• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Sprinkle The Water Of Feeling And Love In The Elders ... The Debt Will Go Down But At The Same Time Half Of Their Medicines Will Stop Automatically

સુખનું સરનામું:વડીલોમાં લાગણી અને પ્રેમના પાણીનું સિંચન કરો... ઋણ તો ઊતરશે જ પણ સાથે એમની અડધી દવાઓ પણ આપમેળે બંધ થઈ જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ એટલે કે આંબો બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તે તરત જ આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડીને જાતજાતની રમતો રમે, ભૂખ લાગે એટલે આંબાની કેરી તોડીને ખાય અને પેટની ભૂખ ભાંગે. રમતો રમી-રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળકને વૃક્ષ વગર ન ગોઠે અને વૃક્ષને બાળક વગર ન ફાવે. બંને એકબીજાના સંગાથે જીવનને મસ્તીથી માણે.

બાળક જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. થોડા સમય પછી તો સાવ આવતો જ બંધ થઇ ગયો. આંબો હવે એકલો પડી ગયો. બાળકની ગેરહાજરી એને ખૂબ ખૂંચતી હતી. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતા જોયો. એ બાળક હવે મોટો થઇ ગયો હતો પણ એના સાંનિધ્યની સુગંધથી જ આંબો એને ઓળખી ગયો. બાળકને વર્ષો પછી આવેલો જોઇને આંબો તો ખુશ થઇ ગયો. બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, 'તું ક્યાં ચાલ્યો ગયો હતો? હું રોજ તને યાદ કરતો હતો. તારા વગર મારી જિંદગી અટકી ગઇ હોય એવું મને લાગતું હતું. આજે તને જોઇને મારા જીવમાં જીવ આવ્યો છે. ચાલ હવે આપણે બંને પેટ ભરીને વાતો કરીને અને મનભરીને રમતો રમીએ.' બાળકે આંબાને કહ્યું, 'તમે પણ શું ગાંડા જેવી વાતો કરો છો? હવે તો કંઇ મારી રમવાની ઉંમર છે? મારે ભણવાનું છે અને સારા ટકા લાવીને મોટા સાહેબ બનવાનું છે.' આંબાએ કહ્યું, 'અરે બેટા, તું મોટો સાહેબ બને એ મને તો બહુ જ ગમે. આ માટે મારી કોઇ પ્રકારની મદદની જરૂર હોય તો મને કહેજે.' પેલા બાળકે કહ્યું, 'હું મદદ માટે જ તમારી પાસે આવ્યો છું. મારે ઉચ્ચ અભ્યાસ માટે ફી ભરવા રૂપિયાની જરૂર છે અને મારી પાસે કોઇ રકમ નથી. તમે મને કોઇ મદદ કરી શકો?' આંબાએ કહ્યું, 'તું એક કામ કર, મારા પર ચઢીને મારી બધી જ કેરીઓ તોડી લે અને એને બજારમાં જઇને વેચી આવજે. એટલે તને ઘણા પૈસા મળશે. એમાથી તું તારી ફી ભરી શકીશ અને તારો અભ્યાસ આગળ ચાલશે.' બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો. આંબો બિચારો બાળકને જતા જોઇ જ રહ્યો.

આંબાને એમ હતું કે હવે આ છોકરાને મેં મદદ કરી છે એટલે ફરી મારી પાસે આવશે અને મારી સાથે બેસીને વાતો કરશે પણ એ કેરીઓ લઇને ગયો પછી ફરીથી ત્યાં ડોકાયો જ નહી. આંબો તો રોજ એની આવવાની રાહ જોતો. કેટલાંય વર્ષો વીત્યાં પછી ફરી એક દિવસ એ અચાનક આવ્યો. આંબાએ એને પ્રેમથી આવકાર્યો અને આવવાનું પ્રયોજન પૂછ્યું એટલે બાળકમાંથી હવે યુવાન થઇ ગયેલા એ છોકરાએ આંબાને કહ્યું, 'તમે કરેલી મદદથી મારો અભ્યાસ પૂરો થઇ ગયો. મને સારી નોકરી પણ મળી ગઇ અને નોકરી મળી એટલે છોકરી પણ મળી. મારાં લગ્ન થઇ ગયાને આજે 5 વર્ષ થયા. રાજાના કુંવર જેવો એક નાનો દીકરો પણ છે.' આંબો તો એકધ્યાને બધી વાતો સાંભળી રહ્યો હતો. આજે આંબાના ચહેરા પર અનેરું તેજ દેખાતું હતુ. સાવ સુકાયેલો હોવા છતાં જાણે કે હમણાં ફરીથી મહોરી ઊઠશે એવું લાગતું હતુ. આંબાએ હળવેકથી પૂછ્યું, 'બેટા, મારી પાસે કેમ એકલો આવ્યો? વહુ અને દીકરાને પણ સાથે લાવવા હતા ને?' યુવાને કહ્યું, 'દીકરો રમવામાં વ્યસ્ત છે અને વહુ એના કામમાં વ્યસ્ત છે એટલે એ બંનેને સાથે લાવવા શક્ય નહોતાં. હું તો તમારી પાસે મારી નાની એવી મુશ્કેલી વર્ણવવા માટે આવ્યો છું. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે, પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી. જો બેંકમાંથી લોન લઉં તો પગારમાંથી હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થાય એમ છે. હવે શું કરવું એ કંઇ સમજાતું નથી એટલે તમારી સલાહ લેવા માટે આવ્યો છું.' આંબાએ કહ્યું, 'તું ખોટી ચિંતા ન કર, હજી હું બેઠો છું. હવે હું સુકાઇ ગયો છું એટલે આમ પણ કંઇ કામનો નથી. તું મારી બધી ડાળીઓ કાપીને લઇ જા. એમાંથી તારું ઘર બનાવજે.' યુવાને આંબાની ડાળીઓ કાપી લીધી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઇ ગયો હતો. કોઇ એની સામે પણ ન જુએ. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યા. તેમણે આંબાને કહ્યું, 'તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.' આંબાએ દુ:ખ સાથે કહ્યું, 'પણ બેટા હવે મારી પાસે એવું કંઇ જ નથી જે હું તને આપી શકું.' વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, 'આજે કંઇ લેવા નથી આવ્યો આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સુઈ જવું છે' આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફુટવા લાગ્યા.

આ આંબાનું વૃક્ષ એ આપણા માતા-પિતા અને વડીલો જેવું છે. જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ-જેમ મોટા થતા ગયા તેમ-તેમ એમનાથી દૂર થતા ગયા. એમની નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઇ જરૂરિયાત ઊભી થઇ કે કોઇ સમસ્યા આવી. આજે આ વડીલો ઘરમાં આપણને બોજારૂપ લાગવા માંડયા છે. એમની વાતો આપણે કચકચ લાગે છે. એમની હાજરી આપણી સ્વતંત્રતા છીનવી લેતી હોય એવું આપણને લાગે છે. પરંતુ યાદ રાખજો આજે આપણે જે કંઇ પણ છીએ એ આ વડીલોને કારણે જ છીએ. આપણે નાના હતા ત્યારે આ વડીલોએ આપણા માટે કેવું સમર્પણ કર્યું છે એ શાંત ચિત્તે વિચારવા જેવું છે. મને તો બરોબર યાદ છે કે મારી બા વાડીએ ગઇ હોય અને સાંજે જ્યારે થાકી-પાકીને ઘરે આવતી હોય તો પણ રસ્તામાંથી અમારા માટે બોરડીમાંથી બોર વીણી લાવતી કે મારા બાપુજી ખેતરમાંથી કોઇ ખાવાલાયક વસ્તુ મળી આવે તો સાચવીને એ અમારા માટે લાવતા. આ મારો એકનો નહીં તમારો બધાનો પણ આવો જ અનુભવ છે. એમને પણ ખાવાનું મન થતું હશે પણ દુનિયાના દરેક મા-બાપ હંમેશાં એમના સંતાનોના સુખની અને આનંદની જ કામના કરતા હોય છે. પોતાનાં દીકરા-દીકરીને ખાતાં જોઇને એને આપોઆપ જ એ વસ્તુનો સ્વાદ મળી જતો હોય એવું લાગે છે.

આપણા આ વડીલોને સાચવાની અને સંભાળવાની હવે આપણી જવાબદારી છે. વડીલરૂપી આ વૃક્ષને આપણે લાગણી અને પ્રેમના પાણીનું સિંચન કરીએ તો એમાં નવી કૂંપળો ફુટશે જ એમાં શંકાને કોઇ સ્થાન નથી. મારા મિત્ર અને રાજકોટના ઉદ્યોગપતિ વસંતભાઇ લિંબાસિયાએ એમના માતાને 100 વર્ષ પૂર્ણ થતાં ‘માતૃવંદના મહોત્સવ’નું આયોજન કર્યું હતું. વસંતભાઇની દીકરી દર્શિકા કોલેજમાં ભણે છે પણ વ્હોટ્સએપ અને ફેસબુકમાંથી સમય કાઢીને રોજ અડધી કલાક એની દાદી સાથે બેસે છે અને ખૂબ ધમાલ-મસ્તી કરે છે. માજીએ શતાબ્દી વટાવી એમાં આ દીકરીનો પ્રેમ પણ કારણભૂત છે. આપણે વડીલો પાસે બેસીને એમની સાથે વાતો કરીએ તો પણ એમની અડધી દવાઓ આપમેળે બંધ થઇ જાય એમ છે.

અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં ભાદરવા મહિનાને પિતૃ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં સ્વર્ગે ગયેલા પિતૃઓનાં કાર્યોને યાદ કરીને એમને વંદન કરીએ અને સાથે જે વડીલો હયાત છે એની પ્રેમપૂર્વક સેવા કરીને ઋણમુક્ત થવાનો પ્રયાસ કરીએ અને એમના અંતરનો રાજીપો પ્રાપ્ત કરીએ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...