પોઝિટિવ પેરેન્ટિંગ:પેરેન્ટિંગ સ્ટાઇલઃ ઓથોરિટેરિયન, ઓથોરિટેટિવ, પર્મિસિવ... આમાંથી તમે કેવાં પેરેન્ટ્સ છો?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે કેવા પેરન્ટ (વાલી) બનો છો તે ઘણા ભાગે તમારા કલ્ચર (સંસ્કૃતિ) અને દેશ ઉપર આધારિત છે અને વળી પેરન્ટિંગ સ્ટાઇલ બીજી વસ્તુઓ ઉપર પણ આશ્રિત છે જેમ કે, તમારી ઉંમર, તમારું ભણતર (દેખીતી વસ્તુ છે!) અને તમે ક્યાં રહો છો (ભારતમાં કે પરદેશમાં.)

એશિયન વાલીઓ પોતાના બાળકોનો ઉછેર પશ્ચિમ દેશના વાલીઓથી સાવ જુદી રીતે કરે છે. એશિયાના સમાજની સામુદાયિક રહેણીકરણી અને પારસ્પરિક નિર્ભરતાનાં મૂલ્યો પર આધારિત હોય છે. એટલે સામાન્ય રીતે એશિયાઈ વાલીઓ પોતાનાં સંતાનોને આ બધું શીખવાડતાં હોય છે, જેમ કે, આજ્ઞાનું પાલન કરવું, અનુશાસનમાં રહેવું અને કુટુંબ ઉપર આશ્રિત રહેવું.

જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ વ્યક્તિવાદી હોય છે એટલે વાલીઓ પોતાનાં બાળકોનો ઉછેર વધુ સ્વાયત્તતાથી કરે છે અને તેમને હંમેશાં સ્વતંત્ર થઇને વ્યક્તિગત લક્ષ્યો કેળવવા માટે પ્રોત્સાહન આપે છે. જ્યારે બીજીબાજુ, જો બાળક વ્યક્તિગત અને સ્વતંત્રરૂપે નિર્ણય લે તો ઘણા એશિયન વાલીઓને આ અપમાનજનક લાગે છે કારણ કે, અહીંના વાલીઓ કુટુંબને હંમેશાં પોતાનાથી પહેલા મૂકવામાં માને છે.

પેરન્ટિંગ સ્ટાઇલ
ભલે અંદરોઅંદર ઘણું સાંસ્કૃતિક અંતર હોય પણ સામાન્ય રીતે પેરન્ટિંગ સ્ટાઇલ્સનું વર્ગીકરણ મોટાભાગે આ ત્રણ પ્રકારોમાં થાય છેઃ

ઓથોરિટેરિયન (સરમુખત્યારશાહી)
આ પ્રકારના વાલી પોતાના બાળક ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. તે ખૂબ જ ડિમાન્ડિંગ (માગણી કરનાર) હોય છે અને પોતાના બાળકને સાવ ઓછી સ્વાયત્તતા આપે છે.

ઓથોરિટેટિવ (પ્રમાણસિદ્ધ)
આ પ્રકારના વાલી બાળકની જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખે છે, તેઓ ડિમાન્ડિંગ હોય છે અને પોતાના બાળકને થોડી સ્વાયત્તતા અને છૂટ આપે છે.

પર્મિસિવ (છૂટ આપનારું)
આ પ્રકારના વાલી સૌથી ઓછા ડિમાન્ડિંગ હોય છે અને તેઓ પોતાના બાળકને ખૂબ જ સ્વાયત્તતા આપે છે.

તમારા માટે હું એક પૉપ ક્વિઝ લાવી છું જેના થકી તમારી ભાવનાઓ અને વલણને જાણી શકશો. નીચે આપેલાં વાક્યોમાંથી કયો પ્રતિભાવ તમારા ઉપર સાચો બેસે છે? જાણો.

  • મારું કિશોરવયનું બાળક જાતે મને પૂછ્યા વગર બહાર જાય તેનાથી મને કોઈ વાંધો નથી.
  • જ્યારે મારું બાળક મારા નિર્ણયોને પડકારે છે ત્યારે હું નારાજ/ગુસ્સે થઇ જાઉં છું.
  • મારું બાળક તેના મિત્રો સાથે બહાર જાય તેનાથી મને કોઈ વાંધો નથી પણ હું ચોક્કસ તેના માટે થોડા નિયમ બનાવીશ.
  • મારો દીકરો વાહન ચલાવે તેની સામે મને કોઈ વાંધો નથી પણ હું મારી દીકરીને તો વાહન ચલાવવા નહીં દઉં.
  • મારું એવું માનવું છે કે બાળકોએ હંમેશાં વડીલોનું માન રાખવું જોઈએ અને સામે જવાબ ન આપવો જોઈએ.

હવે મને ખાતરી છે કે તમારામાંથી ઘણા વાલીઓ પોતાની પેરન્ટિંગ સ્ટાઇલ કઈ છે તે જાણવા માટે ઉત્સુક હશો. જો વાલી તરીકે તમે આવાં વાક્યોનો ઉપયોગ વધુ કરો છો કે, 'વડીલોનું માન રાખો', 'કુટુંબની આબરૂ મહત્ત્વપૂર્ણ છે' વગેરે તો તમે પેરન્ટિંગની ઓથોરિટેરિયન સ્ટાઇલનું અનુકરણ કરી રહ્યા છો. તમે કેવા વાલી છો અને આમાંથી કઈ સ્ટાઇલ બાળક માટે સૌથી લાભકારી છે? સંશોધનનું આના વિશે શું મંતવ્ય છે એ તમને કહું એ પહેલા ચાલો હું તમારી જોડે વિવિધ સંસ્કૃતિઓની પેરન્ટિંગ સ્ટાઇલનાં રોચક ઉદાહરણ શેર કરું.

વિવિધ સંસ્કૃતિઓના પેરેન્ટિંગ સ્ટાઇલનાં ઉદાહરણ
એક ખૂબ જ રસપ્રદ સ્ટડીમાં સંશોધકોએ અમેરિકા અને જાપાનના પેરન્ટિંગ સ્ટાઇલના તફાવત વિશે બહુ જ સરસ ઉદાહરણો આપ્યાં છે. ખોરાકના બગાડને લઈને એક અમેરિકન વાલી બાળક પાસેથી તેના વિશેષાધિકાર લઇને તેને સજા આપશે. દાખલા તરીકે, અમેરિકન વાલી એ બાળકને એવું કેહશે કે 'જો તું આખી જમવાની પ્લેટ પૂરી નહીં કરે તો તને ડેઝર્ટ (મિષ્ઠાન્ન) નહીં મળે અને બીજીબાજુ જાપાનના વાલી પહેલા બાળકને ખેડૂત તે અનાજને કઈ રીતે તેની મહેનતના પરસેવાથી ઉગાડે છે તે સમજાવશે અને પછી તે બાળકને પૂછશે 'આ ખોરાકના બગાડને જોઈને એ ખેડૂતને કેવું લાગશે?' આ રીતે એ આ તકનો ઉપયોગ બાળકને બીજાની ભાવનાઓને કઈ રીતે માન આપવું તેના માટે કરશે.

આ સ્ટડી પ્રમાણે જ્યારે એક જાપાની માતા પોતાના બાળકને સ્કૂલેથી લેવા આવે છે ત્યારે તે શાંતિથી એક બાજુ ઊભી રહીને રાહ જુએ છે કે બાળક પોતાની પ્રવૃત્તિ પૂરી કરે. જ્યારે બાળક સ્કૂલેથી નીકળવા માટે તૈયાર થાય ત્યારે તે તેને તેની બેગ ભરવામાં મદદ કરે છે અને શાંતિથી તેઓ બંને સ્કૂલેથી પાછા વળે છે. આનાથી તદ્દન વિરુદ્ધ છે અમેરિકાના વાલીઓ, તેઓ બાળકને એવું કહીને જલ્દી કરાવે છે, 'ચાલો જલ્દી કરો આપણે જવાનું છે.' 'જલ્દી કર આપણને મોડું થઇ રહ્યું છે.' વાલીનું આ વર્તન બાળકના ભવિષ્યના વ્યવહારને આકાર આપે છે.

પેરન્ટિંગનાં પુસ્તકોમાં મોટાભાગે આપણને પશ્ચિમી પેરન્ટિંગ સ્ટાઇલની ટિપ્સ મળે છે, જે ભારતના સંદર્ભમાં વાળી ન શકવાના કારણે યોગ્ય નથી. ભારતની પેરેન્ટિંગ સ્ટાઇલ ઉપર કરેલાં સંશોધન મુજબ, મોટી સંખ્યાના વાલીઓ વધુ પડતા ઓથોરિટેરિયન હોય છે; એટલે કે તેઓ પોતાનાં બાળકો ઉપર વધુ નિયંત્રણ રાખે છે કારણ કે, આનાથી તેમના માનવા મુજબ બાળકો વધુ આજ્ઞાકારી નીવડે છે. તેમ છતાં ઓથોરિટેરિયન પેરન્ટિંગની બાળક ઉપર નકારાત્મક અસર જોવા મળી છે અને બાળક આ બધા બિહેવિયરલ ડિસઓર્ડર (વર્તન વિકાર)નો શિકાર બને છે - આક્રમકતા, બુલિંગ (દાદાગીરી કરનારું) વગેરે.

ભારતની પેરન્ટિંગ સ્ટાઇલને પશ્ચિમી પેરન્ટિંગ સ્ટાઇલ સાથે સરખાવતાં વિવિધ સંશોધન પ્રમાણે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના વાલીઓ કરતાં ભારતના વાલીઓ વધુ કઠોર અને ઓથોરિટેરિયન છે. ભારતીય માતાઓ વધુ નિયંત્રક છે! કોઈક-કોઈક તો પોતાનાં બાળકોને સજા પણ આપે છે અને મારે છે પણ ખરી. પરંતુ આ સંશોધન પ્રમાણે, પશ્ચિમ દેશોમાં વસેલા ભારતીય વાલીઓ ઓછા નિયંત્રક છે.

પેરન્ટિંગ સ્ટાઇલ - સંશોધન શું કહે છે?
પેરન્ટિંગની જે સ્ટાઇલ સૌથી લાભદાયક છે તે છે ઓથોરિટેટિવ કારણ કે, અહીં વાલી મક્કમ છે પણ બહુ નિયંત્રક નથી અને તે બાળકોની જરૂરિયાતોને પણ સમજી શકે છે. જ્યારે પર્મિસિવ પેરન્ટિંગ એ પ્રથમ દૃષ્ટિએ તો બાળકને સશક્ત કરતું હોય એવું લાગે છે પણ હકીકતમાં એ બાળકનું આત્મસન્માન ઘટાડે છે.

આ સંશોધન એવું પણ જણાવે છે કે, સ્ત્રીઓના વધુ શિક્ષણને લીધે ગ્લોબલાઇઝેશન (વૈશ્વિકરણ)ને લીધે અને પેઢીઓના બદલતા દૃષ્ટિકોણને લીધે વાલીઓ હવે વધુ જાગૃત બની ગયા છે અને તેઓ પોતાની પેરન્ટિંગ સ્ટાઇલને ઓથોરિટેરિયન બનાવવા તરફ વળી રહ્યા છે. હકીકતમાં ન્યુક્લિયર (વિભક્ત) કુટુંબોના આગમનના લીધે નવી પેઢીના વાલીઓ પોતાના બાળકોને વધુ સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ બધા વચ્ચે સૌથી સારો માર્ગ એ છે કે આપણે એક ટેકો આપનાર મક્કમ વાલી બનવાનો પ્રયત્ન કરીએ...પણ એટલું ધ્યાન રાખીએ કે આપણે પર્મિસિવ અથવા એબસન્ટ (ગેરહાજર) વાલી બનીને ના રહી જઇએ.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)