તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસ ગવાહ હૈ:સર સિરિલ રેડક્લિફે ભાગલાની ગોઝારી સરહદરેખા ખેંચી અને 10 લાખ લોકો મોતને ઘાટ ઊતર્યા!

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ ઇન્ડિયાના પંજાબ અને બંગાળના ભાગલા લોઢાના ચણા ચાવવા જેવું કામ
  • રેડક્લિફના વડપણ હેઠળનાં બંને ભાગલા પંચોમાં બંને બાજુના બબ્બે ન્યાયાધીશો
  • ભારતને ફાળવાયેલું લાહોર છેલ્લે પાકિસ્તાનને અપાયાનો પંચના વડાનો એકરાર
  • 17 ઓગસ્ટ 1947નો સરહદ ચુકાદો લાખોની કત્લેઆમ અને સ્થળાંતરનું નિમિત્ત

બ્રિટિશ ઇન્ડિયામાંથી અંગ્રેજ શાસન સંકેલી લેવાના એજન્ડા સાથે માર્ચ 1947માં ભારત આવેલા નવા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ ભાગલાની જાહેરાત કરી. ભારત સંઘ અને પાકિસ્તાન સંઘની જાહેરાત થતાં જ પંજાબ અને બંગાળના ભાગલાનો તેમજ સરહદ નિર્ધારણનો પેચીદો પ્રશ્ન હલ કરવો પડે તેમ હતો. કોંગ્રેસના ટોચના બે નેતા પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમ જ મુસ્લિમ લીગના વડા મોહમ્મદઅલી ઝીણા કોઈ સર્વાનુમત પર આવે એવું હતું નહીં. વાઇસરોયના બોસ એટલે કે એ વેળાના ભારતમંત્રી લોર્ડ લિસ્ટોવેલે લંડન બાર એસોશિએશનના ઉપપ્રમુખ અને પાછળથી ન્યાયાધીશ થવાના હતા એ સર સિરિલ રેડક્લિફનું નામ સરહદનિર્ધારણ માટેના પંચના વડા તરીકે સૂચવ્યું.

અગાઉ ક્યારેય ભારત નહીં આવેલા અને આ ભાગલાના સરહદી ચુકાદા પછી પણ ક્યારેય ભારત નહીં આવનારા રેડક્લિફ 8 જુલાઈ 1947ના રોજ દિલ્હી આવી પહોંચ્યા. વાઇસરોય સાથેની મુલાકાતમાં એમના આ પડકારરૂપ કામ માટે માત્ર પાંચ જ સપ્તાહનો સમય એમની પાસે હોવાનું સ્પષ્ટ થઇ ગયું. સામાન્ય રીતે એવો ભ્રમ ફેલાવાય છે કે ઝીણા અને નેહરુ બંનેએ માન્ય રાખેલા સર રેડક્લિફે કશું જાણ્યાસમજ્યા વિના સરહદરેખા દોરી કાઢી. હકીકતમાં એમની મદદમાં ભારતમાંની હાઇકોર્ટના ન્યાયાધીશો અને આઇસીએસ અધિકારીઓ હતા. પૂર્વ પાકિસ્તાન (હવેનું બાંગલાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાન (હવેનું પાકિસ્તાન) મેળવનાર ઝીણા જીદે ચડ્યા હતા કે બંગાળ અને પાકિસ્તાન આખેઆખું પાકિસ્તાનને મળે. નેહરુ-સરદારની જોડી એ માટે તૈયાર નહોતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પોતાના પ્રતિનિધિરૂપ ન્યાયાધીશો બંગાળ અને પંજાબના ભાગલા માટે નામનિયુક્ત કર્યા. પંજાબના ભાગલા માટે બબ્બે અને બંગાળના ભાગલા માટે બબ્બે પ્રતિનિધિ તરીકે એ વેળાના હાઇકોર્ટના ન્યાયાધીશો નિયુક્ત કરવામાં આવ્યા. બંને પંચ કોઈ સર્વાનુમત સરહદરેખા નિર્ધારણ પર ન આવી શક્યાં એટલે અંતિમ ચુકાદારૂપ સરહદરેખા ખેંચવાનું રેડક્લિફના શિરે આવ્યું. જો કે, એમની સમક્ષ બંને પંચના ન્યાયાધીશો અને એમના સચિવાલયે એકત્ર કરેલી વિપુલ માહિતી, દાવાઓ અને પ્રતિદાવાઓ તેમજ ગહન સમજણ હતી. 17 ઓગસ્ટે ચુકાદો જાહેર થયો અને સરહદે નરી જંગાલિયત જોવા મળી. એ વેળાના ઘા સરહદની બંને બાજુ હજુ રૂઝાયા હોય એવું લાગતું નથી.

ભાગલા માટેની આક્રમકતા

14 ઓગસ્ટે પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં અને 15 ઓગસ્ટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં સત્તાંતરના સમારંભ શાંતિથી પાર પડે એટલા માટે એ પહેલાં રેડક્લિફ ચુકાદો જાહેર નહીં કરવાનો માઉન્ટબેટનનો નિર્દેશ હતો. 16 ઓગસ્ટ 1947ના રોજ સાંજે પાંચ વાગે બંને બાજુના પ્રતિનિધિઓને બે કલાક માટે પંચના ચુકાદાના દસ્તાવેજોનો અભ્યાસ કરવાની તક અપાઈ. બંને પક્ષોનો રાજીપો તો નહોતો અને શીખ સમુદાયને તો છેતરાયાની અનુભૂતિ થઇ હતી છતાં સર રેડક્લિફના સરહદરેખા અંગે ચુકાદાની 17 ઓગસ્ટ 1947ના રોજ જાહેરાત થતાં જ સ્થળાંતર, કત્લેઆમ અને મહિલાઓનાં અપહરણ-બળાત્કાર તેમ જ વટાળવૃત્તિના પાશવી ખેલ શરૂ થયા. 8 કરોડ 88 લાખની વસ્તીના 4,50,000 ચોરસ કિલોમીટરના પ્રદેશોની સરહદ ખેંચવાનું કામ માંડ થોડા સપ્તાહમાં કરવાનું બંને પંચોના શિરે આવ્યું હતું. શરૂઆતમાં તો ઝીણા સરહદના પ્રશ્નને ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના માધ્યમનો આગ્રહ રાખતા હતા પણ એની પ્રક્રિયા લાંબી થાય એટલે છેવટે એમણે રેડક્લિફ પંચની બાબતને સ્વીકારી હતી. નેહરુ-સરદારે પણ. પંજાબ અને બંગાળના ઇતિહાસમાં કોમી ધોરણે ભાગલાની વાત તો છેક 1905 અને 1908માં લોર્ડ કર્ઝનના યુગથી ચર્ચામાં હતી. 1905માં બંગાળના ભાગલા કરાયા પણ બંગાળી રાષ્ટ્રવાદના પ્રબળ વિરોધને પગલે 1911માં એનો વીંટો વાળી દેવાયો હતો. આઝાદીના સમયગાળામાં પણ સુહરાવર્દી-સરત બોઝ અલગ સંયુક્ત બંગાળ દેશ માટે ચળવળ ચલાવી રહ્યા હતા. 1908માં ભાઈ પરમાનંદ, લાલ લાજપત રાય અને જી.ડી. બિરલા જેવાઓએ કોમી ધોરણે પંજાબના ભાગલાની ભૂમિકાનાં બીજ વાવેલાં જ હતાં. અંગ્રેજ હાકેમો વિદાય થઇ રહ્યા હતા ત્યારે બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા અટળ બન્યા ત્યારે બંગાળ અને પંજાબના ભાગલા માટેની આક્રમકતા બંને પક્ષે વધી.

બે પ્રાંતના ભાગલા માટે પંચ
રેડક્લિફની અધ્યક્ષતામાં જે બે સરહદ પંચ રચાયાં તેમાં પંજાબના પંચમાં મુસ્લિમ લીગે જસ્ટિસ દીન મોહમ્મદ અને જસ્ટિસ મુહમ્મદ મુનીર તથા કોંગ્રેસે જસ્ટિસ મેહર ચંદ મહાજન અને જસ્ટિસ તેજા સિંહને નામનિયુક્ત (નોમિનેટ) કર્યા હતા. મહાજન પાછળથી ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા. બંગાળ પંચના અધ્યક્ષ તો રેડક્લિફ જ હતા પણ તેમાં મુસ્લિમ લીગના પ્રતિનિધિ તરીકે જસ્ટિસ અબુ સાલેહ અક્રમ અને જસ્ટિસ એસ.એ.રેહમાન તથા કોંગ્રેસના પ્રતિનિધિ જસ્ટિસ સી.સી.બિસ્વાસ અને જસ્ટિસ બી.કે. મુખરજી હતા. પંજાબની 1936ની બેચના આઇસીએસ અધિકારી ક્રિસ્ટોફર બેઉમોન્ટ રેડક્લિફ પંચના સચિવ હતા. પંચના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત મધ્ય પ્રાંતના 1927ની બેચના આઇસીએસ અધિકારી કેવીકે સુંદરમ એ વેળા ગવર્નર-જનરલ અને વાઇસરોયના પણ ખાસ ફરજ પરના અધિકારી હતા.એમના સસરા સરદાર હરબંસ સિંહ અમૃતસરના સમૃદ્ધ જાટ શીખ જમીનદાર હતા. કોંગ્રેસ વતી મુંબઈના જાણીતા ધારાશાસ્ત્રી એમ.સી. સેતલવાડ, મુસ્લિમ લીગ વતી વાઇસરોયની કાઉન્સિલમાં રહેલા સર ઝફરરુલ્લા ખાન અને અકાલી દળ વતી લાહોર હાઇકોર્ટના ધારાશાસ્ત્રી હરનામ સિંહ હાજર રહ્યા હતા.સેતલવાડ પાછળથી ભારતના પ્રથમ એટર્ની જનરલ નિમાયા હતા. સર ખાન પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા હતા. હરનામ સિંહ પંજાબ હાઇકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. બંને પંચોની સુનાવણી લાહોર અને કોલકાતામાં યોજાઈ હતી.

માણસાઈ મરી પરવારી

રેડક્લિફ પંચના ચુકાદા સામે પાકિસ્તાને ભારે ઉહાપોહ મચાવ્યો. જમ્મુ-કાશ્મીર માટે ભારતને અનુકૂળતા કરી આપવા માટે ફિરોઝપુર-ગુરુદાસપુરના મુસ્લિમ બહુલ વિસ્તારો પણ ભારતને ફાળવાયા એવી ફરિયાદને પગલે બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ તપાસ પણ નિયુક્ત કરી હતી. જો કે, પંચના સચિવ ક્રિસ્ટોફરે જ ભારતની તરફેણમાં સરહદનો નક્શો ફરીને અંકિત કરાયાની વાત 24 ફેબ્રુઆરી 1992ના ધ ડેલી ટેલિગ્રાફ, લંડનમાં કરી હતી. 9 ઓગસ્ટ 1947ના રોજ સર રેડક્લિફ થકી વાઇસરોયને સૂચિત ચુકાદાના નક્શા બતાવ્યા હતા. એમાં ફેરફાર કર્યાની વાત પણ રેડક્લિફ કબૂલે છે. જો કે, વર્ષ 1971માં લંડનમાં સર રેડક્લિફને એમના ઘરે મળેલા પત્રકારશિરોમણિ કુલદીપ નાયર સાથેની વાતચીતમાં પંચના વડાએ ધડાકો કર્યો હતો કે, મૂળ નક્શામાં લાહોર ભારતને અપાઈ રહ્યું હતું પણ કોલકાતા ભારતને મળતું હતું અને પાકિસ્તાન પાસે કોઈ મોટું શહેર નહોતું એટલે મેં ઉપરથી પાકિસ્તાનની તરફેણ કરીને લાહોર પાકિસ્તાનને આપ્યું હતું. કાશ્મીર વિશે હું લંડન પાછો ફર્યો ત્યાં લગી જાણતો પણ નહોતો. રેડક્લિફ હિંદુ અને મુસ્લિમોને ન્યાય આપી શક્યા પણ શીખોને તો સાવ જ અન્યાય કરાયો. કારણ શીખોનાં નાનકાના સાહેબ સહિતનાં મુખ્ય ધાર્મિક આસ્થાસ્થાનો પાકિસ્તાનમાં ગયાં.

સરહદ પંચના ચુકાદાની જાહેરાત સાથે જ જે હિજરત અને કત્લેઆમ શરૂ થઇ એના પ્રતાપે માણસાઈ મરી પરવારી હોવાનાં દૃશ્યો સર્જાયાં. કોઈક જ્યોતિષીએ રેડક્લિફને એવું કહ્યું હોવાની ચર્ચા છે કે, જો તમે ભારત આવશો તો તમારા આ પાપથી ગિન્નાયેલામાંથી કોઈ તમારી હત્યા કરશે. 1 એપ્રિલ 1977ના રોજ લંડનમાં એમના મૃત્યુ લગી એ ફરી ક્યારેય ભારત આવ્યા નહીં. એમના ચુકાદાએ સર્જેલા ધાર્મિક ઉન્માદમાં મૂળસોતાં ઉખડેલાં 1 કરોડ 30 લાખ લોકોએ સ્થળાંતરિત થવું પડ્યું. 10 લાખ જેટલાંને મોતને ઘાટ ઉતારાયાં. બે લાખ કરતાં વધુને ધર્મ પરિવર્તન માટે વિવશ કરાયાં. 80,000 જેટલી મહિલાઓનાં અપહરણ થયાં અને એમાંની 54,000 તો ક્યારેય પોતાનાં પરિવાર સાથે પરત જોડાઈ ન શકી. રેડક્લિફ ચુકાદાના પ્રતાપે આ હાહાકાર મચ્યો અને એના ઘા હજુ રૂઝાયા નથી.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો