ઇતિહાસ ગવાહ હૈ:રાષ્ટ્રને ગૃહયુદ્ધમાંથી બચાવી લેવા સરદાર પટેલે ભાગલાનો સૌપ્રથમ સ્વીકાર કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંડિત નેહરુના આઝાદી વખતના પહેલા મંત્રીમંડળમાં સરદારનું નામ નાયબ વડાપ્રધાન તરીકે હતું
  • અત્યંત લોકપ્રિય નેહરુની સરકારમાં તેમના નિષ્ઠાવંત લઘુમતીમાં છતાં પટેલ તેમને પડખે અડીખમ
  • હિંદુ મહાસભાના લોકો ગાંધી પછી વલ્લભભાઈ, જવાહર અને મૌલાનાની હત્યા કરાવવા ઈચ્છુક હતા
  • વિધૂર પંડિત નેહરુએ બીજાં લગ્ન કરવાં હોત તો શ્રદ્ધા માતા સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હોત!

સપ્ટેમ્બર 1946માં વાઇસરોય લોર્ડ વેવેલના વડપણ હેઠળની વચગાળાની સરકારમાં ઉપપ્રમુખ અને વિદેશી બાબતોના સભ્ય (મંત્રી) રહેલા પંડિત જવાહરલાલ નેહરુએ કોંગ્રેસ વતી પોતાના સાથી સભ્યોની જે યાદી વાઇસરોયને સુપરત કરી હતી તેમાં પોતાના પછીના ક્રમે સરદાર પટેલનું જ નામ મૂક્યું હતું. સરદાર ગૃહ-સભ્ય (મંત્રી) હતા. આટલું જ નહીં, 4 ઓગસ્ટ 1947ના રોજ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને નેહરુએ પોતાના વડપણવાળી રાષ્ટ્રીય સરકારના મંત્રીઓની યાદી સુપરત કરી તેમાં પણ સરદાર પટેલનું નામ બીજા ક્રમે હતું તથા એ નાયબ વડાપ્રધાન તરીકે પણ નોંધાયેલું હતું. આઝાદ ભારતની પહેલી સરકારમાં સ્વયં નેહરુના નિષ્ઠાવંત મંત્રીઓ કરતાં સરદાર પટેલના ટેકેદાર કે નિષ્ઠાવંત ઘણા વધુ હોવા છતાં મૃત્યુ નજીક હતું ત્યાં લગી વલ્લભભાઈએ ક્યારેય નેહરુને ઉથલાવવાની કોશિશ કરી નહોતી. તેમણે નિષ્ઠાવંતોને 'મારા મૃત્યુ પછી તમે નેહરુને પડખે જ રહેજો' એવી શીખ આપી હતી.

બ્રિટિશ ઇન્ડિયાના ભાગલાનો દોષ મહાત્મા ગાંધી કે પંડિત નેહરુને શિરે ઓઢાડવામાં આવે છે પણ સરદારે 'રાષ્ટ્રને ગૃહયુદ્ધમાંથી બચાવી લેવા માટે' સૌપ્રથમ ભાગલાનો સ્વીકાર કર્યો હોવાનું દસ્તાવેજી સત્ય છે. સ્વયં સરદારે બંધારણસભામાં ભાગલા સ્વીકારવાનું કયા સંજોગોમાં અનિવાર્ય બન્યું હતું એની છણાવટ કરી છે. એમના અનન્ય સાથી વી.પી. મેનને પણ આ વાત નોંધી છે. પ્રજામાં ફેલાવાતી ભ્રમણાઓથી વિપરીત પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને પરસ્પર સાથે ચર્ચા-વિચારણા કરીને પ્રત્યેક બાબતમાં નિર્ણય કરનારા રહ્યા હતા.આઝાદી વખતે પહેલી ભારત સરકારમાં સરદાર પટેલનું નામ નહોતું કે સરદારને મહાત્મા ગાંધી કે પંડિત નેહરુએ વડાપ્રધાન નહીં બનવા દીધાની વાતે વર્તમાન રાજકારણમાં નિરર્થક ઉધામા મચાવાય છે.

વડાપ્રધાનપદે નેહરુ જ યોગ્ય
સરદાર પોતે જ વાત્સલ્યભાવ સાથે નેહરુને આશિષ આપતાં 14 ઓક્ટોબર, 1949ના પત્રમાં 'કેટલાક સ્વાર્થ-પ્રેરિત લોકો દ્વારા ફેલાવાતી ભ્રામક વાતો'નો છેદ ઉડાડે છે. વર્ષ 1928થી 1950 લગી સરદારનો પડછાયો બનીને રહેલાં એમનાં પુત્રી અને સચિવ મણિબહેન સ્વયં દુર્ગાદાસના દસ ગ્રંથોની પ્રસ્તાવનામાં લખે છે કે વલ્લભભાઈએ ક્યારેય વડાપ્રધાન કે એવા ઉચ્ચ હોદ્દાની મહેચ્છા રાખી નથી. આમ છતાં વર્તમાનમાં સરદારના નામે રાજકારણ ખેલનારાઓ 1935થી 1950 લગી કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ રહેલા અને પક્ષના સંગઠન પર સૌથી વધુ પકડ ધરાવનારા તેમજ સૌનો ન્યાય તોળનારા આ મહાનાયકને ન્યાય અપાવવાનાં ગતકડાં ચલાવી રાજકીય લાભ ખાટવાની કોશિશમાં રહે છે. સરદાર પોતે નોંધે છે: 'કેટલાક સ્વાર્થ-પ્રેરિત લોકોએ અમારા (નેહરુ-પટેલ) વિશે ગેરસમજો ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક ભોળા લોકો એના પર વિશ્વાસ પણ મૂકે છે. પરંતુ વાસ્તવમાં અમે આજીવન સહકારી અને બંધુની જેમ સાથે કામ કરતા રહ્યા છીએ. પ્રસંગોપાત અમે એકબીજાનો મત કે દૃષ્ટિકોણ સમજીને પોતાને બદલતા રહ્યા છીએ. એકબીજામાં ખૂબ વિશ્વાસ હોય ત્યારે જ જેમ બે સ્વજનો કરે છે તેમ અમે એકમેકના મતનો આદર પણ કરતા રહ્યા છીએ.' દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરને સર્વથા યોગ્ય લેખાવતાં સરદાર પટેલ 'ઉંમરમાં એમનાથી મોટો હોવાથી આશિષ આપવાનો અધિકારી છું' એવું પણ નોંધે છે.

સરકારમાં સાત બિન-કોંગ્રેસી
માઉન્ટબેટન સાથે મંત્રણા પછી પંડિત નેહરુએ પોતાની સરકારના મંત્રીઓનાં જે નામો તેમને સુપરત કર્યાં તેમાં કંઈ બધા કોંગ્રેસી કે અંગ્રેજ શાસન સામે લડનારા જ નહોતા. નેહરુએ એ સરકારને ખરા અર્થમાં રાષ્ટ્રીય સરકાર બનાવવી હતી એટલે તેમાં જે 14 મંત્રીઓને સામેલ કર્યા તેમાં હિંદુ મહાસભાના ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી અને શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના ડૉ.બાબાસાહેબ આંબેડકર ઉપરાંત અંગ્રેજ સરકારને વફાદાર રહેલા શણ્મુખં ચેટ્ટી પણ હતા. મંત્રીમંડળની યાદી કંઈક આવી હતી: જવાહરલાલ, વલ્લભભાઈ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, જ્હોન મથાઈ, સરદાર બલદેવ સિંહ, જગજીવનરામ, કુંવરજી હોરમસજી ભાભા (આ બધા વચગાળાની સરકારમાં હતા)ને ચાલુ રાખવા ઉપરાંત રફી અહમદ કિડવાઈ, રાજકુમારી અમૃત કૌર, ડૉ.આંબેડકર, ચેટ્ટી, ડૉ.મુકરજી અને નરહરી ગાડગિળનો ઉમેરો કરાયો હતો. મૌલાના અને કિડવાઈ એ બંને મુસ્લિમ, અમૃતકૌર અને મથાઈ એ બે ખ્રિસ્તી તથા આંબેડકર અને જગજીવનરામ એ બે દલિત હતા. અમૃતકૌર સહિત સાત બિન-કોંગ્રેસી હતાં. સરદાર ખુલ્લેઆમ મૌલાનાને મંત્રી બનાવવાના વિરોધી હતા. કુલ 14 મંત્રીઓમાંથી પાંચ રાજેન્દ્રબાબુ, જગ્ગુબાબુ, ભાભા, મુકરજી અને ગાડગિળ નેહરુ કરતાં સરદારની વધુ નજીક હતા. મથાઈ, બલદેવસિંહ, અમૃતકૌર, આંબેડકર અને ચેટ્ટી બંનેથી સરખા અંતરે હતાં. આઝાદ અને કિડવાઈ નેહરુની નજીક હતા. એકંદરે મંત્રીમંડળ અને કોંગ્રેસમાં સરદાર પટેલનો પ્રભાવ વધુ હોવા છતાં વલ્લભભાઈએ નેહરુને ક્યારેય હોદ્દેથી દૂર કરવાની કલ્પના સુદ્ધાં કરી નહોતી. નેહરુ લાંબી વિદેશયાત્રાએ હતા ત્યારે ચાર-ચાર વાર સરદાર કાર્યવાહક વડાપ્રધાન હોવા છતાં એમણે અત્યંત લોકપ્રિય એવા સાથી નેહરુને છેહ દેવાનું વિચાર્યું નહોતું. ઉલટાનું, સરદારને લાગતું હતું કે મોત નજીક છે ત્યારે એમણે દિલ્હીથી મુંબઈની છેલ્લી સફરે રવાના થવાના આગલા દિવસે ગાડગિળને બોલાવીને કહ્યું હતું: 'હવે હું જીવવાનો નથી, પણ એક વચન આપો.' ગાડગિળે હા પાડી ત્યારે સરદારે તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે 'જવાહરલાલ જોડે ગમે તેટલા મતભેદ થાય, તો પણ તેમને એકલા છોડી જશો નહીં.'

સરદાર-ઝીણાની હત્યાનાં ષડયંત્ર
મહાત્મા ગાંધીની હત્યાના અનેક પ્રયાસો થયા અને છેલ્લે 30 જાન્યુઆરી, 1948ના રોજ બિરલા હાઉસની પ્રાર્થના સભામાં જતાં નથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતાની હત્યા કરી. ઈતિહાસકારોએ નોંધ્યા મુજબ, સરદાર પટેલ, જવાહરલાલ અને મૌલાના આઝાદ ઉપરાંત પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદઅલી ઝીણાની હત્યાનાં કાવતરાં હિંદુ મહાસભાવાળાઓ અને અન્ય હિંદુવાદીઓએ ઘડ્યાં હતાં. 'લોકમાન્ય તે મહાત્મા'માં ડૉ.સદાનંદ મોરે નોંધે છે કે હિંદુ મહાસભાના નેતાઓ થકી સરદાર પટેલ, નેહરુ અને મૌલાનાની હત્યા કે તેમને ફાંસી દેવાની જાહેર સભામાં કહેવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા પછી કેન્દ્રીય મંત્રી બનેલા વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરે વર્ષ 2015માં પ્રકાશિત પોતાના પુસ્તક 'નેહરુ:ધ મેકિંગ ઓફ ઇન્ડિયા'માં ઓગસ્ટ 1947માં માસ્ટર તારાસિંહનાં શીખ જૂથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મળીને બોમ્બથી પાકિસ્તાન જતા નિર્વાસિતોની ટ્રેનને ઉડાવી દેવા ઉપરાંત કરાંચીમાં 15 ઓગસ્ટની ઉજવણી ટાણે જ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને રાષ્ટ્રપિતા ઝીણાની હત્યાનાં કાવતરાં થયાં હતાં. અમુક લોકોની ધરપકડ અને તપાસમાં બહાર આવ્યાની સવિસ્તર માહિતી આપી છે.(પૃષ્ઠ:419)

આ સાથે જ રામનારાયણ ચૌધરી સાથેની વડાપ્રધાન નેહરુની 13 નવેમ્બર, 1958ની મુલાકાતમાં જવાહરલાલે કહ્યું છે કે '(કમળાના મૃત્યુ પછી) આ બીજી વખત લગ્ન કરવાનો સવાલ તો મારી સામે કદી આવ્યો નથી. હું કંઈક મારા કામમાં મંડેલો હતો અને એવો કોઈ અટપટો સવાલ ઊભો નહોતો થયો જેનો મારે નિકાલ કરવાનો હોય'. જો કે, અકબરે નોંધ્યું છે કે શ્રદ્ધા માતા નામનાં સંન્યાસીએ ખુશવંત સિંહ સાથેના 1979ના ઇન્ટરવ્યૂમાં નેહરુ સાથેની પોતાની અનેક મુલાકાતો થયાનું કબુલ્યું હતું પણ બંને વચ્ચે સેક્સ સંબંધ નહીં બંધાયાનું પણ સ્પષ્ટ કર્યું હતું. જો નેહરુએ બીજીવાર લગ્ન કરવાનો વિચાર કર્યો હોત તો એમની સાથે જે અન્ય મહિલાઓનાં નામ જોડાયાં હતાં એમને બદલે એમણે પોતાની સાથે લગ્ન કર્યાં હોત એવું તેમણે સ્વીકાર્યું હતું. આ શ્રદ્ધા માતા સાથે 1948માં નેહરુના સંબંધથી પુત્ર જન્મ્યાનું વડાપ્રધાનના સચિવ એમ. ઓ. મથાઈએ પુસ્તકમાં લખ્યાની વાતને શ્રદ્ધા માતાએ નકારી હતી. અકબર તો પદ્મજા નાયડુ સાથેના નેહરુના સંબંધો વિશે પણ લખે છે. જો કે, આ જ અકબરને મહિલા સાથેના બહુચર્ચિત પ્રકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારમાંથી પડતા મૂકવા પડ્યા હતા. સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિઓ સાથે મહિલાઓના સંબંધો વિશે રાજકીય ક્ષેત્રમાં ખૂબ ચર્ચા થતી હોય છે. એનું નિરક્ષીર કરવું મુશ્કેલ હોય છે.

haridesai@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)