તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:યુવાનીના ઉંબરે શશિનનો ઝળઝળતો પ્રેમ લઈ ગયો પૌરવીને પોતાને સંગ...

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિલેશનશિપની વ્યાખ્યાના જવાબમાં કાયમ ‘ઇટ્સ કોમ્પ્લિકેટેડ’ જેવું જ લાગે છે? ડોન્ટ વરી, આ કોલમ સંબંધોની ગૂંચની એકેક ગાંઠ દર શનિવારે ઊકેલી આપશે.
***
સંબંધમાં પ્રેમ જેટલું જ મહત્ત્વ પારદર્શિતાનું હોય છેઃ વાત કરવાની છે અમદાવાદનાં પૌરવી અને શશિનની. થયું એવું કે કોલેજમાં ભણતાં હતાં ત્યારે પૌરવી અને શશિન એકબીજાની નજીક આવ્યાં. ભગવાને પૌરવીને ઉદારતાથી સૌંદર્ય આપ્યું હતું. શશિનને પહેલી નજરે જ પૌરવી ગમી ગઈ હતી. ધીમે-ધીમે તે પૌરવીને ચાહવા લાગ્યો હતો. ગમવું અને ચાહવું એ બન્નેમાં ઘણો ફરક હોય છે. ગમતી દરેક વ્યક્તિને આપણે ચાહતાં જ હોઈએ તેવું નથી. ગમતો પ્રદેશ પૂરો થાય એ પછી ચાહતનો પ્રદેશ આવતો હોય છે. બધા સંબંધો કંઈ ચાહતના પ્રદેશમાં નથી પહોંચતા.

શશિનની વાત નોખી હતી. તેને પૌરવી ગમતી હતી અને તે પૌરવીને ચાહવા પણ લાગ્યો હતો. જો કે, મોટામાં મોટી તકલીફ હતી પોતાની ચાહનાની વાતને પૌરવી સુધી પહોંચાડવી કઈ રીતે તેની. પૌરવીને પોતાના તરફ કઈ આકર્ષવી તેની ગતાગમ તેને પડતી નહોતી. વળી, એ કોઈ ચાન્સ પણ લેવા માગતો નહોતો. જો પૌરવી તેને ના પાડી દે તો તો આવી જ બને! શશિનને લાગતું હતું કે તે પૌરવી વિના જીવી જ નહીં શકે. એ ખરેખર મુગ્ધતા અને યુવાનીના ઉંબરે થયેલું આકર્ષણ હતું કે પછી ખરેખર સાચો પ્રેમ હતો તેની તો શશિનને પણ ખબર નહોતી, પણ પૌરવીને જોયા કે મળ્યા વિના તેને ચાલતું નહોતું. પૌરવીને જોતાવેંત તે પોતાની જાતને રિલેક્સ અનુભવતો.

એક બે વખત તેણે વાતચીત કરીને પૌરવીને પોતાના હૃદયનો ભાવ પહોંચડવાની કોશિશ કરી, પણ તેમાં ભારોભાર નિષ્ફળતા મળી. બોલી જ ના શકાયું કશું ! હૃદયમાં કશુંક હતું અને હોઠ બીજું જ કાંઈ બોલતા હતા. આમાંને આમાં એક વર્ષ વીતું ગયું. શશિનના નજીકના મિત્રો જાણતા હતા કે શશિન પૌરવીના પ્રેમમાં પડ્યો નથી, બરાબરનો ખાબક્યો છે.

પ્રેમમાં પડવાનો, પછીને ઊભા થવાનો, પુનઃ પડવાનો જેને વિવિધલક્ષી અને દીર્ઘકાલીન અનુભવ હતો એવા એક મિત્રે તેને છોકરીઓને ‘પટાવવા’ની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપી. આજકાલની છોકરીઓના હૃદય સુધી જવું હોય તો ખર્ચો કરવો પડે, રોલો પાડવો પડે, તેને સમય આપવો પડે. શશિન જેવા પ્રમાણમાં સીધાસાદા છોકરાને આ વાત મનમાં બેઠી નહીં, પણ બીજા કેટલાક મિત્રોએ પણ ફોર્સ કર્યો એટલે એ આવું બધું કરવા માટે તૈયાર થયો.

અને પછી શરૂ થયો પૌરવીને પટાવવાનો મોડર્ન યુવક-યુવતીઓમાં ચાલતો શિરસ્તો. શશિન પાસે પોતાનું બાઈક નહોતું તો તે મિત્રોનું ઉછીનું બાઈક લઈને આવવા લાગ્યો. ક્યારેક તો કાર લઈને કોલેજમાં આવતો અને રોલો પાડતો. નવાં નવાં કપડાંમાં તે પોતાનો રૂઆબ અને મિજાજ દેખાડતો. કોલેજની કેટલીક સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેણે ભાગ લીધો અને ઝ‌‌ળહળતો દેખાવ કર્યો. યોગાનુયોગ ગણો કે નિયતિ માનો, કેટલીક સ્પર્ધાઓમાં પૌરવીએ પણ ભાગ લીધો હતો. અહીં શશિનને પૌરવીની નજીક આવવાની તક મળી. એ પછી તો એ બન્ને મિત્રો બન્યાં. રેસ્ટોરાંમાં સાથે જવા લાગ્યાં.

શશિનને થયું કે છેવટે પોતાની મહેનત રંગ લાવી. તેણે મિત્રોનો આભાર માન્યો. જો કે, પછી જે બન્યું તે સાવ જ અણધાર્યું હતું. અચાનક શશિને કોલેજ આવવાનું બંધ કર્યું. અરે, તે મિત્રોનો ફોન પણ ન ઉપાડતો. મિત્રોની વાત તો જવા દો, તે પૌરવીને પણ કોઈ જવાબ નહોતો આપતો.

પૌરવી માટે આ સ્થિતિ વસમી અને ન સમજાય તેવી હતી. 10-15 દિવસના પ્રયાસો પછી માંડ માંડ તે શશિનને મળી શકી. એ દિવસો પૌરવીએ માંડ માંડ પસાર કર્યા હતા. એક સુંદર સાંજે તેઓ બંને પોતાની મનગમતી રેસ્ટોરાં "મળેલા જીવ"માં મળ્યાં. શશિને સંકોચ સાથે ના મળવાનું કારણ કહ્યું ત્યારે પૌરવી એટલું બધું હસી, એટલું બધું હસી કે રેસ્ટોરાંમાં હાજર અન્ય લોકોને પણ નવાઈ લાગી. શશિને તેને કહી દીધું કે મેં તને પટાવવા માટે હું પોતે અમીર છું એવું નાટક કર્યું હતું. મારી પાસે તો એક સાદું એક્ટિવા જ છે, પણ મિત્રોનાં બાઈક પર હું વટ મારતો હતો. ક્યારેક કાર લાવતો હતો તે પણ મિત્રોની જ હતી અને કપડાંનું પણ લગભગ એવું જ હતું.. તેણે પૌરવી સમક્ષ નિખાલસ કબૂલાત કરી કે મિત્રોની વાતોમાં આવીને હું આવી ભૂલ કરી બેઠો. જો કે, મારો આત્મા ડંખતો હતો. મને સહેજે ગમતું નહોતું એ મેં કર્યું હતું. તું તેનાથી મારા પ્રભાવમાં આવી એટલે હું શરૂઆતમાં ખૂબ જ ખુશ થયો પણ પછી મને મારા હૃદયે ખૂબ જ બેચેન કર્યો. એટલે જ હું કોલેજ નહોતો આવતો. મારે તને સાચું કહેવું હતું પણ સાચું કહેવાની મારામાં હિંમત નહોતી.

પૌરવીએ શશિનને કહ્યું, હું કંઈ બાઈક, કાર, કપડાંથી તારા તરફ આકર્ષાઈ હતી તેવું તું માનતો હોય તો એ તારી ભૂલ જ હતી અને છે. હું તારી ક્રિએટિવિટી અને તારી પાસે એક શુદ્ધ હૃદય છે તે પામી જઈને તારા પ્રેમમાં પડી હતી. મને ખબર પડી ગઈ હતી કે તારો મારા માટેનો જે ભાવ છે એ નર્યું આકર્ષણ નથી, પણ ખરેખર સાચો પ્રેમ છે. જો તારામાં મારા માટેનો સાચો પ્રેમ ના હોત તો હું તારી સાથે મિત્રતા કેળવત જ નહીં. મને પણ તારા માટે લાગણી હતી પણ એ પ્રદેશ લાગણીનો જ હતો. કાવ્ય પઠનમાં તારી કવિતાઓ સાંભળીને, તારી શુદ્ધ સર્જનાત્મકતા જોઈને તું મને વધારે ગમવા લાગ્યો હતો. "તારી આંખનું ઊંડાણ કહે, તો હું મારા આયુષ્યનો અંદાજ બાંધી લઉં.." આ કાવ્યપંક્તિ તે મને જોયા પછી જ લખી હતી તેની મને ખબર છે.

