ટેક્નોહોલિક:ઓલિમ્પિકમાં રોબોટ...બાસ્કેટબોલ કોમ્પિટિશન હવે કોણ જીતશે? રોબોટ કે જાદુની ટીમ?

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટોકિયોમાં માંડ માંડ ઓલિમ્પિકની શરૂઆત થઈ. ભારતીય ખેલાડીઓની અપડેટ્સ આપણે મેળવતા રહીએ છીએ. એઝ યુઝવલ, ચાઈના અને અમેરિકા મેડલ ટેલીમાં આગળ છે. આ વખતે તો જાપાનીઝ ખેલાડીઓએ પણ સારું કાઠું કાઢ્યું છે. એક બાજુ કયા દેશે કેટલા મેડલ મેળવ્યા એ સ્કોર આવે છે. બીજીબાજુ, ઓલિમ્પિક વિલેજમાં કોણ કોરોના પોઝિટિવ આવ્યું એના ન્યૂઝ આવે છે. કોરોનાની દહેશત વચ્ચે ઓલિમ્પિકમાં એવું થયું કે એક ખેલાડી માસ્ક બાંધ્યા વિના બેખૌફ ફરતો હતો. તેણે બાસ્કેટબોલની રિંગમાં ઊભાં ઊભાં ત્રણ-ચાર ગોલ પણ કર્યા. એ સાત ફૂટિયા બાસ્કેટબોલ ખેલાડીને કોરોના નહીં થાય. ના, એટલે નહીં કે તેણે વેક્સિન લીધી છે. એટલા માટે કે તે ખેલાડી માણસ નહીં પણ રોબોટ છે. હા, સ્પોર્ટ્સપર્સનને બદલે સ્પોર્ટ્સરોબોટ આ વખતે ઓલિમ્પિકમાં જોવા મળ્યો. છે ને અદભુત વાત?

તો થયું એવું કે ગયા અઠવાડિયાંના વિકેન્ડમાં અમેરિકા અને ફ્રાંસ વચ્ચે બાસ્કેટબોલની ઓલિમ્પિક મેચ હતી. સ્ટેડિયમમાં છુટાછવાયા લોકો બેઠા હતા. ત્યાં સાત ફૂટ ઉંચો અને મસ્ક્યુલર લાગે એવો હડિમદસ્તા જેવો એક રોબોટ આવ્યો. બાસ્કેટબોલના ગોલ પોસ્ટથી તે દૂર ઊભો રહ્યો અને ઊભાં ઊભાં ફક્ત કાંડાનું જોર વાપરીને ગોલ કર્યો. પછી તે થોડો વધુ દૂર ગયો. મેદાનની વચ્ચોવચ્ચ પહોંચીને પણ ગોલ કર્યો. પ્રેક્ષકોને મનોરંજન મળ્યું. બધાએ તાળીઓ પાડી. આ રોબોટ બનાવ્યો હતો જાપાનીઝ કંપની ટોયોટાએ. ખાસ કરીને બાસ્કેટબોલ માટે જ તેને ડિઝાઈન કરવામાં આવ્યો હતો. ક્યુ-3 નામના આ રોબોટે સ્પોર્ટ્સ પ્રેમીઓને મજા કરાવી દીધી.

બે વર્ષ પહેલાં આ રોબોટિક શ્રેણીના આગલા વર્ઝને એકસાથે બે હજાર વીસ ગોલ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો હતો. જાપાનમાં ગયા વર્ષે શૂટ-આઉટ કોમ્પિટિશન હતી ત્યારે આ ક્યુ શ્રેણીએ અગિયાર સફળ ગોલ કર્યા હતા. બાસ્કેટ બોલ હ્યુમેનોઈડ બનાવવાનો પ્રોજેક્ટ તો છેલ્લાં ત્રણ વર્ષથી ધમધમી રહેલો પણ કોરોના પેન્ડેમિકને કારણે બહુ ગાજ્યો ન હતો. આ ઓલિમ્પિકમાં પગના તળિયામાં ફિટ કરેલા વ્હીલથી સ્કેટિંગ કરીને ચાલતા આ રોબોટે ત્રણ ગોલ કર્યા. ત્રણેય ગોલ સક્સેસફુલ હતા. બોલ હાથમાં લીધા પછી પંદરેક સેકંડ લાગતી અને એના પછી રોબોટ ગોલ કરતો. પણ ટોયોટાના એન્જિનિયરોનું કહેવું છે કે આ સ્પીડ ધીમી કહેવાય. હવે આપણને સવાલ થાય કે રોબોટ કઈ રીતે ગોલ કરી શકે? તો ચાલો જાણીએ બાસ્કેટબોલ રમતા રોબોટની ટેકનોલોજી.

પહેલી વાત તો એ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિના રોબોટ બનાવવાનું પોસિબલ નથી. એક સમયે ગાડીઓને પેઈન્ટ કરતા ક્રેઇનના હાથ જેવા સિમ્પલ રોબોટ હતા, જેમાં કમ્પ્યૂટર નહીં પણ મિકેનિક્સ જોડાયેલું હતું. હવેના રોબોટ સોફિસ્ટિકેટેડ અને બુદ્ધિશાળી છે પણ એની બુદ્ધિમતા કૃત્રિમ છે. આ બાસ્કેટબોલ રોબોટ ખેલાડીની છાતીમાં સેન્સર ફિટ કરેલાં હોય. સેન્સરથી તે અંતરની ચોક્કસ માપણી કરે છે. તે અંતર રોબોટના પ્રોસેસિંગ યૂનિટમાં પહોંચી જાય તેના પછી તેના શરીરના જેટલા પણ મૂવેબલ પાર્ટ્સ છે ત્યાં રહેલાં ચક્રો શબ્દશ: ગતિમાન થઇ જાય. એટલે કે કોણી, ખભા, કાંડું બધે રહેલા બોલ-બેરીંગ એ મુજબ ફરે અને રોબોટના હાથ હવામાં ઊંચા થાય. પછી હવામાં બોલ ફેંકવાનો ખૂણો નક્કી થાય. કેટલા ફોર્સથી બોલનો ઘા કરવો એ પણ રોબોટનું પ્રોસેસિંગ યૂનિટ ગણતરી કરી લે. પછી ફક્ત રોબોટિક કાંડાના જોરે બોલ હવામાં ફેંકાય અને ગોલ થાય.

બાસ્કેટબોલ રમી શકે એવા રોબોટ ઉપર રિસર્ચ વર્ષ 2017માં શરૂ થયું હતું. પહેલું પ્રોટોટાઈપ મોડેલ છ મહિનામાં બની ગયું હતું. રોબોટની બાસ્કેટબોલ ચોક્સાઈ ચેક કરવા માટે પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર સાથે તેની શૂટઆઉટ કોમ્પિટિશન થઈ. રોબોટ બધા ખેલાડીઓ સામે જીતી ગયો. પછી ધીમે-ધીમે તેના સારાં વર્ઝન બનતાં ગયાં. રોબોટની એફિશિયન્સી વધતી ગઈ. ટોયોટાએ એવા રોબોટ પણ બનાવ્યા કે જે બોલ શોધી આવે. જે સ્પોર્ટ્સમાં બોલનો ઘા થવાનો હોય એ બોલને ખેલાડી સુધી પાછો લાવવા માટે પણ તે રોબોટનો ઉપયોગ કરી શકાય.

હવે એક સવાલ તમે પૂછો. બાસ્કેટબોલમાં બેસ્ટ પ્લેયર કોણ? આ ક્યુ-3વાળો રોબોટ કે માણસ? જવાબ છે - માણસ. વર્ષ 1993માં એક અમેરિકન ડોક્ટર ટોમ એમ્બરીએ 71 વર્ષની ઉમરે 2750 ગોલ કર્યા હતા. તેના પછી 1996માં અકલ્પનીય ઘટના બની. ફ્લોરિડાના ટેડ સેન્ટ માર્ટિન નામના માણસે 5221 ગોલ કર્યા, જે આજ સુધી વર્લ્ડ રેકોર્ડ છે. કેટલાક ખેલાડીઓએ તો આંખે પાટા બાંધીને પણ બાસ્કેટબોલ ગોલ કર્યા છે. ટોયોટાના રોબોટે હજુ બહુ લાંબી મજલ કાપવાની બાકી છે.

પણ આપણને તો એ સવાલ થવો જોઈએ. ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના રોહિત અને જાદુની ટીમે બાસ્કેટબોલમાં વિલનની ટીમને હરાવી હતી. હવે ટોયોટાના રોબોટ અને જાદુની ટીમ વચ્ચે બાસ્કેટબોલની મેચ થાય તો? તમને શું લાગે છે? કોણ જીતે?
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)