ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સ્વાર્થથી સંબંધો વેરવિખેર થાય; માપસરનો સ્વાર્થ અને અમાપ પ્રેમ દરેક સંબંધને તાજો રાખી શકે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક યુવતી ઈ-મેઇલમાં કહે છે કે હું શિક્ષિકા છું. મારા પતિ એન્જિનિયર છે. મારા પતિ તેમનાં માતા-પિતાના એકના એક પુત્ર છે. અમે હળી-મળીને સાથે રહેતાં હતાં, પણ સમાજના કેટલાક દાખલા જોઇને મારી ભૂલ થઈ. મેં જુદા રહેવાની જીદ કરી. મને એવું હતું કે અમે જુદાં થઇશું તો મને સ્વતંત્રતા મળશે. અમે પતિ-પત્ની અમારી રીતે, બિનધાસ્ત જીવન જીવી શકીશું. ઇચ્છા થાય ત્યારે હરવા-ફરવા જઇશું. રેસ્ટોરાંમાં જમવા જઇશું. ફિલ્મો જોવા જઇશું. મોડી રાત સુધી મિત્રો સાથે ગપ્પાં મારીશું. હું મારા સાસુ-સસરાની જવાબદારીમાંથી છૂટવા પણ માગતી હતી. મારા પતિની ખાસ ઇચ્છા નહોતી, પણ મારું મન રાખવા તે માન્યા. અમે બે વર્ષ જુદાં રહ્યાં. ખરેખર મેં જે વિચાર્યું હતું તે ખોટું હતું તેની અનુભૂતિ મને વારંવાર થઈ.

મારા ભોળાં સાસુ-સસરા એક પણ શબ્દ બોલ્યાં નહીં. તેઓ તો કોઈપણ રીતે અમારું સુખ જોવા ઝંખતાં હતાં. મારાં સાસુ તો એક જ વાત કરતાં: તમે સુખી રહો એમાં જ અમારું સુખ છે. અમે તો સક્ષમ છીએ. અમારું કરી લઇશું. તમને જુદાં રહેવાનું ગમતું હોય તો તમે જુદાં રહો. જ્યારે પાછાં ભેગાં રહેવાનું મન થાય ત્યારે પાછાં આવતાં રહેજો. આ તમારું જ ઘર છે!

એકલાં-જુદાં બિનધાસ્ત રહેવાનો અભરખો-ઊમળકો અને આનંદ હતો તે એકદમ શમી ગયો. મને એમ હતું કે જુદાં રહીશું તો અમે પતિ-પત્ની એકબીજાથી વધારે નજીક આવીશું. અમે એકબીજાને વધારે સમય આપી શકીશું. એકબીજાને વધારે સમજી શકીશું. પરસ્પર પ્રેમ વ્યક્ત કરી શકીશું. થયું એનાથી ઊલટું. ભેગાં રહ્યાં, પણ ભેળાં ના રહ્યાં. ભેગું રહેવું અને ભેળું રહેવું તેમાં ઘણો ફરક છે. અમે એકબીજાની નજીક હતાં તો પણ સાથે નહોતાં.

એક જ ઘરમાં અમે જાણે કે પાડોશી બનીને રહેવા લાગ્યાં. મારા પતિને મેં તેમનાં માતા-પિતાથી છૂટા પાડીને જાણે કે મોટી ભૂલ કરી હતી. અમે એકલાં રહીને વધારે નજીક આવવાના બદલે દૂર થઈ ગયાં. એક વર્ષ પછી અમારા બન્ને વચ્ચે અંતર વધી ગયું.

મારી મમ્મીએ જ્યારે મને સમજાવી ત્યારે મારી આંખ ઊઘડી. મારી મમ્મી તો મને પહેલેથી જ જુદાં રહેવાની ના પાડતી હતી. આવેગમાં મેં તેની વાત માની નહોતી. એ યુવતિ મક્કમતાથી કહે છે કે તમે જ્યારે માતા-પિતાથી છુટા થાઓ છો ત્યારે તમે પતિ-પત્ની તરીકે એકબીજાથી પણ થોડાં છૂટાં પડો છો, એ વાત કદી ભૂલતાં નહીં. છૂટાં રહેવામાં જો સ્વાર્થ હોય તો નુકસાન કરે. ​​​​​​છૂટાં-જુદાં રહેવામાં જો શાણપણ હોય, પરિપક્વતા સાથેનો નિર્ણય હોય, તો ઓછું નુકસાન કરે.

  • જો તમારા મન-હૃદયમાં ‘જુદાપણું’ હોય તો તમે ભેળાં રહીને પણ સાથે ન રહી શકો.
  • તમારા મન-હૃદયમાં ‘ભેળાપણું’ હોય તો તમે જુદાં રહેતાં હોય તો પણ મનમેળ રહી શકે છે.
  • માપસરનો જરૂરી સ્વાર્થ જાળવી રાખીને જો સંબંધો સાચવીએ તો જીવન ઉજાણી જેવું લાગે!
  • મનુષ્ય હૃદયમાં ચિક્કાર પ્રેમ હોય છે તો ઘણો બધો સ્વાર્થ પણ હોય છે. પ્રેમ અને સ્વાર્થનું ‘બેલેન્સ’ જ્યારે ઓછું થઈ જાય છે ત્યારે સંબંધોમાં સમસ્યાઓ સર્જાય છે.

