી પહોંચી શકાય. અહીં કેટલાક ઓફબીટ રિસોર્ટ્સ છે અને એક ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પણ છે જ્યાં સરળતાથી બુકિંગ મળી રહે છે. અહીં નોર્થ ઇન્ડિયન ફૂડ સરળતાથી મળે છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. અહીં જંગલ સફારી પણ ઉપલબ્ધ છે. બર્ડ વૉચિંગ ટ્રેલ ઉપલબ્ધ છે, તો વળી આસપાસ નૈનિતાલ જેવાં પોપ્યુલર ડેસ્ટિનેશન તો ખરાં જ.

ચૌખંભા ચાર પિલ્લરના પર્વતોથી રચાયેલ અને ગંગોત્રી ગ્લેશિયર સ્થિત ગઢવાલ હિમાલયની સહુથી સુંદર પર્વતશૃંખલા છે. એને કોઈ પણ દિશામાંથી જુઓ એક સરખી જ દેખાય એ એની ખાસ વિશેષતા છે
ચૌખંભા ચાર પિલ્લરના પર્વતોથી રચાયેલ અને ગંગોત્રી ગ્લેશિયર સ્થિત ગઢવાલ હિમાલયની સહુથી સુંદર પર્વતશૃંખલા છે. એને કોઈ પણ દિશામાંથી જુઓ એક સરખી જ દેખાય એ એની ખાસ વિશેષતા છે

હિમાલયનો કુમાઉં પ્રદેશ કુદરતનો માનીતો પ્રદેશ હોય એવું મને સ્પષ્ટપણે લાગે. દિવસના અહીંની અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. બિનસર વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને અવધૂત અવસ્થામાં ધ્યાનમગ્ન બેઠા હોય. વિશાળ પહાડોની લાંબી રૅન્જની વચ્ચે ચંદ્ર દૃશ્યમાન થાય કે બધા જ વિચારો બંધ અને માત્ર એને માણવાની જ મહેચ્છા રહે, એ પણ વારંવાર અને સતત. આવો નજારો સામાન્ય રીતે આપણે કેપ્ચર કરીને ફોન સ્ક્રીનનાં વૉલપેપર પર સહજ રીતે મૂકતા હોઈએ કેમ કે આવાં દૃશ્યો સીધાં જ મનને સ્પર્શી જતાં હોય છે અને આપણે ઇચ્છતા હોઈએ કે આવી પળો હંમેશાં આપણી સાથે રહે, તો વાસ્તવિક રીતે આંખ સામે ભજવાતા આ દૃશ્યોની આભા મારા મનમાં કેટલે ઊંડાણ સુધી સ્પર્શી હશે? મારી પાસે તો એ અનુભવને વર્ણવવા માટે શબ્દો નથી અથવા તો કહી શકું કે મારું કોઈ સામર્થ્ય જ નથી કુદરતને શબ્દોમાં ઢાળવાનું…

બિનસરમાં કેટલાક ઓફબીટ રિસોર્ટ્સ છે અને એક ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પણ છે જ્યાં સરળતાથી બુકિંગ મળી રહે છે
બિનસરમાં કેટલાક ઓફબીટ રિસોર્ટ્સ છે અને એક ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પણ છે જ્યાં સરળતાથી બુકિંગ મળી રહે છે

કુદરત બધે જ સરખું વહાલ વરસાવે છે, જો એ જે રીતે આપે છે એ જ રીતે એને સ્વીકારવાની આદત રાખો તો… જ્યાં જ્યા માનવીય હસ્તક્ષેપ ઓછો છે ત્યાં કુદરત એના અદ્દલ રૂપમાં જ દેખા દે છે.

creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...