મારી વાર્તા:‘પારસમલ, સિરિયસ મેટર છે, આપણે અર્જન્ટ મળવું પડશે...’ આ સાંભળીને એક વખત જેલની હવા ખાઈ આવેલો પારસમલ સહેજ ગભરાયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ ફોનની ઘંટડી રણકી. કાર ડ્રાઈવ કરતાં કરતાં પારસમલે મોબાઈલના સ્ક્રીન પર નામ વાંચ્યું: ગિરીશ મહેતા. એણે તરત ફોન કટ કર્યો. થોડીવારે ફરીથી મોબાઈલની ઘંટડી રણકી. ફરીથી ગિરીશ મહેતા નામ વાંચીને પારસમલે કનેક્ટ થઈને સ્પીકર પર કહ્યું, ‘ગિરીશ, હું અત્યારે કાર ડ્રાઈવ કરું છું, તને સાંજે ફોન કરીશ.’

‘પારસમલ, બહુ સિરિયસ મેટર છે. આપણે અર્જન્ટ મળવું પડશે...’ ‘કેમ, એવું શું છે?’ ‘ફોન પર વાત નહીં કરી શકાય...રૂબરૂ જ મળવું પડશે...’ સામેથી દબાયેલો સ્વર સંભળાયો. ‘ઠીક છે, તો હું એકાદ કલાકમાં તારી ઓફિસે આવી જાઉં છું, ઓકે?’ ‘હા, પણ આવજે અચૂક...તારા માટે બહુ ગંભીર વાત છે...’ એક વખત જેલની હવા ખાઈ આવેલો પારસમલ સહેજ ગભરાયો. બોલ્યો, ‘જરૂર આવું છું...!’

ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

કારમાં ગીત વાગી રહ્યું હતું, ‘સચ્ચાઈ છૂપ નહીં સકતી બનાવટ કે ઉસૂલોં સે, કે ખુશ્બૂ આ નહીં સકતી કભી કાગઝ કે ફૂલોં સે...’

કારનું એસી ચાલુ હતું તો પણ પારસમલને પરસેવો વળતો હોય એમ લાગ્યું.

કોણ છે આ પારસમલ?

કહેવાય છે કે પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે, પરંતુ અહીં ઊલટી ગંગા હતી. જે પાખંડી પારસમલની વાત કરવાની છે એના સ્પર્શથી તો સુવર્ણ પણ લોઢું બની જાય! પારસમલ જમીનની દલાલીનો વ્યવસાય કરતો હતો. જોકે એ તો સરકારને અને સમાજને છેતરવા માટેનો વ્યવસાય, બાકી એનો સાચો કારોબાર તો ભોળા લોકોને છેતરવાનો! સ્વજનો સાથે વિશ્વાસઘાત કરવાનો! ભરપૂર કમાણીનો ભરોસો આપીને ભાઈબંધો પાસેથી લાખો રૂપિયા લેવાનો...પછી આડીઅવળી વાતો કરીને એ પૈસા હજમ કરી લેવાના! આવાં કૌભાંડો કરીને એ કરોડો મેળવતો અને પછી હજારો-લાખોનું દાન કરતો! એટલે સમાજમાં પારસમલની ઓળખ દાનવીર સજ્જન તરીકેની બની ગઈ હતી. જાહેરમાં સજ્જનતા અને નમ્રતાનું મહોરું એ એવી ખૂબીથી પહેરી લેતો કે એની ભીતરનાં કાળાં કરતૂતો સગી આંખે જોવા છતાં લોકો ભરમાઈ જતા હતા.

એમાં વળી પારસમલના મામાએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈ ચૂકેલા મામા તો એના વિશે કોઈને કશું કહેતા નહોતા (કદાચ એને સાચી રીતે ઓળખતા જ હશે!), પણ પારસમલને મામા-સાધુના ભાણિયા તરીકે લાભ લેવાનું સારી રીતે આવડતું હતું. કાવાદાવા કરીને તથા ભોળા લોકોનો વિશ્વાસ જીતીને જુદી જુદી સંસ્થાઓમાં ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટીનાં સ્થાન એણે મેળવી લીધાં હતાં.

અલબત્ત, એના ગોરખધંધાઓને કારણે એક વખત એણે પંદર દિવસ માટે જેલમાં પણ જવું પડ્યું હતું. જેલની સજા ભોગવ્યા પછી પણ પારસમલ સુધર્યો નહીં. હા, થોડોક સાવધ જરૂર થયો હતો! એ સ્પષ્ટપણે માનતો હતો કે દુનિયાને બેવકૂફ બનાવવી બહુ આસાન છે. આપણે લાઈફમાં ચમકદમક અને ભપકો અને ઠાઠમાઠ ભરપૂર રાખવાનાં...એટલે બેવકૂફ બનવા માટે લોકોનાં ધાડેધાડાં લાઈનમાં ઊભાં રહેશે!

આમ તો પારસમલ અત્યારે એના એક મિત્રના મિત્રને નવી જમીન અપાવવાના કામ માટે જઈ રહ્યો હતો, પણ એને થયું કે પહેલાં ગિરીશને મળી લઉં...એ કઈ સિરિયસ વાત કહેવા માગતો હશે ? એણે કાર ગિરીશ મહેતાની ઑફિસ તરફ વાળી દીધી.

‘આવ, પારસમલ! હું તારી જ રાહ જોતો હતો!’ ગિરીશ મહેતાએ સ્વાગત કર્યું. ‘બોલ, એવું તે કયું સિરિયસ મેટર છે?’ પારસમલે અધીરાઈથી પૂછ્યું. ‘જો પારસમલ, મારી વાત શાંતિથી અને ધ્યાનથી સાંભળ. લગભગ દસેક વર્ષ અગાઉ તારા પૂનાવાળા ફ્રેન્ડ સાથે તેં એના સાઠ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. અમદાવાદની નજીકમાં એને બહુ મોટો પ્લોટ અપાવવાનું તેં કહ્યું હતું...દસ વર્ષથી એ તારા ભરોસે રહ્યો હતો...’ ‘તું પેલા જયેશની વાત કરે છે?’ ‘હા....’ ‘એને તો મેં હમણાં થોડા દિવસ પહેલાં જ ચોખ્ખું કહી દીધું હતું કે હવે એણે આપેલી રકમમાંથી એને કશું મળે એમ નથી અને માથાભારે ખેડૂતો પાસેથી જમીન પણ મેળવી શકાય એમ નથી... એ એના દીકરાને લઈને મને મળવા આવ્યો હતો...’ પારસમલ સહેજ અકળાઈને બોલ્યો.

ગિરીશ મહેતાએ એની નજર સાથે નજર મેળવીને કહ્યું, ‘મારી વાત શાંતિથી સાંભળ. એ જયેશ પાસે તમારી બંનેની છેલ્લી રૂબરૂ વાતચીતનું વિડીયો રેકોર્ડિંગ છે અને અગાઉ તમારે ફોન પર થયેલી બે-ત્રણ આ વખતની વાતનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે. તેં છેલ્લે એ બાપ-દીકરાને પૈસા કે જમીન બંનેમાંથી કશુંય નહીં આપવાનું કહીને વિદાય કર્યા હતા એટલે હવે એ બરાબર ગુસ્સે ભરાયો છે અને તને જાહેરમાં બદનામ કરવાનો પ્લાન વિચારી રહ્યો છે...’ કહીને ગિરીશ અટક્યો. ‘તને આ વાત કોણે કહી?’ પારસમલે પૂછ્યું.

‘મને એક ભરોસાપાત્ર વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું છે. જયેશે કોઈ વકીલનોય સંપર્ક કર્યો છે. તારી પહોંચ બહુ ઊંચી અને લાંબી છે એની એને ખબર છે, એટલે એ પોતાનો પાયો બરાબર મજબૂત કરીને પછી જ એટેક કરશે...!’

પારસમલના ચહેરા પર થોડી ચિંતા પથરાઈ ગઈ. ગિરીશે આગળ કહ્યું, ‘દોસ્ત! એક વખત તું જેલમાં જઈ આવેલો છે એટલે જયેશ માટે તને બદનામ કરવાનું સહેલું છે. વળી તું એ પણ જાણે છે કે તું જે સંસ્થામાં ટ્રસ્ટી છે એમાં કેટલાક ટ્રસ્ટીઓ અત્યારે તારાથી નારાજ છે. એમને ડાઉટ છે કે તું ટ્રસ્ટમાં ઉચાપત કરે છે અને દાદાગીરીથી મનમાની કરે છે. મેં તો સાંભળ્યું છે કે તારા બીજા એકાદ-બે સગાઓ સુધી પણ જયેશ પહોંચી ગયો છે અને એ લોકો પણ જયેશને ઈનડાયરેક્ટલી ટેકો આપવાના છે...’

‘એની પાસે ભલે ગમે તેટલા પુરાવા હોય, એ મારી સામે કોર્ટમાં જીતી શકવાનો નથી! પોતાની ચિંતા છુપાવીને બેફિકરાઈ બતાવતાં પારસમલ બોલ્યો. ‘કોર્ટમાં હાર-જીતનો સવાલ જ નથી, દોસ્ત! આ તો સમાજમાં તારી પ્રતિષ્ઠા ખરડાઈ જવાનો મુદ્દો છે. જે લોકો આજે તને માથે બેસાડે છે, તને દાનવીર ગણીને તારું સન્માન કરે છે, તને જાતજાતના ઊંચા હોદ્દા પર બેસાડી રહ્યા છે, એ જ લોકો આવતીકાલે તને લાત મારતા થઈ જશે...’ ‘અરે એમ કાંઈ બધા મૂરખ થોડા હોય કે એની વાત સાચી માની લે?’

‘લોકો નેગેટિવ વાત હંમેશાં જલદી સાચી માની લેતા હોય છે, પુરાવા તો પોઝિટિવ વાતના આપવા પડે! લોકોમાં નિંદારસ ભરપૂર હોય છે. વળી, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. માણસે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે વર્ષો સુધી તપ કરવું પડે છે, પરંતુ પ્રતિષ્ઠાને ધૂળમાં મળી જતાં માત્ર એક સેકન્ડનો સમય લાગે છે!’

‘હું એવા જયેશથી જરાય ડરતો નથી...’ પારસમલે કહ્યું.

‘તું તારો ડર છુપાવી રહ્યો છે એની મને ખબર પડે છે, પારસમલ! એક મિત્ર તરીકે તને આ સલાહ આપું છું. જયેશ પાસે જઈને એને સમાધાન રૂપે યોગ્ય રકમ આપીને એનાથી પીછો છોડાવી લે એ તારા હિતમાં છે. સર સલામત તો પઘડિયાં બહોત! સમાજમાં ઈજ્જત-આબરૂ હશે તો પૈસા તો ફરીથી કમાઈ લેવાશે, પણ જો એક વખત બદનામ થઈ જઈશ તો તું અને તારો સમગ્ર પરિવાર ડૂબી જશે!’ પારસમલ શાંત રહ્યો. કશું બોલવા માટે એની પાસે શબ્દ નહોતા.

‘પાણી પહેલાં પાળ બાંધી લે, દોસ્ત! પદ અને પ્રતિષ્ઠા બધું વેરવિખેર ન થઈ જાય એ રીતે બાજી સંભાળી લે...’ ગિરીશ વાત કરતો હતો, ત્યાં જ પારસમલના મોબાઈલમાં ઘંટડી વાગી. મોબાઈલના સ્ક્રીન પર જોઈને એ બોલ્યો, ‘જયેશનો જ ફોન છે...’

જયેશ સાથે વાત કરવાની સામે ચાલીને તક મળી છે એ જાણીને ગિરીશે કહ્યું, ‘દોસ્ત, એની સાથે વાત કરીને એક વખત વાત વાળી લે...તને તો એવું બધું સારું ફાવે છે એ હું જાણું છું... ગમે તે માણસને તું તારી વાણીની ચતુરાઈથી પ્રભાવિત કરવા સમર્થ છે. તારી એ આવડતનો અત્યારે જ લાભ લઈ લે...નહિતર પછી એવું ન બને કે તારા પસ્તાવા પર પણ કોઈ ભરોસો ન કરે!’

પારસમલે ગિરીશ સામે જોઈને, આંખો જરા નમાવીને ફોન રિસીવ કરતાં કહ્યું, ‘હેલો, જયેશ! હું તને જ એક સરપ્રાઈઝ માટે ફોન કરવાનો હતો... તારા સાઠ લાખ રૂપિયા સામે જે જમીનનો સોદો મેં કર્યો હતો, એ ખેડૂત હવે થોડીક રકમ આપવા તૈયાર થયો છે. એણે મને મળવા માટે આવતીકાલે બોલાવ્યો છે. કદાચ તારું કામ પતી જશે!’ અવાજમાં શક્ય એટલો આનંદ ઘૂંટીને પારસમલે કહ્યું.

‘ભલે, હજી એક વખત તારી વાત પર ભરોસો કરી લઉં છું. બાકી છેલ્લે તેં મારી સાથે જે રીતે વાત કરી હતી એ જોતાં તો...’ સામેથી જયેશ બોલ્યો. ‘અરે, યાર! ખોટું ના લગાડ...એ દિવસે હું બીજી એક બાબતે ગુસ્સામાં હતો, એટલે તારી સાથે વાત બરાબર કરી નહોતી. એ માટે સોરી...! પણ હવે તારી રકમ લઈને ટૂંક સમયમાં જ તને મળવા આવું છું...!’

‘ઠીક છે, આઈ એમ વેઇટિંગ ફોર યુ...’ કહીને જયેશે વાત પૂરી કરી. પારસમલે ગિરીશ સામે જોઈને કહ્યું, ‘થેન્ક્યુ, મિત્ર! આજે કદાચ તારા કારણે જ હું સંભવિત બદનામી અને બરબાદી બંનેથી બચી ગયો છું!’

પારસમલે વિદાય લીધી એ પછી ગિરીશ મહેતા પોતાની ખુરશી પરથી ઊભો થયો. એણે પોતાના મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો. સામે છેડેથી ફોન ઊપડ્યો એટલે ગિરીશ બોલ્યો, ‘કોન્ગ્રેચ્યુલેશન્સ, જયેશ. મિશન એકમ્પ્લિશ્ડ!’

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)