ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધ અને ગેરસમજઃ પારદર્શિતા અને સતત સંવાદ કરીને ગેરસમજની એરરથી બચી શકાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત એક નાનકડી ગેરસમજ ખૂબસુરત સંબંધને ડહોળી નાખતી હોય છે. આજુબાજુ નજર કરીએ તો અનેક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે, વર્ષો જૂનો સોહામણો સંબંધ હોય અને એક નાનકડી ગેરસમજને કારણે સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય. સંબંધો સામે જે મોટા પડકાર હોય છે, ઘણાં મોટાં જોખમો છે તેમાં ગેરસમજ પહેલી હરોળમાં આવે છે. સમજદાર લોકોને ખબર હોય છે કે, નાનકડી તો નાનકડી પણ ગેરસમજની ઘણી મોટી તાકાત હોય છે. તેથી તેઓ સંબંધોમાં ગેરસમજ નામનો વાઇરસ ઘૂસીને આખી સિસ્ટમને હેન્ગ ન કરી નાખે તેની વિશેષ કાળજી રાખતા હોય છે.

સંબંધના અનેક લાભ છે. સંબંધો જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવે છે. જો જીવનમાંથી આપણે સંબંધોને બાદ કરી નાખીએ તો જીવન શુષ્ક બની જાય. કુદરતે મનુષ્ય નામના પ્રાણીની રચના જ એવી કરી છે કે, સમૂહમાં જીવે અને સમૂહમાં ખીલે. માણસ એકલો રહી શકતો નથી. એટલે તો સાથે રહેવા તેને સમાજની રચના કરી છે. માણસ માત્ર માણસ ભૂખ્યો હોય છે. વિશ્વમાં બીજાં આકર્ષણોની સાથે સાથે માણસોના હૃદયનું પરસ્પર આકર્ષણ પણ મહત્ત્વનું છે. જીવનથી મૃત્યુ સુધી માણસ અવનવા અને નીતનવા સંબંધો બાંધે છે અને ધબકતું જીવન જીવે છે.

એટલું યાદ રાખવું જોઈએ કે જેના લાભ હોય છે તેના ગેરલાભ પણ હોય છે. દુનિયાની કોઈપણ ચીજવસ્તુ, સ્થિતિ, અવસ્થા કે વ્યવસ્થા, જે મદદ કરતી હોય તે એક અથવા બીજી રીતે નુકસાન પણ કરતી જ હોય છે. જેનાથી લાભ થાય તેનાથી ગેરલાભ પણ થાય જ. લાભ અને ગેરલાભ એક જ સિક્કાની બે બાજુઓ છે. આ કુદરતી નિયમ છે. સંબંધો મનુષ્યજીવનને સાંધે છે તો એ જ વખતે તે પ્રેમને બાંધે પણ છે. ગમે તેટલી મુક્તિ કે સ્વતંત્રતા ધરાવતો સંબંધ હોય તો તેમાં બંધનનું તત્ત્વ તો હોય જ છે. સંબંધો વગર જીવી ન શકાય પણ તેની સાથે જીવવામાં ઘણી કાળજી પણ રાખવી પડે છે.

પ્રેમિકા-પ્રેમીજન, પતિ-પત્ની, મિત્રો, પિતા અને સંતાનો, માતા અને સંતાનો, ભાઈ અને બહેન, સહકર્મીઓ, બોસ અને કર્મચારી, શિક્ષક અને વિદ્યાર્થી, વેપારી અને ગ્રાહક... કોઈપણ પ્રકારના સંબંધમાં ગેરસમજનો મોટો અવકાશ હોય છે. ગેરસમજ એટલે જે ઘટના બની ન હોય તેને માનીને સંબંધો ઉપર અસર થવા દેવી. ગેરસમજ એટલે કોઈ સંવાદ કે સ્થિતિને ભળતી અને ખોટી રીતે સમજવી અને મૂલવવી. જે હોય જ નહીં તેની કલ્પના કરવી. જેનું અસ્તિત્વ નથી તે ધારી કે માની લેવું. આવું જ્યારે બનતું હોય ત્યારે જે-તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. સૌથી વધારે ગેરસમજ થવાની શક્યતાઓ પ્રેમિકા અને પ્રેમીજન વચ્ચે હોય છે. તેનું કારણ છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં પ્રેમની ભરતી આવેલી હોય છે. આ અવસ્થામાં યુવક અને યુવતી મુગ્ધાવસ્થાની હોડીમાં બેસીને સફર કરતાં હોય છે. પરિપક્વતા હજી થોડીક છેટી હોય છે. મુગ્ધાવસ્થા એ કુદરતી અવસ્થા છે. તે વ્યક્તિનાં તન અને મન બંને સાથે સંકળાયેલી. છોકરો કે છોકરી ટીનએજમાં પ્રવેશે એટલે કુદરતી રીતે જ તેમના શરીરમાં અને મનમાં ફેરફારો થવા લાગતા હોય છે. આને રોકી શકાતા નથી. રોકવા જોઈએ પણ નહીં.

આવી અવસ્થામાં વિજાતીય આકર્ષણ સૌથી વધારે પ્રમાણમાં થતું હોય છે. છોકરાને છોકરીનું અને છોકરીઓને છોકરાઓ ગમવા માંડે છે. આસપાસનું વાતાવરણ પણ તેના પર મોટી અસર પાડે છે. ફિલ્મોના પ્રણયદૃશ્યો, જુદા જુદા વીડિયોમાં રજૂ થતાં ઉઘાડાં દૃશ્યો, મિત્રોની સંગત, આ બધાને કારણે એક ચોક્કસ પ્રકારનો આવેગ ઊભો થતો હોય છે. કુદરતી આકર્ષણમાં આ બધાં પરિબળોને કારણે ભરતી આવતી હોય છે. એ વખતે વિજાતીય મૈત્રી થતી હોય છે. મુગ્ધતા અને આવેગ જ્યારે ભેગાં થાય છે ત્યારે સંબંધ રચાય છે. પરંતુ એમાં પરિપક્વતાનો અભાવ હોય છે અને આવી સ્થિતિમાં ગેરસમજ થવાની શક્યતા સૌથી વધારે હોય છે.

અવિ પટેલ અમદાવાદની સહજાનંદની કોલેજમાં ભણે. તેની માસીની દીકરીની બહેનપણી સાથે તેને પરિચય થયો. તેનું નામ રામેશ્વરી. રામેશ્વરી મૂળ મધ્યપ્રદેશની હતી. બોલતી આંખો અને આકર્ષક વ્યક્તિત્વ. અવિને પહેલી જ નજરે રામેશ્વરી ગમી ગઈ હતી. પોતાની પિતરાઈ બહેનની મદદથી તેણે પ્રેમની પ્રપોઝલ મોકલી. સ્વીકારાઈ ગઈ. અવિ તો સાતમા આકાશમાં ઝૂમવા લાગ્યો. તેના માટે જિંદગીના આ સૌથી યાદગાર દિવસો હતા. તેને લાગ્યું કે ભગવાને મારા ઉપર મોટી કૃપા કરી છે અને મારે જે જોઈએ છે તે ભગવાને મને આપ્યું છે. દિવસે દિવસે અવિ અને રામેશ્વરીનો પ્રેમ ગાઢ બનતો ગયો. એક વખત એવું બન્યું કે અવિના મનમાં રામેશ્વરી માટે સખત અભાવ પેદા થઈ ગયો.

અવિના મામાનો જન્મદિવસ એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં ઊજવાયો હતો. પોતાના પરિવાર સાથે અવિ ત્યાં ગયો હતો. ત્યાં તેણે જોયું કે એક ટેબલ પર રામેશ્વરી કોઈ અજાણ્યા યુવક સાથે બેસીને જમતી હતી. જમતી હતી તેનો કોઈ વાંધો નહોતો. પરંતુ ખૂબ જ ઈન્વોલ્વ થઈને તેઓ વાતો કરતાં હતાં. જાણે કે પ્રેમી અને પ્રેમિકા ન હોય! રવિથી આ દૃશ્ય જોવાયું નહીં. પહેલાં તો તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. મારી રામેશ્વરી કોઈ અન્ય પુરુષ સાથે આ રીતે વર્તી જ ન શકે. બીજી મહત્ત્વની વાત એ હતી કે, રામેશ્વરીના મોટાભાગના મિત્રોને અવિ ઓળખતો હતો. આ મિત્ર વિશે ક્યારેય રામેશ્વરીએ વાત નહોતી કરી. પહેલાં તો અવિએ એવો વિચાર કર્યો કે હું તેમની પાસે જઉં અને રામેશ્વરીને પૂછું કે આ યુવક કોણ છે? જો કે, એવું કરવું તેને યોગ્ય ન લાગ્યું. તે મામાની બર્થડે પાર્ટી એન્જોય પણ ન કરી શક્યો અને પૂરેપૂરી એટેન્ડ પણ ન કરી શક્યો. અધવચ્ચેથી કોઈ બહાનું કાઢીને જતો રહ્યો.

એ રાત્રે તેને બિલકુલ ઊંઘ ન આવી. આવી સ્થિતિમાં ખરેખર તો તેણે રામેશ્વરીને પૂછી લેવાની જરૂર હતી. જો એવું કર્યું હોત તો તેમનો સંબંધ એક મોટી ગેરસમજમાંથી બહાર આવી જાત. એને બદલે તે મનમાં ને મનમાં સખત મૂંઝાયો.એ પછી તે રામેશ્વરીને મળતો. પરંતુ દિલથી ન મળી શકતો. એક પ્રકારનું અંતર ઊભું થઈ ગયું. જ્યારે અંતરથી અંતર સુધીનું અંતર વધી જાય છે ત્યારે સંબંધોમાં કડવાશ ઊભી થઈ જાય છે. અહીં એવું જ થયું. હૃદયના સંબંધો હવે જીભના સંબંધો થવા લાગ્યા. વાતો થતી હતી. પરંતુ તેમાં પ્રેમની ઊષ્મા નહોતી. સંવાદ રચાતો હતો. પરંતુ તેમાં શ્રદ્ધા નહોતી. સંબંધોમાં જ્યારે કૃત્રિમતા પ્રવેશે ત્યારે ચોક્કસ માનવું કે હવે સાચા સંબંધો મરી રહ્યા છે. સાચા સંબંધમાં અંતરનો ઊમળકો આપોઆપ વ્યક્ત થતો હોય છે. સાચા સંબંધને માપવાનો સૌથી મોટો માપદંડ ઊમળકો છે. જેટલો ઊમળકો વધારે એટલો સંબંધ વધારે સાચો. ઊમળકાને માપવાનો કોઈ લેબોરેટરી ટેસ્ટ નથી હોતો કારણ કે, એ હૃદયનો વિષય છે અને હૃદયમાં રહેલી લાગણીઓને માપવાનું હજી સુધી કોઈ યંત્ર શોધાયું નથી.

અવિ અને રામેશ્વરીના સંબંધમાં કૃત્રિમતા આવતી ગઈ. સૌથી વધારે હેરાન તો રામેશ્વરી થઈ. તે સમજી શકતી નહોતી કે અવિ એકાએક શા માટે બદલાઈ ગયો. તેણે એક-બે વખત પૂછ્યું, પરંતુ અવિએ વાત ટાળી દીધી. પુરુષો બે પ્રકારના હોય છે. એક, મનમાં હોય તે બધું જ કહી દેનારા બીજા, મનમાં ને મનમાં બધું રાખનારા. અવિ બીજા પ્રકારનો પુરુષ હતો. એ બધું મનમાં ને મનમાં રાખતો. તેનો આ સ્વભાવ તેને અહીંયા નડ્યો.