સ્વાર્થ, સ્વહિત, અપેક્ષા કે અહમ્‌ આ બધી સ્થિતિ કાયમ વખોડવા જેવી નથી. એ બધું હોય જ છે અને હોવું જ જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ જ જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ દરેક વ્યક્તિમાં ‘ઇનબિલ્ટ’ જન્મતાંની સાથે જ હોય છે. એનો વિરોધ કે નિરોધ સુંદર જિંદગી જીવવા માટે અવરોધ સાબિત થાય. એનું બેલેન્સિંગ જ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. જીવનનું પ્રયોજન સમતોલ રહેવાનું હોવું જોઈએ. વધારે પડતી અપેક્ષાઓ સંબંધોને કલુષિત કરતી હોય છે તો બેફામ સ્વાર્થ પણ સંબંધોના વિશ્વને છિન્નભિન્ન કરે છે. ​​​​​​​અખબારો કે માધ્યમોમાં આવતા આવા સમાચારો વાંચીને કંપી જવાય, થથરી જવાય છે.

રાજકોટનો એક કિસ્સો વાંચો
એક પતિ-પત્ની સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. મધ્યમ વર્ગનો પરિવાર હતો. પતિ-પત્નીને થયું કે જો ઝડપથી આગળ આવવું હશે તો સંયુક્ત કુટુંબમાંથી છૂટા થવું પડશે. પૈસા બનાવવાની લાયમાં તેમણે પ્રેમને ધક્કો માર્યો. વિભક્ત થવું અનુચિત નથી. સંયુક્ત કુટુંબના ફાયદા છે તેમ ગેરફાયદા પણ છે, એ જ રીતે વિભક્ત પરિવારના ગેરફાયદા પણ છે તેમ ઘણા ફાયદા પણ છે. તમે સાથે રહો છો કે જુદા રહો છો એ સહેજે મહત્ત્વની વાત નથી. તમે સાથે છો કે નહીં તે જ સવિશેષ મહત્ત્વનું છે. રાજકોટનાં પતિ-પત્ની જે કારણથી છૂટાં થયાં અને જે રીતે છૂટાંં થયાં તે ચિંતાજનક હતું.​​​​​​​ ભૌતિકતાના પ્રચંડ આવેગમાં આવીને તેમણે ઝઘડો કરીને પરિવારને છોડ્યો હતો. એ પછી ઘરમાંથી ભાગ મેળવવા ધમપછાડા કર્યા.

એ સંઘર્ષ એટલો બધો લાંબો ચાલ્યો કે તેના જ પરિણામે તેમનાં માતા-પિતા અકાળે મૃત્યુ પામ્યાં. એ ભાઈને પહેલાં હાઈ બીપી અને પછી ડાયાબિટિસની બીમારી આવી. ​​​​​​​જુદાં પડ્યાં ત્યારે તેમનો ધંધો સારો ચાલતો હતો, પણ પછી કોરોનાને કારણે ધંધો નબળો થયો. ભાઈ ડિપ્રેશનમાં ગયા. તેમના પત્ની બીજા કોઇના પ્રેમમાં પડ્યાં. ઘરમાં એક પુત્ર-પુત્રી હોવા છતાં તેઓ પરપુરૂષ સાથે ભાગી ગયાં. પતિને બ્રેઇનસ્ટ્રોક આવ્યો. સંતાનો તો હજી ભણતાં હતાં. એક હર્યોભર્યો પરિવાર જોતજોતામાં વેરવિખેર થઈ ગયો.

અતિ સ્વાર્થનો અન્જામ ખરાબ જ હોય છે. સ્વાર્થ સારો જ છે, પણ જો એ માપમાં હોય તો. આજકાલ સંબંધોમાં જે ગંભીર સમસ્યાઓ આવી રહી છે તેનાં કારણોમાં મુખ્ય કારણ છે જબરજસ્ત સ્વાર્થવૃત્તિ. સંબંધો પ્રેમથી પોષાય છે. સ્વાર્થ અને પ્રેમને ઊભા રેય બનતું નથી.

સ્વાર્થની ગેરહાજરીમાં જ પ્રેમ બરાબરનો ખીલે છે. જ્યારે સ્વાર્થનું પ્રભુત્વ વધે છે ત્યારે પ્રેમ ઝાંખો પડે છે અને તેની સૌથી મોટી અસર સંબંધો પર પડે છે.

સંબંધોમાં તાજગી ઘટી રહી છે.
સંબંધોમાં અંતરનો ઉલ્લાસ હવે પહેલાં જેવો દેખાતો કે અનુભવાતો નથી. સંબંધોમાં જે જીવંતતા પ્રતીત થતી હતી તેની હવે ગેહાજરી વર્તાય છે, સંબંધો છાંયડો આપતા, સંબંધો સધિયારો દેતા, સંબંધો હિંમત બંધાવતા...એ હવે ઓછું જોવા મળે છે કારણ કે- સ્વાર્થે સંબંધો પર આક્રમણ કર્યું છે. પરિવારોના પરિવારો સ્વાર્થને કારણે વેરવિખેર થઈ ગયાં છે.

સ્વાર્થ અને સ્વહિતને કારણે સંબંધોમાંથી ચેતના જતી રહી હોય તેવો અનુભવ અનેક લોકોનો છે. પ્રેમ જોડે છે. સ્વાર્થ છૂટા પાડે છે.

સ્વાર્થનો સ્વભાવ વધુ ને વધુ વિઘટિત થવાનો છે. પતિ-પત્ની, માતા-પિતાથી છૂટાં પડે ત્યારે તેમને ખબર હોતી નથી કે આજે જે અભાવ, કડવાશ કે દ્વેષ તમને બન્નેને માતા-પિતા માટે થાય છે તે આવતીકાલે તમને એકબીજા માટે થશે જ. સ્વાર્થ જ્યાં જાય છે ત્યાં પોતાનું પોત પ્રકાશે છે. પ્રેમ જ્યાં હોય છે ત્યાં ઝળહળે છે.

જતી વેળાનું સ્મિત- સંબંધો નીભાવવા માટે માત્ર સમય જ નહીં, સમજ પણ જોઈએ.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)