• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Should I Be Allowed To Sit At Home And Drink Alcohol? Should Eating And Drinking Be Allowed Between Four Walls? Let Us Know What The High Court Says About This ...

ડિજિટલ ડિબેટ:ગુજરાતમાં ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ મળવી જોઇએ? પ્રોહિબિશન વિશે આજના ‘રંગત સંગત’ની એક ‘સોબર’ ડિજિટલ ડિબેટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દારૂબંધીની ચર્ચા ઋતુચક્ર જેવી છે. દર થોડાં વર્ષે નશાબંધીમાં કંઈક હલચલ થાય અને સૌ સભાનાવસ્થામાં ચર્ચા માંડે - સભાનાવસ્થામાં ચર્ચા ચાલે કે ભાન ગુમાવવાની ઈચ્છા કોઈને હોય તો રોકવાવાળી સરકાર કોણ. અર્થાત્ કોઈને મદ્યપાન કરવું હોય તો તેની મરજીની વાત છે. શા માટે પ્રતિબંધ? શા માટે નશાબંધી? આ વખતે એવો મુદ્દો આવ્યો છે કે બંધ દરવાજા પાછળ, ઘરમાં બેસીને પોતાની મરજી પ્રમાણે ખાણી-પીણીમાં સરકાર કેવી રીતે દખલ કરી શકે. હાઈકોર્ટમાં એક અરજી થઈ છે કે ઘરની અંદર શું ખાવું-પીવું તેના પર શા માટે કોઈ નિયમબંધી હોવી જોઈએ. વર્ષ 2018માં દાખલ થયેલી આ અરજીની હાલમાં સુનાવણી થઈ ત્યારે સરકારે દલીલ કરી હતી કે ગુજરાતમાં દાયકાઓથી દારૂબંધી છે અને આ પ્રકારની ટેક્નિકાલિટી અથવા પિષ્ટપેષણ કરવું અસ્થાને છે. જો કે, અદાલતે કહ્યું કે ચર્ચા થઈ શકે છે. આ મુદ્દો પણ ચર્ચાને લાયક છે એવું અદાલતે જ ઠરાવ્યું છે ત્યારે અમે પણ પિષ્ટપેષણ કરીશું દારૂબંધી, ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીની નિયમાવલીના કેટલાક મુદ્દાઓની.

નીલેશ રૂપાપરા (NR): લાઇક ઓલ્ડ વાઇન મુદ્દો પાકો છે. એટલે વાગોળવાની ક્યાં જરૂર છે? કારણો અને તર્ક આપવાની પણ જરૂર નથી. વારંવાર આપવામાં આવ્યા છે અને ગુજરાતમાં દારૂબંધીની નિષ્ફળતા એ બારમાસી સમાચાર છે. બારમાસી એટલે વર્ષના દરેક મહિને એકવાર એના સમાચાર હોય જ! દારૂબંધીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ - ગુજરાત દેશમાં સૌથી સુખી, શાંત અને સમૃદ્ધ છે? ટોપ ફાઇવમાં છે પણ મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવાં રાજ્યો આગળ છે. હરિયાણા અને પંજાબમાં પણ સમૃદ્ધિ વધારે છે. છેલ્લે વર્ષ 2016માં બિહારે પણ દારૂબંધી લાગુ કરવાનો નિર્ણય કર્યો - થયું શું? બિહારની એક સમસ્યા વધી. દારૂબંધીના ગેરકાયદે વેપારને રોકવામાં પોલીસ ધંધે લાગી અને દેશી નબળો દારૂ વધારે પીવાતો થયો. તેના કારણે લઠ્ઠાકાંડ પણ વધ્યા છે. ટૂંકમાં દારૂબંધી બહુ તાર્કિક લાગતી નથી. દુનિયાના સુખી, શાંત અને સમૃદ્ધ ગણાતા પ્રદેશોમાં પણ નશાબંધી નથી.
દિલીપ ગોહિલ (DG): દારૂબંધીથી ગુજરાત ગુજરાત બન્યું છે એના દાખલા આપવાની તો પછી મારેય ક્યાં જરૂર છે? જગજાહેર છે કે ગુજરાતમાં સુખ, શાંતિ અને ઘણા અંશે સમૃદ્ધિ પણ દારૂબંધીને આભારી છે. ને હા, દારૂબંધી કરીને ગુજરાત પછાત, સંકુચિત બન્યું અને ખાડામાં ગયું હોય એવું તો નથી જ થયું. બિહારમાં પ્રયોગ હજી નવો છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં બે દાયકાથી વધુ સમયથી અમલ થઈ રહ્યો છે પણ તે નાનાં રાજ્યો છે. મદ્રાસ રાજ્ય વખતે દારૂબંધી હતી, પણ પછી નીકળી ગઈ. આંધ્રપ્રદેશમાં ગામડાંમાં દારૂના ઠેકા સામે મહિલાઓએ આંદોલન ચલાવ્યું તેના કારણે એન.ટી. રામારાવ સત્તામાં આવી શક્યા હતા. તેમણે વર્ષ 1994માં દારૂબંધી લાગુ કરેલી, પણ જમાઈ ચંદ્રબાબુએ વર્ષ 1997માં સત્તા પચાવી લીધી અને દારૂબંધી હટાવી દીધી. તેમણે પેલાં પ્રેક્ટિકલ કારણો જ આપ્યાં હતાં, જે અત્યારે બિહારમાં જોવા મળી રહ્યાં છે. અમલ મુશ્કેલ છે અને ખાનગીમાં ગેરકાયદે દારૂનો ધંધો ધમધમતો થઈ જાય છે અને સરકારને વેરાની આવક ગુમાવવી પડે. ગુજરાતમાં દારૂબંધી તેની ખામીઓ છતાં ટકી ગઈ છે કારણ કે, શાકાહાર સાથે આ પરંપરા પણ દૃઢ બની શકી છે.

NR: દારૂબંધીને કારણે અમને રેવન્યૂ મળતી નથી અને તેથી અમારે પેટ્રોલ-ડીઝલમાં વેટ લેવો પડે છે એવી ગુજરાત સરકારની દલીલ મારા ધ્યાને આવેલી છે. અર્થાત્ ગુજરાત સરકાર આવક ગુમાવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે એ જોક પણ સાંભળ્યો છે! આવક ગુમાવીને પણ સરકાર નાગરિકોને મદ્યપાન કરતાં રોકી શકતી નથી તો પછી આવક રોકી રાખવાનો શો અર્થ? અને ગુજરાતી પરંપરાને સંસ્કાર તો છે જ કે ગુજરાતી ઠરેલ હોય. નશો કરેલો ગુજરાતી પણ દુનિયાનો સૌથી સજ્જન માણસ હોય છે ત્યારે સરકારની તિજોરીને નુકસાન થાય અને કરોડો રૂપિયાનો ગેરકાયદે વેપાર ચાલતો હોય તેમાં મને કોઈ ગુજરાતી વ્યવહારુતા દેખાતી નથી.
DG: કદાચ તેમાં જ ગુજરાતી વ્યવહારુતા છે. નોટ અ પોલિટિકલી કરેક્ટ મુદ્દો. એટલે જાહેરમાં જણાવાય નહીં પણ ગુજરાતીઓને ફાવી ગયું છે કે દારૂબંધી રાખોને, અત્યારે પીનારાને મળી જાય છે તો મમમમથી કામ રાખો, ટપટપથી શો મતલબ છે? અત્યારે હાઈકોર્ટમાં જે મુદ્દા પર ચર્ચાઓ ચાલી રહી છે તેમાં પણ મુખ્યત્ત્વે કેટલીક ટપટપ છે. નશાબંધીના કાયદાની કેટલી બારીકાઇ પર ચર્ચા ચાલી છે. તેમાં એક મુદ્દો એ છે કે ઘરમાં બેસીને શું ખાવું-પીવું એ નક્કી કરવાનો અધિકાર નાગરિકનો છે - તેમાં શા માટે પોલીસ આવીને પૂછે? બીજો મુદ્દો છે કે દીવ-દમણ અથવા આબુમાં પાર્ટી કરીને પછી ગુજરાતમાં પ્રવેશ કરો ત્યારે ડ્રાઇવિંગ ન કરતા હો અને પેસેન્જર તરીકે સીટમાં સરસ મજાનું ઊંઘી ગયેલા હો ત્યારે નશાબંધીના નિયમને કેવી રીતે ગણવાનો? ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે મૂળ હેતુ નશાબંધીનો છે. તેથી, આ પ્રકારના નિયમોની બારીકાઈ અને પ્રેક્ટિકાલિટીની ચર્ચા અસ્થાને છે. હાઈકોર્ટે અત્યારે એટલું જ કહ્યું કે કમ સે કમ ચર્ચા કરી શકાય. ચર્ચાબંધી નથી.

NR: ચર્ચા કરીને શું નિષ્કર્ષ નીકળશે? કોર્ટ નક્કી કરશે કાયદાપોથીમાં લખેલા નિયમનું અર્થઘટન શું થાય છે પણ મૂળ નશાબંધી કેટલી યોગ્ય, કેટલી નહીં તે મુદ્દો છે. નશીલા પદાર્થો અનેક છે અને દરેકનું પ્રમાણ અલગ છે. તમાકુ, ભાંગ, ગાંજો, અફીણથી માંડીને LSD સુધીનાં ડ્રગ્ઝની સમસ્યા છે અને લોકોને ફાવે તે ખાવાની છૂટના નામે ખતરનાક ડ્રગ્ઝની છૂટની વાત કોઈ સમજદાર વ્યક્તિ નહીં કરે. પરંતુ સોમરસ, વ્હિસ્કી, બિયર, રમ, વાઇન વગેરે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બાબતો પણ બની છે. આટલું જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં અત્યારે ગાંજાને એટલે કે કેનેબિસને કાયદેસર કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. અમેરિકામાં મેરિયુઆના તરીકે ઓળખાતા આ પદાર્થને મેડિકલ અને રિક્રિએશન સહિતના કારણોસર મંજૂરી આપનારાં રાજ્યોની સંખ્યા વધી છે. ભારતમાં ગાંજાની ચલમનું ચલણ ચાલતું રહ્યું છે. ભારતમાં ગાંજાને કાયદેસર કરાવવા માટે નાના પાયે માગણી ચાલી રહી છે. તેની સાથે શરાબનું કનેક્શન એ છે કે ગાંજાનો વપરાશ હોય ત્યાં આલ્કોહોલનું વેચાણ 15થી 20 ટકા ઓછું થાય છે. એટલે આ કોર્પોરેટ વોર પણ છે. ધંધાની લડાઈ છે. તમાકુ અને સિગારેટના નુકસાનની કોણ ના પાડે છે પણ તેના પર કાનૂની ચેતવણી સાથે વેચાણની છૂટ છે. માત્ર શરાબના વેચાણની છૂટ શા માટે નહીં તે સવાલ છે કે નહીં?
DG: સવાલો છે પણ કાયદા પાછળની ભાવના સમજવી વધારે જરૂરી છે. નશાને સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં સમાજને કોઈ ફાયદો નથી. નશો રોકી પણ શકાતો નથી પણ મર્યાદાની રેખા દોરાયેલી હોય તેમાં કંઈ ખોટું નથી. બીજું કે ઘરમાં દરવાજા બંધ કરીને શું ખાવું-પીવું તે નાગરિકને નક્કી કરવાનો હક છે તે દલીલ સારી લાગશે પણ ઘરમાં રહેતા બીજા સભ્યોને પણ કોઈ અધિકાર છે કે નહીં? ધૂમ્રપાન કરતાં શરાબપાનની વધારે અસર પરિવારને થાય તે સ્વયંસ્પષ્ટ છે. ગાંજો કેટલીક માનસિક અને શારીરિક સારવારમાં ઉપયોગી છે અને તેના છોડનાં વસ્ત્રો અને બાયોફ્યુઅલ બનાવવા સહિતના ઉપયોગ છે. તેના માટે થોડા દાયકા પહેલાં ગાંજા ઉગાડવા પર મુકાયેલા પ્રતિબંધને દૂર કરવાની પરવાનગી માગી છે. બીજું કે નશાબંધીના અમલ માટે એ નિયમ જરૂરી હોય છે કે દારૂની હેરફેર ન થાય અને વેચાણ લાયસન્સ સાથે જ થાય. ઘરની અંદર પીવાની છૂટ હોય પણ દારૂ મેળવવાનો ક્યાંથી? બજારમાંથી ખરીદીને ઘરે લાવવાનો હોય તો તમે પકડશો કોને? દરેક જણ કહેશે કે હું ઘરનો દરવાજો બંધ કરીને પછી બાટલી ખોલવાનો છું! દારૂબંધીનો અમલ અશક્ય બની જાય. છૂટ હોય તે પ્રદેશમાંથી પીધેલી હાલતમાં આવનારાને પણ એ જ નિયમના અમલની પ્રેક્ટિકાલિટી ખાતર પકડવા પડે.

NR: બહાર નહીં, બારમાં નહીં અને ઘરની અંદર અલાઉ; ડ્રાઇવિંગ સીટ પર નહીં. પરંતુ દમણથી પીને પેસેન્જર સીટ પર બેસીને પ્રવાસ કરવાનું અલાઉ - એ મારા મુદ્દા નથી. એ તો પેલા અરજી કરનારા લોકોએ મૂક્યા છે અને કોર્ટમાં નિર્ણય લેવાશે. મારો મુદ્દો મૂળભૂત રીતે નશાબંધી અને ગુજરાતની દારૂબંધીનો છે. પ્રતિબંધોથી ક્યારેય કશું અટક્યું નથી તે માનવ ઇતિહાસ છે, એકલા ગુજરાતનો અનુભવ નથી. બીજું, ગુજરાત ટૂરિઝમ અને ટ્રેડમાં ફાયદા જતા કરી રહ્યું છે. ટૂરિઝમને પ્રમોટ કરવા ગુજરાતમાં પ્રયાસો થતા રહ્યા છે પણ સાંજે ડ્રિંકની મોજ ન હોય ત્યાં ટૂરિઝમ મૂરઝાતું રહેવાનું. મલ્ટિનેશનલ કંપનીઓ ઇન્ડિયા ઓફિસ માટે હૈદરાબાદ, બેંગલુરુને પસંદ કરે છે, અમદાવાદ, સુરતને નહીં. બીજાં કારણો સાથે પ્રોહિબિશન પણ એક પરિબળ છે. પરંપરા અને લોકલાગણી ખાતર સંપૂર્ણ છૂટ કદાચ ન આપીએ પરંતુ કમોન ગુજરાતીઝ, આપણે પ્રેક્ટિકલ પ્રજા છીએ. ટુરિઝમ પ્લેસ પર ફાઇવસ્ટાર હોટેલ્સમાં વધારે છૂટ, ટ્રેડ અને બિઝનેસ માટે આવનારા માટે વધારે મોકળાશ. પ્રેક્ટિકલ બનીને પરમીટ આપવામાં એવી રીતે હોવી જોઈએ કે ગુજરાત ગુજરાત બની રહે અને દુનિયા સાથે કદમ પણ મિલાવતું રહે.
DG: ટૂરિઝમ માટે અને ટ્રેડ માટે વધારે પ્રેક્ટિકલ બનવાની વાત સાથે ઘણાની સહમતી હશે. અત્યારે ફાઇવસ્ટાર હોટેલમાં પરમીટ સાથે આલ્કોહોલનું વેચાણ થાય છે. પરમીટ આપવાની બાબતમાં પણ વચ્ચે થોડી ઢીલ હતી. વળી, નિયમો કડક બનેલા. બહારથી આવનારાને પરમીટ મળે છે. આ પ્રકારની પ્રેક્ટિકાલિટી નથી એવું પણ નથી પણ એ વાતમાં ના નથી કે થોડું વધારે પ્રેક્ટિકલ બનવું પડે. પરંતુ થોડાં વર્ષો પહેલાં રાજકીય રીતે દારૂબંધી અને વ્યસન મુદ્દા બન્યા એટલે સરકારે વાયદો કરવો પડ્યો કે દારૂબંધીનો કાયદો કડક કરાશે. કાયદામાં ફેરફાર કરીને દારૂની હેરફેર, વેચાણ સહિતના ગુનામાં વધારે કડક સજા અને દંડની જોગવાઈ ઉમેરાઈ. ટૂંકમાં આ મુદ્દે કોકટેલ થયા કરે છે. મૂળ મુદ્દો નશીલા પદાર્થોમાં કેટલી છૂટ, તમાકુ અને આલ્કોહોલ પ્રોડક્ટ્સ પર કેટલા પ્રતિબંધો, વ્યક્તિગત સ્વાતંત્ર્ય કેટલું અગત્યનું અને સાર્વજનિક સુખાકારી કેટલી જરૂરી - આ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. તેના બદલે અત્યારે થયું છે તે રીતે ભળતા મુદ્દે જ ચર્ચા ચાલે છે અને મુદ્દો ચક્કર ચક્કર થાય છે!
(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને સોશ્યલ કમેન્ટેટર્સ છે)

અન્ય સમાચારો પણ છે...