મનન કી બાત:સ્ટોઇસિઝમ ઇન ટ્રેન્ડઃ શું તમે લોકોનો ગુસ્સો પચાવીને અને ખરાબ સમયમાં પણ શાંત રહી શકો છો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ તમે યુટ્યુબ, ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુઓ તો સ્ટોઇસિઝમ ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ઘણા લોકો પોતાને સ્ટોઇક તરીકે ઓળખાવે પણ છે. સામાન્યપણે લોકો એવું માને છે કે સ્ટોઇક એટલે શાંત. લોકો એવું માને છે કે જે દુનિયાની ભાગદોડમાં પણ શાંત રહી શકે અથવા લોકોનો ગુસ્સો પચાવીને અને ખરાબ સમયમાં પણ શાંત રહી શકે એ સ્ટોઇક કહેવાય. પરંતુ સ્ટોઇસિઝમની વાર્તા ખૂબ રસપ્રદ છે.

મોટાભાગની ફિલોસોફીની શ્રેણીઓની જેમ સ્ટોઇસિઝમની ઉદભવના પણ ગ્રીસમાં થઈ હતી. એક શિપ મર્ચન્ટ ઝીનો સ્ટોઇસિઝમના રચયિતા કહેવાય છે. ઝીનો સિપ્રસમાં શિપ મર્ચન્ટ હતા. એક તોફાનમાં એમણે પોતાનું બધું જ ગુમાવી દીધું. એમ પણ ફકીરી બધું ગુમાવ્યા પછી જ પ્રાપ્ત થતી હોય છે ને! એમણે ખૂબ વાંચન શરૂ કર્યું અને એ સૌથી વધુ સોક્રેટિસથી પ્રેરિત થયા. એટલે એમના વિશે વધારે જાણવા એમને પ્રયાસ કર્યો. સોક્રેટિસ વિશે રસ લેતા વ્યક્તિઓ જોડે વાર્તાલાપ ચાલુ કર્યો અને જે બિલ્ડિંગમાં એ વાર્તાલાપ થતો એનું નામ હતું સ્ટોઇક.

સ્ટોઇસિઝમ 4 મુખ્ય વતુઓ પર પ્રસ્થાપિત થયેલી ફિલોસોફી છે:

શાણપણ: કોઈ કપરા અને પડકારભર્યા સમયમાં પણ કઈ રીતે એક લોજિકલ અને રેશનલ પદ્ધતિથી વિચારવું એ સ્ટોઇસિઝમ શીખવે છે. સ્ટોઇક લોકો માને છે કે ઘણીવાર ભાવનાત્મક રીતે લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે સાચા નથી હોતા. ભાવનાત્મક સમયે નિર્ણયો લોજિક અને કોમન સેન્સનો ઉપયોગ કરીને લેવાય તો એ નિર્ણયો સાચા સાબિત થતા હોય છે.

પરેજી: આપણે આપણી આજુબાજુ ઘણા એવા લોકો જોઈએ છે જે પોતાની લાગણીઓને પાણીની જેમ વહેવા દે છે. એ લોકો એવું પણ અભિમાન કરતા હોય છે કે 'હું તો જે હોય એ મોઢે કહી દઉ' અથવા 'મારા મનમાં જે હોય એ હંમેશા બોલી જ દઉં છું'. એકવાર ઠંડા મગજે વિચારો તો આવું માઈન્ડસેટ એક ટાઈમ બોમ્બ જેવું છે. જો આપણાં રાષ્ટ્રો આવી રીતે વર્તન કરે તો આપણે હંમેશાં જંગમાં જ હોઈએ. કોઈ સોસાયટીમાં રહેવાની એક પદ્ધતિ છે કપડાં પહેરવા. આ કપડાં આપણે ખાલી શારીરિક જ નહીં માનસિક પણ પહેરવા પડે. આપણા શબ્દો અને આપણી લાગણીઓ પર પરહેજ કરતા શીખવું ખૂબ જરૂરી છે. જેથી, આપણે પોતાની લાગણીઓને આપણા પર વિજય ન પામવા દઈએ.

ન્યાય: સ્ટોઇસિઝમ ખૂબ સ્પષ્ટપણે માને છે કે ન્યાય સમાજ માટે ખૂબ જરૂરી છે. પછી એ એક તખ્તા માટે હોય અથવા કોઇ વ્યક્તિનો પોતાનો કોઈ કેસ. એક એવી સોસાયટી જેના લોકોને એ વિશ્વાસ હશે કે તેઓ એ એક ન્યાયપૂર્ણ સમાજમાં જીવે છે તો જ એ સિક્યોર અને સુરક્ષિત અનુભવશે. સમાજમાં ડરનો માહોલ ન હોવા માટે ન્યાયનો દબદબો હોવો ખૂબ જરૂરી છે. સ્ટોઇક વ્યક્તિ ન્યાય માટે હંમેશાં ઊભો રહેશે. એટલે જ સામાન્ય માન્યતાથી વિરૂદ્ધ સ્ટોઇસિઝમનો અર્થ 'મુશ્કેલીમાં પણ કંઈ ન કરવું' નથી. પરંતુ ઠંડા કલેજે સાચો, પરેજીવાળો અને ન્યાય દાખવતો નિર્ણય લેવો છે.

હિંમત: સ્ટોઇસિઝમ વિશે કદાચ આ સૌથી મોટી ગેરમાન્યતા છે. સ્ટોઇસિઝમમાં માનવાવાળા લોકોને એમના પુસ્તકો હિંમત કેળવવા ખૂબ પ્રેરિત કરે છે. સ્ટોઇસિઝમનું લક્ષ્ય તમને દુનિયાથી દૂર કરી મોક્ષ આપવાનો નથી. પરંતુ એક સામાજિક જીવન જીવતા જીવતા કેવી રીતે ખુશી મેળવવી અને ધ્યાનમાં કેવી રીતે મગ્ન રહેવું એ શીખવે છે. સ્ટોઇસિઝમ શીખવે છે કે હિંમત કેળવવી ખૂબ જરૂરી છે. ધર્મનો મતલબ એ નથી કે તમે અન્યાયના સમયે પણ ચૂપ રહો અથવા પોતાને દૂર કરવાની મનોવસ્થા કેળવો. કોઈપણ ખોટા કામ સામે સમાજમાં અવાજ ઉઠાવવાની હિંમત હોવી એ સ્ટોઇસિઝમની ખૂબ મોટી જરૂરિયાત છે.

એક રીતે વિચારીએ તો કદાચ કૃષ્ણ ભગવાન આપણા સમાજના પહેલા સ્ટોઇક કહેવાય. કૃષ્ણ વિશે વાંચીએ તો એમની દરેક વાતમાં શાણપણ જોવા મળે છે. એમના નિર્ણયો ભાવનાથી પ્રેરિત ચોક્કસ હોય છે. પરંતુ સાથે સાથે ખૂબ બૌદ્ધિક અને લોજિકલ પણ હોય છે. સાથે સાથે ખૂબ કપરા સમયમાં પણ કૃષ્ણને પોતાના ચહેરા પર સ્મિત સાથે જ વર્ણવામાં આવ્યા છે. એમણે પોતાની લાગણીઓમાં હંમેશાં પરેજી દાખવી છે. આપણે કૃષ્ણને મહાભારતમાં હિંમત સાથે ન્યાય માટે લડતા પણ ડગલે અને પગલે જોઈએ છે. એટલે આ આગલો ભાગ ક્યાંય વાંચ્યો નથી. પરંતુ મારા વાંચનનો નિચોડ છે કે આપણા સમાજમાં સ્થિતપ્રજ્ઞ એટલે કદાચ ગ્રીક લોકોમાં સ્ટોઇક કહેવાય છે.

આપણે એ પણ જોયું છે કે ધોની જેવો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એક સારો લીડર બનીને વર્લ્ડકપ ફાઇનલમાં પણ પોતાની લાગણીઓ પાસે હારી નથી જતો. એ પોતાનું મગજ ઠંડું રાખીને સાચા અને લોજિકલ નિર્ણયો લે છે, જે એની સફળતાની ચાવી બને છે અને ત્યાંથી જ એને ‘કેપ્ટન કૂલ’નું ઉપનામ મળ્યું છે.

મન: સ્ટોઇસિઝમની મુખ્ય પ્રાર્થના છે 'હે ઈશ્વર હું જે વસ્તુઓ બદલી નથી શકતો એ વસ્તુઓ સ્વીકારી શકું એટલી શાંતિ આપ, જે વસ્તુઓ બદલી શકું છું એ બદલી શકું એટલી હિંમત આપ અને એ બંને વચ્ચે તફાવત કરી શકવાનું શાણપણ આપ.'
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)