• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Psychology Of The World's Largest Investor: Enough Research Is Needed About The Business ... Only Then Will The Best Solution To The Problem Be Found!

મનન કી બાત:દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર વોરન બફેટનું મનોવિજ્ઞાન: વ્યવસાય વિશે પૂરતું રિસર્ચ જરૂરી,તો જ પ્રોબ્લેમનું સારામાં સારું નિરાકરણ મળશે!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના જમાનામાં પૈસા જ સફળતા છે એને કદાચ કોઈ નકારી નહીં શકે. આપણે બધા એવું કંઇક કામ કરવા માગીએ છીએ જે આપણને ગમે અને એના માટે આપણને પૈસા પણ મળે. આજે આપણે વોરન બફેટ વિશે વાત કરીશું. કદાચ વોરન બફેટનું નામ તમે સાંભળ્યું હશે. એ છેલ્લા કેટલાય દાયકાઓથી દુનિયાના 5 સૌથી શ્રીમંત લોકોમાંના એક છે.

અમેરિકાના ઓમાહામાં જન્મેલા બફેટ એક ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે. શું તમે જાણો છો કે અત્યારે દુનિયાના 100 સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં 90%થી વધુ લોકો શ્રીમંત પરિવારમાં જન્મ્યા નહોતા. તો એવું શું હોય છે શ્રીમંત લોકોની વૃત્તિમાં કે જે તેમને આટલા સફળ બનાવે છે? આજે આપણે બફેટના જીવનમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ શીખ વિશે વાત કરીએ.

બફેટના પિતાએ ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ (ઈ.સ. 1929-1933) વખતે જે બેંકમાં જીવનની બધી પુંજી રાખી હતી એ બેંક બંધ થઈ જતાં બધા પૈસા ગુમાવી દીધા હતા. તેમણે ત્યારથી ખૂબ ગરીબી જોઈને એવો નિશ્ચય કર્યો હતો કે 35 વર્ષની ઉંમર સુધીમાં એક મિલિયન ડોલરની કમાણી કરી લઈશ. એમણે આ ધ્યેય 30 વર્ષ પહેલાં જ પ્રાપ્ત કરી લીધો.

એમણે એક કોલ્ડડ્રિંકની દુકાનની બહાર ઢાંકણાં વીણવાનું ચાલુ કર્યું. ઢાંકણાં વીણતાં એમને જાણવા મળ્યું કે સૌથી વધુ ઢાંકણાં કોકાકોલાનાં છે. એમણે આ ઉંમરે જ શીખી લીધું કે કોઈપણ વ્યવસાય શરૂ કરતાં પહેલાં એ વ્યવસાય વિશે પૂરતું રિસર્ચ કરવું જોઈએ. રિસર્ચ દરેક વખતે સામાન્ય રીતે નહીં થાય. આઉટ ઓફ બોક્સ વિચારીને ઘણીવાર એક ડોલર વાપર્યા વિના પણ રિસર્ચ થઈ શકે છે. એ પછી એમણે ઘરે-ઘરે અને પાર્કમાં જઈને 20 સેન્ટમાં વેચાતી કોકાકોલા 25 સેંટમાં વેચવાનું શરૂ કર્યું. એક રીતે જુઓ તો માત્ર 5 સેંટનો નફો છે. પરંતુ વ્યવસાયની ભાષામાં જુઓ તો 25% નફો છે.

બફેટ ખૂબ જ વાંચન કરે છે. કોલેજમાં કોર્સ દરમિયાન પણ એમણે દરેક પુસ્તક કોર્સ પહેલાં વાંચી લીધું હતું. ઉપરની વાત પરથી એવું કહી શકાય કે એમણે વ્યવસાયની ભાષા ખૂબ નાનપણમાં શીખી લીધી હતી. તેમનું એવું કહેવું છે કે જો તમે વ્યવસાયમાં જવાના હો તો અકાઉન્ટ્સ શીખવું જ જોઈએ કારણ કે, એ વ્યવસાયની ભાષા છે. એમનું સ્પષ્ટપણે માનવું છે કે જ્યાં તમે તમારી મહેનત અથવા પૈસા લગાડતા હો એના વિશે ખૂબ ઊંડાણપૂર્વક જાણવું જરૂરી છે.

એકવાર બફેટ વાળ કપાવવા ગયા. એમણે જોયું કે દુકાનમાં બધાએ રાહ જોવી પડે છે. એના કારણે લોકો ગુસ્સે થાય છે. એમણે એમના હેર ડ્રેસરને કહ્યું કે હું એક પિનબોલ ટેબલ તારી દુકાનમાં લગાવીશ. એમાં તારે કોઈ જ રોકાણ નથી કરવાનું. પરંતુ જે નફો આવે એનો 20% તારો. બફેટ સેકન્ડ હેન્ડ પિનબોલ ટેબલ લાવ્યા. રાહ જોતા લોકો ખુશી ખુશી 25 સેંટ આપી પિનબોલ રમ્યા કરતા. હેર ડ્રેસરની દુકાને ઘરાકી પણ વધી ગઈ, કારણ કે લોકોની રાહ જોવાની તકલીફનું નિરાકરણ આવી ગયું. એમણે ઓમાહામાં કેટલાય હેર ડ્રેસર્સ સાથે આવો કોન્ટ્રાક્ટ કરીને એક નવો વ્યવસાય બનાવી લીધો.

નાની ઉંમરથી જ બફેટને એક સેન્સ છે કે પ્રોબ્લેમ શું છે અને આ પ્રોબ્લેમનું સારામાં સારું નિરાકરણ ઓછામાં ઓછાં રોકાણ સાથે કેવી રીતે નીકળી શકે. એ નવા પિનબોલ ટેબલની ખરીદી કરત તો એ રોકાણના પૈસા પાછા આવવામાં બહુ સમય લાગત. પોતાના પાર્ટનરને કઈ રીતે ખુશ રાખવા અને સાથે સાથે કમ્પાઉન્ડ કરી શકાય એવો વ્યવસાય કઈ રીતે બનાવવો એ આમાં શીખવા મળે છે. બફેટ કહે છે કે જો તમે ઊંઘતા હો ત્યારે તમે પૈસા ન બનાવો તો પૈસા તમારી ઊંઘ ઉડાવશે. મતલબ કે વ્યવસાય એવો કરવો કે જેમાં હંમેશાં તમારી હાજરીની જરૂર ન હોય અને એ મોડેલ ખાલી એક જ જગ્યાએ બેસાડી શકાય એવું ન હોય. જેટલો તમારો વ્યવસાય વિસ્તરશે એટલો નફો ડબલ અને મલ્ટિપ્લાય થશે.

બફેટના જીવનનો એક નિયમ છે કે આપણી છાપ જ આપણું બધું છે. બફેટ લાંબી લાંબી મીટિંગ નથી કરતા. ઈનફેકટ એમના 30 અલગ-અલગ વ્યવસાયના મુખિયાને એ વર્ષે માત્ર એક જ લેટર લખે છે, જે લેટર હાર્વર્ડ જેવી કોલેજોમાં ભણાવવામાં આવે છે (જો કે, એમને પોતાને હાર્વર્ડમાં રિજેક્ટ કરવામાં આવ્યા હતા) દરેક લેટરમાં પહેલો મુદ્દો કંપનીની ઇમેજ વિશે હોય છે. એ કહે છે કે આપણી કોઈપણ કંપનીએ ક્યારેય એવું કોઈપણ કામ ન કરવું કે જે કાલે સવારે કોઈ છાપામાં છપાય તો કંપનીએ નીચા જોવાનું ન થાય. એમનો નિયમ છે કે ગ્રાહકને હંમેશાં ખુશ રાખવા. એ કહે છે કે ગ્રાહકને એ યાદ નહી રહે કે કપડું કેવું હતું અથવા કલર કેવો હતો. એ યાદ રહેશે કે મને કેવું લાગ્યું જ્યારે હું એ દુકાને ગયો. કોઈપણ વ્યવસાયમાં ક્યારેય એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી ગ્રાહક દુઃખી થાય અને જો ગ્રાહક ખુશ હશે તો વ્યવસાય ચોક્કસ ફળશે. પરંતુ ગ્રાહક જો મજબૂરીમાં તમારી પાસે આવતો હશે તો એ લાંબાગાળા સુધી નહીં ચાલે.

બફેટના જીવન અને વિચારો પર ઘણાં પુસ્તકો લખાયેલાં છે. દુનિયાના ઇતિહાસમાં સૌથી સ્માર્ટ ઇન્વેસ્ટર કહેવાતા બફેટ પાસેથી શીખવા જેવું ઘણું બધું છે.

મન: બફેટ એમના 50 વર્ષ જૂના ઘરમાં રહે છે. એ કહે છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને કોસ્ટ ઓફ લિવિંગ વચ્ચે કોઈ જ લેવાદેવા નથી હોતી.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...