વેદવાણી:પૃથ્વી સૂક્ત: પર્યાવરણ સંવર્ધનનો અમોઘ મંત્ર!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરણી મોરી માત અને તેનો છું હું બાળ, અમી વરસે આભ તે, પોષે જગનો તાત! વૈદ્યોએ જાણી તેને, ધરી જેને હરિ ધરણીધરે, કરે રખોપાં દેવરાજ, વહે તે નિત્ય પયની ધાર! સાગર સરિતા સરવર ખેતર વન ઉપવન, અન્ન જળ ફળફૂલ ને પ્રાણવાયુ ચિરકાળ! જળચર થળચર ને અચર, સહુમાં પૂરે પ્રાણ, સત્ય તપ શિક્ષા દીક્ષા, સકળ યજ્ઞનો આધાર! ધરણી મોરી માત અને હું તેનો છું બાળ! ઋષિએ કેવું મજાનું દર્શન કર્યું છે! ચાલો આજે પૃથ્વી સૂક્તનું માહાત્મ્ય માણીએ.

ગયા અઠવાડિયે જ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઇ ગયો. આપણે કોરોના વોરિયર્સના હાથે વૃક્ષારોપણ કરાવ્યું અને જૈવિક વિવિધતાના સંરક્ષણ મટે શપથ લીધા. કોરોનાની મહામારીએ પ્રાણવાયુની અગત્યતા તો ગળે ઉતારી દીધી છે. આ ઉપરાંત, ગ્લોબલ વોર્મિંગ, હિમથરોનું પીગળવું, વારંવાર આવતી કુદરતી આપદાઓને લીધે જગતની જાગૃતિ વધતી ચાલી છે. ત્યારે વેદનું પૃથ્વી સૂક્ત આપણી સામે અનેક કામની વાતો લઇને આવે છે.

અથર્વવેદમાં પૃથ્વી સૂક્ત
અથર્વવેદ માટે એક શબ્દમાં વર્ણન કરવું હોય તો તેને 'વિજ્ઞાનકોષ' કહી શકાય. જેમાં ધરતીથી લઇને આકાશ, વનસ્પતિથી લઇને પ્રાણી, આયુર્વેદથી લઇને રસાયણ અને અર્થશાસ્ત્રથી લઇને રાજ્યદર્શન સુધીના વિષયો આવરી લેવાયેલા છે. જેમાંની ઘણી વાતો આજે પણ ઉપયોગી છે.

અથર્વવેદના બારમા કાંડના પ્રથમ સૂક્તનું નામ પૃથ્વી સૂક્ત છે. જેમાં ત્રેંસઠ મંત્રો છે. ઋષિએ ધરતીને જડ પદાર્થ તરીકે જોવાને બદલે એક ચેતનવંતી માતાનો ભાવ દર્શાવ્યો છે. જે આજના બાયોડાઇવર્સિટીના સિદ્ધાંતને બળ આપે છે. એટલું જ નહીં, પૃથ્વીની ખરી ઉપાસના દ્વારા સમૃદ્ધિ અને સમતોલ વિકાસની દૃષ્ટિ પણ આપી છે.

પૃથ્વી માતા અને હું તેનો પુત્ર!
ઋષિ કહે છે, 'માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્યા: પર્જન્ય પિતા: સ ઉ ન પિપર્તુ'. એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું. પર્જન્ય એટલે વરસાદ પિતા છે. જે પાલનપોષણ કરે છે. વરસાદના અમૃતબિંદુ સાથે ધરતી ચેતનવંતી થાય. ફળફુલ, અન્ન-જળ અને દૂધ-ઘી, આ બધાં પૃથ્વીદેવીનો જ પ્રસાદ છે ને? કેવી સરળ અને સચોટ વાત છે!

જેણે નવ મહિના ઉરનું અમરત સિંચી ગર્ભમાં પાલન કર્યું. જેણે પ્રસવ વેદના વેઠી જન્મ આપ્યો. જેણે ધાવણ પાઇ શૈશવને પાળ્યું. જેના મીઠા અને મરમી શબ્દોએ સંસ્કાર સિંચ્યા! માતાનું આ રૂપ કોણ ભૂલી શકે? આ બધામાં આપણી માતાના સ્થાને પૃથ્વીને મૂકી જુઓ. ધરતીમાતામાં માત્ર માનવજાત જ નહીં, વૃક્ષ, પશુ-પંખી અને કરોડો પ્રકારના જીવોની પ્રેમાળ માતાનું દર્શન થશે!

પૃથ્વી સૂક્તનું સકળ દર્શન
આપણે જ્યારે પર્યાવરણ વિશે વાંચીએ ત્યારે બે આધુનિક શબ્દો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રોગ્રેસિવ એન્ડ હોલિસ્ટિક વિઝન ખાસ સાંભળવા મળે. તેને રસમય ભાષામાં કહીએ તો કહી શકાય,
'હે માનવ! નથી તું એકલો, ધરાનાં છે સંતાન ઘણાં,
તારો ન એકાધિકાર, બહુ બધા છે વારસદાર!
નથી વાજબી લોભ શોષણ વેડફાટ અતિરેક,
સહભાગ અને સહકાર, મંત્ર ભણવો બસ એક!'

તમારા આંગણામાં આંબો ઉછેર્યો હોય તો તમે વૈશાખ મહિનામાં કેરી ખાશો અને આનંદ કરશો. તમને શિયાળામાં કેરી ખાવાનું મન થાય તો શું કરશો? વૈશાખ સુધી રાહ જોશો કે પછી આંબાનાં મૂળ ખોદીને ખાશો? સ્વાભાવિક રીતે મૂળ ખોદી નાખવાથી કશું ન મળે. સાવ સાદી લાગતી આ વાતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ઉત્તર મળી જાય છે. નિસર્ગના સઘળા જીવો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પૃથ્વી જો સૌની માતા હોય તો તેનાં બધાં સંતાન એકબીજાનાં ભાઇભાંડુ થાય. તે એકમેકનું શોષણ કરે કે લડે તે માતાને ગમે ખરું? પૃથ્વી સૂક્તમાં સમુદ્ર, નદી, સરોવરો જેવાં જળસ્રોતો, વનસ્પતિ, વનૌષધિઓ, ખેતરો, પશુપંખીઓ વગેરે સાથે મૈત્રીભાવે વર્તવાનો અદ્ભુત બોધ છે. ગ્લોબલ વોર્મિંગથી ધ્રુવીય પ્રદેશ પરનો બરફ પીગળવાને લીધે સમુદ્રનાં જળસ્તર વધે. જેનાથી સુનામી જેવી આપદાઓ આવે છે. એ સંદર્ભમાં ઋષિની 'ગિરયસ્તે પર્વતા હિમવન્તો' હિમગિરી બરફથી આચ્છાદિત રહે એવી પ્રાર્થનામાં પર્યાવરણ વિજ્ઞાન છે.

સુખસમૃદ્ધિ સાથે ચેતનાના વિકાસની કામના
ઋષિનું દર્શન સમતોલ છે. મંત્રે મંત્રે ભૌતિકતા સાથે ભાવાત્મકતાનો સુંદર સંગમ જોવા મળે. ધરતીની ચારેય દિશામાં પુષ્કળ અન્ન ઉત્પન્ન થાય. દૂધ ઘીની નદીઓ વહે. કોઇ ક્યાંય ભૂખ્યું ન રહે. વનોમાં દિવ્ય ઔષધિઓ ઉત્પન્ન થાય. જેનાથી પ્રાણવાન જીવો ઉત્પન્ન થાય. આસુરી (હિંસક અને લોભી) સૃષ્ટિનો પરાજય થાય. માત્ર ભૌતિક સુખ જ નહીં આધ્યાત્મિક વિકાસ પણ થાય. અમે તેજસ્વી બનીએ. 'અજીતો અહતો અક્ષતો અધ્યષ્ઠાં પૃથિવીમહમ્' શબ્દોમાં વીરતાની કામના પણ છે. પૃથ્વીની રક્ષા માનવનો ધર્મ છે. રક્ષિત અને સંવર્ધિત પર્યાવરણ માનવનું પોષણ કરે. અહીં ગીતાનો 'પરસ્પરનું કરો પોષણ અને પામો પરમ શ્રેયને' મંત્રનું મૂળ છે.

ઋષિ પૃથ્વીને 'ભૂતસ્ય ભવ્યસ્ય પત્નિી' એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળની પત્ની કહે છે. આ દર્શનમાં ઉંડું પર્યાવરણ વિજ્ઞાન છે. પત્ની એટલે ગૃહિણી. ભૂતકાળમાં જેવું કરો તે ભવિષ્યકાળમાં પામો! ખનીજો ખોદી ખોદીને ધરતીનાં પેટાળો ખાલી કરીએ. તે પછી 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ' તે રીતે સસ્ટેનેબલ એનર્જી પર સેમિનારો કરીએ! આવતા સો કે હજાર વર્ષ પછીના સમાજની જરૂરિયાત વિશે સંવેદનશીલ થઇએ તેવો ભાવ ઋષિનાં દર્શનમાં છે.

તમે ધરતીનાં લાલ છો? તો આ રહી માતૃઋણની યાદી!
પૃથ્વી માત્ર અન્નજળની દાતા નથી. તે તો માનવની ચેતનાને ઉંચે લઇ જવા સક્ષમ છે. 'ભૂત ભવિષ્યસ્ય પત્નિં' મંત્રમાં કહે છે કે સત્ય, બૃહત્ (મોટું, વિશાળ), ઋત (સનાતન સત્ય), ઉગ્ર (સખત પરિશ્રમ), દીક્ષા (શિષ્યભાવ), તપ (સંયમ), બ્રહ્મ (આધ્યાત્મિકતા) અને યજ્ઞ (નિ:સ્વાર્થ રચનાત્મક કાર્ય) દ્વારા પૃથ્વીને ધારણ કરો. એક મંત્રમાં ઋષિએ કેટલાં બધાં કર્તવ્યો સમાવી લીધાં છે! કોઇ રખે માને કે આ બધું વૈકલ્પિક છે. આ તમામ કર્તવ્ય ફરજિયાત છે. ધરતીના લાલનું બિરુદ કંઇ એમ જ મળી જાય?

સત્ય એટલે વ્યક્તિગત ધર્મ અને ઋત એટલે વૈશ્વિક ધર્મ. એક એક માણસ પોતાની ફરજ બજાવે તો અને તો જ ધરતીનું આ 'સુજલામ્ સુફલામ્' સ્વરૂપ બચશે. નહીંતર 'જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી' એ ન્યાયે વિનાશ માટે તૈયાર રહીએ. પર્યાવરણ પ્રેમી માટે મોટું મન સહજ છે. એ લોભ છોડી પ્રેમ પામશે. એ જીવન રોપીને સંતોષ લણશે. અહીં આધ્યાત્મિકતા કે યજ્ઞનો અર્થ ટીલાં-ટપકાં કે હોમહવન જેવો નથી જ. અધ્યાત્મમાં રૂપિયા પૈસા કે સત્તા-લાલસાની સ્થૂળ લાલસા છોડી સેવા, સમર્પણ અને આત્મસંતોષ તરફની પ્રગતિનો ભાવ છે. વૃક્ષ ઉછેર, દિવાળીમાં ઝેરી ફટાકડાને બદલે ઘીના દીવા, પ્લાસ્ટિકને બદલે કપડાંની થેલી, પાણી-વીજળીની બચત અને સૂર્યઊર્જાના ઉપયોગ જેવાં અનેક પૃથ્વીયજ્ઞો કરી શકાય. ધરતી માતા પ્રસન્ન થશે. આપણી ભાવિ પેઢી આપણને યાદ કરી ગૌરવ પણ લેશે!

આજનું અમૃતબિંદુ: ધરતી પ્રત્યક્ષ દેવ છે. તેની કૃપા તો સાવ આંખ સામે છે. 'દીધું ન રાખે દેવ'! તમે જેટલું આપો, તેનાથી સવાયું કરીને પાછું વાળે એ દેવ. તમે એક દાણો રોપો ને એ હજાર કરીને પાછા વાળે. તમે ખોદો ને એ મીઠું અમૃત જળ આપે! તેની સામે આપણી પણ ફરજ ખરી કે નહીં? સવારે ઊઠીને ધરતીને સ્પર્શ કરીને સંતોષ ન માનીએ, બનતું બધું કરીએ.
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

અન્ય સમાચારો પણ છે...