તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોહોલિક:વ્હોટ્સએપ પર પ્રાઇવસીની બબાલ: ક્યાં સુધી તમારા ડેટાની દોણી સંતાડી શકશો, ઠાકુર?!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરિવર્તન એ ટેક્નોલોજીના સંસારનો પણ નિયમ છે. બિલ્લીપગે આવીને આપણી લાઇફને ધરમૂળથી બદલી નાખનારાં ટેક્નોલોજીની દુનિયાનાં નાનાં-મોટાં તમામ ટ્રેન્ડ્સની વાત એકદમ સરળ ભાષામાં દર શનિવારે પેશ કરશે આ કોલમ ‘ટેક્નોહોલિક’.
***
ભારત-અમેરિકાના ઇતિહાસમાં એવું પહેલી વખત થયું કે કોઈ એક ભારતીય એક્ટરના મૃત્યુ પછી તેને ન્યાય અપાવવા માટે અમેરિકામાં હોર્ડિંગ લાગ્યાં હોય. સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી કે નહીં તેની તપાસ ચાલતી હતી ત્યારે તે કેસમાં દુનિયાના ઘણા બીજા દેશોનું મીડિયા પણ રસ લેતું હતું. સુશાંતસિંહે આત્મહત્યા કરી છે કે તેને ફસાવવામાં આવ્યો છે તે નક્કી કરવા પોલીસ કે CBI પાસે એકમાત્ર વિશ્વસનીય સહારો હતો. તે સહારો એટલે સુશાંતના ફોન અને તેની સાથે જોડાયેલા બીજા મિત્રોના ફોનની વ્હોટ્સએપ ચેટ! દીપિકા પાદુકોણથી લઈને ઘણી મોટી હસ્તીઓની વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રીએ હળવા ભૂકંપ સર્જ્યા અને સાથોસાથ દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ કર્યું. વાત સુશાંતની નથી વાત છે વ્હોટ્સએપની, જે દરેક માનવીની પ્રત્યેક ક્ષણનો દસ્તાવેજ બનીને સાથે ચાલે છે. રોટી, કપડાં, મકાનની હરોળમાં આવી જવા માટે વ્હોટ્સએપ તલપાપડ છે. માટે તેની પ્રાઈવસી પોલિસીને લઈને આખી દુનિયામાં હાહાકાર થાય એમાં નવાઈ શું?

સેલિબ્રિટીઝની વ્હોટ્સએપ ચેટ ‘લીક’થી શરૂ થઈ બબાલ
જ્યારે લાખો ભારતીયો વાસી ઉત્તરાયણ મનાવી રહ્યા હતા ત્યારે સતત વિવાદમાં ઘેરાયેલા રહેતા રિપબ્લિક ટીવીના સર્વેસર્વા અર્નબ ગોસ્વામીને રાબેતા મુજબ વધુ એક વિવાદે ઘેરી લીધા. એમની બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના (BARC) ભૂતપૂર્વ CEO, પાર્થો દાસગુપ્તા સાથેની સરકાર સાથે વિવાદાસ્પદ 500 પાનાંની વ્હોટ્સએપ ચેટ લીક થઇ.

આ સમાચાર ટાણે જ વ્હોટ્સએપે એની નવી પ્રાઈવસી પોલિસી જાહેર કરી, લોકોને તેનો અમલ કરાવવા ફરમાન જાહેર કર્યું. દુનિયામાં કરોડો લોકોએ વ્હોટ્સએપમાંથી સિગ્નલ, હાઈક, સ્પાઈક જેવી એપ્લિકેશન ઉપર હિજરત કરી અને પછી વ્હોટ્સએપે પોતે એકદમ સેફ અને સિક્યોર છે એવી જાહેરાતો બધા અખબારોમાં આપી. ત્યાં સુધીમાં તો અર્નબ ભાઈની વ્હોટ્સએપની લીલા બધાના ફોનમાં એ જ લીલા રંગના વ્હોટ્સએપમાં પહોંચી ચૂકી હતી!

ગુજરાતીમાં એક કહેવત છે, "છાશ લેવા જવું અને દોણી સંતાડવી..." વ્હોટ્સએપ અને ફેસબુકની પ્રાઇવસી પોલિસીના વિવાદના કેન્દ્રમાં આ કહેવત છે. હવે તો વ્હોટ્સએપે ડરીને પોતાની નવી પોલિસી પાછી ખેંચી લીધી છે. પણ વ્હોટ્સએપની એ સફળતા તો ખરી જ કે આખા વિશ્વમાં 2 અબજ અને ભારતમાં 340 લાખ યુઝર્સ ધરાવતું વ્હોટ્સએપ શું છે એ તો હવે 10 વર્ષના ટાબરિયાંને પણ ખબર છે. આ તમે વાંચો છો ત્યારે દર મિનિટે વ્હોટ્સએપના યુઝર્સ ઘટતા જાય છે એ પણ હકીકત છે.

વ્હોટ્સએપના સર્જકોની ‘યાહૂ’ મોમેન્ટ

વ્હોટ્સએપના બંને સ્થાપક ‘યાહૂ’ના ભૂતપૂર્વ કર્મચારી હતા - બ્રાયન એક્ટન અને જેન કોઉમ. એક જમાનામાં યાહૂના ચેટરૂમ્સ સારા એવા પ્રચલિત હતા. તેના પરથી જ પ્રેરણા લઈને આ જોડીએ વ્હોટ્સએપ બનાવ્યું. આખી દુનિયાને ઘેલું લગાડનાર વ્હોટ્સએપ બનાવનાર બ્રાયન અને તેમણે જ્યારે આઈફોન ખરીદ્યો ત્યારે એ લોકોને ખ્યાલ આવી ગયો કે એપ્લિકેશન ઉદ્યોગ એક વિકસિત બજાર છે અને એનું ભવિષ્ય ઉજળું છે એટલે એમાં કંઈક કરવું જોઈએ. એમાંથી એમને આ ચેટ એપનો વિચાર આવ્યો. જ્યારે વ્હોટ્સએપ બન્યું ત્યારે એમાં ફક્ત સ્ટેટસ અપડેટ કરવાની વ્યવસ્થા હતી, જે તમારા ફોનબુક અને નેટવર્કના લોકો જોઈ શકે અને પછી આવ્યું વ્હોટ્સએપનું વધારે સોફિસ્ટિકેટેડ વર્ઝન 2.0. વર્ષ 2011 સુધીમાં વ્હોટ્સએપ, એપલ સ્ટોરની એપ્લિકેશન્સમાં ટોચ પર પહોંચી ગયું!

વ્હોટ્સએપ યુનિવર્સિટી તરીકે ભારતમાં જાણીતું વ્હોટ્સએપ વાપરનારા માટે ગામનો ચોતરો છે, જ્યાં દરેકને હસવા અને રડવા માટે ખભો અને ગમતાં ગ્રૂપ મળી રહે છે. એક સર્વે એમ કહે છે કે એકલા વ્હોટ્સએપ પર આખા ઈન્ટરનેટ જગતની 27% સેલ્ફી અપલોડ થાય છે. વ્હોટ્સએપ દરેકના જીવનનો કેટલો મોટો ભાગ બની ગયું હશે કે ઇટાલીમાં 40% ડિવોર્સના કેસમાં વ્હોટ્સએપની ચેટ જવાબદાર હતી!

મફત વ્હોટ્સએપ માટે તમે કેટલી કિંમત ચૂકવો છો?
કહે છે, નો લંચ ઇઝ ફ્રી. ‘જો તમે વાપરતા હો એ પ્રોડક્ટનો ચાર્જ લેવામાં ન આવતો હોય તો તમે ખુદ પ્રોડક્ટ છો’ - આ ક્વોટ ગયા વર્ષે નેટફ્લિક્સ પર સોશિયલ મીડિયાની ડાર્ક સાઇડ બતાવતી ‘ધ સોશિયલ ડાઇલેમા’ નામની ડોક્યુમેન્ટ્રી આવી ત્યારે બહુ પ્રચલિત થયેલું. જ્યારે કોઈ કંપની કહે કે અમે તમારી પ્રાઇવસીની વેલ્યૂ કરીએ છીએ, તેનો મતલબ એ થાય છે કે અમે તમારી પ્રાઇવસીમાંથી વેલ્યૂ (પૈસા) ઊભી કરીશું!

ઝકરબર્ગના હાથમાં આવ્યા પછી તેણે વ્હોટ્સએપને કાયમ માટે મફતમાં કરી નાખ્યું. પરંતુ એક અબજ લોકોના અબજો મેસેજીઝને કેમ સાચવવા? તેથી, બે વર્ષ પહેલાં વ્હોટ્સએપ ફોર બિઝનેસ નામનું નવું પ્લેટફોર્મ શરૂ કર્યું. તે ઓરિજિનલ વ્હોટ્સએપથી એકદમ અલગ છે અને તેનો હેતુ મિત્રો અને કુટુંબને બદલે વ્યવસાયને અને ગ્રાહકોને જોડવાનો છે. પણ આ જ હેતુ અત્યારે એમના ગ્રાહકોને તોડી રહ્યો છે અને એ તૂટવાનું મુખ્ય કારણ છે વ્હોટ્સએપે જાન્યુઆરીમાં જાહેર કરી હતી એમની નવી પ્રાઇવસી પોલિસી, જેનો સાર એ હતો કે તમે જો તમારો ડેટા પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર નહીં કરો તો તમે વ્હોટ્સએપ છોડી શકો છો!

‘વ્હોટ્સએપ છોડો’ ઝુંબેશ
વ્હોટ્સએપ પર આખાને આખા ઠલવાઇ જનારા, ‘વ્હોટ્સએપ યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ માટે ખરી મૂંઝવણ આ નવી પ્રાઇવસી પોલિસી વાંચીને થઈ. એ લોકોએ એનો અર્થ એવો કાઢ્યો કે અમારા ફોટોઝ, અમારી ચેટ, અમારા ફોન નંબર, અમારા સ્ટેટસ, મેસેજીસ બધું ફેસબુક પર શેર થશે અને રાતોરાત લાખો લોકોએ ઘરબાર ત્યજતા હોય એમ વ્હોટ્સએપ ફોનમાંથી અનઇન્સ્ટોલ કરીને બીજી ચેટ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી અને એમાં જોડાયા!

હાડોહાડ મૂડીવાદી કંપની ફેસબુકને આ રીતે એમનો ધંધો ગુમાવો પોસાય એમ નહોતો. તેથી, લોકોમાં વધતી ચિંતા વચ્ચે એમણે નવેસરથી ખુલાસા કરવા પડ્યા કે મેસેજ કરનારા મિત્રો અને પરિવાર વચ્ચે કંઈ બદલાતું નથી. વ્હોટ્સએપ અને ફેસબુક ન તો તમારા ખાનગી સંદેશાઓ જોઈ શકે છે કે ન કોલ્સ સાંભળી શકે છે. વ્યક્તિગત સંદેશાઓ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન એટલે બે જણા વચ્ચેની વાતચીત માત્ર બે જણ વચ્ચે રહે એવી ટેક્નિકલ વ્યવસ્થા.) એમને એ પણ સ્પષ્ટતા કરવી પડી કે ધંધાકીય મેસેજીસ ફેસબુક વાંચી શકશે અને એનો ઉપયોગ માર્કેટિંગ માટે કરી શકાશે.

વ્હોટ્સએપના ‘ડખ્ખા’, બીજી એપ્સને ‘બખ્ખા’
જો કે, કોરોના વાઇરસના ફેલાવા પછી આટલા મહિનામાં કોરોના બિયરના વેચાણમાં આવ્યો એનાથી મોટો ઘટાડો એક જ અઠવાડિયાંની અંદર વ્હોટ્સએપની ઇન્સ્ટોલ્ડ એપમાં આવ્યો. આ બતાવે છે કે વ્હોટ્સએપનું વ્યસન મોટું છે. કોઈપણ વ્યસન એમ જાય ખરું? સિગારેટ છોડવાનો દાવો કરનારા એની અવેજીમાં બીજું વ્યસન શરૂ કરે એમ વ્હોટ્સએપ છોડનારા ટેલિગ્રામ, સિગ્નલ, સ્પાઇક જેવી બીજી ચેટ એપ તરફ વળ્યા અને રાતોરાત આ બધી એપ બનાવનારી કંપનીના સ્ટોકમાં ઉછાળો આવ્યો!

ટેલિગ્રામની વાત કરીએ તો, અત્યારે એ 500 મિલિયન વપરાશકર્તા ધરાવે છે અને છેલ્લાં એક જ અઠવાડિયાંમાં એ એપ ઇન્સટોલ કરનારાની સંખ્યા 2.2 મિલિયન હતી. વ્યક્તિગત પ્રાઇવસીની વાત આવે ત્યારે વ્હોટ્સએપ પ્રત્યેની વફાદારી થોડી જોવાય? આવી જ રીતે સિગ્નલ, થ્રીમા, સેશન, સ્પાઇક જેવી ચેટ એપના વપરાશમાં ઉછાળો આવ્યો અને આ એપ બનાવનારી કંપનીઓને રાતોરાત ઘી-કેળાં થઇ ગયાં.

મોટાભાગે આ બધી ચેટ એપનાં સેફટી ફીચર્સ સરખાં જ હોય છે અને અત્યારે તો એ વાપરવામાં એક રૂપિયો પણ આપવો પડતો નથી. પરંતુ આગળ કહ્યું એમ નો લંચ ઇસ ફ્રી. વર્ષ 2016માં વ્હોટ્સએપે કહ્યું કે એ વ્હોટ્સએપનો થોડો ડેટા જેમ કે, વપરાશકર્તાનો ફોન નંબર, એની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરશે, જે તમને તમારા મિત્રોને ફેસબુક ઉપર જોડવામાં વધારે અસરકારક રીતે મદદ કરશે! અહીં સુધી બધું બરાબર હતું, પણ વ્હોટ્સએપ પર મફત ડેટાનું લોહી ચાખી ગયેલા ફેસબુક નામના ધંધાદારી વાઘને વધારે પૈસા કમાવાની લાલચ થઇ આવી અને તાજેતરમાં એમણે જાહેરાત કરી કે, વ્હોટ્સએપ વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા જેવો કે ફોન નંબર, ફોટોઝ, સ્ટેટસ મેસેજીસ, IP અડ્રેસ વગેરે ફેસબુક સાથે શેર થઇ શકશે, જે ફેસબુક ધંધાકીય અર્થે વાપરી શકશે અને એમાંથી રેવન્યૂ ઊભી કરી શકશે! આખી ગેમ ડેટાની છે. જેની પાસે ડેટા વધુ એની પાસે જાહેરાતો વધુ. સિમ્પલ લોજીક.

જો કે, લોકો આ વાંચ્યા પછી બીજી એપ તરફ વળતાં વ્હોટ્સએપે જાહેરાત કરવી પડી કે તમારો ડેટા અમારી પાસે સુરક્ષિત છે અને અમે રેવન્યૂ ફક્ત બિઝનેસ વ્હોટ્સએપમાંથી ઊભી કરવાના છીએ. રેવન્યૂ ઊભી કરવા માટે વ્હોટ્સએપ પેમેન્ટ પણ આવી ગયું છે, જેનાથી ગમે ત્યારે ગમે તેને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

હવે આ બધી ચેટ એપના ભવિષ્યની વાત કરીયે તો તે દૂધથી પણ ઉજળું છે. 1990ના દાયકામાં જે સાદા SMS-જે પ્લેટફોર્મ નહીં પણ એક સાધન હતું એનાથી આપણે મેસેજિંગની શરૂઆત કરી હતી. ત્યારથી લઇને અત્યારની સોફિસ્ટિકેટેડ મેસેજિંગ એપ્સ આપણા જીવનમાં એવી વણાઈ ગઈ છે કે એના વગર અત્યારે અને ભવિષ્યમાં પણ આપણને ચાલશે નહીં. મેસેજિંગ એપ્સ પણ વધારે ને વધારે સોફિસ્ટિકેટેડ બનતી જાય છે.

મેસજિંગ એપ્સે ફક્ત વ્યક્તિનો પોતાના સ્માર્ટફોન સાથેનો સંબંધ નથી બદલ્યો પણ કંપનીઝની માર્કેટિંગ આદતો પણ બદલી નાખી છે. દાખલા તરીકે, બેંકો, રિટેલિંગ કંપનીઝ, મેડિકલ કંપનીઝ, ઇન્શ્યોરન્સ કંપનીઝ પણ હવે ચેટ એપ રાખતી થઇ ગઈ છે. તમે એ ચેટ એપ દ્વારા જે તે કંપનીના પ્રતિનિધિ સાથે ચેટ પર તમને જોઈતી માહિતી માગી શકો છો. તેને અમેરિકામાં ‘ડાઇરેક્ટ ટૂ કન્ઝ્યુમર’ (D2C) મોડેલ કહેવામાં આવે છે. તેમાં વસ્તુની ખરીદી અને વેચાણ બધું મેસેજિંગ એપ દ્વારા થાય છે. આ બધું તમે ટીવી જોતાં જોતાં, તમારા ઘરના સોફા પર બેસીને કરી શકો છો, જે તમારો કીમતી સમય બચાવે છે! આલાદ્દીનના જિનની માફક તમામ સુવિધાઓ કી-બોર્ડ પર ટેરવું દૂર હોય તો પછી મેસેજિંગ એપ્સના વપરાશથી કોઈ કૈસે કરે ઇન્કાર?

‘માય પોલિસી ઇઝ માય પોલિસી, નન ઓફ યોર પોલિસી’
આ લખાઈ રહ્યું છે ત્યારે આટલી બધી કઠોર પ્રતિક્રિયા છતાં પણ વ્હોટ્સએપે એની નવી પ્રાઇવસી પોલિસી નીતિ યથાવત રાખવાનું નક્કી કર્યું છે અને 15મી મેથી એનો અમલ પણ શરૂ થઈ જશે. કંપનીએ એ પણ જાહેર કર્યું કે જે લોકો આ નવી પોલિસી સ્વીકારશે નહીં એ લોકો શરૂઆતમાં કોલ્સ અને માહિતી પ્રાાપ્ત કરી શકશે પણ એપ્લિકેશનમાંથી સંદેશો વાંચી અને મોકલી નહીં શકે અને 120 દિવસ સુધી જો એપ વાપરવામાં નહીં આવે તો એમનું વ્હોટ્સએપ અકાઉન્ટ ડિલીટ થઇ જશે.

વ્હોટ્સએપ વાપરવું કે નવું ઠેકાણું શોધી લેવું?
આ બધી માથાફૂટ પછી યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે વ્હોટ્સએપ વાપરવું કે નહીં? આ લખનારનું મંતવ્ય છે કે વાપરવું કારણ કે, સૌથી પહેલું કારણ છે એ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી એટલે કે વાપરવામાં સરળ છે. બીજાં કારણોની વ્હોટ્સએપે પોતે નીચે આપેલી બાહેંધરીઓ:

  • ન તો વ્હોટ્સએપ અને ફેસબુક તમારા ખાનગી સંદેશ જોઈ શકે છે અથવા તમારા કોલ્સ સાંભળી શકે છે. વ્યક્તિગત સંદેશાઓ, એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે અને તે ચાલુ રહેશે.
  • વ્હોટ્સએપ તમે કોઈ મિત્ર સાથે શેર કરેલું સ્થાન જોઈ શકતું નથી કારણ કે, આ પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે.
  • વ્હોટ્સએપ, ફેસબુક કે અન્ય કોઈ એપ્લિકેશન સાથે વપરાશકર્તાના સંપર્કોને શેર કરતું નથી.
  • અને છેવટે, તમે કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર હો કે ચેટ એપ પર હો ક્યાં સુધી તમારા ડેટાની દોણી સંતાડી રાખી શકવાના? તમે ત્યાં છો કારણ કે, તમે ઈચ્છઓ છો કે લોકો તમને જુએ, સાંભળે અને ‘લાઈક’ કરે! આ એષ્ણા જ્યાં સુધી છે ત્યાં સુધી વ્હોટ્સએપ હોય કે સિગ્નલ કે ટેલિગ્રામ એ તમારા પર રાજ કરવાના જ છે!

mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો