તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:સાતતાલ યાને કે કુદરતનો સ્ટુડિયો, મુક્તમને મહાલતાં પંખીઓને નજીકથી નિહાળવાનું સ્વર્ગ સમું વન

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ ગ્રેટ હિમાલયન બાર્બેટ - Divya Bhaskar
ધ ગ્રેટ હિમાલયન બાર્બેટ

ઉત્તરાખંડનો કુમાઓ વિસ્તાર પક્ષી અભ્યાસ માટે વિશ્વવિખ્યાત છે. કોઈ જગ્યાએ બેસીને પંખીઓનાં મનમોહક સંગીત, રંગબેરંગી નૃત્ય, પોતાનાં બચ્ચાંઓનો ઉછેર કરતાં પંખીઓ વગેરે એક જ જગ્યાએ નિહાળવા મળે તો કેવું? હિમાલયની તળેટીમાં આવું અદભુત સૌંદર્ય અઢળક ભર્યું છે કે જોતાં જોતાં આંખો ન ધરાય અને સમય પણ ઓછો પડે.

સાહિત્યમાં જેનો વારંવાર ઉલ્લેખ થાય છે તે પંખી ‘દૂધરાજ’
સાહિત્યમાં જેનો વારંવાર ઉલ્લેખ થાય છે તે પંખી ‘દૂધરાજ’

શું ખાસ છે હિમાલયનાં કુમાઓમાં? કેમ પક્ષીઓની વર્તણૂક નિહાળવાનું અદભુત સ્થળ છે આ?
કુમાઓમાં વહેતી અલગ અલગ નદીઓની ધારાઓમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. અહીં પ્રકૃતિ પ્રેમીઓ મહિનાઓ પક્ષીઓ પાછળ જ ગાળે છે. અહીંનાં પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે. સાહિત્યમાં મોટાભાગે જેનો ઉલ્લેખ થયો છે એવું દૂધરાજ અહીં ખૂબ જ સરળતાથી જોવા મળે છે. લીચીના બગીચાઓમાં તે માળાઓ બનાવે છે. સામાન્ય રીતે જ્યાં વધારે કરોળિયાઓ હોય ત્યાં દૂધરાજના માળાઓ હોય છે, કેમ કે દૂધરાજ કરોળિયાનું જાળું માળો બનાવવા માટે વાપરે છે. આ જ વિસ્તારમાં નૈનીતાલથી 15 કિમી જેટલું આગળ સાત-તાલ નામનું સ્થળ આવેલું છે, જે પક્ષીઓની વિવિધતમ પ્રજાતિઓ જોવા માટેનું અદભુત સ્થળ છે. નામ પ્રમાણે જ આ સ્થળ સાત અલગ અલગ તળાવોથી બનેલું છે. સમુદ્રતટથી 1370 મીટરની ઊંચાઈએ આવેલા આ સ્થળે નાની નાની એકધારી વહેતી નદીઓની ધારાના સંગીત સાથે પક્ષીઓનું મધુર ગાન લયબદ્ધ રીતે સાંભળવા મળે છે, જેની સામે દુનિયાનું તમામ સંગીત વામણું લાગે. પાઈન અને ઓકનાં વૃક્ષોનું આ જંગલ ત્યાંની બાયોડાયવર્સિટી માટે વિશ્વ વિખ્યાત છે. આ સ્થળ એક પ્રકારનું કુદરતી મેડિટેશન આપે છે. આ સ્થળ પર આવીને મેં કલાકો સુધી અલગ અલગ પક્ષીઓનાં વર્તનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું છે. સ્પોટેડ ફોર્કટેઇલ નામનું પક્ષી પિતૃપ્રેમ માટે જાણીતું છે. પક્ષીવિશ્વમાં ખરી સંવેદનશીલતા છે. મેં હંમેશાં જોયું છે અને અનુભવ્યું છે કે પક્ષીઓ ઈંડાં મૂકે, સેવે અને જવાબદારીપૂર્વક જતન કરીને બચ્ચાંઓને ઉછેરે. એ પણ મા અને બાપ સરખી જવાબદારીઓ લઈને, જે માળો બનાવવાની પ્રક્રિયાથી જ શરૂ થઈ જાય. બચ્ચાઓ બરાબર ઊડતાં શીખી જાય, કોઈ પણ ખતરો હોય તો પ્રતિકાર કરતા શીખી જાય. ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એટલી ક્ષમતા એમનામાં આવે ત્યાં સુધી એમને સાચવે… ત્યાર બાદ એ બચ્ચાં સંપૂર્ણપણે સ્વતંત્ર. માતાપિતા સાથેની બધી જ માયા છોડીને સ્વતંત્ર પણે જીવન શરૂ કરે. હિમાલયના સાત તાલ એટલે કે સાત તળાવોનો સમૂહ તે વિસ્તારમા આવેલ ચાંફીમાં સ્પોટેડ ફોર્કટેઇલ મેલને મેં કલાકો સુધી જોયું છે જે બચ્ચાંને ખવડાવે છે. પિતા પણ માતૃત્વ નિભાવે છે.

સ્પોટેડ ફોર્કટેઇલ
સ્પોટેડ ફોર્કટેઇલ

પક્ષીઓનો સ્ટુડિયો હોઈ શકે ખરો? કેમ આ જગ્યા સ્ટુડિયો તરીકે ઓળખાય છે?
અહીં શાંતિથી બેસીને માત્ર ચાર-પાંચ ફૂટના અંતરેથી પક્ષીઓનાં અલગ અલગ પ્રકારના વર્તનને નજર સામે જોઈ શકીએ. જાણે આપણી સામે કુદરતી ડિસ્કવરી ચેનલ શરુ કરીને મૂકી હોય. આ જગ્યા આશરે 500 જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓનું ઘર છે, જેમાં કેટલાક યાયાવર પક્ષીઓ પણ છે. ઓક્ટોબરથી જૂન મહિના દરમ્યાન અહીં પક્ષીઓને જોવાની શ્રેષ્ઠ તકો મળે છે, પણ એપ્રિલ મહિનામાં અહીં મોટાભાગનાં પક્ષીઓનું બ્રીડિંગ ડિસ્પ્લે જોવા મળે છે. નર પક્ષી સામાન્ય રીતે નર માદા કરતાં વધારે ખૂબસૂરત અને આકર્ષક હોય છે અને એ માદાને આકર્ષવા માટે વિવિધ પ્રકારના દેખાવ તથા સુરીલા અવાજો કરે છે. કુદરતનો વૈભવ અહીં સાતતાલ, ચાંફી અને પંગોત વિસ્તારમાં જોવા મળે છે. સાતતાલથી 15 કિમી દૂર આવેલા પંગોત વિસ્તારમાં ખૂબ જ જાણીતી બર્ડ ટ્રેઈલ છે જ્યાં ચીર ફિઝન્ટ અને ખલીજ ફિઝન્ટ જોવા માટે દુનિયાભરના પક્ષીવિદો અને પર્યાવરણ રસિકો દર વર્ષે આવે છે. આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ ‘સ્ટુડિયો’ના હુલામણા નામથી ઓળખે છે કેમ કે અહીં કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ 50થી 100 અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો, એ પણ જગ્યા બદલ્યા વિના! જાણે કે પક્ષીઓ સ્ટુડિયોમાં ફોટોગ્રાફ્સ પડાવવા માટે જ આવતા હોય. આ સિવાય ચાંફી નામના નાનકડા ગામમાં પણ વિવિધ રંગોનાં પક્ષીઓ જોવા મળે છે. જેમ કે સ્પોટેડ ફોર્કટેઇલ, ક્રેસ્ટેડ કિંગફિશર, વિવિધ પ્રકારના રેડસ્ટાર્ટ અને નસીબ હોય તો ટોની ફિશ આઉલ પણ મળે છે અહીં.

ક્રેસ્ટેડ કિંગફિશર
ક્રેસ્ટેડ કિંગફિશર

અહીં દેશ-વિદેશથી પંખીપ્રેમીઓ ચોક્કસ પ્રકારનાં પક્ષી જોવા માટે આવ્યા હોય છે અને તેઓ ચોક્કસ નક્કી કરેલાં પક્ષી પાછળ દિવસોના દિવસો અલગારી માફક ઘૂમ્યા કરે છે, મારા જેવા ફોટોગ્રાફર જેટલા મળી જાય તેટલા અલગ અલગ પક્ષીઓને કેમેરામાં ઝડપ્યા કરે. જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ ફોટોગ્રાફર 400 એમ.એમ.થી લઇને 900 એમ.એમ. સુધીના લેન્સ સાથે નજરે પડે છે. અહીં પક્ષીઓના ચેકલિસ્ટ જોઈએ તો પણ 500 પ્રજાતિ કરતાં વધી જાય.

કુદરતની અચરજ પમાડે તેવી પળોને કાયમી સાચવવા માટે શું કરવું?
અહીં પ્રકૃતિનું સૌંદર્ય જોવા માટે ધીરજ, નાના એવા પક્ષીઓને શોધવા માટે ચપળ નજર, યોગ્ય પળને કેમેરામાં ઝડપવા માટેની તકેદારી, કદાચ કોઈ મોમેન્ટ ચૂકી જવાય તો ફરી મળવાની આશા સાથે અખૂટ ધીરજ, વહેલી સવારે સૂર્યોદય પહેલાં જ ઊઠી જવું અને પ્રકૃતિના ટાઈમટેબલ પ્રમાણે પોતાની જાતને કેળવવી, ખૂબ જ ચાલવું અને પક્ષીઓના વર્તનનો ઊંડાણપૂર્વક અભ્યાસ, અવલોકન જેવી દરેક બાબતોના પાઠ અહીં મળી જાય છે. હિમાલયનો અલગ જ રંગ અહી દરેકને આકર્ષે છે. દેવભૂમિ ઉત્તરાખંડ ખરેખર દૈવિક છે. એટલે જ અહીં કુદરત વાસ કરે છે અને અહીં કુદરતની નજીક હોઈએ એવી અનૂભૂતિ દરેક વેલીમાં, દરેક વહેતાં ઝરણાંઓમાં , અલકનંદા, ભાગીરથી, રામગંગા, કોસી નદીના પટમાં, દરેક પક્ષીની પાંખમાં, એમના ટહુકાઓમાં, વાઘની ત્રાડમાં, હરણાંઓની નિર્દોષતામાં ખરેખર થાય છે. અહીં ઘડિયાળ પણ પક્ષીઓનાં મધુર ગાન, હરણોના ઘૂરકાટ અને વાઘ-દીપડાની ત્રાડ પ્રમાણે ચાલે છે. રોજે જ હાથીઓ આપણે જ્યાં રહીએ એવા વિસ્તારની આસપાસથી જ પસાર થાય, તો ક્યારેક વાઘ પણ સામો મળી જાય. આપણે જ્યારે પ્રકૃતિના ઘરે જઈએ પ્રકૃતિના નિયમાનુસાર રહીએ તો પ્રકૃતિ હંમેશાં કંઈક ને કંઈક બક્ષે જ છે. જંગલ એ તેઓનું ઘર છે, અને આ એ જ વિસ્તાર છે જે ભૂતકાળમાં નરભક્ષી વાઘ અને દીપડાઓ માટે જાણીતો હતો. અહીં આખું જંગલ પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે અને પ્રકૃતિના નિયમને પ્રત્યક્ષ જોવો એ કુદરતની ભેટ કહી શકાય.

હિમાલયન બુલબુલ
હિમાલયન બુલબુલ

કેવી રીતે પહોંચી શકાય સાતતાલ, રહેવાની વ્યવસ્થા અને અહીંની ખાણીપીણી?
સાતતાલ માટે સહુથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, જયાંથી લોકલ બસ માત્ર 40 મિનિટમાં સાતતાલ અને નૈનિતાલ લઈ જાય છે. અહીં ઉત્તર ભારતીય ખોરાક સરળતાથી ઉપલબ્ધ છે અને ખૂબ જ સસ્તા દરમાં હિમાલયના પહાડો જોઈ શકાય એવા વ્યુ સાથે ઘર અને હોટેલ પણ મળી રહે છે. અહીં પક્ષીદર્શન સિવાય સાતતાલ અને ગરુડતાલમાં કાયાકિંગ, બોટિંગ વગેરે પણ માણી શકાય છે. અહીં ખાસ ઇટાલિયન સ્ટ્રીટ જેવો લુક આપતા ચિમનીવાળા કોફી શોપ પણ ઉપલબ્ધ છે, જ્યાં આરામથી બુક લઈને કલાકો સુધી બેસી શકાય છે. આ જગાએ જીવનની શ્રેષ્ઠ પળોને તમે ચોક્કસપણે મુક્તમને માણી શકશો.
creativearyans3@gmail.com

(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો