ઇટ્સ કોમ્પ્લિકેટેડ:આત્મવિવાહઃ જાત સાથેનાં લગ્ન, એક રસપ્રદ ચર્ચા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કર્યાં. આત્મમંથન, આત્મજ્ઞાન, આત્મહત્યા જેવા શબ્દોની હરોળમાં હવે આત્મવિવાહ જેવો એક નવો શબ્દ ઉમેરાયો. આત્મવિવાહ એ એકવીસમી સદીનો નવો મુકામ છે. ક્ષમા બિંદુ ભારતની એવી પહેલી મહિલા છે જેણે કોઈ પુરુષ સાથે લગ્ન કરવાને બદલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં છે. આવાં લગ્નને ‘સોલોગામી’ કહેવાય છે. સેલ્ફ મેરેજનો આ રિવાજ વિશ્વમાં એકદમ નવો છે એવું નથી. સને 1993માં અમેરિકામાં લિંડા બારકરે સૌપ્રથમ પોતાની જાત સાથે લગ્ન કર્યું હતું. એ પછી ઘણાં લોકોએ જાત સાથે લગ્ન કર્યું.

ખાસ કરીને મહિલાઓમાં આત્મવિવાહનો રિવાજ ધીમે-ધીમે વધી રહ્યો છે
આધુનિકીકરણ અને ભૌતિકવાદને પગલે જે લોકો જવાબદારીથી દૂર રહેવા માગતા હોય તે લોકો સિંગલ રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેવાની પરંપરા ખાસ કરીને યુવતીઓમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચલણમાં છે. આત્મવિવાહ એ સિંગલ પછીનું એડવાન્સ અથવા નવું પગલું છે.

તમે જ્યારે સિંગલ રહો છો ત્યારે તમે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરતાં નથી.

જો કે જ્યારે તમે આત્મવિવાહ કરો છો, એટલે કે પોતાની જાત સાથે જ લગ્ન કરો છો ત્યારે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરીને પણ સિંગલ રહો છો.

તમે સિંગલ રહો છો કે પછી આત્મવિવાહ કરો છો ત્યારે અન્ય કોઈ વ્યક્તિ સાથે જોડાતાં નથી. તમે જાત સાથે જોડાવ છો. જાત સાથે જોડાવું અને લગ્ન કરીને અન્ય વ્યક્તિ, કુટુંબ કે સમાજ સાથે જોડાવું તેમાં ઘણો ફરક હોય છે.

  • જોડાવું એ સંસ્કાર છે.
  • જોડાવું અને જોડવું એ મૂલ્ય છે.
  • લગ્નમાં જોડાવાનો મહિમા છે.
  • લગ્ન એકત્વની આરાધના છે.
  • એમાં બે હૈયાં અને બે પરિવાર જોડાય છે.
  • એમાં બૃહદ સમાજ પણ જોડાય છે.
  • જોડાવું એ પવિત્રતા છે.
  • જોડાવું એ માનવતા છે.
  • જોડાવું એ જવાબદારી પણ છે.

તમે જ્યારે જોડાવ છો ત્યારે આપોઆપ સમર્પણની દિશા તરફ ગતિ કરો છો.
લગ્ન સંસ્થામાં પ્રવેશ કરનારી કોઈ પણ વ્યક્તિ એક સાથે બે અનુભવમાંથી પસાર થાય છે. એક અનુભવ હોય છે જોડાવાનો. તમે એક નવી વ્યક્તિ, નવા કુટુંબ સાથે જોડાવ છો. એ આનંદની રળિયામણી ઘડી છે. એમાં રોમાંચ, ગૌરવ અને આનંદ છે.

લગ્ન સ્ત્રી-પુરુષની જાતીય વૃત્તિઓને સંયમિત કરે છે. જાતીય વૃત્તિઓને સંયમમાં રાખવા માટે લગ્ન સંસ્થા અસરકારક વ્યવસ્થા ગણાય છે. અલબત્ત, તેમાં સો ટકા સફળતા મળતી નથી. એમાં પણ અનેક છીંડાં રહી જાય છે.

ક્ષમા બિંદુએ આત્મવિવાહની જે શરૂઆત કરી છે તે કેટલી યોગ્ય છે? તેનાથી લગ્ન સંસ્થા સામે કોઈ જોખમ ઊભું થશે ખરું? આજકાલ યુવક-યુવતીઓ શા માટે લગ્ન ન કરવાનો નવો રિવાજ સ્થાપી રહ્યાં છે. એમાં વિશેષ કરીને યુવતીઓ શા માટે હોય છે? આ બધા ચર્ચાના મુદ્દા છે.

પહેલી વાત એ છે કે, સમય પરિવર્તનશીલ હોય છે. સમયના લાંબા પટ્ટે નિતનવાં અને અવનવાં પરિવર્તનો આવતાં જ રહે છે, એને રોકી ન શકાય. એ ઈચ્છનીય પણ છે. ઘણીવાર શાંત પાણીને ડહોળવું પડે છે. જો કોઈ મેલ કે કચરો હોય તો તેને શોધી શકાય અને તળિયે લઈ જઈ શકાય. સમાજનાં નીરને વિવિધ રીતે ડહોળવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહેવી જોઈએ. જે સ્થાપિત થઈ ચૂક્યું છે તે શ્રેષ્ઠ છે, યોગ્ય છે, ઉત્તમ છે તેવું માની ન લેવાય. તેમાં સુધારાને પૂરો અવકાશ હોય છે. વિનોબા ભાવેએ ભારતની સંસ્કૃતિ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. એમાં તેમણે સંસ્કૃતિની સરસ વિભાવના કરી છે. તેમણે કહ્યું છે કે, પહેલાં કૃતિ રચાઈ છે. સમયની એરણ પર એ કૃતિનું આકલન અને મૂલ્યાંકન થતું રહે છે. એ કૃતિની જુદી જુદી રીતે કસોટી થાય છે. જ્યારે કૃતિ તમામ પરીક્ષાઓમાંથી હેમખેમ પાસ થાય છે ત્યારે એ સંસ્કૃતિ બને છે. સમયાંતરે સમાજમાં નવી નવી કૃતિઓ રચાતી જ રહે છે. જો સંસ્કૃતિ એ કોઈ નદીની મોટી ધારા છે તેમ આપણે માની લઈએ તો સાંપ્રત સમયમાં રચાતી કે સર્જાતી નવી નવી કૃતિઓ એ નદીને મળતાં ઝરણાં છે.

લગ્ન સંસ્થાએ અકુદરતી વ્યવસ્થા છે. માણસ જાતે પોતે શોધી કાઢેલી અને પછી ધીમે ધીમે તેને સ્થિર કરી છે. એ કુદરતી ન હોવાથી તેના ઘણા પ્રશ્નો છે. કોઈપણ અવસ્થા કે વ્યવસ્થાના પ્રશ્નો હોય જ છે. પ્રશ્નોથી પર હોય તેવી કોઈ વ્યવસ્થા હોતી જ નથી.

આર્થિક પ્રણાલીમાં મૂડીવાદ, રાજકીય પ્રણાલીમાં લોકશાહી અને સમાજિક પ્રણાલીમાં લગ્ન સંસ્થા એ અત્યાર સુધીમાં માણસ જાતે શોધેલી, અત્યાર સુધીની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. આ ત્રણેયની ઘણી મર્યાદાઓ છે. આમ છતાં આપણી પાસે આ ત્રણથી વધારે શ્રેષ્ઠ કોઈ વિકલ્પ ન હોવાથી આપણે તેને ચલાવીએ છીએ. જો કે બદલાતા સમયની સાથે તેમાં તબક્કે તબક્કે પ્રયોગો થતા રહે છે. આવા પ્રયોગો થવા જ જોઈએ. જેમ કે લગ્ન સંસ્થાની સમાંતરે ‘લિવ ઈન રિલેશનશિપ’ નામનો નવો રિવાજ વર્ષોથી અમલમાં છે. આત્મવિવાહ એ દિશાનું આગળનું સ્ટેશન છે. હજી પણ બીજાં સ્ટેશનો હશે જે થોડાં વર્ષો પછી આપણે જોઈશું.

આત્મવિવાહ એ આધુનિક માનસિકતાનું પ્રતીક છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ વ્યક્તિ વધારે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. પ્રાઇવસી એ એકવીસમી સદીનું સંતાન છે. પચાસ કે સો વર્ષ પહેલાં પ્રાઇવસી જેવો કોઈ કન્સેપ્ટ જ નહોતો. જો હતો તો નામ માત્રનો હતો. સ્વતંત્રતાના માર્ગ પર વ્યક્તિ આગળ વધે છે ત્યારે તેને પ્રાઇવસીનો અનુભવ થાય છે. એનો વધારે સઘન અનુભવ કરવા માટે જે જે વ્યક્તિઓ આતુર બને છે તે વ્યક્તિઓ પરંપરાગત વ્યવસ્થાને બદલે કોઈ નવી વ્યવસ્થામાં વિશ્વાસ મૂકે છે. વડોદરાની ક્ષમા બિંદુએ આ નવી વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે. તેણે કહ્યું છે કે, મારે મારી રીતે જ જીવનનો આનંદ મેળવવો છે. જીવનના આનંદ માટે મારે બીજા કોઈ પર આધારિત રહેવું નથી.

જીવનનો આનંદ માણવા માટે કોઈ પુરુષ સાથે લગ્ન કરવું જોઈએ એવું આજની યુવતીઓ માનતી નથી. લગ્ન ન કરવું, સિંગલ રહેવું અને મન થાય તો પોતાની જાત સાથે લગ્ન કરી લેવું એ આધુનિક યુવતીઓનો નવો મિજાજ છે. લગ્ન કરવા માટે પુરુષ જ જોઈએ એવું પણ માનતી યુવતીઓ સ્ત્રી સાથે લગ્ન કરી લે છે. આ બધા સામાજિક પ્રયોગો છે.

આધુનિક યુવતીઓ એમ માને છે કે લગ્ન કરીને પાર્ટનર સાથે ખુશ રહી શકાશે તેના કરતાં એકલા વધારે ખુશ રહી શકાશે.

સોલોગામી એટલે કે જાત સાથે લગ્ન કરવાની નવી પરંપરાના કોઈ ગેરફાયદા ખરા?

આ આખી બાબત સાપેક્ષ છે. જે યુવાનો એવું માનતા હોય કે પોતે એકલા સુંદર જીવન જીવી શકશે એ લોકો ચોક્કસ આ નવી પરંપરાનો ફાયદો ઉઠાવી શકે. જે યુવાનો એવું માનતા હોય કે લગ્ન કર્યા પછી મારે બીજી કોઈ વ્યક્તિના કહ્યામાં રહેવું પડશે એ યુવાનો આત્મવિવાહની દિશા પસંદ કરશે. એનો ફાયદો પણ છે. તમે પોતે જો લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવા ન માગતા હો અને જો તમારે પરાણે કે કોઈના દબાણથી લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવો પડે તો બે વ્યક્તિને નુકસાન થાય. એક જો તમને પોતાને અને બીજું નુકસાન સામેના પાત્રને.

યુવક કે યુવતીની માનસિકતા સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો છે. હમણાં અમારા એક મિત્રએ 45 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. તેઓ હતાશા કે ડિપ્રેશનનો શિકાર હતા. આત્મહત્યા કરવાનાં ઘણાં કારણો હતાં, તેમાં એક કારણ એ પણ હતું કે, એ ભાઈ કોઈપણ પ્રકારની જવાબદારી લેવાથી ભાગતા હતા. તેઓ જવાબદારીથી ખૂબ ડરતા હતા એટલે નાનપણથી જ પોતે લગ્ન નહીં કરે તેવી માતા-પિતાને વિનંતી કરતા હતા. તેમનો આ નિર્ણય સાવ સાચો હતો. તેઓ માનસિક રીતે લગ્ન કરવા તૈયાર જ નહોતા, યોગ્ય પણ નહોતા. તેમનું ફરજિયાત અને પરાણે લગ્ન કરાવી દેવામાં આવ્યું.

આપણે ત્યાં એવું પણ માનવામાં અને કહેવામાં આવે છે કે, કોઈ બેજવાબદાર યુવક-યુવતી હોય તો લગ્ન કર્યાં પછી આપોઆપ તે જવાબદાર બની જાય છે. વાલીઓ કહેતા હોય છે કે લગ્ન પછી છોકરમત આપોઆપ ઘટી જાય છે અને પરિપક્વતા આવી જાય છે. કાયદો એમ કહે છે કે, વ્યક્તિ પરિપક્વ થાય પછી તેનાં લગ્ન કરો, ઘણીવાર સમાજ એમ કહે છે કે લગ્ન કરી નાખો એટલે વ્યક્તિ આપોઆપ પરિપક્વ અને ગંભીર થઈ જશે.

જો અમારા એ મિત્રનું ફરજિયાત લગ્ન ન કરાયું હોત તો તે ચોક્કસ જુદી અને મનગમતી જિંદગી જીવી શક્યા હોત. જો તેમણે આત્મવિવાહ કર્યા હોત તો તેમણે આત્મહત્યા ન કરી હોત.

નવી પેઢી લગ્ન સંસ્થાથી દૂર જઈ રહી છે તેનાં અન્ય બીજાં કોઈ કારણો છે? હા છે, આ રહ્યાં:

1. હવે સ્વનું મહત્ત્વ વધી ગયું છે. સ્વ એટલે પોતાની જાત. સ્વ એટલે સ્વાર્થનો સૌથી નાનો અને નજીકનો એકમ. મૂડીવાદની આક્રમક તીવ્રતા, ભૌતિકવાદની વેગીલી ગતિ, ટેક્‌નોલોજીનું વર્ચસ્વ, સમાજ ઉપર પ્રસ્થાપિત થયેલું બજારનું વર્ચસ્વ, પ્રેમ પર પૈસાએ મેળવેલી સરસાઈ. આ બધાં પરિબળોને કારણે હવે વ્યક્તિ સ્વકેન્દ્રિત થઈ છે.

2. સેલ્ફીનું વધેલું ચલણ અને વલણ એ બાબતની સાબિતી પૂરે છે કે વ્યક્તિને હવે પોતાની જાતમાં વધારે રસ છે. નવી સ્થિતિએ વ્યક્તિને સ્વકેન્દ્રિત અથવા તો સ્વાર્થી બનાવી દીધી છે એવું માનનારો મોટો વર્ગ છે.

3. જ્યારે વ્યક્તિ અતિ સ્વતંત્રતા, પ્રાઇવસી અને સ્વકેન્દ્રિત માહોલમાં જીવતી થઈ જાય છે ત્યારે તેને એવી જ વ્યવસ્થા ગમે છે જેમાં કાં પોતે એકલી હોય અથવા તો પોતાની આજુબાજુમાં ઓછામાં ઓછી વ્યક્તિઓ હોય.

4. હવે નવા માહોલમાં સામાજીક અથવા સોશિયલ થવું લોકોને ઓછું ગમે છે. ભલે સોશિયલ મીડિયાની બોલબાલા છે પરંતુ લોકો સોશિયલ થવામાં માનતા નથી. પહેલાં લોકો સ્વજનો કે સગાંને જોઈને મળવા માટે દોડતા. તેમને જોઈને ખુશ થતા. તેમને ભેટવા ચાહતા. હવે સ્થિતિ બીજા છેડા પર જતી રહી છે. હવે લોકોને સ્વજનો કે સગાં ગમતાં નથી. હવે લોકો સ્વજનો કે સગાંને જોઈને ભડકે છે, અથવા તો ભાગે છે. આમ નવી વ્યવસ્થાએ દિશા બદલી નાખી છે. થોડાં વર્ષો પહેલાં જે દિશા સ્વજનો તરફ લઈ જતી હતી એ દિશા હવે સ્વજનોથી વિમુખ કરે છે. સેંકડો લોકોની સાક્ષીએ, ધામધૂમ અને આનંદથી થતાં લગ્ન એ એક દિશા હતી અને આત્મવિવાહ એ આજની નવી દિશા છે.

5. જોડાવું એ જૂના સમયકાળનો, ગઈકાલનો, સમાજનો મુખ્ય ધર્મ હતો. ભેળા રહો, એકબીજા સાથે જોડાયેલા રહો, જોડાવો અને બીજાને જોડો... આ ભાવના સમાજના ખૂણે ખૂણે હતી. હવે ભેળા રહેવાનું કે જોડાવાનું કોઈને ગમતું નથી. મોબાઈલનું નેટવર્ક પકડાઈ જાય ત્યાં લોકોને સંતોષ થઈ જાય છે, એ પછી સ્વજનો કે સમાજના નેટવર્કની તેમને આવશ્યકતા લાગતી જ નથી.

6. જ્યારે વ્યક્તિ વિભક્ત બની જાય છે ત્યારે સમાજ સાથે અને સમાજ માટે જીવવાનું તેને ગમતું નથી. અથવા ઓછું ગમે છે. એમ પણ કહી શકાય કે એ ચેલેન્જ સ્વીકારે છે કે હું સમાજ વગર જીવી શકું છું.

આ વિષય પર આપણે અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી શકીએ.

નવા, આત્મવિવાહના રિવાજની આપણે ટીકા ન કરીએ, તો પણ એટલું ચોક્કસ કહી શકાય કે આત્મવિવાહ એ કેટલાક લોકો માટેનો મર્યાદિત રિવાજ બની શકે, સમગ્ર સમાજને પોતાના ખભા પર લઈ શકે તેટલી આ નવા રિવાજ પાસે શક્તિ નથી.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)