તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Small Vigilance Stopped Becoming A Big Disaster .... If The Father Gave Sex Education To The Daughter At The Right Age, The Complications In The Relationship Were Solved ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:નાનકડી તકેદારી મોટી આફત બનતાં અટકી.... પિતાએ પુત્રીને યોગ્ય ઉંમરે સેક્સ એજ્યુકેશન આપ્યું તો સંબંધોમાં થતી ગૂંચવણો ઉકેલાઈ ગઈ...

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના હસમુખભાઈ વ્યવસાયે દરજી છે. એક પરામાં તેમની ક્લોથ અને ટેલર્સની દુકાન છે. તેમને એક દીકરો અને દીકરી છે. હસમુખભાઈ ભણેલા ઓછું છે, પણ ગણેલા ઘણું છે. ઉત્તમ વાચક છે. નવું નવું વાંચવાનું તથા યોગ્ય વ્યક્તિઓ સાથે જીવનના મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવાનું પણ તેમને ગમે છે. તેમણે જોયું કે સમાજમાં દીકરીઓ સલામત નથી. ટેકનોલોજીના આક્રમણને કારણે આખી દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે. દીકરીઓ પોતાની પ્રાઇવસીનો અધિકાર ભોગવી રહી છે. તેમને વિચાર આવ્યો કે શા માટે આપણે પોતે જ દીકરીને યોગ્ય ઉંમરે સેક્સની સાચી સમજણ ન આપવી? તેમણે તેનો અમલ પણ કર્યો. તેમની દીકરી 10 વર્ષ પૂરાં કરીને 11મા વર્ષમાં આવી ત્યારથી તેમણે પોતાની દીકરીને સેક્સની સાચી સમજણ તબક્કે તબક્કે આપવાનું શરૂ કર્યું. તેનો ફાયદો થયો. દીકરી ઋતા કહે છે કે, જ્યારે મારા પપ્પાએ મને પહેલીવાર સેક્સની સમજણ આપી ત્યારે મને થોડો સંકોચ થયો હતો પણ જેમ જેમ હું ઉંમરમાં મોટી થતી ગઈ તેમ તેમ સંકોચ ઘટતો ગયો. મારા પપ્પાને કારણે હું ઘણાં કોમ્પલિકેશન્સમાંથી બચી ગઈ. હું મારા પિતાનો જેટલો માનું તેટલો આભાર ઓછો છે. ઋતા ભણીને એક કંપનીમાં જોબ કરે છે. તેનું કહેવું છે કે, જો મમ્મી-પપ્પા યોગ્ય ઉંમરે પોતાનાં સંતાનોને સેક્સનું શિક્ષણ આપે તો ટીનએજર્સ અને યુવાનો અનેક કોમ્પલિકેશન્સમાંથી બચી જાય.

હસમુખભાઈ કહે છે કે, આપણા દેશમાં તો મંદિરોમાં પણ જાતીયતાનાં શિલ્પો છે. જેના કારણે સૃષ્ટિનું સર્જન થાય છે તે વિષયની સૂગ રાખવાની જરૂર જ નથી. જો બાળકોને યોગ્ય રીતે સેક્સની સમજણ ન મળે તો તેઓ મોબાઈલ-ફોન કે પોર્ન સાઈટ્સ પરથી સાવ ખોટી રીતે સેક્સનું જ્ઞાન મેળવે અને તેનો ભોગ બને. એના બદલે સંતાનોના હિતમાં માતા-પિતાએ જ ઘરે યોગ્ય સમયે, યોગ્ય રીતે પોતાના સંતાનોને સેક્સ વિશે સમજણ આપી દેવી જોઈએ. હસમુખભાઈ દૃઢતાપૂર્વક કહે છે કે, જો મેં મારા સંતાનોને સેક્સની સમજણ ન આપી હોત તો સો ટકા તેમનું શોષણ થયું હોત કારણ કે, અત્યારનો જમાનો જ એવો છે.

