સુખનું સરનામું:મોટા થવા માટે નાનાનું અપમાન નહીં સન્માન કરો... આદર આપશો તો જ મૂલ્ય વધશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક વિશિષ્ટ શાળા હતી. આ શાળામાં 0થી 9 સુધીના જુદા-જુદા આંકડાઓ ભણવા આવી રહ્યા હતા. એક દિવસ શિક્ષકને અચાનક કોઇ કામ આવી ચડ્યું એટલે એ વિદ્યાર્થીઓને શાંતિથી બેસી રહેવાની સૂચના આપીને બહાર ગયા. વર્ગમાં હવે શિક્ષક નહોતા તેથી બધા આંકડાઓ વાતોએ વળગ્યા. કોઇ ગંભીર મુદ્દા પર ચર્ચા ચાલુ થઈ. બધા રસપૂર્વક ચર્ચામાં ભાગ લઇ રહ્યા હતા અને પોતપોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા હતા. 9 એકબાજુ બેસીને બધાની વાતો સાંભળી રહ્યો હતો. એ ઊભો થયો અને 8 પાસે આવીને 8ને એક થપ્પડ મારી. 8ને થપ્પડ પડતાં વર્ગમાં સોંપો પડી ગયો. 8 તો વિચારે ચડી ગયો કે મારો તો કોઇ જ વાંક નથી, હું કંઇ એવું બોલ્યો પણ નથી કે જેનાથી 9 નું અપમાન થાય તો પછી મને શું કામ આ થપ્પડ મારી હશે?

8થી ન રહેવાયું એટલે પોતાને મુંઝવતો આ સવાલ 9ને પૂછ્યો, 'મેં તમને કંઇ નથી કહ્યું કે હું તમારા વિશે કંઇ ઘસાતું નથી બોલ્યો તો પછી મને આ થપ્પડ મારવાનું કારણ શું?' 9એ ખંધાઇથી જવાબ આપ્યો, 'એમાં વળી કારણની શું જરૂર છે? બસ એક જ કારણ છે હું 9 છું અને તું 8 છે, તારા કરતાં મારું મૂલ્ય વધારે છે આમ હું તારા કરતાં મોટો છું એટલે મેં તને થપ્પડ મારી.' વર્ગમાં બેઠેલા બધા જ આંકડાઓ આ વાત સાંભળી રહ્યા હતા. કોઇને આ લોજિક સમજાયું નહીં. થોડી વાર પછી 8 એમ જ શાંત બેસીને વિચારવા લાગ્યો પછી ઉભો થઇને 7 પાસે ગયો અને એણે કોઇ પણ કારણ વગર 7ને એક જોરદાર તમાચો માર્યો. 7 સમજી ગયો એણે 8ને પ્રશ્ન પૂછવાને બદલે થોડે દૂર ઊભેલા 6 પાસે જઇને 6ને ગાલ પર એક થપ્પડ ઠોકી દીધી. 6 ગાલ ચોળતો ચોળતો 5 પાસે ગયો અને ઉપાડીને એક 5ને નાખી. જેવી રીતે નાના બાળકો ખો રમે એવી રીતે આંકડાઓએ પણ થપ્પડની ખો રમવાની ચાલુ કરી હોય એમ 5 એ 4 ને, 4 એ 3 ને, 3 એ 2 ને અને 2 એ 1ને આ તમાચો પાસ ઓન કર્યો. 1થી નાનો તો શૂન્ય હતો એટલે બિચારો શૂન્ય ધ્રુજવા લાગ્યો કે હવે તમાચો મને પડશે એ ડરથી ખુણામાં નીચે બેસી ગયો.

શૂન્ય તમાચો ખાવાની પૂર્ણ તૈયારી કરી ચૂક્યો હતો પણ શૂન્યની અપેક્ષા કરતાં કંઇક જુદી જ ઘટના બની. 1એ પોતાનાથી મોટા એવા 2 દ્વારા મારવામાં આવેલો તમાચો સહન કરી લીધો. પોતાનાથી મૂલ્યમાં નાના એવા શૂન્યને તમાચો મારવાને બદલે એકડાએ શૂન્ય પાસે જઇને એને પ્રેમથી ઊભો કર્યો, પોતાની પાસે બોલાવીને એને ભેટ્યો. એકડાના આ વર્તાવથી શૂન્ય અવાચક બની ગયો અને એકડાના પ્રેમને આભારવશ બનીને જોઈ રહ્યો. એકડાએ શૂન્યને પ્રેમથી પોતાની બાજુમાં બેસાડ્યો અને એના ખભા પર પ્રેમથી હાથ મૂક્યો આમ કરવાથી 1 હવે 10 બની ગયો. એકડો સાવ નાનો હતો પણ પોતાનાથી નાના શૂન્યને બાજુમાં રાખ્યું તો સૌથી મોટા નવ કરતાં પણ એનું મૂલ્ય વધી ગયું.

આપણે જ્યારે આપણા કરતાં નાની વ્યક્તિનું અપમાન કરીએ છીએ ત્યારે આપણા મૂલ્યમાં કોઇ વધારો નથી થતો શક્ય છે કે કદાચ મૂલ્ય ઘટે પણ જ્યારે આપણાથી નાની વ્યક્તિને આદર આપીએ છીએ ત્યારે આપણા મૂલ્યમાં ખૂબ મોટો વધારો થાય છે. વ્યક્તિને સમય કે ભાગ્ય સાથ આપે ત્યારે ઘણીવખત એ બીજા કરતાં આગળ નીકળી જાય છે અને કેટલીક વ્યક્તિઓ સખત પુરુષાર્થ કરીને સ્વબળે બીજા કરતાં આગળ નીકળી જાય છે. જીવનમાં આગળ વધવું એ બહુ સારી વાત છે અને દરેક વ્યક્તિએ ભાગ્યના ભરોસે બેસી રહેવાના બદલે તમામ રીતે આગળ વધવાના પ્રયાસો સતત કરવા જ જોઇએ પણ ઉપરની વાર્તાને હંમેશાં યાદ રાખવી જોઇએ.

આપણને તો થોડી સત્તા કે સંપત્તિ મળે એટલે એવી હવા ભરાઇ જાય છે કે ન પૂછો વાત. હું સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું અપવાદરૂપ વ્યક્તિઓને બાદ કરતાં મોટાભાગના આવી હવા લઇને જ ફરતા હોય છે અને પોતાનાથી જુનિયર સાથે એવો વ્યવહાર કરતા હોય છે જાણે કે એ કોઇ જાનવર હોય. જો જુનિયર માનવ અધિકાર પંચની મદદ લે તો મોટાભાગના સિનિયરને સજા થાય એવું એનું વર્તન હોય છે. અરે કેટલાક અધિકારીઓ તો ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી પણ અધિકારી તરીકે જ વર્તતા હોય છે. કોઇ મોલમાં ખરીદી કરવા જાય તો સામાન્ય માણસની જેમ પાર્કિંગ કરવાને બદલે મોટાસાહેબની ગાડીનું સ્પેશિયલ પાર્કિંગ થાય પછી ભલે એ પાર્કિંગ બીજા કેટલાય લોકોને નડતું હોય. સરકારમાં પ્રેમથી નહીં પણ ધાકધમકીથી જ કામ થાય એ વાત કેટલાક અંશે સાચી પણ હશે પરંતું તમે નાના માણસનું સતત અપમાન કરતા રહો તો જ તમે મોટા કહેવાઓ એ વાતમાં કોઇ માલ નથી. ભગવાન કૃષ્ણને વાંસળી પણ વગાડી છે અને સુદર્શન ચક્રને પણ વાપરી જાણ્યું છે પણ એણે દરેક જગ્યાએ સીધું જ સુદર્શન નથી ઉપાડ્યું. પહેલા વાંસળી વગાડી છે અને જો વાંસળીથી કામ ન પતે તો જ સુદર્શનનો ઉપયોગ કર્યો છે પણ આપણે બધા સીધું જ સુદર્શન ઉપાડીએ છીએ.

કેટલાક એવા અધિકારીઓને પણ જોયા છે જેણે 1ની જેમ શૂન્યને લાફો મારવાના બદલે પોતાની બાજુમાં ઊભા રાખ્યા છે. આવા અધિકારીઓને તેમની નીચે કામ કરનારા બધા લોકો આજની તારીખે પણ પૂર્ણ આદર સાથે યાદ કરતા હોય છે.

ભૂજની એક જેલના જેલરની બદલી થઇ ત્યારે કેદીઓએ એની બદલી અટકાવવા માટે ભૂખ હડતાલ કરી હતી કારણ કે, આ અધિકારી કેદીઓને ગુનેગારની સાથે સાથે એ માણસ પણ છે એ વાત ભૂલ્યા નહોતા. આ વાત માત્ર સરકારમાં જ લાગુ પડે છે. એવું નથી જીવનના દરેક ક્ષેત્રમાં લોકો પોતાનાથી નાનાનું અપમાન કરવાનું જ કામ કરે છે. તમારી આસપાસ જ્યાં નજર કરવી હોય ત્યાં નજર કરી લો. બધે તમાચા મારવાનું કામ જ ચાલે છે. આ તમાચા મારવાનું બંધ કરીને નાની વ્યક્તિઓને પ્રેમથી બાજુમાં બેસાડવાનો અનુભવ કરવા જેવો છે આમ કરવાથી ખરેખર તમારું મૂલ્ય ખૂબ વધી જશે એ પાક્કું.

મોટો માણસ એ નથી કે જેની પાસે ખૂબ સંપત્તિ કે સત્તા હોય પણ મોટો માણસ એ છે જે બીજાના હૃદય સિંહાસને બેસીને રાજ કરતો હોય. લોકોના હૃદયમાં બેસવા માટે એને આપણી બાજુમાં બેસાડવા પડે અને એ પણ માત્ર દેખાવ માટે નહીં દિલથી. નહીંતર અહીંયા તો લોકો પ્રેમનો પણ ઢોંગ કરતા હોય છે. જેણે જેણે નાના-નાના માણસોનું ધ્યાન રાખ્યું છે એવી વ્યક્તિઓ આ ધરતી પરથી વિદાય થયા પછી પણ લોકોના હૃદયમાં કાયમ માટે જીવિત હોય છે. શાસ્ત્રોમાં ભલે સાત ચિરંજીવીની વાતો કરી હોય પણ પોતાના કાર્યો દ્વારા ચિરંજીવીઓની સંખ્યા ઘણી મોટી છે. બીજે ક્યાંય નહીં તો કંઈ વાંધો નહી માત્ર પરિવાર, વ્યવસાય, ધંધો કે નોકરીના સ્થાને આપણાથી નાના ગણાતા લોકો સાથે થોડા પ્રેમથી વાતો કરવાનો એકડા જેવો કસબ શીખવા જેવો છે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...