ઈતિહાસ ગવાહ હૈ:ભારતમાં વિલીન રજવાડાંના રાજવીઓ સાથે સાલિયાણાં મુદ્દે વચનભંગ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલે વાર્ષિક પ્રિવી પર્સ મંજૂર કરાવ્યાં, ઇન્દિરા ગાંધીએ નાબૂદ કર્યાં
  • વર્ષે 4 કરોડ રૂપિયા બચાવવા સામે સાંસદો-ધારાસભ્યોને પેન્શનની લહાણી
  • વલ્લભભાઈ સાથે નેહરુ, જામસાહેબ, મુનશી અને મેનનનું પણ ભવ્ય યોગદાન

ફેબ્રુઆરી 1947માં બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન ક્લેમંટ એટલીએ ભારતમાંથી જૂન 1948 સુધીમાં અંગ્રેજ શાસનનો વાવટો સંકેલી લેવાની ઘોષણા કરી અને બીજે મહિને ભારતને સ્વતંત્રતા બક્ષીને અંગ્રેજ શાસનનો અંત આણવા માટે રાજવી પરિવારના જ લોર્ડ માઉન્ટબેટનને વાઇસરોય તરીકે પાઠવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયાના વિભાજનની વાઇસરોય થકી 3 જૂન, 1947ના રોજ જાહેરાત કરવામાં આવી. ભારત સંઘ અને પાકિસ્તાન સંઘની રચના સાથે જ બ્રિટિશ શાસકો સાથે સંધિથી જોડાયેલાં 565થી 600 જેટલાં દેશી રજવાડાંને સ્વતંત્ર જાહેર કરાયાં. એમને ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવા ઉપરાંત સ્વતંત્ર રહેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હતો. જો કે, ભારત સંઘ ભણીનાં મોટાભાગનાં રજવાડાં 15 ઓગસ્ટ, 1947 સુધીમાં ભારત સાથે જોડવા માટે તૈયાર હતાં. પાકિસ્તાન ભણીનાં 9 રજવાડાં તો છેક 1956 સુધી એની સાથે જોડાયાં.

વડાપ્રધાન એટલીના પુરોગામી વિન્સ્ટન ચર્ચિલનું ચાલ્યું હોત તો ભારત સંઘ, પાકિસ્તાન સંઘ અને દેશી રજવાડાંનું અલગ પ્રિન્સિસ્તાન રચાયું હોત. જો કે, ગૃહ અને રિયાસત ખાતાંના પ્રધાન એવા નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, વડાપ્રધાન પંડિત નેહરુ અને એમના અખત્યાર હેઠળના અધિકારીઓ અને અન્યોના પ્રતાપે ભારતનો વર્તમાન નક્શો શક્ય બન્યો. એકાદ શેઢા માટે ખૂનામરકી થઇ જતી હોય છે ત્યારે સરદારે તો કુનેહથી સેંકડો હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી રાજવીઓ કનેથી એમનાં આખેઆખાં રજવાડાં ભારતમાં સામેલ કરાવ્યાં ત્યારે સાટા માત્ર કેટલીક રકમનાં વાર્ષિક સાલિયાણાં આપવાનું વચન બંધારણસભામાં મંજૂર કરાવ્યું. જે તે રજવાડાંની વાર્ષિક આવકના માંડ 8.5% જેટલી જ રકમ એના રાજવીને સાલિયાણા તરીકે આપવાનું ગણતરીમાં લેવાયું હતું. સૌથી વિશાળ રજવાડાંમાં જમ્મૂ-કાશ્મીર પછી બીજા ક્રમે આવતા સમૃદ્ધ હૈદરાબાદના નિઝામને વર્ષે 43 લાખ રૂપિયા અને સૌરાષ્ટ્રના કાટોડિયાને 192 રૂપિયાનું વાર્ષિક સાલિયાણું મળે એવી વ્યવસ્થા કરાઈ હતી. સરદારે જ નહીં, સમગ્રપણે દેશની સરકારે આપેલા આ વચનનો ભંગ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી જીતવા માટે સાલિયાણાં નાબૂદ કરીને કર્યો હતો. વર્ષે માત્ર 4 કરોડ રૂપિયા જેટલી જ રકમ આ રજવાડાં ભારતમાં ભેળવવા તૈયાર થયેલા રાજવીઓને ચૂકવવાની હતી. એટલી રકમને બદલે એનાથી અનેકગણી રકમ આજે દર વર્ષે નવા રાજવીઓ બનેલા સાંસદો અને ધારાસભ્યોને પેન્શન સ્વરૂપે ચૂકવાય છે.

શાહી જીવનશૈલીમાં ભીંસ
રાજા-રજવાડાંનો વિચાર કરતાંની સાથે જે સમૃદ્ધિની છોળોમાં રચનાર વ્યક્તિત્વોનો જ વિચાર આવે. બ્રિટિશ શાસન વખતે ઇંગ્લેન્ડની રાણીના દરબારમાં સજીધજીને હાજરી નોંધાવનારા, જુદા-જુદા ઇલકાબો ધારણ કરનાર, રાજવીઓની વાતો હજુ તાજી છે. 1947માં બ્રિટિશ હકુમતનો અંત આવતા અને એ પછી દેશનાં 565 ‘પ્રિન્સલી સ્ટેટ્સ'નું ભારતમાં વિલિનીકરણ થયા પછી સરદાર પટેલના વચન મુજબ આ ભૂતપૂર્વ રાજવીઓને તેમના રજવાડાંના સ્તર મુજબ સાલિયાણાં મળતાં રહ્યાં. અંગત સંપત્તિ તરીકેના મહેલો અને જમીન જાયદાદ એમના રાજવી તરીકેના ઠાઠને અકબંધ રાખતા રહ્યા, ભારતમાં પોતાના રાજને ભેળવી દીધા પછી ઘણા રાજવીઓને રાજપ્રમુખ બનાવાયા, તો કેટલાકને સંસદે લઇ જવાયા. 1969માં કોંગ્રેસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં પ્રગતિશીલ પગલાં અને સ્વતંત્ર પક્ષના મંચ પર પ્રભાવ પાડનારા રાજવીઓના પડકારને પહોંચી વળવા માટે બેંકોના રાષ્ટ્રીયકરણ તથા રાજવીઓનાં સાલિયાણાં બંધ કરવાનો નિર્ણય થયો. સરદારના વચનને ઇન્દિરાજીએ ઉથાપ્યું. એક ઝાટકે 400 પૂર્વ રાજવીઓનાં સાલિયાણાં બંધ થયાં. સમૃદ્ધિમાં ઓટ આવી પણ ખર્ચા ઘટ્યા નહીં. રાજમહેલની શાહી જીવનશૈલી અકબંધ રાખનારા ભીંસ અનુભવતા રહ્યા. કંઇક કેટલાય રાજવીઓ લોકશાહીમાં સત્તાપક્ષ કોંગ્રેસની હેલ પર અસવાર થઇને સત્તા સાથેનાં સંધાણ સાધતા રહ્યા.

રાજમહેલોની હેરિટેજ હોટેલ
સમય બદલાતો ગયો. પ્રજામાં જાગૃતિ આવતી ગઇ તેમ રાજવીઓ ઉમેદવાર તરીકે પરાજિત થવા માંડ્યા. એક સમયે ‘વડોદરાના મહારાજા ઘણું જીવો'ના નારા ગૂંજતા હતા. એ જ વડોદરા રાજ્યમાં ‘મહારાજા' ફત્તેસિંહ રાવ ગાયકવાડે, ‘મહારાજા' રણજિતસિહ ગાયકવાડ અને ‘મહારાણી' શુભાંગિની દેવીએ પરાજય ખમવો પડ્યો. દેશભરમાં આવો જ માહોલ રચાયો. પ્રજાના નીચલા તબક્કાના લોકો નવા રાજવી બનવાની હોડમાં આગળ નીકળી જવા માંડ્યા ત્યારે રાજવી પરિવારોએ હેરિટેજ હોટેલના ધંધા ભણી ધ્યાન પરોવવા માંડ્યું. ધંધામાં સફળ રહ્યા એ સમૃદ્ધ થયા, બીજા ઘણાને તો શેર મીઠું પણ કોઈ ઉધાર આપતું નહોતું.

પાકિસ્તાન સાથે જોડાણઈચ્છુકો
દેશના વિભાજન પછી રાજા રજવાડાંને છૂટ હતી કે એ સ્વેચ્છાએ ભારત કે પાકિસ્તાન સાથે જોડાય. ભોપાલના નવાબની ભૂમિકા મુજબ વડોદરાના મહારાજા, ઇન્દોરના મહારાજા, રાજસ્થાનના કેટલાક મહારાજાઓ સહિતનાને પાકિસ્તાન સાથે જોડાવાના અભરખા જાગ્યા. મુસ્લિમ પ્રજા અલાયદો દેશ છે એવી ભૂમિકા પર રચાયેલા પાકિસ્તાનના રચયિતા કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણા સાથે વાટાઘાટો કરીને છેક ઇન્દોર-ભોપાલ તથા નવસારી-અમરેલી લગી પાકિસ્તાનને પહોંચાડવાની યોજનાને સરદાર પટેલની ચતુરાઇએ નિષ્ફળ બનાવી. જૂનાગઢ અને હૈદરાબાદ જેવાં મુસ્લિમ રાજવીઓનાં રજવાડાંની પાકિસ્તાનમાં ભળવાની કે સ્વતંત્ર રહેવાની નેમની સાથે જ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત-પાકિસ્તાન વચ્ચે ‘સ્વિત્ઝર્લેન્ડ' બની રહેવાની યોજના હતી. આ બધામાં સરદારની સાથે વડાપ્રધાન નેહરુ ઉપરાંત સરદારના વિશ્વાસુ એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી અને વી.પી.મેનનનું યોગદાન નાનુંસૂનું નહોતું. નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહનું પણ.

ભોપાલ યોજનામાં ફાચર
‘ભોપાલ યોજના' થકી પાકિસ્તાનને ઇન્દોર-ભોપાલ-નવસારી-અમરેલી લગી પહોંચાડવાને ફાચર મારવામાં ખરેખર કોઇનું મહામૂલું યોગદાન હોય તો એ મેવાડના મહારાણા પ્રતાપના વંશજ ભૂપાલસિંહનું. ઉદેપુરના આ રાજવીએ ઝીણા સાથેની બેઠકનું નિમંત્રણ અપાનારા મહારાજાને સંભળાવ્યું: ‘મારું ભાવિ તો મારા પૂર્વજોએ નક્કી કરી રાખ્યું છે. મારાથી એમના વટને ઉથાપીને પાકિસ્તાન સાથે ઘર મંડાય નહીં.' વડોદરા, ઇન્દોર, જેસલમેર, જયપુર – અંબેર સહિતના હિંદુ રાજવીઓ પણ ઝીણા સાથે ઘર માંડવા આતુર હતા પણ વચ્ચે આવતા મહારાણા પ્રતાપના ચિત્તોડે નન્નો ભણ્યો એટલે આખી ભોપાલ નવાબ હમીદુલ્લા ખાનની યોજના પર પાણી જ ફરી ગયું.

મહારાણા પ્રતાપના વંશજ અને આપણા કચ્છના મહારાવના પરિવારમાં પરણેલા મેવાડના પૂર્વ રાજવી અરવિંદસિંહજી મેવાડ અરવિંદસિંહજી કહે છે: 'એકલિંગજી વતી રાજ ચલાવતા મારા પૂર્વજોની જેમ હું પણ વ્યક્તિગત વ્યવસાયની સાથે જ સમાજ સેવા માટે કામ કરતો રહ્યો છું.' ઉદેપુરની વિવિધ પેલેસ હોટેલો સહિતની વિવિધ કંપનીઓ થકી ‘શ્રીજી' અત્યારે વિવિધ હેરિટેજ હોટેલનું સફળ સંચાલન કરે છે. મહારાણા ફાઉન્ડેશન દ્વારા સમાજસેવા તથા વિવિધ ધાર્મિક ટ્રસ્ટોના માધ્યમથી ‘શ્રીજી’ (એમના માટેનું આદરપાત્ર સંબોધન). દુનિયાભરમાં રાણા પ્રતાપના વંશજ તરીકે આદર મેળવે છે.

હૈદરાબાદ-ગોવા મુક્તિમિશન
નિઝામનું હૈદરાબાદ સ્ટેટ આજે પણ એના મહેલો અને ઝવેરાત માટે ચર્ચામાં રહે છે. ક્યારેક પાકિસ્તાન જોડે જોડાણ કરવા ઇચ્છતા કે સ્વતંત્ર રહેવા ઈચ્છુક નિઝામને સરદાર પટેલે લાલ આંખ બતાડીને પોલીસ પગલા થકી સપ્ટેમ્બર 1948માં ભારત સાથે જોડાવાની ફરજ પાડી હતી. ડિસેમ્બર 1961માં વડાપ્રધાન પંડિત નેહરુએ લશ્કર પાઠવીને પોર્ટુગીઝ ગોવા અને એના અખત્યાર હેઠળના પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીને ભારતમાં ભેળવ્યું હતું. ફ્રેન્ચ હકૂમત હેઠળના પોંડીચેરી (હવેનું પુડુચેરી) અને બીજી વસાહતો ફ્રાન્સ સાથે સમજૂતી અને ત્યાંની સંસદમાં ભારતને સોંપવાનો નિર્ણય કરાવવાની કુનેહ નેહરુએ દાખવી હતી. જયપુર હોય કે વડોદરા, હૈદરાબાદ હોય કે વાંકાનેર, રાજવીઓનાં સાલિયાણાં બંધ થયાં પછી તેમના મહેલોને હેરિટેજ હોટેલમાં ફેરવીને પ્રવાસન ક્ષેત્રે ઝંપલાવનારા રાજવીઓ તો સુખ સમૃદ્ધિને અકબંધ રાખી શક્યા, પણ આપણા ડાંગના પાંચ રાજવીઓએ તો રાજય સરકાર તરફથી મહિને મળતી સાલિયાણાંની રકમના થોડાક હાજર રૂપિયામાં જ માંડ ગુજારો કરવો પડે છે. આ સ્વાભિમાની રાજવીઓ આજે ભલે સામાન્ય સ્થિતિમાં જીવતા હોય પણ અંગ્રેજોને પણ એ ક્યારેય વશ નહોતા થયા એનું ગૌરવ જાળવીને સરકાર તેમને સાલિયાણાં આપે છે. ડાંગી દરબાર યોજે છે.

રાજકારણમાં સહભાગી રાજવીઓ
રાજવી પરિવારોનો રાજકારણમાં રસ પણ એકદમ રસપ્રદ છે. રાજવી પરિવારોના રાજકારણ સાથેના સંબંધની વાત નીકળે અને મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીને ભૂતકાળમાં પૂછીએ તો એ ઢગલાબંધ પૂર્વ રાજવી ધારાસભ્યો – સાંસદોનાં નામ આપી દેતા. માધવસિંહ કહે છે: 'બારિયા નરેશ’ જયદીપસિહ, તેમનાં પુત્રી ઉર્વશી દેવી, વડોદરાના ફત્તેસિંહરાવ, રણજિતસિંહ, વાંકાનેરના દિગ્વિજયસિંહ, રાજકોટના મનોહરસિંહ જાડેજા (દાદા બાપુ), ધ્રાંગધ્રાના મહારાજા મેઘરાજસિંહ, ચુડાના ઠાકોર સાહેબ, ડભોઇનાં ગિરીરાજ કુમારી, નરેન્દ્રસિહ મહિડા વગેરે રાજવી પરિવારમાંથી આવ્યા.' અત્યારે પણ અનેક રાજવી પરિવારના સભ્યો રાજકારણમાં આવીને પોતાનાં હિત જાળવવા પ્રયત્નશીલ છે. હવે સત્તામાં ભાજપ છે એટલે રાજવી પરિવારના સભ્યો એ ભણી વળ્યા છે છતાં કોંગ્રેસમાં પણ ઘણા છે. ગુજરાતના પ્રધાન રહેલા અત્યારના કોંગ્રેસી રાજ્યસભા સભ્ય શક્તિસિંહ ગોહિલ ભાવનગર પાસેના લીમડા જેવા માત્ર 11 ગામની જાગીર ધરાવનાર રાજવી પરિવારના વંશજ છે. એ કહે છે: 'મારા દાદા થોડા દીર્ઘદૃષ્ટા હતા. દેશ આઝાદ થયો ત્યારે પૂર્વ રાજવીઓને વિકલ્પ અપાયો હતો કે ભારતમાં જોડાતાં સાલિયાણું લેવું કે જમીન. મારા દાદાએ જમીનનો વિકલ્પ સ્વીકારી લીધો. બીજા જે રાજવીઓએ જમીનનો વિકલ્પ સ્વીકાર્યો તેઓ સુખી છે. એવું જ કાંઇક ઉત્તર ગુજરાતના કોઠાસણાના જાગીરદાર સ્વ. કે પી. ઠાકોરનું પણ કહેવું હતું: ‘સાલિયાણાં બંધ થયાં પણ જમીનનો વિકલ્પ સ્વીકારીને ખેતીવાડીએ વળ્યા એ રાજવીઓ સુખી થયા. બાકીના તો દયનીય સ્થિતિમાં મૂકાયા.' સુદાસણાના પૂર્વ રાજવી કીર્તિસિંહજી અને હડોલના પૂર્વ રાજવી હરપાલસિંહ ખેતીવાડીથી લઇને ધંધા થકી સુખી થયા. ઇડર સ્ટેટના પૂર્વ રાવજી રાજેન્દ્રસિંહજી મુંબઇનિવાસી રહ્યા પણ હિંમતનગરમાં સ્ટડ ફાર્મ અને પેલેસ સહિતની સંપત્તિનો વહીવટ એમને હસ્તક રહ્યો.

પાકિસ્તાનમાં રજવાડી ઠાઠ
સાલિયાણાં નાબૂદ થયાં પછી રાજા-રજવાડાંએ હેરિટેજ હોટેલો કે બીજા વ્યવસાયો ભણી ધ્યાન કેન્દ્રિત કર્યા વિના છૂટકો નહોતો. સત્તાના રાજકારણમાં અનિશ્ચિતતા છતાં કેટલાક રાજવી પરિવારો કે તેમના ભાયાતો રાજકારણમાં સક્રિય રહ્યા છે. જો કે, એકંદરે એમનામાં એ અનુભૂતિ તો છે કે સરદાર પટેલે સાલિયાણાં આપવાનું વચન આપ્યું એ ફોક કરીને ઇન્દિરા ગાંધીએ જે રાજકારણ ખેલ્યું એ એમની સાથે દ્રોહ ગણાય. પાકિસ્તાનમાં હજુ સાલિયાણાં ચાલુ હોવાનું આ તબક્કે નોંધવું રહ્યું પણ એની સાથે તો એક હિંદુ રજવાડા અમરકોટ (હવેના ઉમરકોટ) સહિત માંડ નવ રજવાડાં જોડાયાં હતાં. આજે પણ બહાવલપુર સહિતનાં એ રજવાડાંની જમીન-જાયદાદ અને સાલિયાણાં અકબંધ છે. સાથે જ ત્યાંના રાજકારણમાં એમનો દબદબો પણ જળવાયો છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)