પૌરવીની વાતો સાંભળીને શશિનની આંખો ભીની થઈ ગઈ અને હૃદય પરનો બધો બોજ પણ ઓછો થઈ ગયો. પૌરવીએ તેને કહ્યું, મારા હૃદયના સુબેદાર સાહેબ, તમને મારા માટે પ્રેમ હતો તેની તો મને ખબર હતી જ, પણ સંબંધમાં જેટલું મહત્ત્વ પ્રેમનું હોય જ તેટલું જ મહત્ત્વ પારદર્શિતાનું, ઓપનનેસનું, નિખાલસતાનું પણ હોય છે. કશુંક છુપાવીને, છેતરીને, અંચઈ કરીને, ખોટી માહિતી આપીને કરેલો પ્રેમ તો તકવાદી અને તકલાદી પ્રેમ હોય છે. એ લાંબું ટકતો જ નથી.

કોઈ પણ યુવતીને ખરેખર તો પ્રેમના સ્વરૂપે એક સાચું હૃદય જ જોઈતું હોય છે. ચીજ-વસ્તુઓ કે સાધન-સગવડમાં કંઈ પ્રેમ હોતો નથી કે તેમાં એ પૂરાતો પણ નથી. એ બધી પ્રેમની સપાટી પરની અને છીછરી લાગણીઓ માત્ર હોય છે. સાચો પ્રેમ તો વ્યક્તિની ભીતરનો વિષય હોય છે.

શશિને કહ્યું કે પૌરવી મેં અખબારમાં સમાચાર વાંચ્યાં કે એક યુવક નપુસંક હતો તો પણ ખોટું બોલીને એક યુવતી સાથે તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં. લગ્ન પછી થોડા દિવસ યુવતીનાં સાસરિયાંએ સત્ય છુપાવવા જાતભાતનાં નાટક કર્યાં, પેંતરા કર્યા, પણ છેવટે સત્ય છાપરે ચડીને પોકાર્યું. યુવતીએ ફરિયાદ કરી. આ સમાચારે મને હચમચાવી નાખ્યો. મને થયું કે આવું તો ના જ ચાલે. મને પોતાને થયું કે મેં પણ તને ખોટી રીતે પટાવી કે છેતરી છે. એટલે હું સંકોચમાં તારા ફોન ઉપાડતાં કે ફોન કરતાં પણ ડરતો હતો. મેં તને સાચી વાત કહેવા વારંવાર લાંબો મેસેજ ટાઈપ કર્યે પણ મને બીક લાગતી હતી કે એ વાંચીને તું કંઈક કરી બેસે તો! વળી, હું તને ગુમાવવા પણ નહોતો માગતો કારણ કે, હું તને ખૂબ ચાહું છું અને તારા વિના રહી શકું તેમ જ નથી.

પૌરવીએ કહ્યું કે જે થયું તે સારા માટે જ થયું. હકીકત જેટલી વહેલી સામે આવે તે સારી વાત કહેવાય. તારામાં પ્રેમની સાથે-સાથે નિખાલસતા પણ છે એ જાણીને મારો તારા માટેનો પ્રેમ બેવડાઈ ગયો છે. આપણે હવે કોઈ મોંઘી રેસ્ટોરાંમાં જમવાની કોઈ જરૂર નથી. ગાંધી આશ્રમમાં, હૃદયકુંજની સામે પાળી પર બેસી, રિવરફન્ટનો નજારો જોતાં-જોતાં તારી સાથે ચણા કે શિંગ ખાવામાં મને જે મજા આવશે તે ફાઇવ સ્ટાર હોટલમાં પણ નહીં આવે..

શશિન અહોભાવથી પોતાની સૌથી નજીકની મિત્ર અને સખી પૌરવીને જોઈ રહ્યો. તેણે પોતાનો હાથ લંબાવી પૌરવીનો હાથ પોતાના હાથમાં લીધો ત્યારે તેની આંખમાંથી એક અણમોલ આંસુ નીચે ટેબલ પર પડ્યું. રેસ્ટોરાંની બારી પાસે એક ઝૂલતી ડાળી પર એક પોપટ અને પોપટી બેઠાં હતાં. પોપટીએ આ દૃશ્ય જોઈને પોપટને કાનમાં કહ્યું, તું પણ આવો જ પારદર્શક બનજે. કોઈ બીજી પોપટીના પ્રેમમાં પડે તોય મને કહી દેજે. પોપટ હસ્યો અને બન્ને ફરરરર કરતાં ઊડી ગયાં....
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો