તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Seeing The Letter, The Old Memories Of First Love Came Alive In Mira's Mind ... She Had Erased The Memories Of Avinash Before Marriage But She Was Unaware Of This Letter !!

મારી વાર્તા:પત્ર જોઇને મીરાંના મનમાં પ્રથમ પ્રેમની પુરાણી યાદો ફરી જીવંત થઈ... લગ્ન પહેલાં અવિનાશની યાદો તે મિટાવી ચૂકી હતી પણ આ પત્ર વિશે તે અજાણ હતી!

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

'બેન, આ જૂના થોથાને પસ્તીમાં આપી દો ને! જુઓ તો ખરા, આ ચોપડીઓનાં પાનાં કેવા પીળાં પડી ગયાં છે...' દિશાના ઘરે કામ કરવા આવતી મીરાં પોતાની સમજણ પ્રમાણે દિશાને સલાહ આપી રહી હતી.

'મીરાં, પુસ્તક જૂનું હોય કે નવું એનાથી તેનું મૂલ્ય ન અંકાય! તેની અંદર રહેલો જ્ઞાનનો ખજાનો મહત્ત્વનો છે. આ પુસ્તકો તો મારા પ્રાણ છે, પસ્તી નહીં. સમજી! તું એને ખૂબ સાચવીને પાછાં મૂકજે.'

'હા બેન, અમને વાંચતા આવડે નહીં એટલે હું ખબર પડે? દસ ઘરનાં કામ કરીને પેટનો ખાડો પુરીએ. ધણી દારૂડિયો અને પાછળ ચાર છોકરા. બળ્યું અમારું જીવન... અમે તો અભણ માણહ...'

આટલું બોલતાં બોલતાં મીરાંના હાથમાં રહેલું જૂનું પુરાણું પુસ્તક છટકીને નીચે પડ્યું. તેમાંથી એક પત્ર બહાર પડયો. રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ પુસ્તકનાં પાનાંઓ વચ્ચે આ પત્ર વર્ષો સુધી સચવાયો હતો. મીરાંની નજર ચૂકવીને દિશા એ પત્રને પુસ્તકમાં છુપાવી પોતાના બેડરૂમમાં ગઈ... પીળા પડી ગયેલા જર્જરિત કાગળની ગડી ખોલીને તે વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. પત્રના પરિચિત અક્ષરોમાં પુરાયેલી પ્રથમ પ્રેમની પુરાણી યાદો ફરી જીવંત થઈ. લગ્ન પહેલાં અવિનાશની તમામ યાદો તે મિટાવી ચૂકી હતી પણ આ પત્ર વિશે તે અજાણ હતી. પુસ્તકોની ઘેલી દિશા લગ્ન વખતે ઘણાં પુસ્તકો કરિયાવરમાં સાથે લાવી હતી, તેમાં ગીતાંજલિ પુસ્તક પણ સાથે આવ્યું હતું. જે ક્ષણે અવિનાશે આ કાગળ તેના હાથમાં મૂક્યો હતો, એ સ્પર્શ ફરીથી તેની હથેળીને મહેસૂસ થયો. હૈયે ધરબાયેલી સૂરીલી યાદોના તાર ફરી ઝણઝણી ઊઠયા.

***

કોલેજના ઝાંપાની બહાર આવેલા લીમડાની પાછળ ઊભા રહીને શરમાતાં શરમાતાં નીચી નજરે પ્રેમનો પ્રસ્તાવ આ કાગળમાં લખી સામે ધરતો અવિનાશનો મોહક ચહેરો તેની નજરની સ્ક્રીન પર તરવરવા લાગ્યો... પ્રથમ પ્રેમના મધુરાં સંસ્મરણો હિલોળે ચઢયાં... તેનું હુંફાળું આલિંગન, પ્રેમથી તરબતર લાગણીઓમાં ભીંજાયેલી કવિતાઓ અને એકમેકમાં પરોવાઈ પ્રથમવાર થયેલું અધરોનું મધુરું મિલન યાદ આવતા રોમાંચથી તે નાચી ઊઠી. કોલેજમાં અવિનાશની દીવાની છોકરીઓ દિશાને જોઈ ઇર્ષ્યાથી બળતી. તેની કવિતાઓની ઘેલી અને તેના રૂપથી ઘાયલ થયેલી છોકરીઓની નજર લાગી હશે કે કેમ? સંજોગોએ અણધારી દિશા બદલી અને પ્રેમના પર્યાય સમી અવિનાશ અને દિશાની જોડી વિખૂટી પડી.

અત્યારે ક્યાં હશે અવિનાશ? એ શું કરતો હશે? તેનાં પણ લગ્ન થઈ ગયા હશે કે કેમ? એની દુનિયામાં સુખી તો હશે ને! વગેરે વિચારોમાં ખોવાયેલી દિશા કાગળમાં અવિનાશની છબી શોધી રહી હતી ત્યાં જ અવાજ આવ્યો. 'મમ્મી... મમ્મી... જલ્દી આવ. મને બહુ ભૂખ લાગી છે' દીકરાનો સાદ સાંભળી તે અતીતની યાદોમાંથી બહાર આવી. સાચવીને કાગળની ગડી વાડી પુસ્તકમાં સંતાડી કોઈને જડે નહીં તેમ તેને ઠેકાણે મૂક્યો.

પર્વને ગરમાગરમ નાસ્તો પીરસી, પ્રેમથી જમાડી વળી પાછી પોતાના બેડરૂમમાં આવી. પુસ્તકમાં સંતાડેલો પત્ર તેણે ફરી હાથમાં લીધો. અવિનાશે પોતાનું કવિ હૃદય આ કાગળમાં નીચોવી પ્રેમના પ્રસ્તાવની એવી સુંદર રજૂઆત કરી હતી કે પચ્ચીસ વર્ષ પછી પણ આ કાગળને દૂર કરવાનો જીવ ન ચાલ્યો. તેનું મન આ કાગળ વાંચી મુગ્ધાવસ્થાના ઉન્માદમાં સરી ગયેલી તોફાની તરૂણીની જેમ ઉછળકૂદ કરવા લાગ્યું. તેની આંખોમાં શ્રાવણની લીલીછમ સાંજનાં સોનેરી શમણાં શણગાર સજી રહ્યાં હતાં.

પણ ત્યાં જ વળી પાછો તેના દીકરાનો સાદ સંભળાયો, 'મમ્મી, પપ્પા આવી ગયા છે. તું જલ્દી નીચે આવ.' અતીતની યાદોનાં પાનાં સંકેલી તે વર્તમાનમાં પાછી વળી. 'મમ્મી, આંખો બંધ કર તો!' દીકરા પર્વએ પ્રેમથી તેની આંખો પર પોતાની કોમળ હથેળી ધરી તેની આંખો બંધ કરી. થોડીવાર પછી આંખો ખોલી ત્યારે તેના મનપસંદ રંગની સાડી તેના હાથમાં હતી. પતિ અંકિત તેના માટે ખાસ બનારસી સિલ્કની સુંદર મજાની સાડી લાવ્યો હતો.

પ્રેમાળ પતિ અને માસુમ બાળકની આંખોમાં રહેલો પ્રેમ જોઈ ભૂતકાળની ભુલભુલામણીમાંથી તે તરત બહાર આવી. વાસ્તવિકતાઓને સ્વીકારી એક પત્ની અને માતા તરીકેની બેવડી ભૂમિકા આજસુધી તેણે પૂરેપૂરાં સમર્પણથી નિભાવી હતી. પોતાની ફરજ અને મમતા સામે દુનિયાનું કોઈ પ્રલોભન તેને ચલાયમાન કરે તેમ નહોતું.

'અતીતની યાદોને તો અંકિત સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફર્યા ત્યારે જ યજ્ઞકુંડમાં સ્વાહા કરી આવી હતી. તો વળી આજે કેમ ભૂતકાળમાં ભૂલી પડી?' તેના મનમાં એકસામટા અનેક વિચારોનું વાવાઝોડું ચકરાવે ચઢ્યું. ગીતાંજલિનાં પાનાંઓમાં ફરી પાછો પત્ર સરકાવી તે લાઇબ્રેરીના કબાટમાં સૌથી નીચેની હરોળમાં કોઈના હાથમાં ન આવે એમ મૂકી આવી.

*** દિવાળીના પાવન દિવસો હતા. બનારસી સાડીમાં સજ્જ દિશાના રૂપાળા હાથોમાં કંકણ, ભાલમાં કુમકુમનો ગોળ ચાંદલો, પગમાં પાયલ, સેંથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર શોભી રહ્યું હતું. આખા ઘરને પ્રેમના તાંતણે ગૂંથી રાખતી ગર્વિલી ગૃહલક્ષ્મી તેના આંગણામાં સરસ મજાની રંગોળીની રંગબેરંગી ભાત ઉપસાવી રહી હતી.

'બેન, આજે કાળી ચૌદશ છે. ઘરમાંથી કકળાટ બહાર કાઢી નાખવાનો દિવસ. 'રંગોળીમાં મશગુલ દિશાને મીરાં પોતાની તળપદી ભાષામાં કાળીચૌદશનું મહત્ત્વ સમજાવી રહી હતી. ‘મીરાં, તું શું કહેવા માગે છે? હું કંઈ સમજી નહી.’ દિશાએ મીરાંને પૂછ્યું.

'બેન, ઘરમાંથી કકળાટ કાઢવો એટલે જૂનો પુરાણો નકામો સામાન કાઢી નાખવો.'

'ઓહ.... એમ?'

'હા, બેન. ઘરમાં કોઈ કકળાટ ભૂલથી રહી ગયો હોય તો આજના દિવસે કાઢી નાખજો. એટલે આવનારા વર્ષોમાં ઘરમાં શાંતિ રહે.' અચાનક તેને શું સૂઝ્યું અને તે દોડતી પોતાના ઘરની લાઇબ્રેરીમાં ગઈ. ગીતાંજલિ પુસ્તક્માં સંતાડેલો અવિનાશનો પત્ર કાઢી તેને છેલ્લીવાર મન ભરીને જોઈ છાતીએ વળગાડયો. ભીની આંખે તૂટેલા સંબંધોની આખરી નિશાની એવા પત્રના નાના ટુકડા કરી મીરાંના હાથમાં ધરતાં તે બોલી, ‘મીરાં, આ કચરો બાળી નાખજે. આજે કાળીચૌદશ છે ને! લે...આ કકળાટ લેતી જા...’
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...