સુખનું સરનામું:સુખ અને શાંતિનું કાયમી સરનામું...પરિવાર અને મિત્રોમાં શોધશો તો તરત જ મળી જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષો પહેલાંની વાત છે. અરબસ્તાનમાં રાબિયા બસરી નામના સુફી સંત થઈ ગયા. રાબિયાજી નાના એવા ગામમાં ગામથી થોડે દૂર એક સામાન્ય ઝુંપડામાં રહેતા હતા. એ સમયે ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નહોતી. તેથી, રાત્રિના સમયે જો કોઈ અગત્યનું કામ હોય તો લોકો ગામના ચોગાનમાં રાખેલી મશાલના અજવાળામાં પોતાનું કામ આટોપતા. એક દિવસ રાતના સમયે મશાલના અજવાળામાં રાબિયાજી કંઇક શોધતા હતા. ત્યાંથી થોડા યુવાનો પસાર થયા. એમણે જોયું કે રાબિયાજી કંઇક શોધી રહ્યા છે. તેથી મદદ કરવાની ભાવનાથી યુવાનોએ રાબિયાજીને પૂછ્યું, 'તમે શું શોધો છો? તમારું કંઇ ખોવાયું છે? શું અમે તમને મદદ કરીએ?' રાબિયાજીએ કહ્યું, 'બેટા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઇ છે એ શોધું છું. તમે મને મદદ કરશો તો હું તમારા બધાનો આભારી રહીશ.' બધા યુવાનો સોય શોધવા લાગ્યા.

થોડા સમય સુધી પ્રયત્ન કરવા છતાં સોય ન મળી ત્યારે યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે, 'તમારી સોય ખોવાઇ છે ક્યાં એ તો કહો? અમે ઘણા સમયથી શોધીએ છીએ અને છતાંય મળતી નથી.!' ત્યારે રાબિયાજીએ ગામથી દૂર રહેલી પોતાની ઝુંપડી તરફ હાથ ચીંધીને કહ્યું, 'સોય તો મારી ઝુંપડીમાં ખોવાઇ છે...’ યુવાનોએ આશ્ચર્ય સાથે પૂછ્યું, 'સોય ઝૂંપડામાં ખોવાઇ છે તો પછી ગામના ચોકમાં શા માટે શોધો છો?' રાબિયાજીએ તો ભોળાભાવે જવાબ આપ્યો, 'પરંતુ ઝુંપડામાં અંધારું છે અને અહીં સરસ અજવાળું છે એટલે અહીંયા શોધું છું.'

યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનોને હસતા જોઇને રાબિયાજીએ એનું કારણ પૂછ્યું ત્યારે યુવાનોએ હસતાં હસતાં જ કહ્યું કે, 'તમે પણ કેવી મુરખ જેવી વાત કરો છો. સોય જ્યાં ખોવાઇ હોય ત્યાં જ મળે પછી ભલે ત્યા અંધારું હોય, જ્યાં ખોવાઇ જ નથી ત્યાં આ મશાલ નહીં, સૂર્યપ્રકાશ હોય તો પણ ન મળે.' આ સાંભળતા જ રાબિયાજીએ કહ્યું, 'તો પછી હું એકલો જ નહીં આખી દુનિયા મુરખી જ છે કારણ કે, દુનિયાની પ્રત્યેક વ્યક્તિનું સુખ અને શાંતિ ખોવાયાં છે કોઇ જુદી જગ્યાએ અને શોધે છે કોઇ જુદી જગ્યાએ.'

રાબિયાજીના મત પ્રમાણેની આ મુરખાઓની યાદીમાં આપણો પણ સમાવેશ થઇ જાય છે. વિશ્વની પ્રત્યેક વ્યક્તિના તમામ પ્રયાસો સુખ-શાંતિની પ્રાપ્તિ માટેના જ હોય છે અને બહુ ઓછા લોકો એ મેળવી શકે છે. ઘણીવખત સમૃદ્ધિ મળ્યા પછી પણ સુખ-શાંતિ નથી મળતા અને મળે છે તો ટકતા નથી. કવિ મનોજ ખંઢેરિયા કહે છે, 'જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું પડે એમ પણ બને.' મનોજભાઇના આત્માને કહેવાની ઇચ્છા થાય કે, 'મનોજભાઇ એમ પણ બને નહીં, એમ જ બને છે.'

આવું કેમ થાય છે? એનો જવાબ રાબિયાજીએ આપી જ દીધો છે. આપણું સુખ અને શાંતિ ખોવાયા છે કોઇ જુદી જગ્યાએ અને આપણે એને શોધીએ છીએ કોઇ જુદી જગ્યાએ પછી એ ક્યાંથી મળે? આપણું સાચું સુખ, શાંતિ કે આનંદ પરિવાર અને મિત્રો સાથેના મજબૂત સંબંધોમાં ખોવાયા છે અને આપણે એને શોધીએ છીએ પદ, પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં. પરિવાર અને મિત્ર વગર સંપત્તિ ક્યારેય માણસને આનંદ ન આપી શકે. સંપત્તિથી સગવડતાઓ મેળવી શકાય સુખ નહીં.

કોઇ દંપતી આર્થિક રીતે સમૃદ્ધ હોય તો કદાચ રજાઓમાં ફરવા માટે ચાર્ટર્ડ પ્લેન કરીને એ સ્વિટ્ઝર્લેન્ડ જશે પણ ત્યાં ગયા પછી રોજના એક લાખનું ભાડું હોય એવો રાજા મહારાજા જેવા આલીશાન હોટલના રૂમમાં રહેશે અને છતાંય મજા ન આવે એવું બને અને બીજીબાજુ સરકારી બસમાં બેસીને રાજકોટ આવેલા અને શટલ રીક્ષામાં બેસીને રેસકોર્સ પહોંચેલાં પતિ-પત્ની માત્ર 5 રૂપિયાની ખારી શીંગ વેચાતી લઇને એ ખાતાં ખાતાં પણ વધુ આનંદ મેળવી શકે છે.

પરિવારની વ્યક્તિઓ અને મિત્રો સાથેના લાગણીમય સંબંધો પર આનંદ અને સુખ નિર્ભર છે. આજે દિવસે ને દિવસે પરિવારથી દૂર થતા જઇએ છીએ. સગા વહાલાઓ તો જાણે લગ્નપ્રસંગે નિમંત્રિતોની યાદી તૈયાર કરતી વખતે જ યાદ આવે છે. જરા તમારી જાતને પૂછો તો ખરા કે વેકેશનમાં જે મામાની ઘરે આખો મહિનો પડ્યા પાથર્યા રહેતા એ મામાને છેલ્લે ક્યારે ફોન કર્યો હતો? જે દાદા પોતાના ખભા પર બેસાડીને ગામ બતાવવા નીકળતા એ દાદા પાસે બેસવાનો સમય છે ખરો?

'અરે, આજની દોડધામ ભરી જિંદગીમાં એવો સમય જ ક્યાં મળે છે?' આવું બહાનું બતાવીને છટકવાનો પ્રયાસ કરનારા આપણે વ્હોટ્સએપ અને ફેસબુકની દુનિયાના કાલ્પનિક મિત્રોને કેટલો સમય આપીએ છીએ? ફેસબુકિયા મિત્રો માત્ર મીઠી મીઠી અને ગલીપચી થાય એવી વાતો કરે એટલે બહુ ગમે છે પણ ઘરના સભ્યો કે મિત્રો સીધા જ મોઢે ચોપડાવી દેતા હોય એટલે એનાથી દૂર ભાગીએ છીએ. કાલ્પનિક દુનિયાના કોઇ મિત્ર દ્વારા 'આઇ મિસ યુ'નો મળતો સંદેશ બીજા દસ જણાને ફોરવર્ડ થયેલો પણ હોઈ શકે અને બીજીબાજુ મમ્મી કે પપ્પા આવો કોઇ મેસેજ ન મોકલતા હોય અને છતાંય આપણી ગેરહાજરીમાં આપણને મિસ કરતા હોય એ વાસ્તવિકતા છે. ટેક્નોલોજીનો ઉપયોગ મર્યાદામાં થાય ત્યાં સુધી બરાબર છે બાકી મર્યાદાની બહાર તો ઔષધ પણ ઝેર બની જાય.

જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ જરૂરી છે પણ પરિવાર અને મિત્રો અનિવાર્ય છે. જેમણે જેમણે પોતાના જીવનમાં જરૂરિયાતો કરતાં અનિવાર્યતાઓને પ્રાધાન્ય આપ્યું છે તેઓ હંમેશાં સુખી થયા છે અને એમણે શાંતિની અનુભૂતિ પણ કરી છે. સુખ-શાંતિનાં આ સાચાં સરનામાંને હૃદયમાં કોતરી રાખજો.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)