તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:નબળા પરિણામથી જીવન સમાપ્ત નથી થઈ જતું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની ઋતુ હતી. સારા વરસાદને કારણે નદી-નાળાંઓ પાણીથી છલકાઇ રહ્યાં હતાં. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધાં બાળકો પ્રકૃતિનો ભરપૂર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતાં-રમતાં ઊંડા પાણીમાં જતો રહ્યો અને ડૂબવા લાગ્યો. બીજા કોઇ બાળકોને તરતા આવડતુ ન હતું. બધા પોતાના મિત્રને ડૂબતો જોઇ રહ્યા હતા અને એને બચાવવા મદદની બૂમો પાડતા હતા. એક ખેડૂત ત્યાંથી પસાર થતો હતો એણે આ ઘટના જોઈ. એ તુરંત જ નદીમાં કૂદી પડ્યો અને ડૂબી રહેલા બાળકને બચાવી લીધો.

બાળક પૂરી રીતે સ્વસ્થ છે એની ખાત્રી થતાં એ ખેડૂત પોતાના કામ પર જવા માટે ચાલતો થયો. બચી ગયેલો બાળક ખેડૂત પાસે ગયો એનો હાથ પકડીને એને અટકાવ્યા અને કહ્યું, 'અંકલ, આપનો ખૂબ ખૂબ આભાર.' ખેડૂતે બાળક સામે જોઇને પૂછ્યું, 'બેટા, આભાર શા માટે?' બાળકે કહ્યું, 'અંકલ, આજે આપ અહીંયા ન હોત તો કદાચ હું પણ જીવતો ન હોત. મારો જીવ બચાવવા માટે આપનો આભાર માનું છું.'

ખેડૂતે બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી ધીમેથી કહ્યું, બેટા, આ તો માણસ તરીકેની મારી ફરજ હતી. ભગવાને કેવો અમૂલ્ય માનવદેહ આપ્યો છે એને બચાવવામાં હું નિમિત બન્યો એનો મને આનંદ છે.' પેલો બાળક પોતાનો જીવ બચાવનાર ખેડૂતને આભારવશ જોઇ રહ્યો. પોતાનો આભાર વ્યક્ત કરવા માટે એમણે કહ્યું, 'અંકલ તમે મારો જીવ બચાવ્યો હું એનો બદલો કેવી રીતે વાળી શકું? હું તમારા માટે શું કરી શકું? ખેડૂતે છોકરાને એટલું જ કહ્યું, 'બેટા, મારા માટે બીજુ કંઇ કરવાની જરૂર નથી. બસ મોટો થઇને તારા જીવન અને કાર્ય દ્વારા એટલું સાબિત કરજે કે તારું આ જીવન બચાવવા જેવું હતું.'

ભગવાને દરેક માણસને કોઇ ચોક્કસ હેતુ સાથે જ આ ધરતીની મુલાકાતે મોકલેલો હોય છે. ભગવાન સૌથી સમજદાર ઉત્પાદક છે પરિણામે એની ફેક્ટરીમાં તૈયાર થતો માલ નકામો ન હોય એ સ્વાભાવિક છે. તેથી જ દરેક માણસે વિચારવું જોઇએ કે એમનો જન્મ કોઇ ચોક્કસ કાર્ય માટે જ થયેલો છે. ઘણીવાર નાની-નાની નિષ્ફળતાઓને લીધે ભગવાનના મૂળભુત હેતુને સમજ્યા વગર જ માણસ આપઘાત કરવાનો વિચાર કરે છે અને એનો અમલ પણ કરે છે. હવે જુદી-જુદી પરિક્ષાઓના પરિણામની સિઝન શરૂ થશે. ધારણા કરતાં થોડા ઓછા માર્ક આવે એટલા કારણથી જ વિદ્યાર્થી મિત્રો આપઘાતનો રસ્તો અપનાવે છે. ઘણી વખત વિદ્યાર્થીઓના આવા આપઘાત પાછળ માતા-પિતાની વધુ પડતી અપેક્ષાઓ પણ કારણભૂત હોય છે. આ વખતે માસ પ્રમોશનને કારણે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓની ટકાવારીની ગણતરીઓ સાવ ઊંધી પડી જાશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ એક વાતનું ખાસ ધ્યાન રાખે કે માત્ર અને માત્ર માર્ક્સ કે ટકાવારી જ તમને સફળ જીવનની ભેટ આપે એવું બિલકુલ નથી. પરિણામ નબળું આવે કે કદાચ નાપાસ પણ થઇએ તો તેનાથી કંઇ જિંદગીનો જંગ થોડો હારી જવાય છે? આજે કરોડો યુવાનો જેની પાછળ પાગલ છે એવા સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયેલા હતા. એમને તો આપઘાત કરવાનો વિચાર ન આવ્યો? આજે દુનિયા એને ક્રિકેટનો ભગવાન માને છે. જેને આખું જગત ઓળખે છે એવા મહાત્મા ગાંધીજીની માર્કશીટ કોઇએ જોઇ છે? જે વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક આવે કે પછી નાપાસ થાય એવા મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે તમારું પરિણામ જોયા બાદ મુંઝાવાને બદલે મમ્મી-પપ્પાને સાથે લઇને રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ એટલે જે જૂની આલ્ફ્રેડ હાઇસ્કૂલની એક મુલાકાત ચોક્ક્સ લેજો અને ગાંધીજી જ્યારે ત્યાં અભ્યાસ કરતા હતા ત્યારની એમની માર્કશીટ જોજો. (ગાંધીજીની માર્કશીટ બધા જોઇ શકે એવી વ્યવસ્થા શાળાએ કરી જ છે) રાષ્ટ્રપિતાની માર્કશીટ જોઇને તમને ઓછા માર્ક્સ આવ્યા હોવા છતાં પણ આનંદ થશે કારણ કે, એના કરતાં તમારે વધુ સારા માર્ક્સ હશે એની હું તમને ખાત્રી આપું છું.

થોડા સમય પહેલાં શાપર-વેરાવળની એક કંપનીમાં એમના કર્મચારીઓ માટેના એક તાલીમ વર્કશોપમાં મારું લેક્ચર હતું. લેક્ચર સાંભળવા માટે કંપનીના ડિરેક્ટર્સે બીજી કંપનીઓના માલિકોને પણ બોલાવ્યા હતા. મારા આ વ્યાખ્યાન દરમિયાન મેં બધાને એક પ્રશ્ન પૂછ્યો, 'તમારામાંથી ગ્રેજ્યુએટ થયેલા કેટલા છે?' પ્રશ્નના જવાબમાં જે હાથ ઊંચા થયા એ માત્ર કર્મચારીઓના જ હતા. પછી આ જ પ્રશ્નમાં અભ્યાસના સંદર્ભમાં હું જેમ-જેમ નીચે ઊતરતો ગયો તેમ-તેમ કર્મચારીઓના હાથ નીચે થતા ગયા અને કંપનીઓના માલિકોના હાથ ઊંચા થતા ગયા. ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોય એવા કેટલા? એ પ્રશ્નના જવાબમાં ઊંચા થયેલા હાથમાં મોટાભાગના કંપનીઓના માલિકોના જ હતા. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી આ કંપનીના માલિકોને અભ્યાસ દરમિયાન સારું પરિણામ ન મળ્યું તો તેઓ નાસીપાસ નહોતા થયા અને પરિણામ સ્વરૂપે આજે એમને ત્યાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ નોકરી કરે છે. દુનિયાનો સૌથી અમીર માણસ બિલ ગેટ્સ કે પછી ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરનાર ધીરુભાઇ અંબાણી શું બહુ ઊંચા માર્ક લાવનારા હતા? આ બિલ ગેટ્સ કે ધીરુભાઇની સાથે અભ્યાસ કરતા હતા અને જેની માર્કશીટમાં માર્કના ઢગલા થતા હતા એ હોશિયાર વિદ્યાર્થીને ઓળખે છે કોઇ? આવાં તો અઢળક ઉદાહરણો છે કે અભ્યાસ ભલે સામાન્ય હોય છતાં પોતાના ક્ષેત્રમાં એવા આગળ વધ્યા હોય કે બધા એમને ઓળખતા હોય.

વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ દુનિયામાં વિકાસની અસીમ તકો રહેલી છે તો પછી શું લેવા નબળા વિચારો કરવા? ઉતાવળે લીધેલો નિર્ણય આપણને અને આપણા પરિવારને ક્યારેય ન ભરી શકાય એવું નુકસાન કરે છે. તમે યાદ રાખજો કે ભગવાનને તમારા દ્વારા કંઇક કાર્ય કરાવવું છે એટલે તો એમણે તમને આ દુનિયામાં મોકલ્યા છે અને જો એ આપણા દ્વારા કોઇ મહત્ત્વનું કામ કરાવવાના હોય તો એ માટે આપણને પૂરતું સામર્થ્ય પણ આપ્યું જ હોય. શાળાઓ, કોલેજો, બોર્ડ કે યુનિવર્સિટીની માર્કશીટ જ તમારું ભવિષ્ય છે એવું નહીં માનતા. માતા-પિતાને પણ વિનંતી છે કે બાળકોના નબળા પરિણામ વખતે તમારા ગુસ્સાને બદલે જો પ્રેમ મળશે તો એ બાળક કાયમ માટે તમારું બની જશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)