પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકના પ્રયત્ન અને અથાગ મહેનતને ઓળખી તેને ઇનામ આપો... આત્મવિશ્વાસ વધશે તો જ બાળક સફળ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ ઘણા વાલીઓ કમ્પ્લેન કરે છે કે બાળકો કઈ રીતે બધી વસ્તુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે અને આળસુ બની જાય છે. એક માતાએ શૅર કર્યું કે, 'મને એવું લાગે છે કે આ આખી પેઢી આળસુ થઇ ગઈ છે. મારો દીકરો જે અત્યાર સુધી ભણવામાં હોંશિયાર હતો અને બધા વિષયમાં પ્રાઈમરી સુધી A ગ્રેડ લાવતો હતો, તે હવે ભણવામાં પાછો પડી રહ્યો છે.' શું હકીકતમાં આ પેઢીમાં કોઈ પ્રોબ્લેમ છે? શું આ પેઢીનાં બાળકો જેમ-જેમ મોટાં થાય છે તેમ-તેમ આળસુ બનતાં જાય છે?

જરૂરી નથી! વાલીઓ અને શિક્ષકો મોટાભાગે 'પર્ફોર્મન્સ' ઉપર ફોકસ કરતા હોય છે. એટલે કે પ્રત્યક્ષ પરિણામો ઉપર જેમ કે, એમના માર્ક્સ, મેચમાં કરેલો ગોલ કે પછી જીતેલાં ઇનામ અને આ કરવામાં તેઓ અજાણતાં જ બાળકના પ્રયત્નની અવગણના કરી જાય છે. બાળકના પ્રયત્નની પ્રશંસા કેવી રીતે કરવી? નવયુગના પોઝિટિવ પેરન્ટિંગ હેઠળ બાળકની સિદ્ધિઓ માટે તેના ખૂબ વખાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે વાલી અથવા શિક્ષક પણ બાળકને આવું કહેશે...

  • કેટલું સરસ પેન્ટિંગ છે!
  • બાસ્કેટ બોલ સરસ રમ્યો!
  • મને તારા ઉપર અભિમાન છે કે તે 80% મેળવ્યા, ખૂબ સરસ! વગેરે

પ્રશંસાની બાળક ઉપર શું અસર થાય છે? સંશોધન એવું કહે છે કે ફક્ત બાળકનાં વખાણ કરવા એ તેના ઉપર એક નકારાત્મક અસર છોડે છે. હકીકતમાં આના લીધે બાળક પર્ફોર્મ કરવા માટે પ્રેશરમાં આવી જાય છે અને આગળ જઈને તે નિષ્ફળતાના ડરથી નિષ્ક્રિય થઇ જાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક કેરોલ ડવેકે આ વિષય ઉપર ઘણું સ્ટડી કર્યું છે અને એમના પ્રમાણે પરિણામ કરતાં પ્રયત્નની પ્રશંસા કરવી વધારે સારી છે. એટલે આના સંદર્ભમાં વાલીઓ અને શિક્ષકોએ બાળકને આ કહેવું જોઈએ...

  • તે આ સુંદર કલર બનાવવામાં જાણે તારું હૃદય પરોવી દીધું છે! મને એ બહુ ગમ્યું!
  • આજે તે બાસ્કેટ બૉલની રમતને તારો સર્વોત્તમ પ્રયાસ આપ્યો છે! મને તે ખૂબ જ પ્રેરણાદાયક લાગ્યું!
  • તે કલાસમાં 80% મેળવવા માટે ઘણી મેહનત કરી. મને એ વાતનો ગર્વ છે!

ફિક્સ્ડ માઈન્ડસેટ (જડ માનસિકતા) અને ગ્રોથ માઈન્ડસેટ (વિકસેલી માનસિકતા)
ટૂંકમાં તમારે બાળક થકી કરેલા પ્રયત્નને ઓળખી તે પ્રયત્નને ઇનામ આપવું જોઈએ. ડવેક આને 'ફિક્સ્ડ માઈન્ડસેટ' (જડ માનસિકતા) બનામ 'ગ્રોથ માઈન્ડસેટ' (વિકસેલી માનસિકતા) કહે છે. બાળકો પાસે અવનવી ક્ષમતાઓ અને જન્મજાત ભેટ છે પણ ફક્ત તે ભેટના વખાણ કરવા જેને તે ફિક્સ્ડ માઈન્ડસેટ કહે છે તે બાળકના આત્મવિશ્વાસને વધવા નથી દેતો. ઊલ્ટાનું તે બાળક ઉપર કોઈપણ ભોગે સફળ થવા માટે પ્રેશર નાખે છે અને જ્યારે બાળક સફળ નથી થતું ત્યારે તેનો આત્મવિશ્વાસ તૂટી જાય છે.

અહીં જે વસ્તુ સ્વીકારવાની છે તે છે બાળકના અથાગ પ્રયત્નો અને તેની મહેનત...આ છે ગ્રોથ માઈન્ડસેટની નિશાની. પોતાના સર્વોત્તમ પ્રયાસો આપ્યા પછી પણ દર વખતે બાળક સફળતા નથી મેળવી શકતું. આના માટે તેની ઓછી મેહનત જવાબદાર નથી પણ બીજાં ઘણાં બાહ્ય પરિબળો પણ હોઈ શકે છે. એટલે જ ગ્રોથ માઈન્ડસેટ બાળકની મેહનત ઉપર ફોકસ કરે છે. જેથી, તે હારીને કોઈ વસ્તુ વચ્ચેથી છોડી ના દે.

વૈજ્ઞાનિકો અને શોધકો પણ પહેલા તબક્કે સફળ નથી થતા! સ્કૂલની ચોપડીઓમાં પણ આપણે વૈજ્ઞાનિકો અને શોધકોની સિદ્ધિઓ વિશે તથ્યો કહીએ છીએ. એમાં આપણે ઉલ્લેખ કરીએ છીએ - થોમસ એડિસન અને રાઈટ ભાઈઓની શોધ અને રામાનુજનની પ્રતિભાની વાતો વાંચીએ છીએ, પણ જવલ્લે જ આપણે વાંચીએ છીએ કે, એમના અથાગ પ્રયત્નો, નિષ્ફળતાઓ અને કઈ રીતે તેઓએ સતત મહેનત કરવાની ચાલુ રાખી. એડિસનની પહેલી શોધ - ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર એક કમર્શિયલ નિષ્ફળતા હતું છતાંય તેના લીધે તે અટકીને ના રહી ગયા. રાઈટ ભાઈઓએ ઘણાં વિઘ્નો અને નિષ્ફળતાઓનો સામનો કર્યો છતાંય તેમણે શોધ કરવાની, સર્જન કરવાનું અને પ્રયોગ કરવાનું ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી તેઓ પોતાના ગ્લાઈડરને વ્યવસ્થિત રીતે ઉડાડી ના શક્યા. આપણા ભારતના ગણિતશાસ્ત્રી રામાનુજન ફક્ત પોતાની પ્રતિભાથી જ આગળ નહોતા આવ્યા, પણ આમાં એમની અથાગ મેહનત અને બ્રિટિશ વિદ્વાનોને ગણિતની પદ્ધતિ સાબિત કરવાની લગન પણ સામેલ હતી.

સ્કૂલના રિપોર્ટ કાર્ડમાં બાળકના પરિણામ જ નહીં પણ પ્રયત્નની પ્રશંસા પણ થવી જોઈએ. સામાન્ય રીતે આપણી સ્કૂલના રિપોર્ટ કાર્ડ પણ આંકડાઓ થકી પરિણામોનો જ ઉલ્લેખ કરે છે. જો કલાસમાં એવું કોઈ બાળક હોય જે શરૂઆતમાં ફક્ત એક જ પેરાગ્રાફ સરસ રીતે લખી શકતું હતું પણ હવે મેહનત કરીને તે બે પાનાં લખી શકે છે તો આ બાળક ચોક્કસપણે પ્રશંસાનો હકદાર છે પણ કમનસીબે રિપોર્ટ કાર્ડમાં કોઈના અથાગ પ્રયત્નોનું ઉલ્લેખ કરતું કોઈપણ ખાનું નથી હોતું! એટલે આનો રસ્તો એ છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા આખા ક્લાસ સામે અને રિપોર્ટ કાર્ડમાં પણ કરવી જોઈએ. સાચું કહું તો આપણે આપણાં બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેઓ પોતાના વિકાસના દરેક પગલાંને એટલે કે એમના પ્રયત્નો, નિષ્ફળતાઓ, ભૂલો અને સફળતાઓને રેકોર્ડ (નોંધણી) કરે.

તો એક વાલી તરીકે તમારે શું કરવું જોઈએ?

  • બાળક થકી કરેલી પસંદગીઓને પ્રોત્સાહન આપો.
  • બાળકોને કહો કે આ પસંદગીઓ થકી તેમને જે શીખ મળી છે તે વિશે તેઓ તમારી જોડે ઊંડાણમાં ચર્ચા કરે.
  • બાળકને યાદ અપાવો કે કોઈ પસંદગી સારી કે ખરાબ નથી હોતી. જરૂરી છે તેમાંથી મળેલ શીખ અને તે શીખને મૂલ્ય આપવું.

તમે બાળકના પ્રયત્નોની પ્રશંસા કરો અને બાળકને આ જીવન-જરૂરી પાઠ શીખવામાં મદદ કરો કે મહેનત અને પ્રતિભા હંમેશાં જોડે ચાલે છે અને એમને એમના માર્ગ ઉપર જે મળે છે તે નિષ્ફળતા નથી. પરંતુ ફક્ત લક્ષ્ય સુધી પહોંચવાના પગથિયાં છે. બાળકોના પ્રયત્નોની ખરી કિંમત કરીને આપણે એનો આત્મવિશ્વાસ અને રેઝિલિયન્સ (સ્થિતિસ્થાપકતા) વધારીએ છીએ. પરિણામ આપણા હાથમાં નથી પણ પ્રયત્નો ચોક્કસ છે. એક રીતે જોઇએ તો સમાજ તરીકે આપણે નાનપણથી જ બાળકના મનમાં ભગવદ્ ગીતાનો ઊંડો સંદેશ - ‘ફળ પાછળ ના ભાગો, ફક્ત સોંપેલા કાર્યને પોતાની ક્ષમતા પ્રમાણે સરસ રીતે કરો’ એ જીવનમાં ઉતારી શકીએ છીએ.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)