ડિજિટલ ડિબેટ:પેગાસસના મામલે તપાસ થવી જોઈએ કે નહીં?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંસદના ચોમાસા સત્રમાં રોજેરોજ પેગાસસ મામલે વીજળીના કડાકાભડાકા જેવી સ્થિતિ જામે છે પણ આ વાદળો વરસશે કે નહીં? સંસદમાં પેગાસસના મામલે ચર્ચા અને તપાસ માટેની વિપક્ષની માગણી અને તેના માટે સંસદમાં સતત સરકારની ઘેરાબંધી પરિણામ સ્વરૂપ કંઈ વરસશે ખરું?

વિક્રમ વકીલ (VV): પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી થઈ છે તેની માહિતી લીક થઈ તેમાં કેટલાંક નામ એવાં પણ છે જે અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને કેટલાક સરકારતરફી નામો પણ દેખાયાં છે. આવા સંજોગોમાં તપાસની જાહેરાત કરવામાં સરકારને વાંધો ન હોવો જોઈએ. પોતાના જ પ્રધાનની કે સાંસદોની જાસૂસી થવાની શંકા છે તો અમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માગીએ છીએ એવું જો સરકાર દેખાડવા માગતી હોય તો તપાસ માટે પાછી પાની કરવી જોઈએ નહીં. પરંતુ સરકારની ચિંતા એ છે કે વિપક્ષ આ રીતે એક મુદ્દે તપાસની ફરજ પાડે તો પછી બીજા દરેક મુદ્દે સરકારને દબાવવા માટે સંસદ ખોરવવાનો રસ્તો જ લેશે.
દિલીપ ગોહિલ (DG): તો પછી સરકાર તપાસ કરવાના આદેશ કેમ આપતી નથી? આ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. અમે તો ચર્ચા માટે તૈયાર જ છીએ પણ વિપક્ષને ચર્ચામાં રસ નથી અને ધમાલ કરીને ઉત્તમ લોકતાંત્રિક પ્રણાલીને તોડી રહી છે એવું બહુ હોંશેહોંશે ભાજપના પ્રવક્તાઓ કહી રહ્યા છે. સંસદની કામગીરી ખોરવાઈ એ કેટલી યોગ્ય એ પણ વળી ચર્ચાનો મુદ્દો છે, પણ જુદો મુદ્દો છે અને સંસદમાં ચર્ચા ન થાય અને સરકારને ચિંતા થાય એવુંય લાગતું નથી. આ રીતે વાત આડા પાટે ચડી જાય - પેગાસસમાં પણ આડા પાટે ગાડી જતી રહે અને કોરોનાનું સંકટ, સરકારની તેમાં સાર્વત્રિક નિષ્ફળતા, ડામાડોળ અર્થતંત્ર, ખેડૂતોની કફોડી સ્થિતિ કોઈની અર્થપૂર્ણ ચર્ચા ન થાય અને ગાડી આડા-આડા પાટે જ ચાલતી રહે... ચાલવા દો.

VV: નેશનલ સિક્યોરિટી ખાતર દુનિયાની દરેક સરકાર જાસૂસી કરાવે છે. વિપક્ષ એવી રીતે વર્તે છે કે જાણે દુનિયામાં કોઈ વસ્તુનું નવીન અવતરણ થયું. પ્રણવ મુખરજીના નિવાસસ્થાને બગિંગ ડિવાઇસ મળી આવ્યાની વાત શું દર્શાવતી હતી? આ પણ ઘરના જ લોકોની જાસૂસીનો મામલો નહોતો? અહીં એક સવાલ એ થાય છે કે આ પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી થઈ તેમાં દુનિયાભરમાં હજારો નામો એક પછી એક જાહેર થઈ રહ્યાં છે. આ જાસૂસી માત્ર સરકારે જ કરાવી છે એના કોઈ પુરાવા દેખાતા નથી. સોફ્ટવેર જેના પણ હાથમાં આવ્યું હોય તેમણે જાસૂસી કરાવી હોય એવુંય બને.
DG: પેગાસસ સોફ્ટવેર બનાવનારી કંપની NSO ગ્રૂપે સત્તાવાર રીતે એવું જ કહ્યું કે તે માત્ર સાર્વભૌમ સરકારોને જ સોફ્ટવેર વેચે છે. જેથી, રાષ્ટ્રની સુરક્ષા માટે આતંકવાદીઓ, ભાંગફોડિયા, હવાલાખોર અને દાણચોર લોકો પર જ વોચ રાખી શકાય. સાર્વભૌમ શબ્દ વાપરીને કંપની એવું કહેવા માગતી હશે કે અમે કંઈ ડિક્ટેટરને પણ સોફ્ટવેર વેચતા નથી કે ચીન અને નોર્થ કોરિયા જેવી સામ્યવાદી સરકારોને પણ વેચતા નથી. બીજા પુરાવા ન મળે ત્યાં સુધી આ સત્તાવાર નિવેદનને માન્ય રાખવું પડે અને જેણે પણ જાસૂસી કરાવી તે સરકાર જ હતી એટલું તારણ કાઢી શકાય છે.

VV: પણ આ તો સોફ્ટવેર છે અને હેકર્સ કેવા ઉસ્તાદ હોય છે તે ક્યાં અજાણ્યું છે. રશિયા અને ચીનના હેકર ઇઝરાયેલની આ કંપનીનું સોફ્ટવેર ન ચોરી ગઈ હોય એવું કોણે કહ્યું? ચોરાયેલા સોફ્ટવેર પછી કોઈપણ જાસૂસી કરી શકે. કોર્પોરેટ જાસૂસી, પડોશી અને દુશ્મન દેશના મહત્ત્વના લોકોની જાસૂસી, ફોન ટેપ કરીને બ્લેકમેઇલિંગ કરનારા ક્યાં નથી પડ્યા?
DG: યસ, હેર્ક્સ સોફ્ટવેર પડાવી ગયા હોય તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ સવાલ એ છે કે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશની સામે બળાત્કારની ફરિયાદ કરનારી મહિલા કર્મચારી, તેનાં સગાં, કેટલાક પત્રકારો, ભાજપના કેટલાક નેતાઓના સ્ટાફના લોકો અને હવે તો નિરવ મોદીના વકીલ સહિતના લોકોનાં નામો બહાર આવી રહ્યાં છે - આ બધા લોકોમાં કયા હેકર્સને રસ પડે. હા, હા, હેકર્સે સોફ્ટવેર ચોરીને પછી વેચી માર્યું હોય... પણ તેને કોણ ખરીદે? કોણ પછી તેની જાસૂસી કરે? બીજું કે આ માલવેર કરતાંય એકવાર તે કોઈના ફોનમાં ઘૂસે પછી તેનો ડેટા જે સર્વરમાં એકઠો થતો હોય તે અગત્યનું છે. કયા સર્વરમાં ડેટા એકઠો થતો હતો? એમનેસ્ટી અને ફ્રાન્સની NGO ફોરબિડન સ્ટોરીઝને લીક થયેલો ડેટા મળ્યો તે ક્યાંથી મળ્યો છે? આ બધું ત્યારે જ ખબર પડે જ્યારે તપાસ થાય પણ તપાસ તો સરકાર કદાચ નહીં કરાવે.

VV: તપાસ સામે કોઈને વાંધો ના હોય પરંતુ આ મુદ્દાને જે રીતે ઉછાળવામાં આવી રહ્યો છે તેમાં વિપક્ષના નેતાઓને બહુ મોટો ફાયદો દેખાતો હોય એવું લાગે છે. પણ સાચી વાત એ છે કે વિપક્ષને આ કાંડમાંથી રાજકીય ફાયદો મળી શકે એમ લાગતું નથી. સામાન્ય માણસને સ્પર્શતો આ મુદ્દો નથી. આ મુદ્દો ચગાવવાથી બેકારી અને અર્થતંત્ર જેવા અગત્યના મુદ્દાઓની ચર્ચા નહીં થાય. એ તો ઉલટાનું જ સરકારના હિતમાં જ છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ ફક્ત રાફેલનો મુદ્દો ઉછાળીને ભૂલ કરી હતી. તેને કારણે વિપક્ષની હાર થઈ હતી.
DG: વિપક્ષને રાજકીય ફાયદો મળે કે ના મળે અને જાસૂસી જેવી ગંભીર બાબતે તપાસ થવી જોઈએ તે મુખ્ય મુદ્દો છે. તમે આગળ વાત કરી એ પ્રમાણે દરેક સરકાર રાષ્ટ્રીય સલામતી માટે જાસૂસી કરાવે છે. એગ્રીડ, ગુનેગારો, માફિયાઓ, આતંકવાદીઓ, ભાંડફોડિયા અને શંકાસ્પદ લોકોની જાસૂસી થવી જોઈએ અને તે માટેની કાયદાકીય વ્યવસ્થા પણ છે. તેની સામે કોઈને વાંધો નહીં હોય અને તે અંગેની કોઈ માહિતી જાહેર કરવી પણ જરૂરી નથી. સવાલ એ છે કે એકવાર સત્તાધીશોના હાથમાં કોઈ સાધન આવી જાય અને તેનાથી પછી પોતાના જ પક્ષના હરીફો, હરીફ પક્ષના અગત્યના નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, અધિકારીઓ, ચૂંટણી પંચના અધિકારીઓ... આવી રીતે કોઈની પણ જાસૂસી થવા લાગે ત્યારે તે લોકતંત્રની તંદુરસ્તી માટે ચેપી છે. આની સાવધાની ખાતર પણ તપાસ થવી જોઈએ.

VV: જાસૂસીનો મુદ્દો ભૂતકાળની સરકારો સામે પણ ચગ્યો છે પણ તેનો રાજકીય ફાયદો ક્યારેય વિપક્ષોને થયો નથી. લોકો માટે આ મુદ્દો એટલો અગત્યનો નથી હોતો. હા, પત્રકારો અને ન્યાયાધીશો અને અમલદારો માટે ચિંતાનું કારણ હોઈ શકે પણ મને લાગે છે કે તે માટેની પૂરતી કાળજી લેવા માટે એકમતી હોવી જોઈએ. પરંતુ પેગાસસને વધારે પડતું મહત્ત્વ આપીને વિપક્ષ પગ પર જ કૂહાડો મારી રહ્યો છે. કોરોના, રોજગારી, અર્થવ્યવસ્થા, કૃષિ સુધારા આ બધા મુદ્દા કે જે લોકોને સીધા સ્પર્શે છે તેને ઉપાડવાની તક વિપક્ષો ગુમાવી રહ્યા છે. દેશના 90 ટકા લોકોને તો ખબર જ નથી કે પેગાસસ મામલો છે શું.
DG: વાત તો સાચી છે - પેગાસસ શું બલા છે તે લોકોને સમજાવવું મુશ્કેલ હોય છે. બોફોર્સ વખતે પણ વર્ષો સુધી મામલો ચગ્યો તે પછીય લોકોને કંઈ પલ્લે પડ્યું નહોતું પણ લોકો એટલું સમજ્યા હતા કે કોઈક આપણી 'બરફી' ખાઈ ગયું. નેતાઓ કંઇક ખાઈ જાય છે, આપણા હકનું મારી જાય છે એ મુદ્દો ચગે એટલું પણ નાગરિકોના હિતમાં છે. સંસદને કોઈ મુદ્દે ખોરવવામાં આવે ત્યારે તેની વિદ્વત્તાપૂર્ણ ચર્ચા અને તેની વિગતો કરતાંય કોઈ જબરો મામલો જાગ્યો છે એવો મેસેજ ધમાલને કારણે લોકોને મળે છે. કદાચ વિપક્ષને એમાં રસ હશે. પણ ફરીવાર એ વાત સાચી કે પેગાસસથી રાજકીય ફાયદો થાય એમ નથી. રામકૃષ્ણ હેગડેએ રાજીનામું આપ્યું એ પછીના આ ચાર દાયકામાં બીજા કોઈ નેતાએ જાસૂસી કે ફોનટેપિંગના કારણે રાજીનામું આપ્યું હોય એવું બન્યું છે. ટૂંકમાં પેગાસસનો મુદ્દો ભલે 10 ટકા લોકો માટે અગત્યનો હોય તેને ગંભીરતાથી લેવો જોઈએ અને તપાસ થવી જોઈએ. પરંતુ વિપક્ષે પણ માત્ર આ એક જ ઢોલ પીટવાને બદલે લોકોને સ્પર્શતા મુદ્દે પણ સરકારને ઘેરે તે જરૂરી છે એ વાતે પણ સહમતી પુરાવું છું.
(વિક્રમ વકીલ અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)