• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Sorry, Anju! I Forgot To Talk To You. We Have To Cancel The Tour. I Have Got A Big Project ... To Be Settled In A Hurry ... So The Trip Is Canceled ...

મારી વાર્તા:‘સોરી, અંજુ! હું તને વાત કરવાનું ભૂલી જ ગયો. આપણે પ્રવાસ રદ કરવો પડશે. મને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે... ઉતાવળે પતાવવાનો છે, એટલે પ્રવાસ રદ...’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજુબહેનને પતિએ આપેલું વચન યાદ આવ્યું , 'હું તને પ્રવાસમાં લઈ જઈશ અને એ પણ દર વર્ષે, અચૂક...' લગ્નની વર્ષગાંઠ આવે અને અંજુબહેનને પતિનું વચન યાદ આવે... આવે...ને આવે. પરંતુ પતિ નવીનભાઈ મસાલાના વેપારી! વાત ડાહ્યા! વાતો પણ મસાલા ઉમેરીને કરે. નાની વાત એવી ચગાવે કે સામેવાળાને રસતરબોળ કરી દે. અત્યાર સુધી એમ જ થતું આવ્યું. અંજુબહેન યાદ કરાવે કે પ્રવાસમાં ક્યારે લઈ જશો? તો પતિદેવનો જવાબ તૈયાર જ હોય, 'બસ, એ જ ગોઠવણમાં છું. જરા સમય મળવા દે.' પણ પતિને કામના દબાણમાં સમય જ મળતો ન હતો.

આજે ત્રીજી વર્ષગાંઠે અંજુબહેન યાદ કરાવતાં બોલ્યાં. ત્યાં તો નવીનભાઈ જ બોલી ઊઠ્યા, 'તારે મને યાદ કરાવવું પડે? જો આ કાર્યક્રમ તૈયાર જ છે.' આટલું બોલીને નવીનભાઈ કાર્યક્રમની નકલ ખિસ્સામાંથી કાઢીને અંજુબહેનને આપતાં બોલ્યા, 'શાંતિથી વાંચી લેજે, ઉત્તર ભારતનો પ્રવાસ છે. પૂરા પંદર દિવસ! બધી જંજાળ છોડીને કુદરતના ખોળે! મોજ, મસ્તી ને મોજ! આટલું સાંભળતાં અંજુબહેન ઊછળી પડ્યાં. અચાનક પ્રવાસની ભેટ મળતી જોઈને અંજુબહેન અંજાઈ ગયાં! કાર્યક્રમ વાંચવા માંડ્યાં. ત્યાં તો નવીનભાઈએ ઉત્તર ભારતનાં સ્થળોનું વર્ણન શરૂ કર્યું,

'આપણી સાથે દસેક કપલ હશે. બધાંએ ટ્રેનમાં અમદાવાદથી દિલ્હી પહોંચવાનું છે. ત્યાંથી પ્રવાસ શરૂ થશે અને વળતાં દિલ્હી પ્રવાસ પૂરો થશે.' નવીનભાઈ આટલું બોલ્યા ત્યાં અંજુબહેન કહે, 'તો આપણે પણ ટ્રેનમાં?'

'ના... ના... આપણે તો અમદાવાદથી દિલ્હી પ્લેનમાં પહોંચી જઈશું. એ લોકો બે દિવસે પહોંચશે. આપણે બે કલાકમાં હોટલ પર હોઈશું! ટ્રેનમાં હેરાન થતાં જવાતું હશે? અને હા, વળતાં પણ પ્લે...ન...!!' વાત આગળ વધારતા નવીનભાઈ બોલ્યા, 'ફરતાં- ફરતાં આપણે પ્રથમ તો ડેલહાઉસી પહોંચીશું. ત્યાંથી ખજ્જિયાર. અહીં કુદરતી સૌંદર્યનો ખજાનો છે, ખજાનો! મારે તો બે સૌંદર્ય માણવાના ને? એક કુદરતનું ને બીજું...' આટલું બોલીને અંજુબહેનને ગાલે હળવેથી હાથ ફેરવીને વળી બોલ્યા, 'પાઈનનાં વૃક્ષોથી ઘેરાયેલાં મેદાન! ડેલહાઉસીમાં તિબેટીયન બજાર છે. ત્યાં મન ભરીને ખરીદી કરજે. એકાદ બે દિવસ ત્યાં રોકાણ પછી આપણે મનાલી પહોંચીશું. ત્યાં પ્રખ્યાત સ્નો પોઇન્ટની મુલાકાત લઈને બરફની મજા માણીશું અને સાથોસાથ જ્યાં સગવડ હોય ત્યાં ઘોડે સવારીનો આનંદ તો ખરો જ.'

નવીનભાઈએ રમૂજ કરતા ઉમેર્યું , 'આમેય લગ્ન વખતે ઘોડેસવારી કરી હતી પછી તો યાદ નથી.' હસીને વળી બોલ્યા, 'પછી શિમલા જવાનું. શિમલાની તો વાત જ શું કરવી! અંજુ... અંજુ... અંજુ...તને મજા પડી જશે! તું જોજે તો ખરી! છેલ્લે શિમલાથી દિલ્હી અને દિલ્હી દર્શન બાદ સાંજે દિલ્હીથી બાય એર અમદાવાદ!’ નવીનભાઈએ હવામાં હાથ હલાવીને પ્લેનની નકલ કરતાં વાત પૂરી કરી અને ઉમેર્યું, 'સાંજે પ્રવાસના સ્થળોના કલર ફોટા, સ્થળ વર્ણન, વિશેષતાવાળી બુક આપીશ. જોઈ જજે. વાંચેલું હોય તો તે સ્થળ નજરે જોઈએ ત્યારે વિશેષ આનંદ આવે.' નવીનભાઈની વાત સાંભળીને અંજુબહેન હરખાયાં. 'હવે કાર્યક્રમ વાંચવાની જરૂર જ ક્યાં રહી! તમે આબેહુબ વર્ણન એવું કર્યું કે ત્યાં પહોંચી ગયાં હોઈએ એવું લાગે છે.'

પછી તો આખો દિવસ હરખમાં પસાર થયો! હરખમાં ને હરખમાં સાંજે શેરીમાં ટોળે વળી બેસતી ઓટલા પરિષદમાં પ્રવાસની જાહેરાત કરી દીધી! વર્ણન શરૂ કર્યું જાણે પોતે જઈ આવ્યા ના હોય! બધી બહેનો અહોભાવથી અંજુબહેન સામે જોઈ રહી! પછી તો ત્રણેક દિવસ શેરીમાં ઉત્તર ભારત, ઉત્તર ભારત, ઉત્તર ભારત જ ચાલ્યું. શિમલા, મનાલીમાં પડતા બરફની વાતો ચાલી. બરફ શિમલામાં પડતો હતો! ઠંડક અહીં શેરીમાં પ્રસરી જતી!

ચોથા દિવસે નવીનભાઈ ઘેર આવ્યા. થાકેલા હતા. ચા-પાણી પીધાં. અંજુબહેને ધીમેથી પૂછ્યું, 'ઉત્તર ભારતમાં ઠંડી બહુ પડે છે. તો તમારા માટે વધારાનો ગરમ કોટ પેક કરું?' સવાલ સાંભળીને ઠંડા અવાજે ઉત્તર આપતાં નવીનભાઈ બોલ્યા, 'સોરી, અંજુ! હું તને વાત કરવાનું ભૂલી જ ગયો. આપણે પ્રવાસ રદ કરવો પડશે. મને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. ઉતાવળ છે. એટલે પ્રવાસ રદ. ઉનાળું વેકેશનમાં પાક્કું!' સાંજે ઓટલા પરિષદમાં સૌને નવાઈ લાગી. આજે શિમલામાં બરફ કેમ ના પડ્યો? પછી અંજુબેનની વાત જાણીને એક બહેન કટાક્ષમાં બોલ્યાં, 'વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે એમ કહો ને! અંજુબહેનના ઉત્સાહનો બરફ કેમ ઓગળી ગયો, બહેનો' અને ટોળું હસી પડ્યું!

ટોળાનું હાસ્ય શમે તે પહેલાં ઓટલા પરિષદના વરિષ્ઠ મહિલા સદસ્યા રમાબહેને જાહેરાત કરી, 'આવતાં અઠવાડિયે આપણે સૌરાષ્ટ્રનો બે દિવસનો પ્રવાસ ગોઠવ્યો છે. જે બહેનોને રસ હોય તે નામ નોંધાવી ફી જમા કરાવી દેજો.' અંજુબહેને સાંજે નવીનભાઈને સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસની વાત કરી. નવીનભાઈ મીઠાશથી કહે, 'અરે! એવી રીતે બસમાં હેરાન થઈને જવાતું હશે? તારે સૌરાષ્ટ્ર દર્શન કરવા જવું હોય તો હું તને કારમાં લઈ જઈશ. બે ચાર દિવસનો સમય તો મળવા દે!'

અંજુબહેને જોયું કે મહિલા મંડળ સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસ કરીને આવી પણ ગયું. ઓટલા પરિષદમાં સૌએ કરેલા આનંદની વાત, દેવદર્શનની વાતો થતી હતી. અંજુબહેન સાંભળતાં હતાં. બધાંએ કરેલી ખરીદીની વાત કરી. ક્યાંકથી બાળકો માટે રમકડાં તો બેટ દ્વારકાથી શંખ-છીપલાંની માળા, છીપલાંનાં રંગબેરંગી રમકડાં, તો મહુવામાંથી લાકડાંનાં રમકડાંની ખરીદી. એક બહેન તો વળી એમ પણ કહેતાં હતાં કે, 'મારાં જીવનમાં મેં દરિયો પહેલીવાર જોયો. બાપા! દરિયાનું પાણી કેવું ઊછળે! બીક લાગે. બેટ દ્વારકા તો અમે હોડીમાં બેસીને ગયાં, ખૂબ આનંદ આવ્યો! રમાબહેન આવું કંઈક ગોઠવતાં રે’જો હોં! અમારાં જેવા થોડું-ઘણું હરી-ફરી તો શકે!'

શિયાળાએ વિદાય લીધી. ઉનાળો પુરજોશમાં હતો. ત્યાં એક દિવસ નવીનભાઈએ નવી જાહેરાત કરી, 'આ વખતે ઉત્તર ભારત નહીં, દક્ષિણ ભારત જવાનું નક્કી કર્યું છે.' નવો કાર્યક્રમ ઘોષિત થયો. નવા સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું. અંજુબહેનને આનંદમાં જોઈને ઓટલા પરિષદના એક બહેને પૂછ્યું. તો અંજુબહેને દક્ષિણ ભારતના પ્રવાસની વાત કરી. સ્થળોની માહિતી વગેરે ચર્ચા થઇ ને ઓટલા પરિષદ વિખેરાઈ ગઈ. બે-ચાર દિવસમાં અચાનક દક્ષિણ ભારતનો પ્રવાસ પણ રદ થયો. કૌટુંબિક પરિસ્થિતિ આડે આવી! સાસુ-સસરાનો પ્રશ્ન આડે આવ્યો. સાસુમા બીમાર પડી ગયાં. હવે સસરાજીને સાચવે કોણ ? અંજુબહેન બબડ્યાં, 'આમ જુઓ તો સાસુમાને નખમાંયે રોગ નો’તો પણ જીવ એવો કે જંપીને બેસે જ નહીં. બાથરૂમમાંથી પાણીની ભરેલી ડોલ ઊંચકીને વરંડામાં લઈ જવાનું કોણે કહ્યું હતું! તે પડ્યાં! ને પગ ભાંગ્યો. અહીં મારો પ્રવાસ કાર્યક્રમ ભાંગી પડયો! હવે પથારીમાં પડ્યાં આરામ કરે છે! સેવા કરવાની મારે! ઉપરથી સસરાજીની સેવા તો લટકામાં. બધાંનું કામ કરવું પડે તે નફામાં. માંડ બે-પાંચ દા’ડા પ્રવાસમાં જવા મળ્યા હતા. આરામ તો ઠીક હવે હુકમ સાંભળવાના - 'અંજુ, પાણી આપજે. અંજુ, દવા આપજે. અંજુ... અંજુ... અંજુ...' લટકા કરતાં અંજુબહેન બબડી ઊઠ્યાં.

અંજુબહેન યાદોમાં ખોવાઈ ગયાં. નવીન સાથે સગાઈનું નક્કી થયું ત્યારે સૌ હરખાતાં હતાં. એકનો એક દીકરો છે, નોકર-ચાકર છે, સુખી કુટુંબ છે. અંજુબહેનને યાદ આવ્યું કે, સગુણાકાકી બોલેલાં, 'ઘરમાં ત્રણ - ત્રણ વડીલો છે. સાસુ-સસરાને વડસાસુ! અંજુની જવાબદારીનો તો વિચાર કરો.' ત્યારે અંજુને યાદ આવ્યા મમ્મીના શબ્દો, 'એ તો બધાં ઉંમરલાયક, ખર્યું પાન કે’વાય. બાકી, મારી અંજુ ત્યાં રાજ કરશે રાજ! હરશે, ફરશે અને દુનિયા આખીનો પ્રવાસ કરશે.!'

અંજુ બબડી 'હા, હરું છું, ફરું છું ને, આખા બંગલામાં! દુનિયાનો તો શું શહેરનો પણ પૂરો પ્રવાસ નથી કર્યો.'

નવીનભાઈ આમ ને આમ આખા ભારતનો પ્રવાસ ગોઠવતા રહ્યા, રદ કરતા રહ્યા. ક્યારેક ધંધો, ક્યારેક માતા-પિતાનો પ્રશ્ન, ક્યારેક બાળકોના અભ્યાસનો પ્રશ્ન, ક્યારેક વ્યાવહારિક પ્રસંગો. આમાં અટવાયેલાં અંજુબહેન ક્યાંય ન જઈ શકયાં. મહિલા મંડળ પ્રથમ પ્રવાસની સફળતા જોઇને વિવિધ સ્થળોએ એકાદ-બે દિવસનો પ્રવાસ કરતું રહ્યું, ફરતું રહ્યું. અહીં અંજુબહેનનો પ્રવાસ કાર્યક્રમ ફરતો રહ્યો. દાંપત્યજીવનના પચ્ચીસ વર્ષ વીતી ગયાં. દીકરાને પરણાવ્યો. દીકરો-વહુ હનીમૂન ટૂરમાં જવાની તૈયારી કરતાં હતાં, પેકિંગ ચાલતું હતું. ઉત્તર ભારતનો દસ દિવસનો પ્રવાસ હતો.

અંજુબહેન દીકરાની વહુને મદદ કરતાં કરતાં ડેલહાઉસી, ખજ્જિયાર, શિમલા, મનાલી, દિલ્હીનું આબેહુબ વર્ણન કરતાં હતાં. ત્યાં પુત્રવધૂએ પૂછ્યું, 'મમ્મીજી, તમે તો બધે જઈ આવ્યાં લાગો છો. દરેક સ્થળનું જીવંત પ્રસારણ કર્યું ને તમે તો ખૂબ ફર્યા લાગો છો!' અંજુબહેન ઊંડા નિ:શ્વાસ સાથે દુ:ખતા ગોઠણ દબાવીને બોલ્યાં, 'સ્થળ પર રૂબરૂ ગયા હોઈએ તો જ પ્રવાસનું વર્ણન થાય એવું થોડું છે બેટા! ક્યારેક વાંચેલું, સાંભળેલું પણ કામ લાગે ને? અને 'કાલ્પનિક' પ્રવાસ પણ થઈ શકે ને, બેટા?'
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...