તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Read More Than 5,000 Reputable Magazines And Newspapers On Magzter, Be Sure To Follow Cardexpert's Advice If You Want To Learn How To Use Credit Cards Properly

નેટસ્કેપ:Magzter પર 5,000થી વધુ પ્રતિષ્ઠિત મેગેઝિન અને ન્યૂઝપેપર્સ વાંચો, ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું હોય તો Cardexpertની સલાહ ચોક્કસ લેજો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશ અને દુનિયાનાં પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર્સ વાંચો Magzter પર.
આજે આપણે વાત કરીશું એક એવી વેબસાઈટ વિશે જેમાં દુનિયાભરનાં મેગેઝિન વાંચી શકશો. આ શ્રેણીમાં આપણે શક્ય હોય ત્યાં સુધી પ્રોડક્ટિવિટી કે નોલેજ વધારે એવી વેબસાઇટ અને એપ્સ વધુમાં વધુ આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. મફત વીડિયો ગેમ ડાઉનલોડ કરવી કે મફતમાં ગીતો ડાઉનલોડ કરવા એવી તો ઘણી બધી એપ્સ છે પણ આપણે તેની પાછળ સમય વેડફવો નથી. એ તો જરૂરિયાતમંદ લોકો પોતાની રીતે શોધી જ લેવાના છે. અહીં આપણો હેતુ એવી એપ્સ કે વેબસાઈટ રજૂ કરવાનો છે કે જેને કારણે આપણે વાવેલો સમય ઊગી નીકળે. જો તમે અલગ-અલગ મેગેઝિન કે ન્યૂઝપેપર્સ વાંચવાના શોખીન હો તો આ એપ તમારા માટે પરફેક્ટ છે. આ એપનું નામ છે Magzter.

આ એપની મદદથી ફિલ્મફેર, લોનલી પ્લેનેટ, નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર, bloomberg, ડિજિટ, ઇન્ડિયા ટુડે જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન વાંચી શકાશે
આ એપની મદદથી ફિલ્મફેર, લોનલી પ્લેનેટ, નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર, bloomberg, ડિજિટ, ઇન્ડિયા ટુડે જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન વાંચી શકાશે

આ એક એવા પ્રકારની એપ છે જેમાં તમે દુનિયાભરના 5000થી વધારે મેગેઝિન અને ન્યૂઝપેપર્સ વાંચી શકશો. પહેલાના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન, યુટ્યુબ, ફેસબુક વગેરે નહોતાં ત્યારે લોકો દિવસભર એકબીજા સાથે વાતો કરીને અથવા છાપાં વાંચીને સમય પસાર કરતા હતા. વધુમાં વધુ તો ટીવી અથવા કેબલ કનેક્શન હોય એ લોકો ટીવી જોઈને સમય પસાર કરતા હતા. પરંતુ વાંચન રસિયાઓ મેગેઝિન ઉર્ફે સામાયિક આવે તેની ચાતક નજરે રાહ જોઇને બેઠા રહેતા હતા. જો કે, હવે તો સમયની સાથે સાથે એ બધી જ રાહ જોવાની પ્રક્રિયા ભુલાઈ ગઈ છે. હવે બધું આંગળીના ટેરવે માગો ત્યારે હાજર છે પરંતુ છતાં પણ ન્યૂઝપેપર અને મેગેઝિનોની લોકપ્રિયતા આજે પણ મહદઅંશે અકબંધ રહી છે. આજે પણ લેખકને સત્તાવાર માન્યતા ત્યારે જ મળી ગણાય છે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર કે મેગેઝિનમાં એમના લેખ છપાયા હોય. પહેલાનાં સમયની વાત કરીએ તો અમુક અંતરિયાળ વિસ્તારો કે નાના ગામડાંઓમાં મેગેઝિન આવતા નહીં ત્યારે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર અમુક ફેરિયાઓ કે દુકાનદારો આ સામયિકો રાખતા. એટલે મેગેઝિન આવવાનું હોય ત્યારે પોતાની પ્રેમિકાનું આગમન થવાનું હોય એમ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર રાહ જોતાં લોકોને પણ જોયા છે. વંચાઈ ગયેલું મેગેઝિન છેલ્લે લાઈટ જાય ત્યારે હવા ખાવાના કામમાં પણ આવતું. ન્યૂઝપેપરની પૂર્તિઓનો કોન્સેપ્ટ આવ્યો ત્યારબાદ પણ તે મેગેઝિનનું સિંહાસન ડોલાવી શકી નહીં. ગુણવત્તાયુક્ત અને વિગતવાર વાંચન માટે મેગેઝિન પર જ આધાર રાખવો પડતો હતો. અલબત્ત અત્યારે પણ સોશિયલ મીડિયાના આગમન પછી પણ વિગતે વાંચન માટે તો આજે પણ પુસ્તકો અથવા મેગેઝિનને જ વધુ પ્રચલિત માધ્યમ કહી શકાય. સમયની સાથે તાલ મિલાવતાં હવે મેગેઝિનો પણ ઓનલાઈન મળવા લાગ્યા છે. આવી જ એક અલગ અલગ પ્રકારનાં મેગેઝિન વાંચવાની એપ છે જેનું નામ છે Magzter!

ગિરીશ રામદાસ અને વિજય કુમાર રાધાક્રિષ્નન નામના બે ભારતીયોએ વર્ષ 2011માં Magzter વેબસાઇટની શરૂઆત કરી હતી. 2013માં કંપનીએ amazon kindle fire સાથે જોડાણ કર્યું અને ત્યારબાદ પાછું વળીને જોયું નથી. આજે આ વેબસાઇટ પર તમે દુનિયાભરનાં 5000થી વધારે મેગેઝિન વાંચી શકો છો. જેમાં અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, યુરોપ, શ્રીલંકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત વગેરે દેશોનાં મેગેઝિનોનો સમાવેશ થાય છે.

આ એપની મદદથી તમે ફિલ્મફેર, લોનલી પ્લેનેટ, નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર, bloomberg, ડિજિટ, ઇન્ડિયા ટુડે જેવાં પ્રતિષ્ઠિત મેગેઝિન વાંચી શકો છો. આ ઉપરાંત, ઘણા ગુજરાતી અને હિંદી ન્યૂઝપેપર્સ તથા ચંપક, ટિંકલ, અમર ચિત્ર કથા, સફારી જેવાં મેગેઝિન્સ પણ વાંચી શકો છો. આ એપમાં સબ્સ્ક્રિપ્શન માટેના ત્રણ વિકલ્પો છે. જો તમારે દર મહિને પૈસા આપવા હોય તો 300 રૂપિયા પ્રતિ માસના દરે અનલિમિટેડ મેગેઝિન તેમજ ન્યૂઝપેપર વાંચી શકો છો. જો તમારે વાર્ષિક પ્લાન લેવો હોય તો હાલ તેના પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેનો ખર્ચ વાર્ષિક રૂ. 2000 છે, એકવાર આ પ્લાન લીધા પછી અલગ અલગ મેગેઝિન માટે લવાજમ ભરવાની ઝંઝટ નહીં. આ સિવાય છૂટકમાં મેગેઝિન ખરીદીને વાંચવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે જ. વળી, અવારનવાર મોબાઈલ કે બ્રોડબેન્ડ કંપનીઓ દ્વારા પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેનો પણ લાભ લઇ શકાય.

ક્રેડિટ કાર્ડ લેતાં પહેલાં Cardexpertની સલાહ ચોક્કસ લેજો
આપણે ત્યાં ક્રેડિટ કાર્ડ વિશે બે વર્ગ જોવા મળે છે. એક વર્ગ એવો છે જે ક્રેડિટ કાર્ડનો એટલો શોખીન છે કે એક પછી એક પછી એક ક્રેડિટ કાર્ડ ભેગા કર્યે રાખે છે, જ્યારે બીજો વર્ગ એવો છે કે ક્રેડિટ કાર્ડનું નામ સાંભળીને પણ ઊભી પૂંછડીએ દોટ મૂકે છે. ક્રેડિટ કાર્ડ બેધારી તલવાર જેવું છે તે વાત સાચી પરંતુ તેના વિશે જે હાઉ ઊભો કરવામાં આવ્યો છે એટલું ખરાબ નથી. આખરે તો વ્યક્તિની ખર્ચ કરવાની વૃત્તિ પર નિર્ભર કરે છે તે ક્રેડિટ કાર્ડનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ. બાકી તો આપણે ત્યાં 'દેવું કરીને પણ ઘી પીવું' એ વ્યાખ્યા ક્રેડિટ કાર્ડના ઉદ્ભવના હજારો વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવે જ છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમને મફતમાં 50 દિવસ માટે રૂપિયા વાપરવા મળે છે. આ ઉપરાંત, તેની એક સારી બાબત એ છે કે તમે દુનિયાભરમાં ક્યાંય પણ ઓનલાઇન ખરીદી કરતાં હો કે પેમેન્ટ કરતાં હો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો કારણ કે, કેટલીક વેબસાઇટ ડેબિટ કાર્ડ કે બેંક દ્વારા પેમેન્ટનો સ્વીકાર કરતી નથી. વળી, ક્રેડિટ કાર્ડ એ વિદેશમાં કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનું સૌથી સુરક્ષિત માધ્યમ છે કારણ કે, ક્રેડિટ કાર્ડમાં તમે તાત્કાલિક તમારા ખાતાંમાંથી પૈસા ચૂકવતાં નથી. પરંતુ બેંક પાસેથી ઉધાર લીધેલા રૂપિયા વાપરો છો. કોઈ ફ્રોડ કે છેતરપિંડી થાય તો તમને બેંક તેની સામે રક્ષણ આપે છે. સામે પક્ષે જો તમે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરતા હો અને કોઈ ફ્રોડ થાય તો એ પૈસા પાછા મેળવવા મુશ્કેલ બની જાય છે કારણ કે, તમારા બેંકમાં જે પૈસા હોય તેમાંથી જ પેમેન્ટ થયું હોય છે એટલે પૈસા તરત જ ઉપડી જાય છે. એકવાર ખિસ્સાંમાંથી પૈસા ગયા પછી એ ક્યારે પાછા આવશે એ કંઈ નક્કી હોતું નથી. એટલે જો નિયમિત ઓનલાઈન લેવડદેવડ કરતાં હો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

હવે પ્રશ્ન આવે છે કે કયું ક્રેડિટ કાર્ડ લેવું? વાત જાણે એમ છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક વ્યક્તિ અલગ-અલગ કારણોસર કરતાં હોય છે. કેટલાક લોકો માત્ર પેટ્રોલ પૂરાવવા માટે કે પછી કરિયાણું ખરીદવા માટે કે પછી ઓનલાઈન વસ્તુઓ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ઘણા લોકો પોતાના બિઝનેસ પેમેન્ટ્સ કરવા માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. હવે તો નવી સુવિધાઓ ઉપલબ્ધ થવાને કારણે ઓફિસ અથવા ઘરનું ભાડું પણ ક્રેડિટ કાર્ડના માધ્યમથી ચૂકવી શકાય છે. આ ઉપરાંત, તમારા કર્મચારીઓને પગાર ચૂકવવાથી માંડીને ઓફિસના અન્ય ખર્ચાઓ પણ ક્રેડિટ કાર્ડના માધ્યમથી ચૂકવી શકાય છે એટલે ક્રેડિટ કાર્ડના અલગ-અલગ ઘણા ઉપયોગો રહેલા છે. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શા માટે કરવા માગો છો તેના આધારે શોધ કરીને અપ્લાય કરી શકો છો. નિયમિત ફરવા જતા હો કે બિઝનેસના કામથી ટ્રાવેલ કરતાં હો તેવા લોકો માટે પ્રવાસના લાભો આપતાં કે અલગ અલગ લાઉન્જમાં પ્રવેશની સગવડ આપતાં કાર્ડ્સ આકર્ષક હોય છે. તો વળી, ફિલ્મ રસિયાઓ માટે મફત ટિકિટો અને તેના વાઉચર્સ અગત્યના હોય છે. જો તમે ક્રેડિટ કાર્ડ ખરીદવામાં રસ ધરાવતા હોય તો તમારે એવું ક્રેડિટ કાર્ડ ખરીદવું જોઈએ જેથી તમે તેનો વધુમાં વધુ લાભ મેળવી શકો! ક્રેડિટ કાર્ડ મેળવવા માટે વાર્ષિક ફી કેટલી ચૂકવવી પડે છે? અથવા તેને રિન્યૂ કરાવવાની કોઈ ફી છે કે નહીં? દર સો રૂપિયા ખર્ચ કરવા બદલ તમને કેટલા પોઈન્ટ મળે છે? અને એ પોઈન્ટ કેવી રીતે redeem કરી શકાય છે? ક્રેડિટ કાર્ડ મેળવવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જરૂરી છે? આ બધી જ બાબતો અંગે જો તમારે જાણવું હોય તો આ માટે એક ખૂબ જ ઉપયોગી વેબસાઈટ છે Cardexpert.in.

ક્રેડિટ કાર્ડ સિવાય વિવિધ એરપોર્ટ્સ, હોટેલ્સ અંગે પણ રિવ્યૂ વાંચી શકાશે
ક્રેડિટ કાર્ડ સિવાય વિવિધ એરપોર્ટ્સ, હોટેલ્સ અંગે પણ રિવ્યૂ વાંચી શકાશે

આ વેબસાઈટ તામિલનાડુના એક ટેકનોસેવી યુવા સિદ્ધાર્થ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ પોતે ક્રેડિટ કાર્ડના શોખીન છે અને અલગ અલગ કંપનીના ક્રેડિટ કાર્ડમાં મળતાં લાભોનો ઉપયોગ કરીને દુનિયાભરમાં ઘણા દેશોમાં ફરી ચુક્યા છે. આ વેબસાઇટ પરથી તમે અલગ-અલગ કંપનીઓના ક્રેડિટ કાર્ડની સરખામણી કરીને વિગતવાર માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ સિવાય વિવિધ એરપોર્ટ્સ, હોટેલ્સ અંગે પણ રિવ્યૂ વાંચી શકો છો. કયા એરપોર્ટ પર કયા કયા લાઉન્જ આવેલા છે અને તેનો કેવી રીતે લાભ મેળવવો જોઇએ તે અંગે પણ આ વેબસાઇટ પર વિગતવાર સારી માહિતી આપવામાં આવેલી છે. આ સિવાય, તમે એરલાઇન્સના રિવ્યૂ પણ વાંચી શકો છો. આ વેબસાઇટની એક સૌથી મોટી ખાસિયત છે તેનો બહોળો અને બુદ્ધિશાળી વાચક વર્ગ. સિદ્ધાર્થની દરેક પોસ્ટની નીચે વાચકો રસપ્રદ ચર્ચા કરીને ક્રેડિટ કાર્ડના માધ્યમથી પૈસા બચાવવાના અવનવા રસ્તાઓ બતાવતા રહે છે. જો તમે પણ ક્રેડિટકાર્ડ રસિયા હો તો તમારે આ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)