ઇટ્સ કોમ્પ્લિકેટેડ:કેટલાક સંબંધો બંધનના, કેટલાક ઋણાનુબંધના અને કેટલાક અનુબંધના... શું તમને લાગ્યો છે સંબંધોનો જેકપોટ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંબંધ એટલે...? સંબંધ એટલે જીવનના સૌંદર્યને ધીમે-ધીમે ખોલતી કેડી. સંબંધ માત્ર સૌંદર્યને ખોલતો નથી, ખીલવે પણ છે. સંબંધ એટલે હૃદયમાં પડેલા પ્રેમને વ્યક્ત કરવાનો અવકાશ અને મિજાજ. સંબંધ એટલે મનના પુષ્પ પરનાં સુવાળાં-મુલાયમ ઝાકળબિંદુ.

સંબંધ એટલે જિંદગીને ઉત્તમ રીતે જીવવા માટેનો રસ્તો બતાવતો ભોમિયો. સંબંધ એટલે પારાવાર પ્રેમનો જેકપોટ. માણસ માત્ર પ્રેમને પાત્ર. પ્રેમ વિના માણસ જીવી શકે નહીં. પ્રેમ એક એવી ઉપલબ્ધિ છે, જે જીવનને હરિયાળું અને રળિયામણું બનાવે છે. પ્રેમને પોતાના ખોબામાં લઈને આવે છે સંબંધ. સંબંધ નામની નદીમાં પ્રેમનાં નીર અવિરત વહ્યાં કરે છે અને માણસ સુંદર રીતે જીવ્યા કરે છે.

સંબંધ અનેક પ્રકારના હોય છે. કેટલાક સંબંધ નામના પણ હોય અને કેટલાક નામ વિનાના પણ હોય. આમ તો દરેક સંબંધનું એક નામ હોય છે. જેવું સંબંધને કોઈ નામ મળે એટલે સંબંધને અસલિયત, તેની પૂર્ણતા, તેની સંબંધિતતા થોડી ખરડાય જ. જેમ અંતર-મનમાં આવેલા વિચારને ભાષા લાધે ત્યારે એ વિચારને થોડો ઘસરકો પડે બિલકુલ એ જ રીતે. નામ એટલે સિક્કો. નામ એટલે ઓળખ. સંબંધનો સાચો સ્વભાવ તો નામ વિના જ વ્યક્ત થવાનો છે. જો કે, એ તેનો અસલ અને મૂળ સ્વભાવ છે. એવા સંબંધો હોય છે, પણ એ તો ખૂબ થોડા.

નામવાળા સંબંધો બે પ્રકારના હોય છે. માત્ર નામના સંબંધો. એટલે કે કહેવા પૂરતા. અનિવાર્યતા હોય એટલે રાખવા અને ટકાવવા પડે એવા સંબંધો. સમાજમાં રહેવું હોય તો કમને, નાછૂટકે દુનિયાની નજરોમાં આવા કેટલાક સંબંધો રાખવા પડતા હોય છે. જેમ અકાઉન્ટની પરિભાષામાં 'નામના ભાગીદાર' હોય તેમ સમાજની ભાષામાં નામના સંબંધો હોય.

આ સંબંધો માત્ર હોવા ખાતર હોય છે. એમ કહો કે ખાલી ખોખાં જેવા આ સંબંધ હોય છે. એવા સંબંધો હોય તો પણ શું અને ના હોય તો પણ શું? આવા સંબંધો પ્રાણ વિનાના, વજુદ વિનાના, શ્વાસ વિનાના હોય છે. બીજા સંબંધો હોય છે નામવાળા. એટલે કે જેને નામ મળ્યું છે એવા સંબંધો. આવા સંબંધો અપરંપાર હોય છે. આવા સંબંધોની બહુમતિ હોય છે. આવા સંબંધો ઉપર દુનિયા ચાલે છે. સંબંધો વિના કોઈને ચાલતું નથી.

માણસનો સ્વભાવ જ સમૂહમાં રહેવાનો છે. જ્યારે માણસે સમૂહમાં રહેવાનો પ્રારંભ કર્યો ત્યારે સંબંધોની શરૂઆત થઈ. કેટલાક સંબંધો ઉગતા સૂરજના તડકા જેવા હોય છે મુલાયમ અને સૌમ્ય. ઊગતા સૂરજના તડકાના ખૂબ લાભ હોય છે. કહેવાય છે કે સૂર્ય ઊગે તે પછી એક કલાક સુધી તેનાં કિરણો શરીરમાં લેવાથી ખૂબ લાભ થાય છે. ઊગતા સૂરજ જેવા કેટલાક સંબંધો કાયમ લાભ આપનારા જ હોય છે.

કેટલાક સંબંધો બપોરના સૂરજના તડકા જેવા આકરા હોય છે. સંબંધો વિના ચાલે નહીં, પણ તેનો તાપ સહન કરવો પડે. તો વળી કેટલાક સંબંધો ઢળતા કે આથમતા સૂરજ જેવા હોય છે. સંધ્યા સમયના મનોહર રંગોની જેમ આવા સંબંધો પણ ઓપતા અને શોભતા હોય છે. કેટલાક સંબંધો તાજાં ખીલેલાં ફૂલ જેવા હોય છે. તેમાં રંગ હોય અને સુગંધ પણ હોય. કેટલાક સંબંધો 'રંગે રૂડાં અને રૂપે પૂરાં' હોય પણ તેમાં સુગંધ ન હોય. તેને તમે પ્લાસ્ટિકનાં ફૂલો જેવા સંબંધો કહી શકો.

કેટલાક સંબંધો સમૂહની ભરતી જેવા હોય. આવા સંબંધોમાં સતત ભરતી જ આવે. ક્યારેક સહન ન કરી શકાય એવી જબરજસ્ત ભરતી પણ આવે. કેટલાક સંબંધ ઓટ જેવા હોય. તમારાં જીવનમાં સતત ઓટનો અનુભવ કરાવે. કેટલાક સંબંધો કોઈ પક્ષીના સુમધુર અને કર્ણપ્રિય ટહુકા જેવા હોય. વારંવાર સાંભળવાનું મન થાય એવા. કેટલાક સંબંધો હૈયાને પ્રેમની સાચી અભિવ્યક્તિ કરાવે એવા હોય છે. જે વ્યક્તિ તમને ગમતી હોય તેનું સ્મરણ માત્ર તમને આનંદથી તરબતર કરી દે. મનગમતી વ્યક્તિની હાજરી કે તેનો સહવાસ તો તમને ધન્ય ધન્ય કરી નાખે.

આ એવા સંબંધ હોય છે જેમાં તમે વ્યક્ત ન કરી શકો એવો તમને આનંદ થાય. એ સ્તરનો આનંદ થાય કે પ્રેમની અભિવ્યક્તિનું કોઈ માપ હોતું નથી. બાકી સાચા પ્રેમભર્યા સંબંધોમાં વ્યક્તિનો પ્રેમ મહત્તમ રીતે ખીલતો હોય છે. જો કે, જેમ હવામાનમાં વધ-ઘટ થાય છે તેમ પ્રેમમાં પણ વધ-ઘટ થાય. અપેક્ષા અને સ્વાર્થ, હિત અને હેતુના પાયા પર રચાયેલા અને સચવાતા સંબંધો પણ શેરબજાર જેવાં થઈ જતાં હોય છે. જેમ શેરબજારમાં શેરના ભાવમાં વધ-ઘટ થાય એ રીતે સંબંધોમાં પ્રેમના ભાવમાં વધ-ઘટ થતી હોય છે.

કેટલાક સંબંધો મેઘધનુષ્ય જેવા હોય છે. આવા સંબંધોમાં સાત રંગ ખીલતા હોય છે. આવા સંબંધો પ્રેમ, સંવેદના, કરુણા, મમતા, વાત્સલ્ય, લાગણી, ઊર્મિ દરેક પરિબળને પૂર્ણપણે વ્યક્ત કરતા હોય છે. કેટલાક સંબંધો બંધનના, કેટલાક ઋણાનુબંધના અને કેટલાક અનુબંધના હોય છે. ઋણાનુબંધના સંબંધોનું વિશ્વ સંબંધોના વિશેષ એવા વિશ્વને રજૂ કરતું હોય છે.

કેટલાક સંબંધો શાંતિનો અનુભવ કરાવતા હોય છે. આવા સંબંધો કોઈ ઘટાદાર વૃક્ષના છાંયડા જેવા હોય છે. ત્યાં જઈને બેસીએ એટલે શાંતિનો અનુભવ થાય. કેટલાક સંબંધોમાં કાયમ ચોક્કસ અને નિયત સ્તરે પ્રેમ વ્યક્ત થયા જ કરે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...એ કાવ્યમાં દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે કહ્યું છે કે, 'ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...' માતા ઉપરાંત પણ અનેક વ્યક્તિઓ જોડેથી (નસીબરદાર વ્યક્તિને) આવો એકસરખો પ્રેમ મળતો હોય છે.

કેટલાક સંબંધો અજંપાના જન્મદાતા હોય છે. આવા સંબંધોમાં કોલાહલ વધારે હોય છે. કેટલાક સંબંધો અશાંતિના પિતામહ હોય છે. આવા સંબંધોમાં શોરબકોર વિશેષ હોય છે. કેટલાક સંબંધો સુરીલા હોય તો અને કેટલાક સાવ કર્કશ. જો કે, કર્કશ અને ઘોંઘાટિયા સંબંધને સુરીલા બનાવવાની તરકીબ ઘણા પાસે હોય છે. કેટલાક સંબંધો પ્રવાસી સંબંધો હોય છે. પ્રવાસમાં ટૂંકા સમય માટે થયેલા આ સંબંધો ઘણીવાર હૃદયના ખૂણામાં પ્રતિષ્ઠિત થઈ જતા હોય છે.

ઘણા સંબંધો આધ્યાત્મિક સંબંધો હોય છે. ઘણા સંબંધો લોહીના હોય તો ઘણા સંબંધો લોહી પીનારા પણ હોય. કેટલાક સંબંધો વળી લોહી વહેવડાવનારા પણ હોય. મનગમતી વ્યક્તિને લોહીથી પત્ર લખનાર અભિવ્યક્તિમાં પ્રેમનું રૂપ જૂદું છે, તો મનગમતી વ્યક્તિ બીજા કોઈને પ્રેમ કરે ત્યારે તેના પર પ્રહાર કરીને તેનું લોહી વહેવડાવવું એમાં પણ પ્રેમની અભિવ્યક્તિ સાવ જુદી હોય છે. સંબંધ, સ્વાસ્થ્ય અને સમય. એક વખત જતાં રહે પછી તેને પાછાં મેળવવાં અઘરાં છે. તેથી, દરેક સંબંધને ગંભીરતાથી લેવા જોઈએ. કેટલાક સંબંધ મધુરતાથી છલકાતા હોય. આવા સંબંધોની હાજરીમાં જીવન રળિયામણું થઈ જાય છે. મધુરતાની સાથે સાથે કડવાશના ઘૂંટડા પણ પીવા પડે છે.

અજબ છે સંબંધોની સૃષ્ટિ!!

જતી વેળાનું સ્મિતઃ
સંબંધ તારાં નામ છે હજાર
કયા નામે તને કરવું વ્હોટ્સએપ?
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...