ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધો અને પોઝિટિવિટીઃ હકારાત્મક અભિગમ રાખો, સંબંધો મધુર બનશે અને પ્રસન્નતાથી છલકતા રહેશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીની બાજુમાં હાંસાપોર નામનું ગામ આવેલું છે. અહીં પરાગજીભાઈ નાયક રહેતા હતા. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ. જીવનમાં દરેક સ્થિતિને હકારાત્મક રીતે મૂલવવાની તેમની ટેવ. ફાધર વાલેસ જેમ વિહાર કરીને જુદા જુદા લોકોના ઘરે રહેવા જતા, તેમ આ પરાગજીબાપા પણ રહેવા જતા. તેઓ સુરતમાં પોતાની ભાણી શ્રદ્ધાના ઘરે રહેવા ગયા.

બપોરનો જમવાનો સમય થયો એટલે શ્રદ્ધાબહેને તેમને જમવાનું પીરસ્યું. તેમણે જમી લીધું. એ પછી શ્રદ્ધાબહેન પોતે જમવા બેઠાં. આ શું? શાક તો એકદમ ખારું ખારું હતું. ભૂલથી તેમણે શાકમાં બે વખત મીઠું નાખી દીધું હતું.

તેમણે પરાગજીભાઈને કહ્યું, 'દાદા, શાક આટલું ખારું છે એ તમે મને કહ્યું પણ નહીં?'

પરાગજીદાદાએ જવાબ આપ્યો, 'મને એમ કે આજે તેં તારા ટેસ્ટનું શાક બનાવ્યું હશે.'

કેટલો બધો પોઝિટિવ અભિગમ...!

બીજું એક ઉદાહરણ જોઈએ. એક પતિ મહાશય જમવા બેઠા. દાળમાં ખૂબ ઓછું મીઠું નખાયું હતું. પતિએ પોતાનાં પત્નીને એમ ના કહ્યું કે દાળમાં મીઠું કેમ ઓછું નાખ્યું છે. તેમણે એમ કહ્યું કે આ મીઠાના ઉત્પાદકો તો જુઓ. હવે એવું મીઠું બનાવે છે કે તેમાં ખારાશ હોતી જ નથી. તે તો ચોક્કસ માપસર જ મીઠું નાખ્યું હશે, પણ ખારાશ ઘટી એટલે મને મીઠું ઓછું લાગે છે.

તો આ છે પોઝિટિવ અભિગમ. કલ્પના કરો કે જો બીજો કોઈ પતિ હોય તો મોટા અવાજે કહે કે દાળમાં કેમ ઓછું મીઠું નાખ્યું છે? અને આવું એક જ વાક્ય મોટા ઝઘડાનું બીજ બની જાય.

અમારા એક મિત્ર છે. તેમણે નિયમ કરેલો છે કે જમવા બેસીએ ત્યારે અન્ન વિશે કશું બોલવાનું જ નહીં. થાળીમાં જેટલું આવે, જે આવે અને જેવું આવે તે જમી જ લેવાનું. એક પણ શબ્દ બોલવાનો નહીં.

અન્નનું માન રાખવાનું અને અન્નપૂર્ણાનું પણ માન રાખવાનું. તેઓ કહે છે કે મારા આ અભિગમને કારણે મારે ક્યારેય તકલીફ પડી નથી. અમારે પતિ-પત્નીને બોલવાનું થતું જ નથી. સંબંધોમાં જો હકારાત્મક અભિગમ રાખવામાં આવે તો મોટાભાગના સંબંધો લીલાછમ રહે. સંબંધો માણવાની મજા પડે.

સંબંધોમાં પોઝિટિવિટી એટલે કે હકારાત્મક સંબંધ એટલે શું?

 • સામેની વ્યક્તિ જેવી છે એવી સ્વીકારો. એક પિતાના ત્રણ પુત્રો. બે પુત્રો તેજસ્વી અને એક પુત્ર એવરેજ. બે પુત્રો અમેરિકા ભણવા ગયા અને ત્યાં અત્યંત સરસ રીતે સેટ થયા. એક પુત્ર અહીં ગુજરાતમાં સેટ થયો. અમેરિકાવાળા બે ભાઈઓનો ભારતમાં રહેતા ભાઈ સાથેનો વ્યવહાર જુઓ તો નવાઈ લાગે. અહીં રહેતો ભાઈ ખૂબ જ ઓછી બુદ્ધિનો. કોઈને તો મંદ બુદ્ધિનો જ લાગે. તેમનું વિચારવાનું અને જીવવાનું એકદમ એવરેજ. નાની-નાની બાબતો તેમને સમજાવવી પડે. અમેરિકાવાળા બંને ભાઈઓ પોતાના નાના ભાઈને ખૂબ જ આદર આપે. અત્યંત ધીરજથી તેમને દરેક બાબત સમજાવે.
 • તો આને કહેવાય પોઝિટિવ અભિગમ. જ્યારે આપણે વ્યક્તિને તે જેવી છે એવી જ સ્વીકારી લઈએ છીએ ત્યારે સંબંધોમાં વિક્ષેપ પડવાની પચાસ ટકા શક્યતાઓ ઘટી જાય છે. મેં અનેક પતિદેવો એવા જોયા છે જે પ્રોફેશનલી સમાજમાં ખૂબ જ મોટા હોદ્દા પર હોય. તેમની ભારે પ્રતિષ્ઠા હોય, પણ તેમનાં ધર્મપત્ની ગામડાનાં હોય. તેઓ પોતાની રીતે જીવતાં હોય. તો પણ આ પતિદેવો તેમને ખૂબ માન આપે. તેમને બોલવાનું તો જવા દો, તેમના આત્મસન્માનને ઠેસ ન પહોંચે તેનું વિશેષ ધ્યાન રાખે.
 • સંબંધની મર્યાદા જોવાનું બંધ કરો, વિશેષતા જુઓઃ માણસ માત્ર મર્યાદાને પાત્ર. દુનિયાની દરેક વ્યક્તિમાં મર્યાદા કે લિમિટેશન હોય છે. હોય જ, કારણ કે તે માણસ છે. એ જ રીતે દરેક માણસમાં બીજાની મર્યાદા જોવાની પણ મર્યાદા હોય છે. આપણા સંબંધો વારંવાર ડહોળાઈ જાય છે કારણ કે આપણે સામેની વ્યક્તિમાં સતત મર્યાદા જોઈએ છીએ. કોણ જાણે કેમ માણસને ડાઘ રહેલો દેખાય છે. માણસ માત્ર વિશેષતાઓ અને મર્યાદાનો સમન્વય હોય છે. પૂર્ણ પુરુષોત્તમ તો માત્ર ભગવાન જ હોય છે. જેને મર્યાદા જોવાની ટેવ છે તે તો ભગવાનમાંથી પણ મર્યાદા કે એબ કે ભૂલ કાઢી શકે છે.
 • જો સંબંધોમાંથી મર્યાદા કાઢવાની કે શોધવાની વૃત્તિ દૂર કરવામાં આવે તો દુનિયાભરના લોકો સુંદર જીવન જીવતા થઈ જાય.
 • સામેની વ્યક્તિમાં શું ખૂટે છે, શું ખોટું છે, શું ખરાબ છે, શું નકામું છે એનો વિચાર કરવાને બદલે તેનામાં શું વિશેષ છે, એનામાં શું સાચું અને સારું છે, શું પ્રેરક છે, શું ઉપયોગી છે એવી રીતે વિચારવામાં આવે તો સંબંધો લીલાછમ રહે.
 • એક સાહિત્યકાર સમક્ષ એક વ્યક્તિની મર્યાદાઓ વિશે કોઈકે વાત કરી. તેની ભરપૂર ટીકા કરી. એ સાહિત્યકારે બધી વાત સાંભળી. પોતાનો પ્રતિભાવ આપતાં સાહિત્યકારે કહ્યું કે એ વ્યક્તિ પુત્ર તરીકે ઉમદા છે. કોઈ ના કરે એટલી સેવા તે પોતાની માતા-પિતાની કરે છે. તો એ સાહિત્યકારે તેનો ગુણ પકડ્યો.
 • એક સંસ્થામાં એક યુવતી જોડાઈ. નવા જમાનાનો પવન અડેલો એટલે તેને પુરુષ મિત્રોની ખાસ્સી ટેવ પડી ગયેલી. એકસાથે અનેક પુરુષ મિત્રોને ફેરવે. મનમાં ગુમાન પણ કરે કે જુઓ મારી શક્તિ, હું એકસાથે કેટલા પુરુષોને રમાડી કે નચાવી શકું છું. સમય વહેતો ગયો. એ યુવતીનું રૂપ ઝાંખું પડ્યું. મિત્રો ઘટવા લાગ્યા. એ યુવતી હતાશામાં સરકી ગઈ. સંસ્થાનાં વડીલ બહેને તેને સાચવી. તેમણે જોયું કે યુવતી રસોઈ ખૂબ સરસ કરી શકે છે. એક જગ્યાએ તેને મોટા રસોડાની જવાબદારી સોંપી દેવડાવી. એ યુવતીને કામ મળ્યું. ધીમે-ધીમે તે ડિપ્રેશનમાંથી બહાર આવી. આજે તો તે અમદાવાદમાં સુંદર જીવન જીવી રહી છે.
 • દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈક શક્તિ, કોઈ ને કોઈ સારી બાબત, કોઈક ઉમદા ગુણ હોય જ છે. જો એના પર ફોકસ રાખીને કામ કરવામાં આવે તો સંબંધોમાં તિરાડ પડતી નથી અને સુંદર રીતે જીવન જીવી શકાય છે.
 • જે કહેવું હોય તે પરોક્ષ રીતે કહીને સંબંધોને મધુર રાખી શકાય છે. સુરતના ડાયમંડના વેપારી ગોવિંદકાકા ઉર્ફે ગોવિંદભાઈ ધોળકિયાની વાત જાણવા જેવી છે. સુરતમાં તેમણે નવો બંગલો બનાવ્યો. એમાં નવી રીતનું રસોડું કરવું હતું. તેમનાં ધર્મપત્નીએ તો ગામડાંમાં બેઠાં રસોડામાં રસોઈ કરેલી હોય. શહેરમાં તો ઊભા રસોડાનું ચલણ. ગોવિંદભાઈએ એકપણ શબ્દ કહ્યો નહીં. જુદા જુદા દેશોનો પ્રવાસ ગોઠવી દુનિયાભરનાં રસોડાં તેમને બતાવી દીધાં. એ પછી એમણે પોતે નક્કી કર્યું કે સુરતના બંગલામાં કેવું રસોડું કરીશું.
 • તો સંબંધોને સાચવી લેવાની આ પણ એક પદ્ધતિ છે. અમારા એક વડીલ મિત્ર છે અમદાવાદમાં. પૂર્વ આચાર્ય છે. એક છાત્રાલયમાં ગૃહપતિ પણ હતા. તેમણે નિયમ કરેલો છે કે પુત્રને કોઈ આદેશ આપવો જ નહીં. એને વાતાવરણ આપવું. કોઈ દિવસ એને કહેવું જ નહીં કે હવે તું આમ કર અને હવે તું તેમ કર. નવાઈ લાગે એવી આ વાત છે. દરેક પિતાની ફરજ છે કે તે પુત્રનું માર્ગદર્શન કરે. આ પિતા જુદી માટીના, જુદા મિજાજના છે. તેઓ માને છે કે મારે નથી કંઈ કહેવું, સંજોગો જ તેને કહેશે.
 • એક વાત ચોક્કસ છે, જો નવી પેઢી સાથે સ્વસ્થ અને સમતોલ સંબંધો રાખવા હોય તો રોકટોક ન કરશો અને જે કહેવું હોય તે પરોક્ષ રીતે જ કહો. ઘણીવાર સીધી રીતે કહેલું વાગતું હોય છે. ઘણા તો એ રીતે કહેતા હોય છે કે ચચરતું પણ હોય છે.
 • પોઝિટિવ રહેવું એટલે અપેક્ષા ન રાખવી. આમ જોવા જઈએ તો દરેક સંબંધમાં સ્વાર્થ તો હોય જ છે. તેની માત્રાનું પ્રમાણ જુદું-જુદું હોય એટલું જ. સ્વાર્થ, હેતુ કે અપેક્ષા વિનાના સંબંધો શક્ય જ નથી. (અપવાદો હોય ખરા.) જો તમારે સંબંધોને માણવા હોય તો અપેક્ષાનું પ્રમાણ મિનિમમ કરી નાખવું. સંબંધમાંથી જેમ-જેમ અપેક્ષા ઘટતી જાય તેમ-તેમ સંબંધની જીવંતતા વધતી જાય. એક મોટા ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું કે તમારા સૌથી ઉત્તમ મિત્ર કોણ? તેમણે એક એવી વ્યક્તિનું નામ આપ્યું જે વ્યક્તિ એકદમ ગરીબ હતી. એ વ્યક્તિ પૈસે ટકે ગરીબ હતી, પણ દિલથી પૈસાદાર હતી. તેનું આત્મસન્માન જબરજસ્ત હતું. એ ગરીબ મિત્ર ક્યારેય પોતાના ઉદ્યોગપતિ મિત્ર પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા રાખતો નહોતો.
 • જ્યારે સંબંધોમાંથી અપેક્ષા બાદ થાય છે ત્યારે પ્રેમનો સાદ સ્પષ્ટ સંભળાય છે.
 • સારી બાબતને જોવી અને સતત તેનો મહિમા કરવો. સંબંધોમાં જે સમસ્યાઓ ઊભી થાય છે તેનું કારણ એ છે કે સંબંધની ટીકા ખૂબ થાય. તેની નિંદા સતત કરવામાં આવે. તેનામાં કઈ ખામી છે અને ક્યારે તેણે કઈ ભૂલ કરી હતી તેનો જ સતત મહિમા થયા કરે. આને કારણે સંબંધોનો લય સતત ખોરવાયેલો જ રહે છે. તેના બદલે પોઝિટિવ થઈને સામેની વ્યક્તિમાં સારી બાબત કઈ છે તે જોવી. દરેકમાં કંઈકનું કંઈક સારું હોય જ છે. આવી ટેવ વ્યક્તિને ઉત્તમ જીવન જીવવામાં પણ મદદ કરે છે.

એક શાળાના બે શિક્ષકો. એક શિક્ષકને વિદ્યાર્થીઓની મર્યાદા જ દેખાય. તે સતત અવગુણ જુએ અને વિદ્યાર્થીને સજા કરે. તેને ટોક્યા કરે. તેની સામે બીજા શિક્ષકને એવી ટેવ કે તે વિદ્યાર્થીની અંદર પડેલી શક્તિનાં વખાણ કરે. ગણિતમાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં સારો હોય, ભાષામાં રસ ન લેતો વિદ્યાર્થી ચિત્ર સરસ કરતો હોય. જે સજ્જતા હોય, વિશેષતા હોય તેના પર પોઝિટિવ શિક્ષક વધારે ધ્યાન આપે. બીજા શિક્ષકનો તાસ (વર્ગ) હોય ત્યારે વિદ્યાર્થીઓ ખુશ હોય.

આમેય પોઝિટિવિટી ચેપી હોય છે. એકવાર વ્યક્તિ પોતાની આંખમાં પોઝિટિવિટી આંજી લે પછી તેને બધું સારું જ દેખાતું હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)