મુંબઈનું એક ઉદાહરણ આનાથી સાવ જ ઊલટું છે. એક સારા ઘરની દીકરી કોલેજમાં ખરાબ સંગતમાં આવી. સેક્સની અધકચરી સમજણ અને મિત્રોની વાતોમાં આવીને તેણે સેક્સનો અનુભવ કરવાનું નક્કી કર્યું. ઘણા આડી લાઈને ચડેલા યુવાનો આવા શિકારની રાહ જ જોતા હોય છે. આવા એક મવાલી યુવાને દીકરીનો ગેરલાભ લીધો. વારંવાર ગેરલાભ લીધો. યોગ્ય ઉંમરે તેની સગાઈ થવાની વાત આવી તો તેણે વિરોધ કર્યો. તેણે બ્લેક મેઈલિંગ કરવાનું શરૂ કર્યું. જો કે, હિંમત કરીને દીકરીએ માતા-પિતાને સાચી વાત કરી. માતા-પિતાએ યોગ્ય રીતે આખી વાતને પતાવી. સંબંધોની ગૂંચવણ અને મુગ્ધાવસ્થાને ગાઢ સંબંધ છે એ ભૂલવા જેવું નથી.

દીકરો હોય કે દીકરી આ ઉંમરમાં માતા-પિતાએ બંનેનું ધ્યાન રાખવાની આવશ્યકતા હોય છે. મુગ્ધાવસ્થામાં પ્રેમના નામે કોઈની રિલેશનશિપમાં લપસી પડેલી એક યુવતી કહે છે કે, મને તો એવું લાગે છે કે માતા-પિતાએ કડક થઈને પણ 18-20 વર્ષ સુધી દીકરી-દીકરીના મોબાઈલ-ફોન વારંવાર ચેક કરવા જોઈએ. હું તો જ્યારે માતા બનીશ ત્યારે ચોક્કસ મારાં બાળકોને યોગ્ય રીતે સાચવીશ. તેમને ખોટું લાગશે તો પણ તેમના પર કેટલાંક નિયંત્રણો લાદીશ જ. એક યુવતીના મોઢેથી આવી વાત સાંભળીને આપણને નવાઈ લાગે. પરંતુ તે કહે છે કે મને જે કડવો અનુભવ થયો છે તે મારાં સંતાનોને ન થાય તેનું હું ધ્યાન રાખીશ.

જાણીતાં સાહિત્યકાર અને કર્મશીલ ધીરુબેન પટેલે એક વખત કહ્યું હતું કે, 18 વર્ષે બાળકોને મિત્ર માનવાં એ વાત યોગ્ય નથી. કિશોરાવસ્થામાં તો સંતાનોને વધારે સાચવવાનાં હોય. તેમને મિત્ર તરીકે નહીં પણ સંતાન તરીકે જ ટ્રીટ કરવાં જોઈએ. એમાં જ તેમની ભલાઈ અને હિત છે. કિશોરાવસ્થા કે પ્રારંભની યુવાનીમાં છોકરા-છોકરીઓના સંબંધોમાં જે કોમ્પ્લિકેશન્સ ઊભાં થતાં હોય છે તે નાજુક હોય છે, જોખમી હોય છે. દરેક માતા-પિતાની ફરજ છે કે તેમણે ઘરમાં યોગ્ય વાતાવરણ ઊભું કરીને સંતાનોનું ઉત્તમ રીતે ઘડતર કરવું જોઈએ. આ કામ અઘરું છે, પણ અશક્ય નથી.

અમદાવાદના એક પરિવારે નિયમ કર્યો છે કે રાત્રે દસ વાગ્યા પછી દરેકે મોબાઈલ ફોન બંધ કરી દેવાનો અને દરેકે 30 મિનિટ વાતો કરવાની. આ પરિવારના વડા મિલિંદભાઈ કહે છે કે, આ નિયમનો આખા પરિવારને મોટો ફાયદો થયો છે. આ 30 મિનિટ અમારા બધા માટે વરદાનરૂપ સાબિત થઈ છે. અમે બધાં આખો દિવસ જે જે કામ કર્યું હોય તેની ચર્ચા કરીએ છીએ. અમારાં સંતાનો તેમના મનમાં કોઈ પ્રશ્ન હોય તો તેની ચર્ચા કરી શકે છે. દરેક ઘરમાં આવું વાતાવરણ બનવું જોઈએ. ખરેખર તો દરેક ટીનએજર અને યુવાનને ઘરના સભ્યોને પોતાની વાત કરવી જ હોય છે પણ એવું વાતાવરણ હોતું નથી. દરેક ઘરમાં આવું વાતાવરણ હોવું જોઈએ અને તે ઊભું કરવાની જવાબદારી માતા-પિતાની હોય છે.

છેલ્લે એક પિતાએ પોતાના દીકરાની જીવનમાં ઊભી થયેલી સંબંધ-ગૂંચવણને કેવી રીતે ઉકેલી હતી તેની વાત કરીએ. વાત ગુજરાતના એક નગરની છે. દીકરો 16-17 વર્ષનો હતો. તે એક યુવતીના પ્રેમમાં પડ્યો. યુવતી બીજી જ્ઞાતિની હતી તેનો કોઈ વાંધો નહોતો, પણ પરિવાર બરાબર નહોતો. એ પરિવારના મુખ્ય વ્યક્તિ પર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ થયેલી. જો કે, છોકરી રૂપાળી હતી અને આ ભાઈ બરાબર પ્રેમમાં ખાબકેલા. તેમણે તો ભાગી જવાનું પણ નક્કી કર્યું.

યુવાનના પિતા પરિપક્વ અને સ્વસ્થ હતા. તેમણે દીકરીના પરિવાર વિશે પાક્કી અને ઊંડી તપાસ કરાવી. તેમને ચોંકાવનારી માહિતી મળી કે, એ યુવતી સમયાંતરે છોકરાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા પડાવતી હતી. એ પિતાને ખબર હતી કે, જો હું મારા પુત્રને સીધી રીતે આ વાત કહીશ તો તે નહીં જ માને. તે પોતાનું મનનું ધાર્યું જ કરશે. પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડેલાં સંતાનોનો પોતાનાં માતા-પિતા ખોટાં અને ક્યારેક તો ઝેર જેવાં લાગતાં હોય છે. એ યુવાનના પિતાએ પોતાના થોડા મિત્રોની મદદ લીધી. પુત્રને થોડો આગળ પણ વધવા દીધો. તેના પર બરાબર નજર રાખી. જ્યારે એ પુત્રને પોતાની પ્રેમિકાના ભૂતકાળનાં તમામ પ્રેમ પ્રકરણોની પાક્કી માહિતી મળી ત્યારે તેની આંખો ચાર થઈ ગઈ. તે સ્તબ્ધ થઈ ગયો. પછી તો તેને એ યુવતીનાં કારસ્તાનોની બધી જ ખબર પડી ગઈ.

એ ડિપ્રેશનમાં આવી ગયો. તેનો પ્રથમ પ્રેમ હતો. તે ખરેખર સાચા હૃદયથી એ છોકરીને ચાહતો હતો. એ યુવાનની સારવાર કરાવવામાં આવી. પછી તો એ યુવાન એકદમ સ્વસ્થ થયો. તેની સગાઈ થઈ, લગ્ન થયાં અને આજે એ એક દીકરીનો પિતા છે. યુવાનના પિતા કહે છે કે, અમારા માટે એક-દોઢ વર્ષ કસોટીનું હતું. અમે ખૂબ જ ધીરજથી, સ્વસ્થ રીતે એ નાજુક સમય પાર પાડ્યો. તેઓ કહે છે કે, તમામ માતા-પિતાને મારી સલાહ છે કે, જ્યારે આવાં કોમ્પલિકેશન્સ ઊભાં થાય ત્યારે ધીરજ રાખવી. રઘવાટ ન કરવો. સ્વસ્થ રીતે વિચારવું. થોડા ડાહ્યા લોકોની સલાહ લેવી. આપણે સામેના પાત્રના દોષ જોવાને બદલે, તેમને બતાવી દેવાની ભાવનાને બદલે બચી જવાના પ્રયાસો જ કરવા. તેમનું એવું પણ કહેવું છે કે, સંતાનો ટીનએજમાં હોય ત્યારે તેમના પર વધારે ધ્યાન આપવું. તેમના કોમ્યુનિકેશનને ચેક કરતા રહેવું. ખાસ તો તેઓ ખોટી સંગતમાં ન આવી જાય તેનું ધ્યાન રાખવું. નાનકડી તકેદારી મોટી આફતને રોકી શકે છે. positivemedia2015@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો