મારી વાર્તા:રિહાન અને સલોનીની બાઇકને આંતરીને આવેલી કારમાંથી બુરખાધારી સ્ત્રી અને દાઢીધારી પુરુષ ઊતર્યાં, ને રિહાનને બે-ચાર તમાચા મારી દીધા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલોનીએ દર્પણમાં જોયું. દર્પણ ગરમ પાણીની વરાળને કારણે ધૂંધળો થઇ ગયો હતો. સલોનીએ હાથથી એને સાફ કર્યો. પોતાનું પ્રતિબિંબ તો ઘણી વાર જોયું હતું. આજે સત્યાવીસમે વર્ષે ઘણું બદલાયું હતું. આંખો પહેલાં કરતાં ચંચળ થઇ હતી. પાંપણો વધુ લાંબી ને વળાંકદાર લાગતી હતી. નાક પણ જાણે સીધું અને સુરેખ! લંબગોળ ચહેરો, સુરેખ એકસરખા દાંત, લીસી ચમકતી ત્વચા, સુડોળ ઘાટીલો દેહ... બધું તાજગીભર્યું યુવાન હતું. કંઇ ન બદલાયું હોય તો શ્યામ વર્ણ. એ તો હજી એવો ઘેરો છે. શ્યામ તો સારો શબ્દ છે... કાળી, કાળકા માતા, શ્યામા, કાળીની રાણી, ડસ્કી, ડાર્ક, કોકો કોલા... કંઇ કેટલાં વિશેષણો એનાં નામ આગળ લાગતાં રહેતાં. સલોની સાંભળી રહેતી. સ્કૂલમાં તો 'કલર જાયતો પૈસા પાછા’ એ ઉક્તિ વારંવાર સાંભળવી પડતી.
મમ્મી ફરીથી ‘ન્યૂ ઇમ્પ્રુવ્ડ’ ફેર એન્ડ લવલી લઇ આવી.
કેટલીવાર એને સમજાવ્યું છે કે શરીરનો વર્ણ કે રંગ મેલેનીન રંગસૂત્ર ને આભારી છે. મેલેનીન દ્રવ્ય વધુ ઉત્પન્ન થાય તો ત્વચાનો રંગ ઘેરો બને. કોઇ ક્રીમ એને ઊજળી ન બનાવી શકે. ફૈબા નાની હતી ત્યારથી એના પર કેસર અને દૂધ, ચણાનો લોટ, નારંગીની છાલનો પાવડર.. વગેરે અનેક પ્રયોગ કરી ચૂક્યા, પણ જરા અમથોય ફરક પડ્યો નહીં.
સોળમું વર્ષ બેઠું ને સલોનીના યૌવને પાંખો ફફડાવી. ઘણી બહેનપણીને બોયફ્રેન્ડ હતા. કેવી મીઠી મીઠી વાતો થતી હતી. અગિયારમા ધોરણનો પહેલો દિવસ. વિજ્ઞાન શાખામાં કેમેસ્ટ્રી માટે પાર્ટનર બનાવવા શિક્ષકે લિસ્ટ ખોલ્યું. સલોની પરીખ અને રિહાન ઘાસવાળા.
સલોનીએ હાથ ઊંચો કર્યો અને જોયું કે કોણ પાર્ટનર છે. રિહાન અત્યંત ગોરો અને આકર્ષક છોકરો હતો. રિહાને હાથ ઊંચો કરી સલોની સામે સ્મિત કર્યું. એક ફુસફુસાતું હાસ્યનું મોજું ફરી વળ્યું.
સલોનીને રિહાન અત્યંત સાલસ અને બેફિકરો લાગ્યો. પહેલા દિવસથી જ એમની કેમેસ્ટ્રી જામી ગઇ. સલોનીને રંગને લઇ ને ઉદભવેલી લઘુતાગ્રંથિ પલકવારમાં અદૃશ્ય થઈ ગઇ. બે મહિના પછી બંને ગાઢ મિત્રો બની ગયાં. પ્રેક્ટિકલ વખતે અજાણતા થતો સ્પર્શ સલોની ક્યાંય સુધી મમળાવ્યા કરતી. અને રિહાન એની મુલાયમ ત્વચાને જાણીજોઈને સ્પર્શ કરતો.
રિહાન અત્યંત ગોરો અને સલોની શ્યામ... ક્લાસમાં બેઉનું નામ ‘વેનિલા ચોકલેટ આઇસક્રીમ’ પડી ગયું હતું. સલોની ખૂબ જ સંકોચાઈ જતી, પણ રિહાન તો મસ્ત રામ. એને રંગભેદ જરા પણ સ્પર્શ તો નહીં. ઘણી વાર બે જણાં એમના નાના શહેરની બહાર આવેલી નહેર પાસે પહોંચી જતાં. નીતર્યા જળમાં બંને પગ બોળીને બેસતાં. પગ તીવ્ર વિરોધાભાસ પ્રગટ કરતાં. રિહાન સલોનીની સ્નિગ્ધ ત્વચા પર હાથ ફેરવતો રહેતો. સલોનીને સ્વર્ગની અનુભૂતિ થતી.
બારમા ધોરણની પરીક્ષાને હવે થોડા દિવસ રહ્યા હતા.
એક દિવસ ટ્યુશનથી બારોબાર રિહાન અને સલોની નહેર કાંઠેથી બાઇક પર પરત આવી રહ્યાં હતાં કે એક કારે ઓવરટેક કરી તેમને આંતર્યાં. કારમાંથી બુરખાધારી સ્ત્રી સાથે દાઢીધારી પુરુષ ઊતર્યો અને રિહાનને બે-ચાર તમાચા મારી દીધા. બુરખાધારી સ્ત્રીએ ચીસ જેવા અવાજે કહ્યું, ‘તો આ કાલી કલુટીના ઝાંસામાં આવ્યો છે? શરમ નથી આવતી છોકરાને ફસાવતા..?’
ડઘાયેલા રિહાને કંઇ બોલવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. સલોનીના તો કાન આગળ કશું સાંભળી શક્યા નહીં. રંગભેદ તો હતો ઉપરથી ધર્મભેદ ભળ્યો.
રિહાન સ્કૂલ છોડી બીજા શહેરમાં જતો રહ્યો.
સલોનીએ બધી ઘૃણા, બધું અપમાન નીચોવીને સખત મહેનતના રુપમાં રેડી દીધું, જેનું પરિણામ બારમામાં જ્વલંત સફળતા. એ કાળી તો હતી જ એણે કાળી મહેનત કરી હતી.
કમ્પ્યૂટર એન્જિનીયર બનવા છતાં મમ્મી માટે હજીયે સમસ્યા હતી કે પોતાની આવી કાળી છોકરીનાં લગ્ન કઇ રીતે થશે.. કેવો છોકરો મળશે.. ઘણી વાર શરુઆતમાં મમ્મીને ખુશ કરવા એ છોકરો જોવાની હા ભણી દેતી. પરંતુ ઓછું ભણેલા કે એનાથી અડધું કમાતા છોકરા પણ ‘કાળી લાગી’ કહીને ના પાડી દેતા.
આ સમસ્યાનો અંત ત્યારે આવ્યો જ્યારે એને સુપર પ્રમોશન સાથે બેંગ્લોરની આખી ઓફિસ સંભાળવા માતાપિતાથી અલગ થવું પડ્યું.
ઓફિસમાં લગભગ બધા ઉચ્ચ શિક્ષિત હતા. હવે સહુ રંગ કરતાં બુદ્ધિ અને વ્યાવસાયિક અભિગમને પ્રાધાન્ય આપશે એવી એણે આશા રાખી હતી. પણ વ્યર્થ.
સહકર્મચારીઓએ એને ‘બ્લેક બ્યુટી’નું ઉપનામ આપ્યું હતું. એની તેજ તર્રાર બુદ્ધિ અને અને અમાપ કાર્ય કરવાની શક્તિ કરતાં સલોનીના શ્યામ વર્ણની ચર્ચા વધુ થતી.
આજે સલોની રોજ કરતાં જરા વહેલી ઓફિસ આવી હતી. આછા પિસ્તા કલરના ડ્રેસમાં એની કમનીય કાયા ખીલી ઊઠી હતી.
લિફ્ટમાં જવા એણે બટન દબાવ્યું અને પાછળથી એને ધક્કો વાગ્યો. સલોની માંડ પડતાં બચી. જરા ગુસ્સે થઈ એણે પાછળ જોયું તો એક યુવાન, ઊંચો પાતળો, સરસ ઘટ્ટ વાળથી શોભતું સોહામણું નિર્દોષ મુખ. આંખ પર ગોગલ્સ અને હાથમાં લાકડી.
‘સોરી મેડમ’ કહી એનાથી અનાયાસે પકડાઈ ગયેલો સલોનીનો હાથ એણે છોડી દીધો.
‘તમે ખરેખર ખૂબ જ સુંદર હશો.. કે મારા જેવો અંધ પણ તમને જોઇ ઠોકર ખાઇ ગયો. આય એમ રિયલી સોરી.’
કંઇક ગૂંચવાઇ ગયેલી સલોની અસમંજસમાં ચૂપ રહી.
‘ઓહ.. મેડમ મને ખરેખર નથી દેખાતું.. જુઓ..’ કહી એણે ચશ્માં કાઢ્યા.. મોટી સુંદર આંખો ફરફરતી હતી, પણ એમાં જીવ નહોતો. એ નિર્દોષ ખુલ્લું હસી પડ્યો.
સલોનીએ ઓઝપાઇને સોરી કહ્યું, અને લિફ્ટ બંધ થઇ.
‘તમારે ક્યા ફ્લોર પર જવું છે?’ સલોનીએ પૂછ્યું.
જવાબમાં યુવાને ફંફોસીને નવમા બટનને દબાવ્યું. હસતાં હસતાં એણે કહ્યું,
‘હું ઘણી વાર અહીં આવું છું. હું નવમા ફ્લોર પર આવેલા નાદ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરવા આવ્યો છું. બપોરે ત્રણ વાગે ફાઇનલ રેકોર્ડિંગ હશે. તમે સાંભળવા આવજો.. જો તમને ઇચ્છા હોય તો..’
‘હં..હા જોઇશ...’ સલોનીએ ધીમેથી કહ્યું.
‘તમે ખરેખર ખુબ સુંદર હશો.. તમારી ત્વચા ખૂબ સુંવાળી..... સોરી, હું સ્પર્શથી માણસને જોવાનો અને ઓળખવાનો પ્રયાસ કરું છું.’
દસ મિનિટ પછી સલોની કામમાં વ્યસ્ત થઈ ગઈ. સહસા ચાર વાગે એને યાદ આવ્યું કે નીચે રેકોર્ડિંગ જોવા માટે કોઇએ આમંત્રણ આપ્યું હતું. અરે એ તો એનું નામ સુદ્ધાં જાણતી નહોતી.
ધીમે પગલે સલોની બિલ્ડિંગના નવમા માળે આવેલા વિશાળ સ્ટુડિયોમાં પ્રવેશી. કોઇને ઓળખતી પણ નહોતી. કોઇ પૂછશે તો કોને મળવા આવી છું તો શું કહીશ?!
‘ઓહો, પ્લીઝ વેલકમ બ્યુટીફુલ મેડમ..’ બાજુના કમરામાંથી નીકળતાં એ અંધ યુવાને કહ્યું, ‘મારું નામ વિશાલ છે. તમારું?’
‘હું સલોની, અને હું સુંદર નથી ખૂબ કાળી છું.’
આઠ મહિના પછી વિશાલ અને સલોની એક સાદા સમારંભમાં પરણી ગયાં. મમ્મી અંધ જમાઇને લઇને થોડી નારાજ હતી, પણ લગ્ન તો થયાં બસ..
સલોની ખૂબ ખુશ હતી. એના અને વિશાલના અનહદ પ્રેમમાં રંગભેદ નડતો નહોતો. વિશાલના સૂરીલાં ગીતો એ બંધ આંખે માણતી રહેતી...
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)