તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Stories Of OTT Platforms Encouraging Youth For The Sake Of Kicks And Thrills ... Doesn't This Black Money Activity Need Harsh Censorship?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ડિબેટ:કિક અને થ્રિલ ખાતર યુવાધનને ઉત્તેજતી OTT પ્લેટફોર્મની કહાનીઓ... કાળી કમાણીની આ પ્રવૃત્તિને શું આકરી સેન્સરશિપની જરૂર નથી?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નરેશ શાહ (NS): કોઈપણ પ્રકારની સેન્સરશિપની તરફેણમાં હું નથી. સેન્સરશિપ એટલે વ્યક્તિ, સમુદાય, સમાજ, દેશ ના-સમજ યા ના-લાયક છે એવું માનવું - આવું માનવું જ ભ્રમ છે. વર્ષ 1980ના દસકામાં વિજય આનંદ સેન્સર બોર્ડના ચેરમેન હતા. તેમણે X ફિલ્મો માટે અલગ થિયેટરની વાત કરીને મધપૂડો છંછેડ્યો, તે તેમને જ ડંખ્યો અને ચેરમેનપદેથી રાજીનામું આપેલું. વિજય આનંદ ખોટા નહોતા, પણ વહેલા હતા. સમાજમાં સેન્સરશિપ નહીં, સમજ અને શિક્ષણની જરૂર છે. એક શિક્ષણશાસ્ત્રીએ કહેલાં આ શબ્દો સેન્સરશિપને લાગુ પડે છે - 'આપણે ડિસિપ્લિનથી શિક્ષણ આપવાનો આગ્રહ રાખીએ છીએ પણ બચ્ચાંઓને શિક્ષણ આપી દો, ડિસિપ્લિન આપમેળે આવી જશે'!

દિલીપ ગોહિલ (DG): ડિસિપ્લિન આપમેળે આવતી નથી. શિસ્ત પળાવવી પડે, નિયમો બનાવવા પડે. નિયમો અને શિસ્ત પછી જ સમાજ બન્યો. તે સુપેરે ચાલતો રહે તે માટે નિયમો રાખીને શિસ્તપાલન કરાવવું પડે. કોઈ ના-સમજ નથી, સૌ સમજી વિચારીને કિક અને થ્રીલ ખાતર નિયમભંગ કરે છે. OTT પહેલાં બ્લૂ ફિલ્મોની કેસેટનો ધંધો ખીલ્યો હતો, તેમાં યુવાધને પૈસા ગુમાવ્યા હતા. શિક્ષણ અને સમજથી શિસ્ત આવતી હોત તો પોલીસની જરૂર ન પડી હોત અને ફિલ્મો માટે સેન્સર બોર્ડની. સેન્સર બોર્ડથી કોઈની 'કલા' મરી ગઈ નથી. તો પછી OTT માટે સેન્સર બોર્ડ કેમ ન હોય?

NS: સેન્સરશિપ હંમેશાં 'સમાજ કલ્યાણ' યા 'સંસ્કાર સુધારક'નો મુખવટો પહેરે છે, પણ તેનું ગોત્ર તપાસો, સરમુખત્યારી માનસિકતાનું જ નીકળશે. આ વાત સરકારને નહીં, મને તમને અને આપણાં પેરેન્ટ્સને પણ લાગુ પડે છે. વાલીએ ગાળો બોલતા શીખવ્યું નથી છતાં ભૂંડામાં ભૂંડી ગાળો આપણને આવડે છે. કહેવાનો અર્થ એ કે સેન્સરશિપ જ્યાં લાગુ થાય, એ આચાર-વિચાર માટેની લાલસા તીવ્ર બની જાય! રજનીશ કહેતા કે, નિયમ બનાયેંગે તો (ફિર) વહ તૂટેંગે હી!

DG: બાળક ક્યાંકથી ગાળો શીખવાનું છે, તો ગાળો બોલવાની તાલીમ સામેથી આપી દેવાની? પ્રતિબંધિત હોય તેની જિજ્ઞાસા વધે એ તર્ક સાચો, પણ કંઇક વર્જિત કરવા પાછળ અન્ય કારણોય રહેલાં છે. આડઅસરરૂપ જિજ્ઞાસા વધે, પણ મુક્ત કરી દેવાથી થતાં નુકસાન કરતાં સારું. જિજ્ઞાસાથી પ્રેરાઇને નિયમભંગ થાય, તેની સજા થાય, જફા કરવી પડે, તે સરવાળે સસ્તું પડે. ભલે તૂટે કે તૂટતા રોકવા પડે પણ નિયમો રાખવા જરૂરી છે.

NS: હા, એ સ્વીકારું છું કે OTT પ્લેટફોર્મ પર આજકાલ સેક્સ, અપશબ્દો, ચેષ્ટાઓ બેસુમાર દર્શાવવામાં આવે છે. પણ એટલે સેન્સરશિપ લાદવી એ કંઈ ઉપાય નથી. વેબસિરીઝમાં બતાવતાં દૃશ્યો, શબ્દો, આચારોનો રાફડો ફાટવાનું કારણ પણ સમજવું જોઈએ. આપણે સિનેમાનાં પડદે જે બતાવવા સામે 'કાતર' મૂકી દીધી હતી એ બધું જ ગુંગળાતું હતું. તેને OTT પ્લેટફોર્મ મળ્યું એટલે વ્યક્ત થવા લાગ્યું. ચુંબન કે સેક્સ જવા દો, સિગારેટ-શરાબના દૃશ્યોને (સ્ટેચ્યુટરી વોર્નિંગ ફરજિયાત મુકાવીને) આઝાદીના સાતમા દસકામાં પણ સેન્સર કરીએ છીએ. એ જ બતાવે છે કે આપણને ભારતીય લોકોની સોચ-સમજણ-વિચાર પર ભરોસો નથી.

DG: બેસુમાર શબ્દથી સમજાવી ન શકાય એ હદની ગંદકી OTT પર ફેલાઈ રહી છે. આ બધું જોવા માટે કોઈ ગુંગળાતું હોય અને OTT પ્લેટફોર્મ આપણા પર ઉપકાર કરી રહ્યા હોય એવી વાત નથી. વાત એ છે કે પ્લેટફોર્મ મળ્યું અને કોઈ નિયમ ન હોવાથી લેભાગુ તત્ત્વો દુષ્ટવૃત્તિઓમાંથી કાળી કમાણી કરી રહ્યા છે. કોઈ કલા ખાતર આ નથી કરી રહ્યું, માનવીય વૃત્તિઓને ઉત્તેજીને કમાણીની આ પ્રવૃત્તિ છે. સિગારેટ અને શરાબપાન વ્યક્તિગત બાબત છે પણ તે છે વ્યસન એ સ્વીકારીએ છીએ. સેક્સના ગલગલીયાં પણ વ્યસન છે, તેને પણ વ્યક્તિગત બાબત ગણી લઈને પણ બીજાને તે વ્યસનમાંથી રોકવા માટે નિયમો અને પ્રતિબંધો રાખવા પડે.

NS: વેબસિરિઝની નગ્નતા કે ગાલીગલોચ વિશે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ તરફ તમારું અને બધાનું ધ્યાન દારવા માગું છું. OTT પ્લેટફોર્મ કે તેના માટે કામ કરતાં નિર્માતાને નગ્નતા કે ગાળાગાળીથી ફેમિલી ઓડિયન્સ ગુમાવવાનો જરા પણ રંજ નથી હોતો! શા માટે? તેમનું માનવું છે કે હવે વ્યક્તિગત (રૂમમાં) ટીવી અને સ્માર્ટફોન આવી ગયા છે, એટલે ફેમિલી સાથે બેસીને ટીવીની સિરિયલો પણ જોવાતી નથી! પર્સનલી મારું માનવું છું કે વેબસિરિઝની નગ્નતા કે અપશબ્દો વગેરે... સમય જતાં ઓછા થઈ જવાના કારણ કે, ગમે તેટલી ભાવતી હોય પણ એક સમયે મીઠાશ મોઢું ભાંગી જ નાખતી હોય છે.

DG: આ માધ્યમ વ્યક્તિગત બન્યું છે ત્યારે તેના પર વધારે આકરી સેન્સરશિપ જરૂરી બની છે. સમગ્ર મનોરંજનનો હેતુ જ માર્યો ગયો છે અને વૃત્તિઓને જ ઉત્તેજવાની વાત રહી ગઈ છે. મનોરંજન નિર્ભેળ ત્યારે જ બને જ્યારે સૌ કોઈ સાથે મળીને જુએ. સારી બાબતોને સાથે મળીને માણીએ તે પણ એક મનોરંજન છે. પરિવાર જોવા આવશે એમ સમજીને ફિલ્મોમાં થોડી સ્વયંશિસ્ત આવતી હતી, તે અહીં નથી આવતી. પારિવારિક ફિલ્મોને પણ એકવાર આપણે બોર્ડમાંથી સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખતા હોઈએ ત્યારે OTTના દરેક કન્ટેન્ટને વધારે ઝીણી નજરે અને વધારે આકરી સેન્સરશિપમાંથી પસાર કરવી જરૂરી બની છે. સેન્સરશિપમાંથી પસાર થવાનું નહીં આવે ત્યાં સુધી આપમેળે નગ્નતા વગેરે ઓછા થઈ જશે તેમ માનવાનું મન થતું નથી.

NS: વાત જાતિગત કે કોમગતની હોય તો તમે ઇતિહાસ જોઈ લો, હોલિવૂડ જેમ એક બ્લેક કેરેક્ટર સારા કામ માટે હોય જ એ રીતે એવા બિરાદરો આપણી ફિલ્મો રહેતા આવ્યા છે. આ જ ફિલ્મોએ ઇસ્લામના નામે આતંકવાદ ફેલાવતાં પાત્રો અને રાજનેતાઓને બતાવ્યાં જ છે. એટલે એકાદ બે સિરિઝ કે દૃશ્યો ટાંકીને 'સેન્સરશિપ' લાદવાની દુહાઈ કરવી એ પણ નાદાન બુદ્ધિની જ નિશાની ગણાય.

DG: આપણે જેને ફોર્મ્યૂલા કહીએ છીએ તેના આધારે ફિલ્મસર્જન થતું હોય છે. કલા ખાતર ફિલ્મ બનાવવી વ્યવહારુ નથી. કલા ખાતર કવિતા-વાર્તા લખી શકાય, ચિત્ર બનાવી શકાય, ફિલ્મ ન બનાવી શકાય. એટલે આ ફોર્મ્યૂલાની પણ એક સમસ્યા છે પણ તે જુદો મુદ્દો છે. એકાદ બે સારી વેબસિરીઝ બને, તેને આવકાર મળે તેનાથી બાકીના નિર્માતાઓ પણ સ્વંયશિસ્તમાં આવશે ને જવાબદારી સમજશે એવું બનશે નહીં. માટે OTT અને ઓનલાઇન કન્ટેન્ટ સેન્સરમાંથી પસાર થાય તે જરૂરી બન્યું છે.

(નરેશ શાહ અને દિલીપ ગોહિલ બંને રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો