• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Spend Time With The Children So That They Do Not Feel Left Out At Home In An Epidemic, Otherwise They Will Be Trapped In A Different World.

પોઝિટિવ પેરેન્ટિંગ:મહામારીમાં ઘરમાં બાળકોને લેફ્ટ આઉટ ફીલ ન થાય એ માટે તેમની સાથે સમય વિતાવો, નહીં તો તેઓ અલગ જ દુનિયામાં કેદ થઇને રહી જશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરિવર્તનની વચ્ચે સ્થિરતા કેવી રીતે જાળવવી? મહામારીની લટકતી તલવારના લીધે 2022નું વર્ષ થોડી નિરાશાથી શરૂ થયું છે. આપણે અનિશ્ચિતતાની દુનિયામાં પગ મૂકીએ છીએ. શું વેક્સિન અસરકારક રહેશે? શું આપણને બૂસ્ટર ડોઝની જરૂરિયાત રહેશે? શું આંશિક લોકડાઉન મૂકવામાં આવશે? શું સ્કૂલો પાછી બંધ કરવામાં આવશે? અને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ કે, આવું ક્યાં સુધી ચાલશે? આવા ઘણા પ્રશ્નો આપણા સૌના મનમાં ફરી રહ્યા છે.

શિક્ષકો સામેના પડકારો
ઘણા શિક્ષકો અને તાલીમકારોની ચિંતાઓ હવે વધી ગઈ છે. ઓનલાઇન શિક્ષણમાં બાળકોને એન્ગેજ રાખવા એ એક ખૂબ જ આકરું કામ હતું. પછી આવ્યો હાઈબ્રિડ સેશનનો નવો પડકાર, જેમાં તેઓ થોડાં બાળકોને ઓફલાઈન અને થોડાં બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનો સંઘર્ષ કરતા રહ્યા. સાચું કહું તો એક જ શિક્ષક માટે લગભગ અશક્ય છે કે તે એકલા હાથે બાળકોને આ બંને સાવ જુદા મોડ થકી ફક્ત ભણાવે જ નહીં પણ તેમને એન્ગેજ પણ રાખે.

શર્મિલા, જે એક સેકન્ડરી સ્કૂલની શિક્ષિકા છે, તેણે મારી જોડે શેર કર્યું કે એકવાર જ્યારે તે પોતાના કલાસરૂમમાં બેઠેલા બાળકોને મદદ કરી રહી હતી ત્યારે કમ્પ્યૂટર તરફ ધ્યાન જતા એણે જોયું કે તેનો ઓનલાઇન સ્ટુડન્ટ ગાયબ થઇ ગયો હતો. તેણે પછી તરત તેના વાલી કે જેઓ એક વર્કિંગ મધર છે તેને ફોન કર્યો. એ ચિડાઈ ગયાં અને તેમણે પોતાનાં બાળક ઉપર બહુ ગુસ્સો કર્યો. શર્મિલા કહે છે કે, 'હું એટલી ફ્રસ્ટ્રેટ થઇ ગઈ હતી! જો હું માને ઇન્ફોર્મ ન કરું તો પ્રિન્સિપાલ મને લડશે અને જો હું માને ઇન્ફોર્મ કરું તો તે બાળકને લડશે. ખરું કહું તો આમાં બાળકનો કોઈ વાંક નથી, કારણ કે એકલા-એકલા ઘરે ભણવું ખૂબ જ આકરું છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા ક્લાસના બધા મિત્રોને સ્ક્રીન ઉપર જોડે જુઓ છો! જો હું કોઈ એક્ટિવિટી માટે મારે સ્ટુડન્ટ્સને બગીચામાં લઇ જવા માગતી હોઉં તો હું ઓનલાઇન બાળકોને કેવી રીતે મેનેજ કરીશ? તેઓ નક્કી લેફ્ટ આઉટ ફીલ કરશે અને સ્વાભાવિક છે કે તેઓ તે વિષયમાં રસ ગુમાવી બેસે!'

શિક્ષણ ઉપર મહામારીની અસર
મહામારી અને લોકડાઉનને લઈને આવી વિવિધ પ્રતિક્રિયાઓ વિચારો. દાખલા તરીકે, ઘણા વાલીઓ એ હદે ડરી ગયાં કે તેમણે સ્કૂલો શરૂ થઈ હોવા છતાં બાળકને ચેપ ના લાગે એના ભયથી સ્કૂલ અટેન્ડ ન કરવા દીધી... જે સમજી શકાય એવું છે અને બીજી બાજુએ ઘણા વાલીઓનું એવું માનવું હતું કે સ્કૂલે ન જવાના લીધે બાળકને થતો સાઈકોલોજિકલ ટ્રોમા વધુ ખતરનાક હતો. એટલે આવા સંજોગોમાં બાળકને સ્કૂલે જવા દેવું જોઈએ. જેથી તે ખુશ રહે ભલે ને આમાં ઈન્ફેક્ટ થઇ જવાનું રિસ્ક વધી જતું હોય. દરેક વાલી પોતાના સંદર્ભમાં બેસ્ટ વિકલ્પ પસંદ કરશે... પણ બાળકનું શું?

બાળકોને શું જોઈએ છે?
શિક્ષકો જોડે મારી ચર્ચાઓમાંથી જે એક વસ્તુ બહાર નીકળી છે તે એ છે કે મોટાભાગનાં બાળકો સ્કૂલે આવવા માગતાં હતાં. કમનસીબે ઘણાં બાળકો માટે ઘરે પોતાના કુટુંબ જોડે રહેવું તે કોઈ ખાસ સારો અનુભવ નથી રહ્યો. વાલીઓ વચ્ચે વધતી બોલાચાલીના લીધે બાળકોએ મા-બાપ વચ્ચે થતા ઝઘડામાં વધારો જોયો છે. એકલતાપણાને લીધે તેમનાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપરની ડિપેન્ડન્સી વધી ગઈ. જેથી, આ બાળકો એકદમ અલગ જ દુનિયામાં કેદ થઇને રહી ગયાં.

આવી પરિસ્થિતિમાં સ્થિરતા લાવવા માટે વાલીઓ શું કરી શકે?
એ વાત સાચી કે 2021 એક ખૂબ જ આકરું વર્ષ રહ્યું છે અને એટલે જ આપણે મળીને વર્ષ 2022ને એક આશાવાદી વળાંક આપવો જોઈએ... ભલેને આ વર્ષ કેટલું જ અનિશ્ચિતતાથી સભર કેમ ન હોય! એક બેલેન્સ્ડ અડલ્ટ લાઈફનો પાયો ઘરના સ્થિર વાતાવરણમાં છે. આ સત્ય જાણીને અહીં નીચે વાલીઓ માટે થોડાક આઈડિયા છે, જેને અમલમાં મૂકી તેઓ ઘરમાં ત્યારે સ્થિરતા લાવી શકશે જ્યારે બહારની દુનિયા ઉથલપાથલનાં મોજાંઓ લાવશે.

  • બાળકને તક આપો કે તે એક એવી હોબી કેળવે જે શારીરિક શ્રમ અને કલાનો પર્ફેક્ટ મેળ હોય. આથી તેની શારીરિક અને માનસિક સુખાકારીનો વિકાસ થશે.
  • જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બાળકની હાજરીમાં પોતાની પત્ની/પતિ જોડે દલીલ કરવાનું ટાળો. સામાન્ય સંજોગોમાં પણ જ્યારે બાળક પોતાના વાલીઓને ઝઘડો કરતા જુએ છે ત્યારે તેને ઇનસિક્યોરિટી અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, પણ મહામારીના આ કપરા સમયમાં જ્યારે બહારની દુનિયા આટલી અસ્થિર છે ત્યારે જરૂરી છે કે વાલીઓ પોતાના બાળક માટે ઘરમાં એક સેફ વાતાવરણની રચના કરે. જો તમે બંને પતિ-પત્ની એકબીજાથી નારાજ છો તો તમારા ઝઘડાને તે સમય માટે મોકૂફ રાખો જ્યારે તમે બે એકલાં હો. બહાર વોક માટે જઈને તમારા વચ્ચેના મુદ્દાનું સમાધાન લાવો.
  • જો તમે નારાજ હશો તો તમારા મૂડની અસર આખા પરિવાર ઉપર થશે. તો મહેરબાની કરીને સંગીત સાંભળીને તમારો મૂડ ચેન્જ કરો. વોક લઈને કે ત્રણ મિનિટનો પોઝ લઇને અથવા શ્વાસ લઈને કોઈ પણ એવી પ્રવૃત્તિ કરો કે જેથી તમારો મૂડ ચેન્જ થઇ જાય. આમ શાંત થઈને તમે આ પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશો.
  • એક ડાયરી મેન્ટેન કરો, જેમાં તમે તમારા બધા વિચારો અને ફીલિંગ્સ લખી શકો. ડાયરી મેન્ટેન કરવાના ફાયદાથી બધા સારી રીતે પરિચિત છે. જો તમને લખવું ન ગમતું હોય તો ડૂડલ ડાયરી રાખો, જેમાં તમે સ્ક્રેબલ કે દોરી શકો.
  • નિયમિત રીતે પોતાના બાળક સાથે કોઈપણ સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાવાનું રાખો. જેમ કે, દીવાલ પેન્ટ કરવી, ઘરનો કોઈપણ ખૂણો ફરીથી સજાવવો, ફર્નિચરને જુદી રીતે ગોઠવવું, કોઈપણ તૂટી ગયેલી વસ્તુને રિપેર કરવી, રમત રમવી (સ્પોર્ટ કે પછી બોર્ડ) કે પછી કેક બેક કરવી.
  • ફક્ત તમે જ નહીં પણ તમારા બાળકને પણ તમે આ ટેવ કેળવતા શીખવો. તમારા જીવનમાં મળેલા આશીર્વાદ (સારી વસ્તુઓ, વ્યક્તિઓ વેગેરે)ને સદા યાદ રાખો અને તે બધાનો આભાર માનો, જેમણે તમને મદદ કરી છે.

સાવચેતી છોડી ન દેશો. માસ્ક પહેરી રાખશો. માસ્ક પહેરવું એટલે તે ફક્ત સ્વરક્ષણનો જ સંકેત નથી પણ તે એ પણ દર્શાવે છે કે તમે બીજાનું કેટલું વિચારો છો. તમારી સેફટી અને સુખાકારીની પ્રાર્થના સહ તમને એક હેપ્પી અને સ્વસ્થ ન્યૂ યરની શુભેચ્છાઓ...

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)