ડિજિટલ ડિબેટ:બેફામ વધી રહેલી મોંઘવારીનો સ્વીકાર RBIએ કર્યો, સરકાર ક્યારે જાગશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો અને શેરબજાર તૂટી પડ્યું. રેપો રેટ વધારવાનો અર્થ થાય છે વ્યાજના દરોમાં વધારો. બેન્કો પોતે લેણું લે તેના પર વધારે વ્યાજ ચૂકવવાનું થાય એટલે સ્વાભાવિક છે કે તેનો બોજ ગ્રાહકો પર નાખશે. સરવાળે ગ્રાહકોએ બેન્કો પાસેથી લીધેલી લોનનું વ્યાજ, દર મહિને ભરવાનો હપ્તો એટલે કે EMI (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે. વ્યાજ વધે એટલે આપણને થાય કે આ તો બધું મોંઘું થતું હતું તે રીતે લોન પણ મોંઘી થઈ, પણ લોન મોંઘી કરવાનો હેતુ મોંઘવારીને કાબૂમાં રાખવાનો છે. બજારમાં મની સપ્લાય ઘટાડવામાં આવે તો માગ ઓછી થાય અને માગ ઓછી થાય તો મોંઘવારી વધતી અટકે. વ્યાજ દર વધે તેનાથી લોન લેનારાની સંખ્યા ઘટે, ઓછા પૈસા લોકોના હાથમાં આવે અને ઓછી ખરીદી થાય એટલે મોંઘવારી થોડી કાબૂમાં આવે. આ રીતે મોંઘવારી હવે કાબૂ બહાર જવા લાગી છે, તેને નાથવી પડશે તેવો સ્વીકાર પોલિસી ચેન્જ કરીને RBIએ કર્યો, પણ સરકાર એટલી ગંભીર છે ખરી?

સુનીલ જોષી (SJ): RBIએ રેપો રેટમાં ફેરફાર કર્યો કેમ કે ફુગાવો કાબુમાં લેવાનો છે. તેની જાહેરાત કરતી વખતે RBIના ગવર્નર શક્તિકાંત દાસે જે કહ્યું તે સૌએ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે. ફુગાવો હજુ વધવાની શકયતા છે એમ તેમણે જણાવ્યું - હાલ ફુગાવાનો દર ૬.૯પ ટકાએ પહોંચ્યો છે, તેમાં હજીય વધરો થવાની શકયતા છે. વધતી જતી મોંઘવારી સામે ગરીબોની ખરીદશક્તિ વધી રહી નથી. આથી બેંકોના રેપો રેટમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું દાસનું કહેવું છે. આ પગલાથી ફુગાવો કાબૂમાં આવશે અને મોંઘવારી વધતી અટકી જશે? તેનો જવાબ છે ના - ટૂંકા ગાળે મહદ અંશે મોંઘવારી ઘટવાની નથી. રશિયા અને યુક્રેન વચ્ચેનું લંબાઈ રહેલું યુદ્ધ, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો, ખાદ્યતેલનું મોટું ઉત્પાદન ધરાવતાં દેશોમાં નિકાસબંધી, વિશ્વમાં ઘઉં સહિતની અનાજની તંગીએ આંતરરાષ્ટ્રીય બજારો ડામાડોળ થઈ ગઈ છે. તેની અસર ઘરઆંગણે થઈ રહી છે. એટલે વ્યાજ દરના વધારાથી માગ થોડી દબાશે, પણ સાથેસાથે પુરવઠો સંતોષકારક થાય ત્યારબાદ જ ભાવ ઘટાડાની શક્યતા દેખાય છે.
