તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • So The Thing Is That After Modi, Yogi ... But Only In The Next UP Elections, Modi's Fight Against Yogi Can Decide The Direction Of Politics.

ડિજિટલ ડિબેટ:આમ તો વાત એવી છે કે મોદી પછી યોગી... પણ યુપીની આગામી ચૂંટણીમાં જ યોગી વિરુદ્ધ મોદીની લડાઈ રાજકારણની દિશા નક્કી કરી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં કારણ કે, આજેય સત્તાનો માર્ગ અહીંથી પસાર થાય છે ત્યારે યોગી આદિત્યનાથની સામે ભાજપમાંથી જ કેમ સવાલો ઊભા થવા લાગ્યા છે?

જયવંત પંડ્યા (JP): ઉત્તર પ્રદેશ અને પંજાબ બંને રાજ્યોમાં સત્તાધીશ પક્ષોમાં ઉથલપાથલ મચી છે. કોંગ્રેસ માટે પંજાબ બચાવવું જરૂરી છે. પરંતુ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતવા અને રાજ્યસભામાં બહુમતી અથવા બળવત્તર સંખ્યા રાખવા માટે ભાજપે ઉત્તર પ્રદેશનું રાજ્ય જાળવી રાખવું જરૂરી છે.
દિલીપ ગોહિલ (DG): ગણ્યાંગાઠ્યાં રાજ્યોમાં કોંગ્રેસ બચી છે એટલે પંજાબ અગત્યનું ખરું, પરંતુ માત્ર કોંગ્રેસ માટે, અસલી ખેલ ઉત્તર પ્રદેશનો છે અને અહીંનો આંતરિક વિખવાદ માત્ર ભાજપ માટે નહીં, સમગ્ર દેશના રાજકારણની દિશા નક્કી કરનારો બની શકે છે.

JP: ગડમથલ કેમ છે તે સમજવી જરૂરી છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુથી માંડીને પક્ષના સાંસદો કેપ્ટન અમરિન્દર સિંહની કાર્યશૈલીથી અસંતુષ્ટ છે. અત્યારે કોંગ્રેસની સમિતિ સમક્ષ આખો મામલો છે. બીજી તરફ, યોગીની સરકારથી ભાજપ સમર્થકો ખુશ છે. પરંતુ ભાજપના આંતરિક વર્તુળો નહીં. યોગી એ આગામી સમયમાં વડાપ્રધાનના ઉમેદવાર ગણાય છે. તેથી, આંતરિક વર્તુળો જ તેમની પાંખ કાપવા આતુર જણાય છે.
DG: આ જ અગત્યની બાબત છે. ઘણા લોકો યોગીને ભવિષ્યની આશા તરીકે જોવા લાગ્યા છે ત્યારે બહારના લોકો કરતાં ભાજપના અનેક નેતાઓ સાવધ થઈ ગયા છે. આમ તો વાત એવી છે કે મોદી પછી યોગી. પરંતુ નરેન્દ્ર મોદીની મનોવૃત્તિ દૂરના ભવિષ્યમાં પણ કોઈને મોટા નેતા ન થવા દેવા એવી રહી છે. જોખમ ના લેવાય, 2024 પર હજી મીટ છે. ને કદાચ સ્થિતિ જરા આમતેમ થઈ, ટેકા સાથેની સરકાર બનાવવાનું આવ્યું અને તેમાં (ધારો કે) SP જેવા વધુ બેઠકો સાથેના પક્ષનો ટેકો લેવાનું આવ્યું તો યોગી ખેલ ના પાડે તેની શી ખાતરી?

JP: યોગી સરકારે કોરોના સામે સારું પ્રબંધન કર્યું, લવ જેહાદ વિરોધી કાયદો કર્યો, ગુંડાઓનાં એન્કાઉન્ટર કર્યાં, એન્ટી રોમિયો સ્ક્વોડ લાવી, CAA વિરોધી હિંસામાં સમાવિષ્ટોનાં નામ જાહેર કર્યાં, ફિલ્મ સિટી બનાવવાનું બીડુ ઝડપ્યું, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ, ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવું વગેરે અનેક કામો ભલે કર્યાં. તેમ છતાં આખરે તો ચૂંટણીમાં પર્ફોર્મન્સ જોવાય છે. તાજેતરમાં પંચાયતની ચૂંટણીમાં અયોધ્યા, કાશી, મથુરામાં ભાજપનો રકાસ થયો, વારાણસીમાં ભાજપનો રકાસ થયો. કોંગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં સુધરી. આ બધી સ્થિતિ ચિંતાજનક છે. યાદ રહે, ભાજપમાં ગમે તેવા મોટા નેતા હોય, પર્ફોર્મન્સ ન આપે તેનું કોઈ કામ રહેતું નથી; ચાહે તે અડવાણી હોય કે આનંદીબહેન.
DG: કોરોનામાં યોગી સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે અને એટલે જ મોકાણ થઈ છે. અંતિમસંસ્કાર માટે લાકડાં ન મળે અને મા ગંગાએ શબવાહિની બનવું પડે એવી કરૂણ સ્થિતિ રાજ્યમાં થઈ અને તેની જ આ મોકાણ છે. ઠાકુર લોબીનું જોર અને માત્ર 3 ઠાકુર અધિકારીઓથી રાજ ચલાવવું, કોઈને ગાંઠવું નહીં એ બધું પણ ખરું. આંતરિક સર્વે જ કહે છે કે, યોગી રાજમાં ફરીથી સત્તા મેળવવી મુશ્કેલ છે. ગત વખતે વિધાનસભામાં 75 ટકા બેઠકો મળી પણ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં 75 ટકા બેઠકો ગુમાવી છે. બીજું કે ખેડૂત આંદોલનની અસર થઈ છે અને જાટ બેલ્ટમાં ભાજપને જાકારો મળ્યો છે અને હા, ભાજપમાં પર્ફોર્મન્સ ન હોય તો રવાના કરી દેવાય તે વાત આમ સાચી પણ યોગી એ અડવાણી કે આનંદીબહેન નથી. યોગીએ સામી બાંયો ચડાવી છે. તેઓ ભાજપ નહીં પણ પોતાની યુવાવાહિની અને ગોરખમઠના કારણે શક્તિશાળી હતા.

JP: સામા પક્ષે કોંગ્રેસમાં સ્થિતિ સારી નથી. વર્ષ 2019માં પ્રિયંકા ગાંધી વાડ્રાના એક ફોન કૉલથી જિતિન પ્રસાદ ભાજપમાં જતા અટક્યા હતા પણ હવે આખરે જતા રહ્યા છે. પક્ષના જૂના નેતાઓમાં ધૂંધવાટ છે અને G-23 ગ્રૂપ રચાયું છે. સમાજવાદી પક્ષ અને બસપાની ધરી રચાઈ રહી હોય તેવા પણ સંકેત નથી. કાકા શિવપાલ યાદવ માની જાય તેવા અણસાર નથી અને મુલાયમ મોટાભાગે અસ્વસ્થ રહે છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સામ-સામે કરતાં પક્ષોમાં આંતરિક ગડમથલ વધારે રહેશે તેમ જણાય છે.
DG: પંજાબમાં કોંગ્રેસ આંતરિક અસંતોષ કેવી રીતે ખાળે છે તેટલા પૂરતું જ મહત્ત્વ છે. યુપીમાં કોંગ્રેસની કોઈ ગણતરી કરતું નથી. માયાવતી કોઈક કારણસર ભાજપ સરકારના દબાણમાં ચૂપ બેઠાં છે એટલે માત્ર સમાજવાદી પક્ષ જ મેદાનમાં રહ્યો છે. જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં SPને સારી એવી બેઠકો મળી છે. કોરોના સંકટમાં યોગી સરકારની સદંતર નિષ્ફળતા, ખેડૂતોમાં અસંતોષ, મુઝફ્ફરનગરના નામે જાટ મતદારોને ભાજપે ઉશ્કેર્યા હતા તે મામલો ખેડૂત આંદોલનને કારણે પૂરો થઈ ગયો છે. જાટ મતો ફરી અજિત સિંહના પુત્રની તરફ વળ્યા છે. બંગાળમાં થયું હતું એમ કોંગ્રેસ કદાચ કોરાણે બેસી રહે, BSPને નિષ્ક્રિયતા નડી જાય અને ભાગલા પડે તો સ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ વિપક્ષમાં શું થાય છે તે કરતાં યોગીનું ભાજપ શું કરે છે તે અગત્યનું છે. આ લખાય છે ત્યારે દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે.

JP: હા, એ ખરું કે સૌથી વધુ નજર ભાજપની આંતરિક સ્થિતિ પર છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ખૂબ જ અપેક્ષા છતાં સત્તા મેળવવામાં કાચી પડી છે. ગંગા નદીમાં વહેલાં શબોનો વિપક્ષ મુદ્દો બનાવશે. રસીકરણમાં અને કોરોના પ્રબંધનમાં નિર્ણયોનો મુદ્દો પણ બનશે. વળી, ભાજપના સાથી પક્ષ અપના દલ (S)નાં અનુપ્રિયા પટેલ પણ દિલ્હી પહોંચ્યાં છે કારણ કે, તેમની માગણીઓ યોગી માનતા નથી તેવી ફરિયાદો છે. જિતિન પ્રસાદના સમાવેશથી ભાજપની સ્થિતિ આમ મજબૂત થાય પણ પશ્ચિમ બંગાળની જેમ બહારના આગંતુકો સામે આંતરિક અસંતોષ વધે પણ ખરો. જે થાય તે પણ પશ્ચિમ બંગાળ પછી બધાની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર આવનારા નવ મહિના સુધી રહેશે. જો કે, આમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચડશે તો ચૂંટણી પાછી ઠેલાવાની સંભાવના પણ નકારી શકાય નહીં.
DG: જિતિન પ્રસાદ કરતાંય બીજા બે મુદ્દા અગત્યના બન્યા છે. નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલથી રાજ કરવા માટે એ. કે. શર્માને ઉત્તર પ્રદેશ મોકલ્યા પણ યોગીએ તેમને ભાવ આપ્યો નથી. તેમને ડેપ્યુટી સીએમ બનાવ્યા નથી. જિતિન પ્રસાદને પણ હવે પ્રધાન બનાવવાની વાત છે. યોગી આ માગણીઓ સ્વીકારશે કે કેમ તે જોવાનું રહે છે. દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર, યોગી અલગ પૂર્વાંચલ બનાવવા માગે છે. ગોરખપુર મઠ આ વિસ્તારમાં છે અને યોગીનું વર્ચસ્વ છે. તેમને ખ્યાલ આવી ગયો છે કે, મોદી અને શાહ પોતાનો ઘડોલાડવો કરી નાખશે એટલે તેમણે આ દાણો ચાંપ્યો છે. તેઓ પૂર્વાંચલ અલગ રાજ્યના સીએમ બની શકે છે. પરંતુ ભાજપની અને નરેન્દ્ર મોદીની ગણતરીઓ અલગ છે. ઉત્તર પ્રદેશમાં નબળી સ્થિતિ સમગ્ર દેશમાં જુદો મેસેજ મોકલે. તે પછી ગુજરાતની ચૂંટણીમાં અણધાર્યું કંઇક થયું તો વર્ષ 2024નું ચિત્ર બદલાઈ જાય. એટલે કોઈ જોખમ લીધા વિના યોગીને કાબૂમાં રાખી મોદી-શાહ પોતાના વ્યૂહ પ્રમાણે આગળ વધવા માગે છે. દિલ્હીમાં બેઠકો પછી શું થશે તે આગામી દિવસોમાં જ સમજાશે. પરંતુ અત્યારે એટલું સ્પષ્ટ ચિત્ર છે કે યુપીમાં યોગી વિરુદ્ધ મોદીની લડાઈ એ 2024માં મોદી વિરુદ્ધ વિપક્ષની લડાઈ જેટલી જ રસપ્રદ બની રહી છે.

(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને સિનિયર પત્રકાર તથા રાજકીય વિશ્લેષક છે)