ડિજિટલ ડિબેટ:રાજદ્રોહના કાયદાને નાબૂદ કરવો જોઈએ કે નિયંત્રણો સાથે ચાલુ રાખવો જોઈએ?

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ વચ્ચે ભેદ કરવાના બદલે સરકારો પોતાના વિરોધીઓને જામીન પણ ના મળે તે રીતે કેદમાં રાખવા માટે કાયદાનો દુરુપયોગ જ વધારે કરતી આવી છે. રાજકીય હરીફોને, નડતા કાર્યકરોને, બોલકા પત્રકારોને કાબૂમાં લેવા માટે અંગ્રેજોએ કરેલો કાયદો આજની ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારો કરતી આવી છે. વક્રતા એ છે કે અંગ્રેજો જતા રહ્યા, પણ તેના શસ્ત્રને છોડવા આજના 'બ્રાઉનસાહેબો' તૈયાર નથી. આ કાયદાનો ઉપયોગ રાષ્ટ્રના હિતમાં માત્ર ઢાલ તરીકે થવો જોઈએ એવું પણ કેટલાક માને છે. એથી જ કાયદો રદ કરવાને બદલે તેના દુરુપયોગ પર નિયંત્રણ રહે તેવા સુધારાની ભલામણ પણ થઈ રહી છે. ખરેખર શું કરવું જોઈએ? એક ચર્ચા...

Jaywant Pandya (JP): ભારતમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ‘ભારતીય દંડ સંહિતા’ની ‘કલમ ૧૨૪-એ’ હેઠળના રાજદ્રોહ વિરોધી કાયદા પર સર્વોચ્ચ ન્યાયાલયે સ્ટે આપ્યો છે. આનો અર્થ કેટલાક એવો કાઢી રહ્યા છે કે જાણે આ કાયદો હવે અમલમાં જ નહીં રહે. ઘણાને એવું છે કે અદાલતે તેની સત્તાનું અતિક્રમણ કરીને કાયદો બંધ કરાવી દીધો છે. સત્ય આ બંનેની વચ્ચે છે. હકીકતે, તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુવા મોઇત્રા, સેનાના પૂર્વ અધિકારી એસ. જી. વોમ્બતકેરે, એડટિર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ આ કાયદા વિરુદ્ધ અરજી કરી છે. તેના પર સર્વોચ્ચે કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો. અંતે સર્વોચ્ચે કોઈ નવા કેસ ન લેવા અને તેનો અમલ મોકૂફ રાખવા વચગાળાનો આદેશ આપ્યો છે. આ આદેશ ત્યાં સુધી જ અમલી રહેશે જ્યાં સુધી કેન્દ્ર આ કાયદાની સમીક્ષા કરીને સર્વોચ્ચને જવાબ ન આપે.
Dilip Gohil (DG): પરંતુ સરકાર સ્પષ્ટ જવાબ આપવા માગતી નથી તેવી છાપ પડી છે. સરકારના પ્રતિનિધિએ એક દિવસ કહ્યું કે કાયદો રદ કરવા નથી માગતા અને બીજા દિવસે રજૂઆત કરી કે સમીક્ષા કરીશું. સરકાર ટાઇમ પાસ કરવા માગે છે અને કાયદો રદ કરવાના બદલે મુદત પાડી દેવા માગે છે તેમ લાગે છે. કાયદો રદ કરવો કે નિયંત્રણ સાથે રાખવો તેના પર ડિબેટ થઈ શકે છે, પણ ખુલ્લા મને ડિબેટ થાય તો પ્રજાના હિતના મુદ્દા તેમાંથી ઉપસે. અત્યારે સંસદ બહાર ડિબેટ ચાલી રહી છે, તેમાં શાસકોના હિતના મુદ્દાને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ડિબેટ સંસદમાં થવી જોઈએ અને સર્વસંમતિથી નાગરિકોના હિતમાં નિર્ણય લેવો જોઈએ.

JP: સંસદમાં ડિબેટ થાય તેમાં કોઈને વાંધો હશે નહીં, પણ કાયદો રદ જ કરી દેવાની વાત કેટલી યોગ્ય? કારણકે સરકારને ઉથલાવવાના પ્રયાસો થતા હોય તો તેની સામે આવો કાયદો જોઈએ જ. એ ન ભૂલવું જોઈએ કે ઈ. સ. ૧૮૬૩થી ૧૮૭૦ની વચ્ચે વહાબી (સુન્ની ઇસ્લામ પંથનો એક ફાંટો, જે ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે વધુ સંકળાયેલો મનાય છે) પ્રવૃત્તિઓ વધવા લાગતાં તેને રોકવા આ કલમ દાખલ કરાઈ હતી. અને આજે પણ ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ નથી થઈ. ઊલટું, ખાલિસ્તાનની પ્રવૃત્તિઓ પણ ચાલુ થઈ છે. નક્સલવાદ અને પૂર્વમાં અલગાવવાદ પણ ચાલતો રહે છે. આ બધાને જોતાં આ કાયદો સાવ કોરાણે મૂકી દેવાનું સરકારને પાલવે નહીં.
DG: શા માટે કાયદો રદ કરવાનું પાલવે નહીં અને કેવી રીતે નિયંત્રણો અને ચેક એન્ડ બેલેન્સ સાથે કાયદામાં સુધારા થાય તેની ડિબેટ શા માટે સંસદમાં નથી થતી? સુપ્રીમ કોર્ટમાં રજૂઆતમાં કેમ બેવડું વલણ જોવા મળે છે? સરકાર અદાલતને કહી શકી હોત કે અમે કાયદો રદ કરવા નથી માગતા. કાયદો બનાવવાનો અધિકાર સંસદને છે. સુપ્રીમ કોર્ટને લાગે કે કોઈ કાયદો બંધારણીય ભાવના સાથે સુસંગત નથી ત્યારે રદ કરી શકે છે, પણ સંસદ ફરીથી તેના પર ચર્ચા કરીને ખરડો પસાર કરી શકે છે. આ કાયદા વિશે પણ હવે એ જ થશે, સંસદમાં ચર્ચા થશે, પણ તે પહેલાં તે ચર્ચાનો રાજકીય લાભ ઉઠાવવાનો તખતો ગોઠવી લેવામાં આવશે.

JP: કેટલાક લોકો ગાંધીજીની સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ હતી અને ગાંધીજીએ અંગ્રેજ સરકાર વિરુદ્ધ લખવાનું-બોલવાનું ચાલુ રાખીશ તેમ કહ્યું હતું તેને વર્તમાન સ્થિતિ સાથે સાંકળે છે. કેટલાક લોકો ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને સાંકળે છે અને કહે છે કે તેમણે કહ્યું હતું કે આપણે જેટલી જલદી આ રાજદ્રોહ વિરોધી કાયદાથી છૂટકારો મેળવી લઈએ તેટલું સારું છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજીને અને ત્રાસવાદી-ખાલિસ્તાની-અલગાવવાદી-નક્સલવાદીઓને સરખાવી ન શકાય. અંગ્રેજોએ ગાંધીજી વિરુદ્ધ આ કાયદો લાગુ કર્યો તેનો અર્થ એ નથી કે ત્રાસવાદી-ખાલિસ્તાની-અલગાવવાદી-નક્સલવાદીઓ વિરુદ્ધ આ કાયદો ન લાગુ કરવો. આ લોકો કંઈ સ્વતંત્રતાના ચળવળકાર નથી. તેમનો હેતુ આ દેશમાં વિનાશક પ્રવૃત્તિ કરવાનો છે. ઇસ્લામિક ત્રાસવાદીઓ ગઝવા-એ-હિન્દ કરવા માગે છે, તો ખાલિસ્તાનીઓ પાકિસ્તાનની આઈએસઆઈના જોરે અલગ ખાલિસ્તાન દેશ બનાવવા માગે છે. નક્સલવાદીઓ નેપાળની જેમ ભારતને સામ્યવાદી રંગે રંગવા માગે છે. ઈશાન ભારતના અલગાવવાદીઓ પણ હિંસક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બીજું કે, નહેરુએ ડહાપણવાળી સારી-સારી વાત કરી, પરંતુ ત્યારથી માંડીને અત્યાર સુધી કેમ કોઈ સરકારે આ કાયદો રદ્દ ન કર્યો? એમ તો વડા પ્રધાન મોદીએ પણ દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે પરંતુ આ કાયદાને રદ્દ કરવાનું કોઈ પણ સરકારને પોસાય તેમ નથી.
DG: કેવા 'વાદીઓ' સામે આ કાયદો જરૂરી છે તેની દલીલ થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે 13,000 જેટલા લોકો આ કાયદા હેઠળ અત્યારે જેલોમાં છે. શું આ બધા જ 'ખતરનાક પ્રકારના ...વાદીઓ' છે? પત્રકારનો (અને નાગરિકોનો પણ) ધર્મ શાસકો સામે સવાલો પૂછવાનો છે, કાર્ટૂન દોરવાનો છે, અભિપ્રાય વ્યક્ત કરવાનો છે, કલાના માધ્યમથી અભિવ્યક્તિ કરવાનો છે - શું આ બધા આતંકવાદીઓ થઈ ગયા? કે. કે. વેણુગોપાલ જેવા એટર્ની જનરલ રહી ચૂકેલા વ્યક્તિએ પણ જણાવ્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ જ વધારે થયો છે - અર્થાત્ સરકારને અણગમતા લાગતા લોકો સામે આ કલમ લગાડી દેવામાં આવે છે. ગુજરાતમાં અનામત આંદોલન વખતે પણ દેશદ્રોહના આરોપો મૂકી દેવાયા - તો શું આંદોલનકારીઓ રાષ્ટ્રને તોડી નાખવા માગતા હતા? આંદોલનનો મુદ્દો સંકુચિત હતો, રાજકારણ પ્રેરિત હતો, પોતાની માગણી ના માને તે સરકારને હરાવી દેવાની ઈચ્છા સાથેનો પણ હતો - રાજકીય રીતે તેનો સામનો શાસક પક્ષ કરી શકે છે, પણ તેને રાષ્ટ્રને તોડી નાખવાનો હેતુ ગણાવીને રાજદ્રોહ કે દેશદ્રોહ ગણાવવો તે કાયદાનો દુરુપયોગ નથી તો શું છે?

JP: પણ એમ તો આ કેસ જેમણે કર્યો છે તે મહુવા મોઇત્રાના પક્ષની મમતા બેનર્જી સરકારે પણ પોતાનાં વિરોધી કાર્ટૂન ફૉરવર્ડ કરનાર જાદવપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક અંબિકેશ મહાપાત્ર સામે રાજદ્રોહ વિરોધી કાયદો ઠોકી દીધો હતો. તાજેતરમાં મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે તેમના નિવાસ બહાર હનુમાનચાલીસાનો પાઠ કરવાની જાહેરાત (જાહેરાત જ, કાર્ય નહીં) કરનાર અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સામે ઉદ્ધવ ઠાકરે સરકારે રાજદ્રોહ વિરોધી કાયદાની કલમો લગાડી હતી. રાજદ્રોહ વિરોધી કાયદા સામે લડત આપી રહેલા કપિલ સિબલ જ્યારે કેન્દ્ર સરકારમાં હતા ત્યારે તમિલનાડુના કુદનકુલમ ગામના ૮,૯૫૬ લોકો સામે રાજદ્રોહના ૨૧ કેસો ઠોકી દેવામાં આવ્યા હતા. તેઓ કુદનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આમ, સરકારમાં ન હોય ત્યારે રાજદ્રોહ વિરોધી કાયદાનો વિરોધ કરવાનો, પણ સરકારમાં હોય ત્યાં અને ત્યારે તેનો દુરુપયોગ કરવાનો. આ બેવડાં વલણ ન ચાલે. આ જ વાત ભાજપ માટે પણ લાગુ પડે છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૧ દરમિયાન ૧૩,૦૦૦ લોકો સામે રાજદ્રોહ વિરોધી કાયદો લાગુ કરાયો છે.
DG: એક્ઝેક્ટ્લી - સરકાર અથવા શાસક પક્ષ એમ કહીએ ત્યારે કોઈ પક્ષની વાત નથી હોતી, પણ બધા જ રાજકીય પક્ષોની વાત હોય છે. બધા જ રાજકીય પક્ષોએ તક મળી ત્યારે આ કાયદાનો દુરુપયોગ કર્યો છે એ જ મુદ્દો છે. વિશ્વમાં આતંકવાદને ઉત્તેજન આપનારાં તત્ત્વો બેઠાં છે અને આપણા દેશમાં ત્રાસવાદીઓ અને ફંડ મોકલીને ભાંગફોડ કરે છે. તેની સામે કડક કાયદાની, સુરક્ષા એજન્સીઓ અસરકારક રીતે કામ કરી શકે તેવા કાનૂની આધારની જરૂર છે. આ વાતનો સ્વીકાર કરીને એ પણ સ્વીકારી લેવું પડે કે આદિવાસી માટે કામ કરનારા નક્સલવાદી નથી હોતા અને સરકારની ટીકા કરનારા પત્રકારો અસલી દેશપ્રેમીઓ હોય છે. કલાકારોની અભિવ્યક્તિ કાળજે વાગે તો વાગે, પણ તેમને રોકી શકાય નહીં. લોકશાહી છે, આપખુદશાહી નથી - 'આપ નામદાર યથાયોગ્ય પરિધાનમાં નથી' એટલું કહી શકવાનો અધિકાર આમ આદમીને દેશના બંધારણે આપ્યો છે. તે અધિકાર ગમે તેવી જંગી બહુમતી ધરાવતી સરકારને પણ છીનવી લેવાનો અધિકાર નથી.

JP: રાજદ્રોહ વિરોધી કાયદાના દુરુપયોગ અંગે બેમત જ નથી. પરંતુ આપણે ત્યાં ન્યાયતંત્રનો ઉપાય હાથવગો છે. ન્યાયતંત્ર ન્યાય આપે જ છે. આવા સંજોગોમાં કાયદાને રદ્દ કરવાનો ઉપાય નથી. એમ તો, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ, દલિતો પર અત્યાચાર (એટ્રૉસિટી) કાયદાના પણ દુરુપયોગ થયાના દાખલા છે અને ન્યાયાલયમાં તેની સામે અરજી પણ થયેલી છે. આનો અર્થ એ તો નથી કે કાયદો જ રદ્દ કરી દેવો? કાયદો રદ્દ કરી દેવાથી અપરાધીઓને મોકળું મેદાન મળી જાય. પરંતુ કરવાની જરૂર એ છે કે ન્યાયતંત્રમાં ન્યાય ઝડપથી મળે. અને જ્યાં દુરુપયોગ થયાનું જણાય ત્યાં દંડની જોગવાઈ કરવામાં આવે તો દુરુપયોગ થતો અટકશે.
DG: બરાબર છે. દુરુપયોગ થતો અટકે તેવા સુધારા સાથે, પૂરતા નિયંત્રણો સાથે કાયદો રાખવામાં આવે તો સુપ્રીમ કોર્ટ પણ તેની સમીક્ષા કરીને માન્ય રાખે તેવું બને. પરંતુ આ માટેની ચર્ચા સંસદભવનમાં ખુલ્લા દિલે અને મને થવી જોઈએ. જેટલું વહેલું થાય તેટલું સારું. રાહ જોઈએ.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)