• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Recognize The Opportunity That Is Knocking At Your Door And Hurry Up ... If You Keep Thinking, The Opportunity Will Slip Out Of Your Hands And You Will Later Regret It.

સુખનું સરનામું:તમારા દ્વારે ટકોરા મારતી તક ઓળખો અને ઝડપો... વિચારવા રહેશો તો હાથમાંથી તક છટકી જશે અને પાછળથી પસ્તાવો થશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક વખત ચોમાસાની મોસમમાં અતિવરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવ્યું. ડેમોમાં પણ એક સામટી પાણીની આવક થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને નીચાણવાળા તમામ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં. પુરનાં પાણી એક ગામમાં ઘુસ્યા અને ગામ લોકો પોતાનો જીવ બચાવવા ગામ છોડીને સલામત સ્થળે જવા રવાના થયા. ગામથી થોડે દૂર એક શિવજીનું મંદિર આવેલું હતું. એક યુવક પુરનાં પાણી ખૂંદતો ખૂંદતો મંદિરે પહોંચ્યો અને મંદિરના પુજારીને કહ્યું, 'પુજારીજી પુરનાં પાણી ગામમાં ઘુસી ગયાં છે અને હવે આ મંદિરમાં પણ પાણી ભરાવાનાં શરૂ થયા છે. ગામના બધા જ લોકો સલામત સ્થળે જતા રહ્યા છે. આખું ગામ ખાલી થઇ ગયું છે. હવે તમે એક જ બાકી રહ્યા છો. હું તમને લેવા આવ્યો છું. તમે મારી સાથે ચાલો.'

પુજારીજીએ યુવકને કહ્યું, 'હું તમારા બધા જેવો નાસ્તિક નથી. મને મારા પ્રભુમાં પૂરી શ્રદ્ધા છે અને એ મને બચાવવા માટે ચોક્કસ આવશે. મેં વર્ષો સુધી ભગવાનની સેવા-પૂજા કરી છે એટલે મને મારા ભગવાન પર ભરોસો છે કે એ મને કંઈ નહીં થવા દે. તું અહીંયા આવ્યો એ માટે તારો આભાર પણ મારે તમારી મદદની કોઇ જરૂર નથી. ખુદ ભગવાન મારી સાથે હોય પછી મને શું ચિંતા?' યુવાને પુજારીજીને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી સાથે આવવા માટે બહુ વિનંતી કરી પણ પુજારી એકના બે ન થયા. યુવાન તો કંટાળીને જતો રહ્યો. થોડા સમયમાં નદીનું પાણી મંદિરમાં આવી ગયું અને કેડ સુધી પહોંચી ગયું. પુજારીજી મંદિરના ઓટલા પર ચઢી ગયા. થોડીવાર પછી ત્યાં એક સૈનિક હોડી લઇને આવ્યો અને પુજારીજીને હોડીમાં આવી જવા માટે વિનંતી કરી. પુજારીજીએ હોડીમાં બેસવાની પણ ના પાડી અને યુવાનને આપ્યો હતો એવો જ જવાબ સૈનિકને પણ આપ્યો. સૈનિકે પણ પુજારીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ પુજારીએ સાથે આવવાની ચોખ્ખી ના પાડી દીધી. સૈનિક પણ કંટાળીને જતો રહ્યો.

સૈનિકના ગયા પછી પાણીની આવક વધી અને ધીમે-ધીમે કરતાં પાણી મંદિરની છત સુધી આવી ગયું. પુજારીજી પાણીથી બચવા માટે મંદિરના શિખર પર ચઢી ગયા. આજુબાજુનો બધો જ વિસ્તાર જળબંબાકાર હતો. ક્યાંય કોઇ માણસ દેખાતું નહોતું. પુજારીજીએ એક હેલિકોપ્ટરને પોતાના તરફ આવતું જોયું. થોડીવારમાં હેલિકોપ્ટર મંદિર પાસે આવી ગયું. હેલિકોપ્ટરમાંથી એક દોરડાની સીડી નીચે ફેંકવામાં આવી. જેથી, પુજારીજી દોરડું પકડીને ઉપર આવી શકે, પણ પુજારીજીએ દોરડું ન પકડ્યું. હેલિકોપ્ટરમાંથી માઇક દ્વારા પુજારીજીને દોરડું પકડવા માટે વારંવાર વિનંતી કરી. પણ પુજારીજીએ સામે પણ ન જોયું. અંતે કંટાળીને હેલિકોપ્ટર પણ ત્યાંથી જતું રહ્યું. પાણી સતત વધી રહ્યું હતું. છેવટે પાણી મંદિરના શિખર સુધી પહોંચી ગયુ. પુજારી ડુબી ગયા અને મૃત્યુ પામ્યા.

મૃત્યુ બાદ પુજારીજી જેવા સ્વર્ગમાં દાખલ થયા કે તરંત જ ઉપર જ રાડારાડી શરૂ કરી. ‘ભગવાન ક્યાં છે બોલાવો એમને મારે ફરિયાદ કરવી છે. મને ભગવાન પર જે વિશ્વાસ હતો એ તુટીને ચકનાચૂર થઇ ગયો છે.’ ભગવાનના દુતોએ પુજારીને શાંત રહેવા કહ્યું પણ એમનો બબડાટ ચાલુ જ રહ્યો. પુજારીજીને હવે ભગવાન સામે લાવવામાં આવ્યા એટલે એણે ભગવાનને ફરિયાદ કરી. 'હું દિવસ રાત તમારી સેવા પુજા કરતો હતો. મારું ધ્યાન રાખવાની તમારી ફરજ છે કે નહીં એ કહો મને?' ભગવાને એમને શાંત પાડતા કહ્યું, 'હા, બિલકુલ. તારું ધ્યાન રાખવાની મારી ફરજ છે જ.' પુજારીએ કહ્યું, 'પ્રભુ, મને તમારા પર કેટલો વિશ્વાસ હતો કે તમે મને પુરથી બચાવવા માટે આવશો જ પણ તમે મને બચાવવા કેમ ન આવ્યા?’ ભગવાને હસતાં હસતાં કહ્યું, 'અરે પાગલ, તું તકલીફમાં હોય અને હું પગ વાળીને કેવી રીતે બેસી શકું? હું એક વાર નહીં ત્રણવાર તને બચાવવા માટે આવ્યો હતો. પ્રથમ વખત ગામનો યુવાન બનીને આવ્યો અને તને સાથે આવવા માટે બહુ સમજાવ્યું, બીજીવાર સૈનિક બનીને હોડી લઇને ખાસ તારા માટે જ આવ્યો અને ત્રીજીવાર હેલિકોપ્ટર લઇને આવ્યો. તને બચાવવા માટે હું વારંવાર તારી પાસે આવ્યો પણ તું મને ઓળખી જ ન શક્યો તો એમાં મારો શું વાંક?'

પરમાત્મા ઘણીવખત કોઇને કોઇ માધ્યમ દ્વારા આપણને જીવનમાં આગળ વધવા માટેની તક આપતા હોય છે પણ આપણે આ તકને ઓળખી શકતા નથી. કેટલાક લોકો જીવનમાં આવતી આવી તક ઓળખીને ઝડપી લે છે અને પરિણામે આપણાથી ઘણા આગળ નીકળી જાય છે. વિવિધ ક્ષેત્રમાં ટોચ પર બિરાજતી જુદી જુદી વ્યકતિઓના જીવનનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે આમાંથી મોટાભાગની વ્યકતિની સફળતાનું કારણ એમણે યોગ્ય સમયે ઝડપી લીધેલી તક જ હશે. કોઈ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઇને આપણે ઘણીવાર એમ કહેતા હોઇએ છીએ કે આ ભાઇ આજે જે કામ કરીને લાખો-કરોડો કમાય છે એ કામ હાથ પર લેવાનો વિચાર મને ઘણા સમય પહેલા આવ્યો હતો. આપણી અને એમની વચ્ચે ફેર એ પડ્યો કે એણે તક વધાવી લીધી અને આપણે માત્ર વિચારમાં જ સમય પસાર કર્યો. પછી પાછળથી ભગવાનનો વાંક કાઢીએ કે મને ભગવાને યોગ્ય તક આપી જ નહીં.

હું મારી પોતાની જ વાત કરું તો આજે હું જાહેરમાં બોલતા અચકાતો નથી. સામે ગમે એટલા માણસો બેઠા હોય તો પણ બોલી શકું છું. પ્રવચન સાથે લેખનમાં પણ પા-પા પગલી શરૂ કરી છે એનું કારણ એ જ છે કે મને મળેલી તક ઝડપવાનો નાનો એવો પ્રયાસ કર્યો. નાનપણમાં પ્રવચન કરવાની બહુ ઇચ્છા થતી. BPS સંસ્થાના બાળસંસ્કાર કેન્દ્રમાં જતો અને જ્યારે સભાસંચાલક બોલવાની તક આપે કે બધા ઊભા થઇને બોલવા લાગે. ઘણીવાર બોલવામાં તકલીફ પડે કે પછી બરાબર બોલાયું ન હોય એટલે અપમાન પણ થાય. પરંતુ બોલવાની એક પણ તક જતી કરી નહીં અને પરિણામે આજે બોલતા આવડી ગયું. મારી સાથે જ બાલસંસ્કાર કેન્દ્રમાં આવતા બીજા કેટલાય બાળકો મારા કરતાં પણ ઘણું સારું બોલતા પણ એમની ક્ષમતાઓ એમ જ દબાયેલી પડી રહી કારણ કે, જ્યારે એમને ઊભા થઇને બોલવાની તક મળી ત્યારે એ ઊભા થયા જ નહીં. લગભગ દરેકના જીવનમાં આવું જ બનતું હોય છે. જે તકને ઝડપે છે તે આગળ નીકળી જાય છે અને જે માત્ર વિચારતા રહે છે એમના હાથમાંથી ખુદ તક પોતે જ નીકળી જાય છે.

આપણા જીવનમાં આવતી તક કોઇ જાતની ઓળખાણ વગર સાવ અજાણી બનીને આવે છે એટલે આપણે એને ઓળખી શકતા નથી અને પછી મને આગળ વધવા માટેની કોઇ તક મળતી જ નથી એવી ફરિયાદો કર્યા કરીએ છીએ. તકને ઓળખીને ઝડપી લેતા આવડી જાય તો સામાન્યમાંથી અસામાન્ય બનતા બહુ વધુ સમય ન લાગે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...