• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Should The Title Of Fanatical Hindu Embellish Or Insult Gandhiji? Dirty Political Game Played By Creating Controversy Even In Considering Gandhiji As The Father Of The Nation

ઈતિહાસ ગવાહ હૈ:ગાંધીજીને કટ્ટર હિંદુનું બિરુદ શોભે કે અપમાનિત કરે? ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણવામાં પણ વિવાદ ઊભો કરીને રમાતા ગંદા રાજકીય ખેલ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

હમણાં મહાત્મા ગાંધીને કટ્ટર હિંદુ લેખાવવાની અને છતાં રાષ્ટ્રપિતા નહીં કહેવાની ફેશન ચાલી છે. મહાત્માના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન થવા માંડ્યું છે. આવા તબક્કે ઇતિહાસનાં તથ્યોનું નીરક્ષીર અનિવાર્ય બને છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાને સનાતની ગણાવવામાં ગૌરવ અનુભવતા હતા. સનાતની અને હિંદુ વચ્ચેના તાત્ત્વિક ભેદની ચર્ચાને બદલે પ્રચલિત અર્થમાં હિંદુ હોવાની વાત ગૌરવભેર કહેવાની વૃત્તિ-પ્રવૃત્તિ આઝાદી પૂર્વે પણ ચાલતી હતી. ગાંધીજીની વિચારધારામાં પલટો આવ્યો હશે, પણ એમણે હિંદુ હોવાનો ગર્વ વ્યક્ત કરતાં પોતાને કોઈના વિરોધીની શ્રેણીમાં મૂક્યા નહોતા. હમણાં ચોફેર ચર્ચા ચાલી રહી છે કે ગાંધીજી કોના? હકીકતમાં ગાંધીજી કોઈ એક સંસ્થા, પ્રદેશ, ધર્મ કે સંપ્રદાયના નહોતા; એ તો સમગ્ર વિશ્વના હતા. કોંગ્રેસના અધ્યક્ષ અને સર્વોચ્ચ નેતા હતા; એટલામાત્રથી માત્ર કોંગ્રેસનો જ એમના પર કોઈ ઈજારો છે એવું નથી. કોંગ્રેસે ગાંધીજીનું કે સરદાર પટેલનું જેટલું નામ વટાવવાનું હતું એટલું વટાવી લીધું. હવે એ કામ બીજાઓએ આદર્યું છે.

ગાંધીને મૂળસોતા ઉખાડવાની કોશિશ
બધા પોતાના રાજકારણ માટે ગાંધીનો સાંકેતિક ઉપયોગ કરીને રાજકારણ ખેલવાની અને નામ ચમકાવવાની કોશિશ કરે છે. આ સઘળી કવાયતમાં ગાંધી મૂળસોતા ઊખડી ના જાય એની ખેવના કરવાની જવાબદારી ખરા અર્થમાં ગાંધીના વિચારને જાણનારા, અનુસરનારા કે ગાંધીની ફિલસૂફીને વર્તમાન સંજોગોમાં વિશ્વ સમક્ષ યોગ્ય પરિપ્રેક્ષમાં મૂકવા માટે અધિકૃત કહી શકાય એવી વ્યક્તિઓ કે સંસ્થાઓને શિરે સવિશેષ છે. વિશ્વમાં સૌથી વિશાળકાય સ્ટીલનો ચરખો દિલ્હીમાં કે વર્ધામાં કે અન્યત્ર મૂકીને એના માટે વિશ્વવિક્રમ નોંધાવવા અરજીઓ કરનારાઓ તો ગાંધીજીના વિચારને મૂળભૂત રીતે સમજ્યા વિના વર્તમાનમાં ગાંધીની વધુ એકવાર હત્યા કરે છે. મહાત્મા છબછબિયાંના માણસ નહોતા, એ હસતા-રમતા-પ્રયોગો કરતા મહાવિદ્વાન અને સદીઓમાં ક્યારેક જ જનમ લેતું વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર મહાન વિભૂતિ હતા.

ગાંધીજીની ઓળખનો મહાપ્રશ્ન
વર્તમાન શાસકોના આસ્થાપુરુષ અને એ વેળાના કોંગ્રેસના નેતા ડૉ. કેશવ બલિરામ હેડગેવારે ડિસેમ્બર 1934માં “બાપુના પાંચમા પુત્ર લેખાતા” ઉદ્યોગપતિ જમનાલાલ બજાજની બજાજવાડીમાં રોકાયેલા મહાત્માને ત્યાં જ યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શિબિરની મુલાકાતે તેડાવ્યા હતા.એ પછી ભાગલા વખતના દિલ્હીમાં ખૂનામરકીના દિવસોમાં સંઘના દ્વિતીય વડા શ્રી માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) સાથે ગાંધીજીની મુલાકાતો થઇ. તેમને સંઘના વાલ્મીકિ કોલોનીમાં યોજાયેલા કાર્યક્રમમાં નિમંત્રણ અપાતાં એ ઉપસ્થિત રહ્યા હતા. સપ્ટેમ્બર 1947ના આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને સંઘના નેતાઓએ “હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ” તરીકે ઓળખાવ્યા ત્યારે તેમણે ઉત્તરમાં ગાંધીજીએ જે શબ્દો કહ્યા હતા એ મહાત્માના અંગત સચિવ પ્યારેલાલે 1971માં પ્રકાશિત “મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ” પુસ્તક ચોથુંમાં સુપેરે ટાંક્યા છે: “હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિંદુ ધર્મ અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી. મારી સમજ પ્રમાણે, હિંદુ ધર્મની શોભા એ છે કે, બધા ધર્મોનાં સારાં તત્વો તે અપનાવે છે. હિંદુઓ માનતા હોય કે, હિંદમાં સમાન અને માનવંત ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માગતા હોય તો, તેમણે ઊતરતા દરજ્જાથી સંતોષ માનવો રહ્યો અથવા મુસલમાનો માનતા હોય કે, પાકિસ્તાનમાં હિંદુઓ મુસલમાનોની મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે, તો એથી હિંદુ ધર્મનો તેમ જ ઇસ્લામનો અંત આવશે. તમારી નીતિ ઇસ્લામ પ્રત્યેની શત્રુતાની નથી, એવી તમે મને ખાતરી આપી તેથી મને આનંદ થયો.” તેમણે ચેતવણી આપી કે, મુસલમાનોની કતલો પાછળ તમારી સંસ્થા હતી, એવો તમારી સામે આરોપ સાચો હશે; તો એનું આવી બનશે. ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કૌરવોનો નાશ કરવાની સલાહ આપે છે એ સંદર્ભના પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું હતું એ વધુ સૂચક હતું: “તમે ન્યાયાધીશ અને શિક્ષા કરનાર ઉભય બની બેસશો તો સરદાર અને પંડિત નેહરુ બંને અશક્ત બની જશે. તેમને તમારી સેવા કરવાની તક આપો. કાયદો તમારા પોતાના હાથમાં લઈને તેમના પ્રયાસોને વિફળ ન બનાવો.” પ્યારેલાલે મહાત્મા ગાંધીના છેલ્લા દિવસોના કહી શકાય એવા એક પ્રસંગનું અધિકૃતપણે વર્ણન કર્યું છે. એ નોંધે છે: “ગાંધીજીની મંડળીના એક સભ્યે વચ્ચે કહ્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસોએ વાહની નિરાશ્રિતોની છાવણીમાં સુંદર કામ કર્યું હતું. ત્યાં તેમણે શિસ્ત, હિંમત અને સખત કામ કરવાની તાકાત બતાવ્યાં હતાં. ગાંધીજીએ જવાબ આપ્યો, ‘હિટલરના નાઝીઓએ તથા મુસોલિનીની આગેવાની નીચે ફાસિસ્ટોએ પણ એમ જ કર્યું હતું એ ભૂલશો નહીં.’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેમણે “સરમુખત્યારશાહી દૃષ્ટિવાળી કોમી સંસ્થા” તરીકે વર્ણવી.

ઉદારવાદી હિંદુ કે કટ્ટરવાદી?
શ્રી ગુરુજીની શતાબ્દી નિમિત્તે વર્ષ 2006માં તત્કાલીન સરસંઘચાલક કૃપહલ્લી સીતારામૈય્યા સુદર્શનના “ઉપોદઘાત” સાથે પ્રકાશિત “શ્રી ગુરુજી સમગ્ર”ના 12 ખંડમાંના પ્રથમ ખંડમાં 6 ઓક્ટોબર 1969ના રોજ સાંગલીમાં ગાંધી શતાબ્દી નિમિત્તે ગુરુજીએ આપેલા ભાષણ “પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધી”માં રાષ્ટ્રપિતાના મુખે ગાંધીજી “કટ્ટર હિંદુ” હતા, એવાં વાક્યો ટાંક્યાં છે : “તેઓ હંમેશાં કહેતા, ‘હું કટ્ટર હિંદુ છું, એટલે કેવળ માનવો પર જ નહીં, સંપૂર્ણ જીવમાત્ર પર પ્રેમ કરું છું.’ તેમના જીવન અને રાજનીતિમાં ‘ न हिंस्यात् सर्वभूतानि‘ એ તત્ત્વાનુસાર સત્ય અને અહિંસાને જે પ્રધાનતા મળી તે કટ્ટર હિંદુત્વને કારણે જ મળી.” ઓક્ટોબર 1969માં નાગપુરથી પ્રકાશિત “યુગવાણી” નામક મરાઠી માસિક પત્રિકામાં ગુરુજીએ ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે લખેલા લેખમાં તેમણે કેટલીક મનનીય અને વર્તમાન સાથે પ્રસ્તુત એવી વાતો પણ લખી હતી. “વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાલય અને મહાવિદ્યાલયના બહિષ્કાર”ને ગુરુજીએ યોગ્ય રીતે જ “ભસ્માસુર” લેખાવ્યો છે. હિંદુ-મુસ્લિમ એકતા સંદર્ભે ગુરુજી નોંધે છે : “કટ્ટર હિંદુ હોવાને કારણે સર્વધર્મસમાન માનવાની સ્વાભાવિક ઉદારતા મહાત્માજીમાં હતી. તે ઉદારતામાં હજારો વર્ષોનો ઈતિહાસ દુર્લક્ષિત કરી તેમણે ગમે તે કિંમતે મુસલમાન સમાજને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. તે સમાજ દ્વારા કરાયેલાં હુલ્લડો, અત્યાચાર, મલબારમાં મચાવાયેલો ઉત્પાત વગેરે ભીષણ કાંડો તરફ દુર્લક્ષ કરી તેમનું મહત્વ વધારવાની નીતિ તેમણે અપનાવી હતી.”

ભક્તગણ દ્વારા ગુણોની ઉપેક્ષા
“પોતાની સ્વાર્થસિદ્ધિ માટે તેમના નામના નારા લગાવનારાઓ, તેમના ભક્ત કહેવડાવનારાઓ દ્વારા તેમના વિચારો અને અગણિત શ્રેષ્ઠ ગુણોની ઉપેક્ષા, એટલું જ નહીં તો તેમની મજાક ઉડાવાતી જોઈ મન દુઃખી થાય છે. અનેક વિવાદાસ્પદ, અવ્યવહારુ સિદ્ધ થયેલા વિચારોનું તેમના દ્વારા આગ્રહપૂર્વક પ્રતિપાદન કરાયા છતાં પણ લોકોએ તેમની સ્મૃતિ પોતાના હૃદયમાં હંમેશાં સાચવી રાખી છે.... પોતાનો દોષ કે ભૂલ પ્રગટપણે માન્ય કરવાની સત્યપ્રિયતા વગેરે એમના અસામાન્ય ગુણોને કારણે તેમને યાદ રાખવા આવશ્યક છે.” જોકે મહાત્મા પોતાના હિંદુ ધર્મને એકાંતિક ગણતા નથી. આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ દ્વારા સંકલિત અને સંપાદિત “મહાત્મા ગાંધીના વિચારો”માં ગાંધીજીને ટાંકવામાં આવ્યા છે : “હિંદુ ધર્મ કોઈ સાંકડો ધર્મમત કે સંપ્રદાય નથી.એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે.... મારા હિંદુ ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતા નથી. એમાં ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ અને જરથોસ્તી ધર્મના સારામાં સારા અંશોનો સમાવેશ થાય છે.... સત્ય એ મારો ધર્મ છે, અને અહિંસા એના સાક્ષાત્કારનું એકમાત્ર સાધન છે. તલવાર ન્યાયનો મેં સદાને માટે ત્યાગ કરેલો છે.” ગાંધીજીની આ અધિકૃત વિભાવનાને નિહાળતાં એમને કટ્ટર હિંદુ કહેવા એ તો નર્યો અન્યાય છે. જોકે આવતાં વર્ષોમાં ગાંધીજીની વૈશ્વિક પ્રસ્તુતતા પ્રતિપાદિત થતી રહેશે ત્યારે એમને કટ્ટર હિંદુ તરીકે ઓળખાવાનારાઓ પણ મત બદલવા જરૂર પ્રેરાશે.

રાષ્ટ્રપિતા ગણવામાં વિવાદ
મહાત્મા ગાંધીની સાથે જેમને વાંધો પડ્યો હતો એવા મહાન નેતા સુભાષચંદ્ર બોઝ, વાંધો પડ્યા પછી પણ, મહાત્માને સૌપ્રથમ જુલાઈ 1944માં રાષ્ટ્રપિતા તરીકે સંબોધવાનું પસંદ કરે છે. સંઘ પરિવારમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાય નહીં, એવી થિયરી અત્યાર લગી પ્રચલિત રહી છે. સંઘના પ્રચારક અને જનસંઘના અધ્યક્ષ રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વર્તમાન શાસકોના આસ્થાપુરુષ છે. એમના 1961ના શબ્દોને ટાંકીએ તો, “ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ.” સંઘ, વિહિપ કે ભાજપના નેતાઓ આવા જ વિચારનો પડઘો સમયાંતરે પાડતા રહે છે. મહાત્માને તો રાષ્ટ્રપિતા કહો કે નહીં, કોઈ ફરક પડતો નથી; પરંતુ આજકાલ સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરવા માટે સંઘ પરિવારમાંથી માગ ઊઠે કે બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીની પાર્ટીની વેબસાઈટ ડૉ.બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રપિતા ગણાવાય, ત્યારે આ વિવાદ મહાન વિભૂતિઓને નામે કેવા વામણા રાજકીય ખેલ ખેલાય છે એની દુઃખદ અનુભૂતિ જરૂર થાય છે.

મહાત્મા ગાંધીને મૂલવવાનું આપણું ગજું નહીં અને છતાં બધા એમને નાણવા-પીછાણવાના દાવા કરતા રહેશે. ધીકતી કમાણી કરનાર બેરિસ્ટરમાંથી સઘળું ત્યાગીને આશ્રમવાસી બની રાષ્ટ્રને સમર્પિત થનાર આ મહાન વિભૂતિના વ્યક્તિત્વને થોડુંઘણું સમજીને એમાંથી યથાશક્તિ ચાર ચોગળું જીવનમાં ઉતારીએ કે અમલ કરીએ તો થોડુંઘણું લેખે લાગશે.વિરાટોના યુગમાંથી આપણે વામનોના યુગમાં આવી ગયાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)