• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Shikha Was Shocked To See The Letter In Aman's Hand, But She Went To Aman With The Firm Belief That He Would Explain To Her ... But Aman Moved Back Two Steps

મારી વાર્તા:અમનના હાથમાં પત્ર જોઈ શિખાને કંપારી છૂટી ગઈ... શિખાને જોઇને અમન બે ડગલાં પાછળ ખસી ગયો...

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાળજાને કકડીને ભૂખ લાગી છે અને આંખોને તરસ પમાડે એવો છપ્પન ભોગ છે. થાળમાં પણ કેમ તોય એકેય કોળિયો નથી ઉતરતો ગળા નીચે? એક શહેર શું છૂટ્યું આપણા વચ્ચે તો એક બ્રહ્માંડ જેટલું અંતર થઈ ગયું, પણ તને શું? તું તો મસ્ત છે તારી દુનિયામાં. તારે મન મારું મૂલ્ય જ શું? કંઈ કેટલુંય કરગરી તારી આગળ, તોય તે એક પણ વાત ન સાંભળી. ખબર નહીં એવી તો શું લાચારી હતી કે મારા હૈયે વસતો ચહેરો હૈયે જ કેદ થઈ ગયો? આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે તું મારી આંખો ન વાંચી શક્યો હોય, તો કેમ મારા પ્રારબ્ધને એવી દિશામાં આગળ ધકેલ્યું, જ્યાં તારું નામ લેવું પણ મારા માટે વર્જિત બની ગયું. ફરિયાદો છે મને અસંખ્ય પણ તેમ છતાંય આ ક્રોધ એક સીમાએ ઠરી જાય છે અને પીગળાવી મૂકે છે તારાં સંસ્મરણો.

તારી નિશાની હજુય બંધ પુસ્તકોમાં કેદ છે. હજી પણ તેને સ્પર્શતા તારી નિકટતા અનુભવું છું. તારાં તોફાન, તારું મોહક સ્મિત, તારી સાથે કરેલી અસંખ્ય વાતો માટે મારી ઘેલછા ક્યારેય ઓછી નહીં થાય. વર્ષો થયાં આ શહેરમાં. ક્યારેક મન થઈ જાય છે કોઈને જાણ ન થાય એમ તને મળવા આવું, પણ તારી પાસેય ક્યાં એવો સમય છે કે તું ફુરસદથી મને સાંભળે. તું હવે એ તો છે નહીં જેને હું મૂકીને આવી હતી. ઘણું લખવું છે, એવું જે ભલે વાંચી શકે બધા, પણ સમજાય ફક્ત તને.

તું અને માત્ર તું. જેનાથી હું બંધાયેલી તેમ છતાં મુક્ત. તું અને માત્ર તું દૂર એટલો કે કદાચ ક્યારેય નહીં દેખાય અને પાસે એટલો કે આંખ ખૂલતાંની સાથે અને આંખ મીંચતાં બસ તારી જ ઝાંખી દેખાય. તું અને માત્ર તું જેને નામ જિંદગીના દરેક શ્વાસ મારા. તારા વગરની દુનિયામાં જો તો જરા હું, હું નથી રહી. રોજે રોજ તને યાદ કરું છું. ક્યારેક તો સાબિતી આપ મને મારા પ્રેમની, મારી શ્રદ્ધાની. બોલાવ મને તારી પાસે, તારા શહેરમાં જ્યાં હું ચોધાર આંસુએ રડી શકું, ખિલખિલાટ હસી શકું, જ્યાં મારાં હાસ્ય અશ્રુ મૌન માટે મારે સ્પષ્ટીકરણ ન આપવું પડે. જ્યાં મન હળવું કરી શકું અને મન ભરીને તને નિહાળી શકું. ભરડો લીધો છે તારી યાદોએ મારી ચોતરફ પણ ગૂંગળામણ થતી હોવા છતાં મુક્ત નથી થવું મને આમાંથી.

તીવ્ર ઈચ્છા છે કે આમ જ મુક્તિ મળે મને. તારાથી દૂર, પણ તારામાં જ લીન. તારી નહીં પણ તેમ છતાંય તારી થઈને. કંઇક તો છે જે અત્યંત પરિશુદ્ધ છે. ક્યારેક સવાલ થાય કે આ માત્ર તારા તરફનું આકર્ષણ જ હશે પણ જો એમ હોત તો સમયની સાથે આટલું પ્રગાઢ ના બન્યું હોત. કોઈ છબિ, કોઈ મૂરત વિના પણ તું નખશિખ મારામાં અંકિત છે. અહીં કોઈ નહીં સમજે તારા પ્રત્યે મારી ભાવના, તારા માટે મારો લગાવ. તેથી જ જણાવતી નથી પણ દેહથી ભલે યોજનો દૂર તું પણ મારી આત્માને સ્પર્શવાનો હક માત્ર તારી પાસે છે ત્યાં સુધી કોઈ ના પહોંચી શક્યું છે, ના કોઈ પહોંચી શકશે.

મારું સર્વસ્વ તને અર્પણ, પછી તું સ્વીકારે કે ના સ્વીકારે. લિ. તારી અને માત્ર તારી શિખા. ***

અમન પત્ર વાંચીને અત્યંત ભાવુક થઈ ગયો. એટલો અચંબિત હતો જાણે પગ નીચેની જમીન સરકી ગઈ હતી. આભ તૂટી પડ્યું હતું. શિખા, જેને તે અત્યંત પ્રેમ કરતો હતો. આજે લગ્નનાં સાત સાત વર્ષ બાદ તેની પત્ની દ્વારા કોઈ બીજા માટે લખાયેલા પત્રને વાંચીને શું પ્રતિભાવ આપવો તેને સમજાયું નહીં. ક્રોધ તેની લાલઘૂમ આંખોમાં ઉપસી આવ્યો હતો પણ પોતે જેને સૌથી વધુ ચાહી હતી તેના હૈયે કોઈ બીજાનો ચહેરો અંકિત છે તે વાતથી હજારો ટુકડામાં ભાંગી ગયો હતો. તૂટેલા વિશ્વાસની કણચો એટલું દર્દ આપી રહી હતી કે અશ્રુ આંખોની પાળેથી વહી ગયાં.

શિખાએ અમનને જમવા માટે બે બૂમ પાડી, તેમ છતાં તે બહાર ન આવતાં તે પોતે જ તેને બોલવા આવી.

અમનના હાથમાં પત્ર અને આંખમાં અશ્રુ જોઈ શિખાને પણ ક્ષણભર માટે કંપારી છૂટી ગઈ, પણ તે અમનને સમજાવી લેશે તેવા દૃઢ વિશ્વાસ સાથે અમનની પાસે ગઈ. અમન બે ડગલાં પાછળ ખસી ગયો.

'આ શું છે? કેમ?' આનાથી વધારે અમન કંઈ જ ના બોલી શક્યો.

અમન અને શિખા સંયુક્ત પરિવારમાં રહેતાં. અમનના પિતાજી અને શિખાના પિતાજી બંને પરમ મિત્ર હતા. તેમના મિત્રનો જીવ બચાવવા એક અકસ્માતને સામી છાતીએ સ્વીકારી મૃત્યુને સમર્પિત થયા હતા શિખાના પિતાજી પણ મૃત્યુ પૂર્વે પોતાની લાડકવાયી દીકરીની જવાબદારી સોંપતા ગયા. તેથી જ અમનના પિતાજીએ બંનેનાં લગ્ન કરાવ્યાં. પિતાનું અંતિમ ફરમાન શિખા કેમ નકારી શકે. બંને અત્યંત ધાર્મિક પરિવારનો ભાગ હતા. તે ઉપરાંત જાત ધર્મ બધું સમાન હોવાથી ક્યાંય કોઈ વિઘ્ન નહોતું. પરંતુ અમનના કુટુંબમાં સૌ કોઈ એકદમ રૂઢિચુસ્ત અને ધાર્મિક હોવાથી અહીંના કાયદા થોડા વધારે સખત હતા.

અમનની મા શિખાને ખાસ પસંદ કરતી નહોતી. આટલાં વર્ષોમાં શિખાએ કંઈ કેટલાય પ્રયત્નો કર્યા, પણ ક્યારેય દીકરી તો દૂર એક વહુ તરીકે પણ સ્થાન નહોતી મેળવી શકી. તે તેનાં સાસુના મનમાં. અમન માટે તો શિખા સાથે તેનાં લગ્ન મહેનત વિના મોતી પામવા જેવું હતું. અમનને શિખા માટે કૂણી લાગણી હતી, પણ તેનો શરમાળ સ્વભાવ તેનો શત્રુ હતો. જેથી તે ક્યારેય કોઈ સમક્ષ કશું જ કહી શકતો નહીં, પણ આ ભાગ્યનો ખેલ હતો કે બંને મળ્યાં આખરે, પણ આજે આ પત્ર કંઈ અલગ જ હકીકત દર્શાવી રહ્યો હતો.

શિખાએ કેડે લટકાવેલા જુડામાંથી તેના તિજોરીની ચાવી કાઢી. અમનનો હાથ ખેંચી તેને તિજોરી પાસે લઈ ગઈ. તેના તિજોરીના ચોર ખાનાને ખોલવા પ્રયત્ન કરી રહી શિખાને અમન જોઈ રહ્યો. ઘડી બે ઘડીમાં શિખાએ આવા તો કંઈ કેટલાય પત્રો અમનના હાથમાં આપ્યા.

'આ આવા જ પત્રો છે જે મેં લખ્યા છે. જાણવું નથી કોને લખ્યા છે?' શિખાએ ખૂબ સલુકાઈથી તે જ ચોરખાનામાંથી એક અત્યંત સુંદર અને મોહક નાની અમથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢી. 'આમને જ લખ્યા છે આ તમામ પત્રો. કૃષ્ણપ્રેમ મારા માટે બધાથી પરે છે.’

‘મમ્મીના અવસાન બાદ જ્યારે હું સાવ એકલી પડી ગઈ ત્યારે આમને મારા સુખ દુઃખના સાથી બનાવ્યા. તેમની સાથેનો મારો લગાવ દિન પ્રતિદિન એટલો વધી ગયો કે હું પણ પોતાને રોકી ના શકી. કૃષ્ણપ્રેમ લોકો માટે ભલે ભક્તિ અથવા પૂજા હશે, પણ મારા માટે તે આ બધાથી પણ વધુ છે, અલૌકિક છે. પોરબંદરથી પપ્પાની ટ્રાન્સફર થઈ. ત્યારબાદ જાણે આ ટેલિપથીને કોઈની નજર લાગી ગઈ. અહીં આ શહેરમાં સંબંધીઓ તો ઘણા મળ્યા, પણ કૃષ્ણ જેવી રાહત કોઈ નહોતું આપી શકતું. ફોઈને ત્યાં તો ચલણ જ અલગ હતું. જૈન કુટુંબમાં જન્મ લઈને પણ કૃષ્ણ તરફનો આટલો ઝુકાવ મારી ફરિયાદનું કારણ બનતું, પણ પપ્પા જાણે સમજતા હતા. મને અને થોડા સમયમાં તે પણ જતા રહ્યા તારી સાથે બાંધીને મને. અહીં આવી તો માનું પણ કંઇક એવું જ હતું. મને માફ કરજે અમન જાણું છું તારાથી છુપાવ્યું તે ઠીક નથી, પણ આ એક સીમા છે જેની અંદર મેં ક્યારેય કોઈને પ્રવેશ નથી આપ્યો. જે મારું છે એને પ્લીઝ મારા સુધી જ સીમિત રહેવા દો.'

અમનને શિખાની અતૂટ શ્રદ્ધા માટે ખૂબ માન થઈ આવ્યું. જો કદાચ આ રીતે તેને જાણ ન થઈ હોત તો એને પણ આ વાત હાસ્યાસ્પદ લાગી હોત, પણ શિખાની નિખાલસતા અને નિર્મળ મન તે ઓળખી ના શક્યાનો રંજ તેને થઈ રહ્યો. તે ભેટી પડ્યો શિખાને અને શિખા બંધ આંખે પણ તેના કૃષ્ણને સાંભરતી રહી.

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...