તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ડિબેટ:ઘરકામ કરવાના બદલામાં ગૃહિણીને પગાર મળવો જોઇએ?

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અભિનેતા ટર્ન્ડ રાજનેતા કમલ હાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગૃહિણીઓને પણ તેમના ગૃહકાર્યની કદર સ્વરૂપે સેલરી આપવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસી નેતા શશિ થરૂરે હાસનના આ વિચારને વધાવી લીધો હતો. જ્યારે અભિનેત્રી કંગનાએ ગૃહિણીઓને સેલરી આપવાની વાતનો વિરોધ કરતાં લખ્યું કે, ‘અમારે અમારા જ સામ્રાજ્યની ક્વીન બનવા માટે કોઈ સેલરીની જરૂર નથી.’ આ અઠવાડિયે અમે પણ આ જ મુદ્દે ડિજિટલ ડિબેટ છેડી રહ્યા છીએ કે સવારથી રાત સુધી આખા ઘરનો ભાર પોતાના ખભે ઊંચકતી હોમમેકર ગૃહિણીઓને તેમની આ તનતોડ મહેનત બદલ સેલરી આપવી જોઈએ કે નહીં. આ ડિબેટના એક છેડે છે કટાર લેખિકા, નવલકથાકાર અને પત્રકાર એવાં વર્ષા પાઠક. જ્યારે બીજા છેડે દલીલોનો દોર સંભાળ્યો છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે.

વર્ષા પાઠક (VP): ઘરકામના બદલામાં ગૃહિણીને આર્થિક વળતર મળવું જોઈએ કે નહિ એ સવાલ મને તો બહુ વિચિત્ર લાગે છે. સૌથી મોટું કારણ - હાઉસવાઈફ ઘરમાં કામ કરતી હોય અને પતિ બહાર, તો બંને ઇક્વલ પાર્ટનર્સ કહેવાય. ઘરમાં આવતા, બચતા કે ઈન્વેસ્ટ થતા પૈસા પર બંનેનો સમાન અધિકાર છે, તો કોઈપણ સ્ત્રીએ પાર્ટનરશિપ છોડીને નોકરિયાતનું સ્ટેટસ શા માટે સ્વીકારવું જોઈએ?

દિલીપ ગોહિલ (DG): ગૃહકાર્યના બદલામાં પગાર આપીએ કે નહીં, પરંતુ ગૃહિણીના કાર્યનું મૂલ્યાંકન થાય તે વિચાર મુખ્ય છે. એક જુદા સંદર્ભમાં પણ આવો વિચાર ચર્ચામાં આવ્યો હતો. 2001માં લતા વાધવા કેસમાં આગને કારણે થયેલા મોતમાં વળતરના કેસમાં સુપ્રીમ કોર્ટે કહેલું કે ઘરે પત્ની કામ કરતી હોય તેનું મૂલ્ય હોય છે એટલે વળતર આપવું પડે. તે પછી 2014માં એક દંપતી અકસ્માતમાં માર્યું ગયું ત્યારે પણ વળતર માટે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ગૃહિણીના કાર્યને પતિએ ઓફિસમાં કરેલા કાર્ય બરાબર ગણવું પડે.

VP: એકવાર આવી 'નોકરી' સ્વીકારી પછી પતિ બૉસ કહેવાશે, અને કર્મચારીઓ માટે હોય એવા નિયમો પત્ની પર પણ લાગુ કરવાનો અધિકાર એને મળી જાય. રસોઈ બનાવવાનો કંટાળો આવે છે - બહારથી ફૂડ ઓર્ડર કરો, તેના પૈસા પગારમાંથી કાપો; આજે કપડાંને ઈસ્ત્રી નથી થઈ - પગાર કટ. પતિ પગાર આપે પછી ઘરકામમાં સાથ પણ આપશે એવી આશા છોડી દેવાની. વાત હાસ્યાસ્પદ લાગશે પણ એકવાર કાયદાનો સહારો લીધો તો પછી બધું કાયદેસર કરવું પડે - છે કબૂલ?

DG: અહીં ‘નોકરી’ કરવામાં આવે છે અને પતિ બૉસ ગણાશે તેવી વાત પણ નથી. હાલમાં ફરી ચર્ચા એટલા માટે જાગી કે કમલ હાસને ગૃહિણીને પગાર આપવાનો મુદ્દો ચૂંટણીઢંઢેરામાં લેવાની વાત કરેલી. થયું એવું કે તેમની પહેલાં AIADMK અને DMKએ ઢંઢેરામાં ગૃહિણીને ‘પગાર’ આપવાનું વચન આપી દીધું. હવે કમલ હાસને થોડું ફેરવી તોળ્યું અને પોતાના ઢંઢેરામાં એવું કહ્યું કે ગૃહિણીઓ ગૃહઉદ્યોગ થકી આવક મેળવી શકે એવું કરાશે.

VP: પણ સ્ત્રીના ઘરકામની વેલ્યુ સરકાર નક્કી કરે, એ માટે પગાર આપે એ પણ મોટી વિચિત્રતા નથી? તામિલનાડુ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં જુદાજુદા રાજકીય પક્ષોએ ગૃહિણીઓને ઘરકામના બદલામાં મહિને પંદરસોથી ત્રણ હજાર રૂપિયાનો પગાર આપવાના વચનો ફેંક્યાં છે. મતલબ ઘરમાં કામ કરવા માટે ગૃહિણીને સરકાર પગાર આપશે; અને ઘરના પુરુષોને હાથ ખંખેરી નાખવાની સવલત આપશે. આમાં સ્ત્રીઓએ ખુશ થવા જેવું કંઈ પણ છે?

DG: એક્ઝેક્ટલી પગાર નહીં, પરંતુ સરકાર કોઈ સહાય કરે તે ઘરના પુરુષના બદલે સ્ત્રીના ખાતામાં જાય તેવી રાજકીય પક્ષોની ગણતરી છે. આમાં થોડું પૉલિટિક્સ છે, કેમ કે હાલમાં સ્ત્રીઓ કુટુંબથી અલગ રીતે અને વધુ મતદાન કરતી થઈ છે. તેથી તેમને રાજી રાખવાની વાત છે. તેનાથી ઘરકંકાસ થાય તેવું લાગતું નથી. ઉલટાના પતિઓ રાજી રાખવાની કોશિશ કરશે, કેમ કે ખાતામાં ખણખણિયા દર મહિને આવવાના! પતિ રાજી રાખવાની કોશિશ કરે એમાં સ્ત્રીઓ જેટલી ખુશ થાય એટલી ખરી!

VP: સરકારને સ્ત્રીઓના હિતની આટલી જ ખેવના હોય તો કામની જગ્યાએ એક જ કામ માટે સ્ત્રી અને પુરુષને જુદુંજુદું વળતર આપવાની અન્યાયી પ્રથા બંધ કરાવે, ગરીબ પ્રેગ્નન્ટ સ્ત્રીને જાણ કરે કે ગર્ભાવસ્થા દરમ્યાન એને પૂરા પગારે અમુક સમય રજા લેવાનો અધિકાર છે. ઘરકામ માટે પગાર આપવાના તુક્કા ઉછળવાનું બંધ કરે.

DG: આ મુદ્દાઓમાં સહમતિ છે. સ્ત્રીશક્તિકરણને પ્રચારની જેમ જોવાના બદલે સાચા અર્થમાં તેનો અમલ થાય તે માટે ‘પગાર’ આપવા સિવાય બીજું ઘણું થઈ શકે છે. પરંતુ કમસે કમ સરકારની જે પણ આર્થિક સહાય હોય તે પતિ કરતાં પત્નીના હાથમાં સીધી જાય તેના થોડા ફાયદા બીજી સરકારી યોજનાઓમાં પણ થયા છે.

VP: બાકી, સાદી વાત એટલી કે ઓફિસવર્ક જેટલી જ કદર હાઉસવર્કની થવી જોઈએ. કદર એટલે માત્ર સરકારી ભીખ કે વારતહેવારે જાહેર સમારંભોમાં થતી દંભી શાબ્દિક ફૂલવર્ષા નહિ. રોજ ઘરમાં કામ કરે એને 'આજે કામ નથી કરવું' કહેવાનો અધિકાર હોવો જોઈએ. ઘર આપણું છે. હિમ્મત રાખો તો થોડા દિવસમાં બધાં ઠેકાણે આવી જાય. વાસ્તવિકતા એ છે કે મોટાભાગની ગૃહિણીઓ પાસે આ અધિકાર છે, પણ એને બજવણીમાં બીક લાગે છે.

DG: કદાચ અહીં કદર કરવાની વાત જ છે. રેર કેસમાં સરકારી યોજનાના સામાજિક સંદર્ભો હોય છે અને સામાજિક પરિવર્તન આવતું હોય છે. કુટુંબ નિયોજન સરકારી દવાખાને સરળતાથી ઉપલબ્ધ થવાથી ગ્રામીણ સ્ત્રીઓને રાહત મળી છે. કન્યાને સાયકલ મળવાથી તેનું ભણતર ચાલતું રહે તેવું અમુક અંશે બન્યું છે.

VP: પરિવાર માટે હસતા મોઢે જાત ઘસી નાખી, દેવીનો તાજ પહેરી લીધા બાદ 'હું તમારી નોકર નથી કે ઓર્ડર ફાડ્યા કરો છો, જાવ, તમારું કામ જાતે કરી લ્યો' એવું પતિ કે બાળકોને કહી દેતાં જીભ નથી ઊપડતી. 'હાઉસવાઈફને પગાર મળવો જોઈએ' એવું ક્યાંક વાંચી સાંભળીને એ ઝીણા સાદે બીજી ગૃહિણીઓ સાથે ચર્ચા કરશે અને પછી 'સ્ત્રીની યાતના' જેવી ફાલતુ સેન્ટિમેન્ટલ કવિતાઓ ફોરવર્ડ કરીને નકલી નિસાસા નાખશે. આવી આદર્શ ગૃહલક્ષ્મીઓ સરકાર ખરેખર પગાર આપે તો પણ તે પતિના હાથમાં જ આપી દેવાની. એટલે સ્ત્રીવિરોધી ગણાઈ જવાના જોખમ સાથે પણ હું કહીશ કે આવી અર્થહીન સ્કીમ માટે હું સરકારને ટેક્સ નથી આપતી.

DG: ગૃહકાર્ય એ સંસારને સંભાળવાનું અને સંસ્કારી પેઢી તૈયાર કરવાનું ઉમદા કાર્ય પણ છે, તેના માટે ‘પગાર’ જેવો શબ્દ સરકારો ન વાપરે તે સ્વીકાર્ય. કદાચ ગૃહકાર્યના બદલામાં વળતર અપાય છે તેવી યોજના પણ ન હોવી જોઈએ; પરંતુ ગૃહિણીઓને સીધી સહાય, તેમના ગૃહકાર્યનું માહાત્મ્ય થાય તે રીતે થતી હોય તો એવી અર્થસભર એકાદ સરકારી યોજનાને સ્વીકારવી પણ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો