• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Relationship And Temperament: By Reducing The Limitations Of Nature, The Relationship Will Be Green And Love Will Grow In The Relationship

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધ અને સ્વભાવઃ સ્વભાવની મર્યાદાઓને ઘટાડીને સંબંધો લીલોછમ રહેશે અને સંબંધમાં પ્રીત પણ વધશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક બહેનનો પ્રશ્ન છેઃ મારો સ્વભાવ મને સતત નડે છે. મારા હૃદય કે મનમાં કોઈના માટે ખોટી ભાવના નથી હોતી, પણ મારા સ્વભાવને કારણે મને તકલીફ પડે છે. મારા દરેક સંબધો મારા સ્વભાવને કારણે બગડી જાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા હું શું કરું? આ બહેન જેવો જ પ્રશ્ન અનેક લોકોને હોય છે. સ્વભાવને કારણે બગડતા સંબંધોને કેવી રીતે સુધારવા? તેની મૂંઝવણ અને ગૂંચવણ અનેક લોકોની હોય છે.

ગુજરાતીમાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ શબ્દના ઘણા અર્થ છે. સૌથી પ્રચલિત અર્થ છે કુદરત. વન-વનસ્પતિ, પ્રાણીઓ, પહાડો, મહાસાગરો, નદીઓ આ બધું પ્રકૃતિ છે. પ્રકૃતિનો બીજો એક અર્થ છે સ્વભાવ. વ્યક્તિના સ્વભાવ માટે પ્રકૃતિ શબ્દ વપરાય છે. એવું કહેવાય છે કે વ્યક્તિનો સ્વભાવ જન્મગત હોય છે. એ સતત જળવાયેલો રહે છે. તેમાં પરિવર્તન ખૂબ અઘરું હોય છે. એ સ્વભાવ સારો પણ હોય અને નરસો પણ હોય. જ્યાં સુધી મનુષ્ય દેહમાં પ્રાણ રહે છે ત્યાં સુધી તેની પ્રકૃતિ યથાવત્ રહે છે એવું ડહાપણ કહે છે. એવું અનુભવીઓ પણ કહે છે. એવું કહેવત કહે છે. કહેવતોમાં લાંબા સમયનું ડહાપણ ભરેલું હોય છે.

વ્યક્તિનો સ્વભાવ તેના દરેક સંબંધને અસર કરતો હોય છે. જો એ સંબંધ અત્યંત નિકટનો હોય તો સૌથી વધારે અસર કરતો હોય છે. પતિ અને પત્નીનો સંબંધ સૌથી નજીકનો સંબંધ ગણાય. આમ તો વ્યક્તિ આખી જિંદગી અનેક લોકો સાથે જુદા જુદા સંબંધોની રુએ જીવન જીવતો હોય છે. અલબત્ત, તેમાં પતિ-પત્ની સૌથી વધારે લાંબો સમય સાથે રહેતાં હોય છે. લાંબો સમય અને સતત સાથે રહેવાનું પતિ-પત્નીના સંબંધમાં બનતું હોય છે.

આવી સ્થિતિમાં જો પતિ-પત્નીનો સ્વભાવ એકબીજાને પ્રતિકૂળ હોય તો લગ્નજીવન સતત ડહોળાયેલું રહે છે. સ્વભાવ એ કુદરતી ઘટના છે એવું માનનારા ઘણા લોકો છે. ઘણા લોકો પોતાના નબળા કે મર્યાદાવાળા સ્વભાવ વિશે નફ્ફટ થઈને એ‌‌વું કહેતા હોય છે કે મારો કોઈ વાંક નથી, મારો સ્વભાવ જ એવો છે. પોતાના સ્વભાવ વિશે, તેની ખરાબીઓ અને મર્યાદાઓ વિશે નિખાલસ કબૂલાત કરવી તેને માત્ર નિખાલસતા ગણવી કે નફ્ફટાઈ માનવી એ ચર્ચાનો વિષય છે. એ વાત સ્વીકારીએ કે સ્વભાવ નબળો હોય, પરંતુ જો તેને કારણે કોઈ સંબંધ ઉપર અસર પડતી હોય, એ સ્વભાવને કારણે કોઈને મુશ્કેલી પડતી હોય, કોઈને સહન કરવું પડતું હોય તો જેનો એવો સ્વભાવ હોય તેણે વિચાર કરવો જોઈએ.

સ્ત્રી હોય કે પુરુષ, પતિ હોય કે પત્ની, દરેકનો સ્વભાવ જુદો જુદો હોય છે. જેમ કુદરતે એક જેવો શરીરનો આકાર કોઈનો બનાવ્યો નથી, અદ્દલ એ જ રીતે એક જેવું મન કોઈને આપ્યું નથી. દરેકની પ્રકૃતિ એકદમ જુદી-જુદી હોય છે. સ્ત્રીનો સ્વભાવ સારો હોય અને પુરુષનો સ્વભાવ નબળો હોય એવું સરેરાશ રીતે કહી શકાતું નથી. સ્ત્રીઓ કજિયાળી હોય, કર્કશ હોય એવું જનરલ રીતે કહી ન શકાય. એ સાચું હોતું નથી. એ જ રીતે પુરુષો કાયમ અભિમાની અને હુકમ કરનારા જ હોય છે એવું પણ ન કહી શકાય.

સ્ત્રી હોય કે પુરુષ દરેકના સ્વભાવની વિશેષતા હોય તેમ તેની મર્યાદા પણ હોય. જેમ કે, અમદાવાદમાં ઘણાં વર્ષોથી અખિલ ભારતીય પત્ની અત્યાચાર સમિતિ ચાલે છે. દશરથ દેવડા તેના સ્થાપક છે. આ સંસ્થાના સભ્યો 20 હજારથી વધારે છે. તેના સભ્યો દુઃખી પતિઓ કહેવાય છે. આ બધા એવા પતિઓ છે જેઓ પોતાની પત્નીઓના એક યા બીજા પ્રકારના અત્યાચારોથી પીડિત થયેલા છે. સમાજનું આ પણ એક ચિત્ર છે. આપણે એ કબૂલ કરીએ કે સદીઓથી પુરુષપ્રધાન ભારત દેશમાં સ્ત્રીઓનું શોષણ થતું રહ્યું છે, તેના પર અત્યાચાર થતા રહ્યા છે. સ્ત્રીઓએ ખૂબ વેઠ્યું છે, સ્ત્રીઓએ ખૂબ સહન કર્યું છે. આ બધું સ્વીકારીને એવું પણ કહેવું પડે કે સામેની બાજુ પણ ઘણીવાર જુદું ચિત્ર હોય છે. ઘણી સ્ત્રીઓ પણ માથાભારે હોય છે. ઘણી સ્ત્રીઓ પણ શોષણ કરનારી હોય છે. ઘણી પત્નીઓ પણ અત્યાચાર કરનારી હોય છે. ટૂંકમાં કોઈપણ સ્થિતિને, કોઈપણ વર્ગને, કોઈપણ જૂથને આપણે કોઈ એક જ વાડા કે વૃંદમાં રાખી ન શકીએ. દરેકની પોતપોતાની રીત અને પ્રીત હોય છે.

વ્યક્તિનો સ્વભાવ તેના સંબંધો ઉપર મોટી અસર કરતો હોય છે. કેટલીક સ્ત્રીઓ ખૂબ જ પ્રેમાળ હોય. પરંતુ તેનો સ્વભાવ ઈર્ષાખોર હોય. એ સતત ઈર્ષા કરતી હોય. આવી સ્થિતિમાં સંબંધો ઉપર મોટી અસર થતી હોય છે. સ્વભાવની મર્યાદા સંબંધોની રળિયામણી બાજુઓને સતત ખરડતી રહે છે. પૈસે ટકે કોઈ પ્રશ્ન ન હોય, ઘરના સભ્યો બધી રીતે વ્યવસ્થિત હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય. પરંતુ ઘરની કોઈ મુખ્ય વ્યક્તિનો સ્વભાવ નડતો હોય. એ સ્વભાવને કારણે ઘરના તમામ સભ્યો વારંવાર એકબીજાથી અંતર અનુભવતા હોય. આવું બને છે. તમે આજુબાજુ નજર કરશો તો તમને આવું વારંવાર દેખાશે.

સંબંધોનો પ્રદેશ જીવન જીવવા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રદેશ છે. સંબંધો જેટલા મીઠા અને મધુરા એટલું જ જીવન હરિયાળું. જ્યારે સંબંધો ડહોળાય છે ત્યારે જીવન ડહોળાય છે. સ્વભાવગત મર્યાદાઓ સંબંધોને વારંવાર ડહોળે છે. કોઈની પર શંકા કરવી, કોઈની અદેખાઈ કરવી, સરખામણી કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે સતત અભાવ રાખવો. આ પ્રકારનો સ્વભાવ સંબંધોને વારંવાર ઠોકર મારે છે. વ્યક્તિએ આ પ્રકારની વૃત્તિથી બચવું જોઈએ.

અમદાવાદમાં રહેતા મિલિંદભાઈ સમાજમાં ઘણી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમનું મોટું નામ છે. અલબત્ત, તેમનો વ્યક્તિગત સ્વભાવ મર્યાદાવાળો છે. તેમનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો છે. તેમને વારંવાર ક્રોધ આવી જાય છે. બહાર તેઓ ડાહ્યા અને ડમરા હોય છે. પરંતુ ઘરમાં તેઓ દુર્વાસા ઋષિ થઈ જાય છે. નાની-નાની વાતમાં તેઓ ગુસ્સો કરે છે. કોઈનાથી એક નાની ભૂલ થઈ ગઈ હોય તો પણ તેઓ સહન કરી શકતા નથી. તેમના આ સ્વભાવને કારણે ઘરના તમામ લોકો ખૂબ જ ભયભીત રહે છે. બીજી બધી રીતે મિલિંદભાઈ યોગ્ય વ્યક્તિ છે. તેઓ જવાબદાર પતિ છે, તેઓ ઉત્તમ પિતા છે. જો કે, ગુસ્સાવાળો સ્વભાવ તેમને બધાથી છેટા રાખે છે. તેમનાં પત્નીને અંદરથી વારંવાર એવું થાય છે કે, હું મારા પતિથી બને એટલી દૂર રહું. મિલિંદભાઈ ઘરે આવે છે ત્યારે તેમનાં સંતાનો બહાર છટકી જવાનો પ્રયત્ન કરે છે. એક જ કારણ કે પિતાજીનું મગજ ગમે ત્યારે જશે. આનો ઉકેલ શું?

આનો ઉકેલ એક જ છે. મિલિંદભાઈએ પોતાના સ્વભાવ વિશે ગંભીરતાથી વિચાર કરીને તેમાં સુધારો કરવો જ જોઈએ. ગુસ્સાવાળો સ્વભાવ તેમના આરોગ્યને પણ નુકસાન કરે. તેમને હાઈ બીપી તો આવી જ ગયું છે. ઘણીવાર હાઈ બીપીવાળી વ્યક્તિઓ ખૂબ ગુસ્સો કરે ત્યારે તેમને એટેક આવી જતો હોય છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ નિરંજન ભગતે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં કોઈ બાબતે ખૂબ ગુસ્સો કર્યો હતો. પછી તેમને એટેક આવી ગયો હતો. એ પછી આપણે આ મહાકવિને ગુમાવ્યા હતા.

ઘણી પત્નીઓનો સ્વભાવ પણ કર્કશ હોય છે. તેઓ નાની નાની બાબતમાં સતત કંકાસ કર્યા કરે છે. જે પતિને આવી કજિયાળી અને કંકાસી પત્ની મળી હોય તે પતિ અંદરથી ખૂબ દુઃખી દુઃખી હોય છે. ઓફિસ કે દુકાનથી આવેલો પતિ એવું વિચારતો હોય છે કે ઘરે જઈને શાંતિથી બેસીશ. રાહતનો શ્વાસ લઈશ. જો કે, તેના નસીબમાં એવું હોતું નથી. તેની કજિયાળી પત્ની નાની-નાની બાબતોમાં ઝગડા કર્યા કરે છે. આવો પતિ બહાર પ્રેમ શોધતો થઈ જાય તો તેમાં નવાઈ નથી.

સ્ત્રીઓને ઘરમાં પ્રેમ નથી મળતો હોતો. તેથી સ્ત્રીઓ બહાર કોઈ થોડો પ્રેમ આપે તો ઢળી જતી હોય એવું બને છે. આ વાત સાચી છે. એ જ રીતે ઊંધું પણ બનતું હોય છે. ઘણી સ્ત્રીઓ પોતાના પતિને પ્રેમ નથી આપતી, ઘરકામમાં જ સતત વ્યસ્ત રહ્યા કરે છે. તેથી પતિદેવો બહાર ફાંફા મારે છે. પતિ અને પત્ની બંનેએ આ સ્થિતિમાં પોતાની જાતને બદલવી જોઈએ. અમદાવાદનો એક કિસ્સો એવો છે કે, એક પતિ પોતાના ઘરે ગર્લફ્રેન્ડને બોલાવીને તેની સાથે સમય ગાળતો હતો. તેની પત્નીને ખબર પડી. તેણે પિયરિયાંઓની મદદથી પોતાના પતિને પકડાવ્યો. પતિની ભૂલ હતી. મોટી ભૂલ હતી. તેણે લગ્નેતર સંબંધ બાંધ્યો હતો. આ ન ચલાવી લેવાય. હવે તેનું કારણ જુઓ. કારણ એ હતું કે, એ પતિ મહાશયનાં પત્ની અત્યંત ધાર્મિક પ્રકૃતિનાં હતાં. (જુઓ, અહીં આવીને વાત પ્રકૃતિ એટલે કે સ્વભાવની) તે આખો દિવસ ધર્મ અને પૂજાપાઠ પાછળ જ મોટાભાગનો સમય પસાર કરતાં. ઘરમાં તો બે-ત્રણ કલાક પૂજાપાઠ કરે જ. પરંતુ આખો દિવસ મંદિરમાં પણ જાય. ખરેખર બન્યું એવું હતું કે પતિ હજી ઘરડો નહોતો થયો. હજી તેને પત્નીનું સુખ જોઈતું હતું. પત્નીજી તો ધર્મમાં વ્યસ્ત હતાં. આવી સ્થિતિમાં પતિએ બીજો રસ્તો શોધ્યો. એ રસ્તો તો ખોટો જ હતો. પરંતુ તેની પાછળ લાચારી હતી. તેની પાછળ ચોક્કસ કારણ હતું.

મૂળ વાત એટલી જ છે કે, સંબંધો સાચવવામાં દરેક વ્યક્તિએ સામેની બાજુ જોવાને બદલે પોતાની બાજુ જોવું જોઈએ. કોઈપણ સંબંધમાં એરર શા માટે આવે છે તેની તપાસ કરતી વખતે સામેની બાજુ કે આજુબાજુ જોવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ. કોઈપણ સંબંધમાં વિક્ષેપ પડતો હોય છે તેના કારણોમાં બંને પક્ષની સહિયારી જવાબદારી હોય છે. તાળી એક હાથે વાગતી હોતી નથી. બંને પક્ષોની એક યા બીજા પ્રકારની ભૂલ અથવા ચૂકને કારણે સંબંધોનાં નીર ડહોળાતાં હોય છે.

એક સૂક્ષ્મ મુદ્દો એ પણ મહત્ત્વનો છે કે, સામેની વ્યક્તિની ભૂલ, ચૂક કે મર્યાદાને એક પક્ષ સાચવી શકતો હોય છે. સંબંધોની એ જ મોટી વિશેષતા છે. સંબંધોમાં બે પક્ષ હોવાને કારણે જ્યારે કોઈ એક પક્ષ ભૂલ કરે ત્યારે બીજો પક્ષ તેને સાચવી શકે છે અને એ રીતે સંબંધોની પ્રસન્નતા બરકરાર રહી શકે છે. કોઈ બે બેટ્સમેનો બેટિંગ કરતા હોય ત્યારે એક બેટ્સમેન ફોમમાં ન હોય તો બીજો સામો છેડો સાચવી લે એવું બને. સંબંધોમાં પણ આવું બનતું હોય છે. સંબંધોમાં એકબીજાના પૂરક બનીને એકબીજાની મર્યાદાઓને સાચવી શકાતી હોય છે. તમે જોજો, ઘણાં પતિ-પત્ની આવું કરી લેતાં હોય છે.

સ્વભાવ સુધારી શકાય? હા, ચોક્કસ સુધારી શકાય. સ્વભાવને ધારો કે ધરમૂળથી ન બદલી શકાય. પરંતુ તેમાં મહત્તમ ફેરફાર ચોક્કસ કરી શકાય છે. અનેક લોકો પ્રયત્ન કરીને પોતાનો સ્વભાવ બદલે છે. યોગાચાર્ય સ્વામી અધ્યાત્મનંદજી પાસેથી સાંભળેલી એક વાત કહું. એક બહેનનો સ્વભાવ ખૂબ જ કજિયાળો હતો. તેમને દરેક વ્યક્તિમાં અવગુણ દેખાતો. તેમના જીવનમાં તેમણે અનેક લોકોને ખૂબ હેરાન કરેલા. ગુસ્સો કરેલો. ના બોલવાનું બોલેલાં. આ બહેન યોગ શીખ્યાં. ધીમે-ધીમે યોગે તેમના મન ઉપર મોટી અસર કરી. તેમને સમજાયું કે, મારો સ્વભાવ કેટલો મર્યાદાવાળો અને વિચિત્ર હતો. તેઓ ખૂબ શાંત થયા. ધીમે-ધીમે તેમનો ગુસ્સો જતો રહ્યો. એ પછી તેમણે પોતાના જીવનમાં જેને જેને દુઃખી કર્યાં હતાં તે તમામનો સામેથી સંપર્ક કરીને ખરા દિલથી માફી માગી.

જો વ્યક્તિ સાચા દિલથી નક્કી કરે કે મારે સ્વભાવ બદલવો છે તો ચોક્કસ તેમાં સફળતા મળે છે. કલા તેમાં મોટી મદદ કરે છે. એ કલા, અભિનય, લેખન, ગીત-સંગીત, નૃત્ય, ફોટોગ્રાફી કે અન્ય કોઈ હોઈ શકે છે. કલામાં મોટી તાકાત છે. તેનામાં પ્રચંડ શક્તિ હોય છે. જ્યારે વ્યક્તિ કલાના શરણે જાય ત્યારે બદલાઈ જાય છે. કલા માણસને બદલી નાખે છે. કોઈપણ કલા માણસના હૃદયમાં સંવેદનશીલતા ભરે છે. સંવેદનશીલ વ્યક્તિ બીજાને હેરાન નથી કરી શકતી. જે વ્યક્તિએ પોતાનો સ્વભાવ બદલવો હોય તેણે કલાના શરણે જવું પડે.

સ્વભાવ બદલવાનો બીજો રસ્તો છે સેવા કરો. સેવામાં ખૂબ તાકાત છે. નિઃસ્વાર્થભાવે કરેલી સેવા વ્યક્તિને બદલી નાખે છે. પ્રકૃતિ બદલવાનો ત્રીજો રસ્તો છે યોગ અને પ્રાણાયામ. નિયમિત રીતે યોગ કરવાથી પણ મન શાંત થાય છે અને વ્યક્તિની પ્રકૃતિ બદલાય છે. સંબંધોને સતત લીલાછમ રાખવા માટે વ્યક્તિએ પરગજુ, શાંત, પ્રેમાળ અને આનંદથી ભરેલો સ્વભાવ રાખવો જોઈએ.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)