સંબંધમાં બે બાબતો ખૂબ જ અનિવાર્ય છે. એક બાબત છે, પારદર્શિતા. નિખાલસતા. જેવા છે તેવા વ્યક્ત થવું. મનમાં હોય તે વ્યક્ત કરવું. કહી દેવું. કંઈ ખાનગી ન રાખવું. મનમાં ને મનમાં મૂંઝાવું નહીં. જો આવો સ્વભાવ હોય તો ગેરસમજથી બચવાના ચાન્સ વધી જાય છે. આ વિશ્વમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ પારદર્શી બની શકે નહીં. આવરણ વિના માણસ જીવી શકતો નથી. વિશ્વના કોઈપણ સંબંધોમાં નાનાં કે મોટાં આવરણ હોય જ છે. સંબંધ માત્ર, આવરણને પાત્ર. દુનિયાના ઘણા ઓછા સંબંધ એવા હશે જેમાં બંને વ્યક્તિ સંપૂર્ણ અનાવૃત્ત હોય. આવા સંબંધોને વંદન કરવા પડે. જો કે, દુનિયાના તમામ સંબંધો આવા થઈ શકે નહીં એ શક્ય નથી.

સંબંધમાં બીજી બાબત છે, સતત સંવાદ થતો રહેવો જોઈએ. વાદ કે વિવાદનો સૌથી અક્સીર ઈલાજ સંવાદ જ છે. સંવાદમાં જે તાકાત છે તે બીજા કોઈમાં નથી. દુનિયાનો કોઈપણ વિવાદ સંવાદથી ઉકેલી શકાય છે. એટલે તો, દુનિયાની મોટી મોટી સમસ્યાઓને ઉકેલવા માટે બે રાષ્ટ્રો વચ્ચે કે બે એજન્સીઓ વચ્ચે સતત વાતચીત થતી હોય છે. કોમ્યુનિકેશન મોટી શક્તિ છે. ગેરસમજની ગમે તેવી મડાગાંઠ થઈ હોય તો પણ તેને તમે સંવાદથી ઉકેલી શકો છો. એક જ વાતચીત કે સંવાદમાં ગેરસમજ ઉકલી જાય એવું નથી હોતું. સંવાદ સતત ચાલુ રહેવો જોઈએ. વ્યક્તિનું હૃદય જ્યારે નંદવાયું કે ઘવાયું હોય ત્યારે રાતોરાત ઘા પૂરાતા નથી. વાર લાગે છે. ચામડી પરના ઘા તો ખૂબ ઝડપથી રુઝાઈ જાય છે. પરંતુ હૃદય પરના ઘાને વાર લાગે છે (હાર્ડવેર અને સોફ્ટવેર બંને પ્રકારના હૃદય પરના ઘા જલ્દી રુઝાતા નથી).

જો અવિએ પોતાના મનમાં ઊભી થયેલી મૂંઝવણ અંગે રામેશ્વરી સાથે ચોખવટ કરી લીધી હોત તો પ્રશ્ન પતી ગયો હોત. પરંતુ ચોખવટની આગળ એક સ્ટેશન આવે છે. એ સ્ટેશનનું નામ છે વટ. ચોખવટનો સૌથી મોટો દુશ્મન વટ છે. વટ એટલે અહમ્. વટ એટલે અભિમાન. વટ એટલે ઈગો. સ્ત્રી કરતાં પુરુષોમાં વટ વધારે હોય છે. સ્ત્રીઓ પાસે જીદ હોય છે તો પુરુષો પાસે વટ હોય છે. ઘણીવાર તો એવું લાગે કે પુરુષોના અહમનો બદલો સ્ત્રી જીદ કરીને વાળતી હોય છે.

અવિને એક-બે વાર વિચાર આવેલો કે હું રામેશ્વરી સાથે વાત કરું. પરંતુ વટે તેને વાર્યો. એને થયું કે મારે શા માટે આવી કોઈ ચોખવટ કરવી જોઈએ? એને બીજા પુરુષ સાથે પ્રેમ હોઈ શકે છે. રામેશ્વરી તો મોડર્ન છોકરી છે. આજના જમાનાની આધુનિક યુવતી છે. આજકાલની ઘણી યુવતીઓ એક સાથે ઘણા યુવકો સાથે ફ્લર્ટ કરતી હોય છે. એમને વિકલ્પો જોઈતા હોય છે. બે-ત્રણ વર્ષ એક સાથે બે-ત્રણ કે ચાર છોકરાઓ સાથે ફ્લર્ટ કરીને જે છોકરો સૌથી સારો લાગે તેની સાથે તે બંધાઈ જતી હોય છે. જીવનમાં કોઈની સાથે બંધાતા પહેલાં તે મુક્તિની બરાબર મજા લઈ લેતી હોય છે. બધી છોકરીઓ આવી નથી હોતી. પરંતુ ઘણી છોકરીઓ આવી હોય છે. અવિને લાગ્યું કે, રામેશ્વરીનો તેમાં સમાવેશ થતો હશે.

ગેરસમજ થાય તેનો વાંધો નહીં, એ થોડી ખેંચાય તોય વાંધો નહીં. પરંતુ જો જીવનભર ઉકલ્યા વગરની રહે તો વાંધો. અનેક સંબંધોમાં અનેક ગેરસમજો ઉકલ્યા વગર જ રહી જતી હોય છે. માણસ ઉકલી જાય. પરંતુ ગેરસમજ એવીને એવી જ રહે. આવી સ્થિતિ વસમી છે. ખરેખર તો દુનિયાની દરેક ગેરસમજ સમયસર ઉકલવી જોઈએ. એમાં જ સ્વસ્થ સમાજનું અને તંદુરસ્ત સંબંધોનું અસ્તિત્વ છુપાયેલું છે.

અવિની પિતરાઈ બહેનને લાગ્યું કે, રામેશ્વરી અને અવિ વચ્ચે અંતર ઊભું થયું છે. એ પરિપક્વ હતી. અનુભવી પણ હતી. સંબંધોની ગૂંચવણોના ઘણા જવાબો પરિપક્વતા અને અનુભવ પાસે હોય છે. આ વાત ભૂલવા જેવી નથી. આ કોલમ વાંચતી દરેક વ્યક્તિને લેખક તરીકે મારે વિનંતી કરવાની કે જ્યારે તમારા જીવનમાં કોઈ ગેરસમજરૂપી એરર આવે ત્યારે તમારી નજીકની પરિપક્વ અને અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરજો. સહેજ પણ સંકોચ રાખ્યા વગર તમારું હૃદય ખોલીને વાત કરજો. સમાજમાં હજી પણ આવી પરિપક્વ, અનુભવી, પ્રેમાળ અને પરગજુ વ્યક્તિઓ છે. તમને ચોક્કસ યોગ્ય માર્ગદર્શન મળશે. પહેલાં વ્યાવસાયિક મનોચિકિત્સકો નહોતા ત્યારે આવી વ્યક્તિઓ જ સંબંધોમાં ઊભી થતી મૂંઝવણો અને ગૂંચવણોનો પ્રેમપૂર્વક (અને વિનામૂલ્યે) ઉકેલ લાવી આપતી હતી. સમાજ હજી બરકરાર છે. હજી પણ કેટલીક આવી વ્યક્તિઓ સમાજમાં છે. તેનો લાભ લેવો જોઈએ.

અવિની પિતરાઈ બહેને સૌથી પહેલાં તો અવિ અને રામેશ્વરી સાથે જુદી જુદી વાત કરી. તેને સમજાઈ ગયું કે, એક મોટી ગેરસમજ થઈ છે. ખરેખર હતું એવું કે, રામેશ્વરીના માસીનો દીકરો કેતન ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેના એક મિત્રે તેની સાથે મોટું છળકપટ કર્યું હતું. 35 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને કેતનનું ભવિષ્ય પણ અંધકારમય બની ગયું હતું. બધા ભેગા મળીને કેતનને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માગતા હતા. રામેશ્વરીએ તેમાં સૌથી વધારે મદદ કરી હતી. રામેશ્વરી તે દિવસે હોટેલમાં તેને કાઉન્સિલિંગના ભાગરૂપે જ લઈ ગઈ હતી.

કોઈને પ્રશ્ન થાય કે, આ વાત રામેશ્વરીએ કેમ અવિને ના કરી? રામેશ્વરીને એ જરૂરી ન લાગ્યું. બીજી વાત એ પણ હતી કે, હજી કેતન યુવાન હતો. તેનાં લગ્ન પણ બાકી હતાં. એની ડિપ્રેશનની વાત સમાજમાં ઓછામાં ઓછી બહાર પડે એવું તેમના પરિવારજનો ઈચ્છતા હતા. એક દિવસ અવિની પિતરાઈ બહેને પિકનિકનું આયોજન કર્યું. બધાં ઝાંઝરી નામના પર્યટન સ્થળે ગયાં. પ્રકૃતિની ગોદમાં અને પર્યાવરણની નિશ્રામાં અવિની પિતરાઈ બહેને ગેરસમજની ગાંઠ ઉકેલી નાખી. લગ્ન પછી છેડાછેડીની ગાંઠ ચોક્કસ જગ્યાએ છોડાતી હોય છે. કોઈ પોતાના કુળદેવી પાસે જતા હોય છે તો કોઈ ચોક્કસ મંદિરોમાં જતા હોય છે. છેડાછેડીની ગાંઠની જેમ ગેરસમજની ગાંઠનું પણ મહત્ત્વ છે. એ ગાંઠ છૂટવી જોઈએ. પ્રકૃતિ માતાની હાજરીમાં અવિ અને રામેશ્વરી વચ્ચે સર્જાયેલી મડાગાંઠ ઊકેલવામાં આવી અને એક રળિયામણો સંબંધ નંદવાતાં બચી ગયો.

આ સમગ્ર ચર્ચાનો સાર આટલો જ છેઃ

  • સંબંધોમાં હંમેશાં નિખાલસ રહેવાનો પ્રયાસ કરવો. સંપૂર્ણ નિખાલસ રહેવું શક્ય જ નથી. પરંતુ શક્ય તેટલું નિખાલસ રહેવું અઘરું નથી.
  • સામેની વ્યક્તિની લાગણીને પોતાની લાગણી કરતાં વધારે મહત્ત્વ આપો. સૌથી મોટી તકલીફ એ જ હોય છે કે, દરેક વ્યક્તિને પોતાની લાગણીની વધારે ચિંતા હોય છે. પ્રેમ અને સંબંધમાં ઊંધું કરવું પડે છે. પોતાની લાગણીને સાચવવા માટે સામેના પાત્રની લાગણીને વધારે મહત્ત્વ આપવું પડે છે.
  • બહારથી કહેવાતી વાતો સાંભળશો નહીં. કહેવાતી વાતો ખરેખર તો વહેતી વાતો હોય છે. એમાં સ્થિરતા નથી હોતી. એમાં સત્ય ઓછું હોય છે. એમાં ઘણીવાર તથ્ય નથી હોતું.
  • ઘણીવાર સગી આંખે જોયેલી વાત પણ ખોટી પૂરવાર થતી હોય છે. આવું અનેકવાર બનેલું છે. તેથી, સગી આંખે જોયેલાં દૃશ્યો ઉપર પણ તરત વિશ્વાસ મૂકવો નહીં.
  • ગેરસમજનો એક જ ઉકેલ છે. શક્ય તેટલી ગેરસમજ ઝડપથી દૂર કરવી. જો ગેરસમજને સમયરૂપી ખાતર અને પાણી મળી જાય તો તે પોતાની શક્તિ વધારી દે છે. ગેરસમજને સમય આપવો જ નહીં. જેવી ગેરસમજ થાય કે તરત જ મનમાં ને મનમાં ધારણાઓ બાંધવાને બદલે તેની સ્પષ્ટતા કરી લેવી. ચાણક્યએ કહ્યું છે કે, દુશ્મનને ઊગતો જ ડામવો. એ જ રીતે આપણે કહી શકીએ કે, ગેરસમજને ઊગતી જ ડામવી. જે ઊગે તેને કોઈ ન પૂગે. સંબંધોમાં છોડ ઊગે અને તેના પર પુષ્પો ખીલે એ આવશ્યક છે. ગેરસમજ ઊગે તો પાનખર આવે.

યુવાનોએ સંબંધોને સાચી રીતે માણવા, પ્રમાણવા અને જીવવા હોય તો ગેરસમજથી દૂર રહેવું.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...