દિલીપ ગોહિલ (DG): ટૂંકા ગાળે લાભ નહીં દેખાય એ વાત સાચી, પણ ઘણા વખતથી અર્થશાસ્ત્રીઓની અપેક્ષા હતી કે વધતી મોંઘવારીને જોતાં RBI પોલિસી બદલીને મની સપ્લાય ઓછો કરશે. એ અપેક્ષા પ્રમાણે RBIએ તો પોતાનું કામ કર્યું છે, પણ સરકારે પણ મોંઘવારીને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. સરકારને લાગતું જ નથી કે મોંઘવારી મુદ્દો છે - એટલે કે પોતાને નડતો મુદ્દો નથી. પેટ્રોલના બસ્સો રૂપિયા દેવા પડશેય તોય દેવાના, પણ મત તો એમને જ દેવાના એવું કહેનારો 'સમૃદ્ધ મતદાર વર્ગ' હોય ત્યારે શા માટે શાસક પક્ષ મોંઘવારીની ચિંતા કરે! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી મહિનામાં કહ્યું હતું કે મોંઘવારી કાબૂમાં છે. તેના બે મહિના પછી RBIએ રેપો રેટ વધારીને સાબિત કરી આપ્યું કે બે મહિનામાં મોંઘવારી કાબૂમાં આવી નથી, ઊલટાની વધી છે. તો શું હવે સરકાર સ્વીકાર કરશે ખરી? RBIએ પોતે લઈ શકે તે પગલું લીધું. સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ઓછી કરી શકે છે. કરશે ખરી? એક્સાઇઝના નામે સરકાર કમાણી કરતી રહેશે ત્યાં સુધી લાંબા ગાળે પણ મોંઘવારી ઘટે તેવું લાગતું નથી.

SJ: હા, ક્રૂડ ઓઇલના ભાવોની અસર મોંઘવારી પર વધારે રહેવાની છે. આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ આસપાસ ફરતા રહે છે. ઓપેક દેશો પ્લસ રશિયા સહિતના અન્ય દેશોએ નક્કી કર્યું છે કે ધીમે ધીમે જ પુરવઠો વધારવો. સપ્ટેમ્બર સુધીમાં જ કોરોના પૂર્વેની સપ્લાય થવાની છે ત્યારે ભાવો વધારે ઘટે તેમ લાગતું નથી. ઘટે તોય ફાયદો થાય તેમ લાગતું નથી, કેમ કે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ધોરણે ક્રૂડ સસ્તું થયું તોય કેન્દ્ર સરકારે તેનો લાભ પ્રજાને આપ્યો નહોતો. એક્સાઇઝ વધારીને સરકારી તિજોરી ભરવાનું કામ કર્યું હતું. રાજ્ય સરકારોએ પણ (અમુક અપવાદો બાદ કરતાં) વેટના દરોમાં ઘટાડો કર્યો નથી. એ તો માથે પાંચ રાજ્યોની ચૂંટણી આવી એટલે એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ ડીઝલનો ભાવવધારો ચૂંટણી મુદ્દો બની શકે એમ છે એટલે જ કદાચ વડા પ્રધાને લાંબા સમય પછી મૌન તોડ્યું. તેમણે કહ્યું કે કેન્દ્રએ એક્સાઇઝ ઓછી કરી, પરંતુ ઘણાં રાજ્યોએ વેટના દર ઘટાડ્યા નહીં. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આવી ખેંચતાણમાં પ્રજાનું હિત જોવાતું નથી. એકંદરે પ્રજા લૂંટાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવો નહીં ઘટે ત્યાં સુધી મોંઘવારીનું ચક્ર ફરતું રહેવાનું છે.
DG: મોંઘવારી ઘટાડવાની જવાબદારી કોની એ મુદ્દે આ રાજકીય દોષારોપણ દેશમાં નવું જોવા મળ્યું. શું કેન્દ્ર સરકારની કોઈ જ જવાબદારી નહીં ભાવઘટાડો કરવાની? રાજ્ય સરકારો પર દોષ નાખી દેવાની વાત કંઈ વાજબી લાગતી નથી. બીજી બાજુ રાજ્ય સરકારોને દોષમુક્ત કરી શકાય તેમ પણ નથી. કેન્દ્ર સરકાર જે રીતે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઇઝ નાખીને તગડી કમાણી કરી રહી છે, તે જ રસ્તો રાજ્ય સરકારોએ અપનાવ્યો છે. રાજ્યો પાસે હવે પેટ્રોલિયમ પદાર્થો પર વેટ સિવાય આવકનું મોટું સાધન નથી રહ્યું તે વાત સાચી હોવા છતાં, કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવતા પહેલાં, પોતાનાથી શક્ય એટલો વેટ ઓછો કરવો જોઈએ. બીજાને સલાહ દેતા પહેલાં પોતે અમલ કરવો જોઈએ.

SJ: બીજી એક સમસ્યા એ થઈ છે કે પેટ્રોલ-ડીઝલની જેમ સીંગ તેલ, કપાસિયા તેલ કે સૂર્યમૂખી તેલ સહિતના ખાદ્ય તેલોના ભાવ પણ આંતરરાષ્ટ્રીય અસરોમાં આવી ગયા છે. ખાદ્ય તેલનું બજાર હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. તેલ અને તેલીબિયાંની મોટી ઊપજ ધરાવતા દેશોની સ્થાનિક સ્થિતિ અને નિકાસ નીતિ તેલના ભાવોને અસર કરે છે. ભારતમાં (અને ગુજરાતમાં) સીંગ તેલ અને રાયડામાં સ્થિતિ સારી છે, પણ યુક્રેન અને રશિયા યુદ્ધથી સૂર્યમુખીનું તેલ ત્યાંથી આવતું ઘટી ગયું છે. પામ ઓઇલના સૌથી મોટા ઉત્પાદક દેશ મલેશિયાએ પણ નિકાસબંધી કરી. તેની અસર તમામ તેલોના ભાવવધારા પર થઈ. સરકારે આયાતી ખાદ્ય તેલ પરની ડ્યુટી ઘટાડવા સહિતના પગલાં લીધાં છે, પણ તેની અસર થતાં થોડો સમય લાગશે.
DG: ખાદ્ય તેલની આયાતની સમસ્યા માત્ર યુક્રેન-રશિયા યુદ્ધ કે મલેશિયાના પ્રતિબંધોથી નથી થઈ. ખાદ્ય તેલની બાબતમાં ભારત 'સ્વાવલંબી' નથી તે બહુ જૂની વાત છે. અગાઉની સરકારોની જેમ વર્તમાન સરકાર પણ ખાદ્ય તેલમાં 'આત્મનિર્ભર' થવાની વાતો સત્તા પર આવી ત્યારથી કરે છે, પણ કોઈ નક્કર પરિણામ દેખાયું નથી. કૃષિ ક્ષેત્રે એવું કશું હાંસલ થઈ શક્યું નથી કે તેની અસર નીચે તેલીબિયાં વધે, કઠોળનું ઉત્પાદન વધે, પાકોમાં વૈવિધ્ય આવે. કૃષિ ક્ષેત્રે ઊલટાનું 'અમે જ સાચા'ની જીદને કારણે સુધારા ખોરંભે ચડી ગયા છે. કૃષિ ક્ષેત્રમાં સુધારો મોંઘવારી કાબૂમાં રાખવાનો મુખ્ય ઉપાય છે. તેના બદલે એવું થયું કે આ વખતે ઉનાળામાં લીંબુનું શરબત પીવાની વાત ટાઢ ચઢાવી દે તેવી થઈ ગઈ!

SJ: સરવાળે એવું કહી શકાય કે સરકારનાં પગલાં ફાયર ફાઇટિંગ વિભાગ જેવા છે. આગ લાગે ત્યારે દોડે - કહેવત પ્રમાણે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની શરૂઆત કરે. આયાત ડ્યુટી ઓછી થાય અને આયાત વધે ત્યારે વળી સ્થાનિક ખેડૂતોને નવી સીઝનમાં પોષણક્ષમ ભાવો મળવાની સમસ્યા આવશે. જોકે રાહતની વાત એ છે કે ખાદ્ય તેલની આંતરરાષ્ટ્રીય બજાર યુદ્ધની અસર ખમીને થોડી સ્થિર થઈ રહી છે. નવી સીઝન એટલે કે આગામી ૬ માસમાં ભાવ ઘટાડા તરફી હવા રહી શકે છે. ઘઉં સહિતનાં ખાદ્યાન્નની સ્થિતિ પણ નવી સીઝનમાં સુધરે ત્યારે અસર દેખાશે. GSTની આવક હવે વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક વાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ઘટાડવા પર વિચાર કરવો જરૂરી બન્યો છે. માથે ગુજરાતની ચૂંટણી છે તે બહાને પણ દેશના બધા લોકોને લાભ મળે તો સારું. માત્ર રાજ્ય સરકારોને માથે દોષ ઢોળી દેવાથી છટકી શકાશે નહીં. સરકારના અને બાબુશાહીના ખર્ચાઓ બેફામ વધી રહ્યા છે. કરકસરની કોઈ કોશિશ દેખાતી નથી ત્યારે બાંધી આવકવાળા વર્ગને માટે મોંઘવારીનો ભાર ખમતો જ રહેવો પડે છે.
(સુનીલ જોષી અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે)