સુખનું સરનામું:આપણું કાર્ય લોકોને પ્રભુની અનુભૂતિ પણ કરાવી શકે... એટલે એવાં કાર્યો કરો કે લોકોનો ભગવાન પરનો વિશ્વાસ વધે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 સૌનિકોની એક ટીમને 3 મહિના માટે એના મેજરની આગેવાની હેઠળ હિમાલયની પહાડીઓ પર આવેલી એક ચોકી પર નિયુક્ત કરવામાં આવી. નિમણૂકના આદેશ મળતાં જ ટીમ તેના લીડરની આગેવાની હેઠળ એમની ફરજના સ્થળે હાજર થવા માટે નીકળી પડી. રસ્તો બહુ કઠીન હતો. ચોકી એવી જગ્યા પર આવેલી હતી કે છેક ચોકી સુધી કોઇ પ્રકારનું વાહન જઇ શકે તેમ નહોતું. તેથી, કેટલાક કિલોમીટર ફરજીયાતપણે પગપાળા મુસાફરી કરવાની હતી. ટીમના સભ્યો ચાલી ચાલીને થાકી ગયા. સેનાના જવાન હતા એટલે થાકવા છતાં એમનું ચાલવાનું ચાલુ જ હતું. બધાને રિફ્રેશમેન્ટ માટે ચા પીવાની બહુ ઇચ્છા હતી, પણ આ પર્વતમાળા પર ચા ક્યાં મળે? રસ્તામાં દૂર-દૂર એક નાના ઢાબા જેવું કંઇક દેખાયું. આંખો ઝીણી કરીને જોયું તો એ ચા-નાસ્તા માટેની જ નાની દુકાન હતી. દુકાનને દૂરથી જોઇને જ થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી.

બધાના પગમાં એક નવું જ જોમ આવ્યું. થાક ક્યાં ચાલ્યો ગયો એની કંઇ જ ખબર ન પડી. બધા ઝડપથી ચાલીને દુકાન સુધી પહોંચી ગયા. દુકાન પાસે આવીને જોયું તો ખબર પડી કે દુકાનને તાળું મારેલું છે. નદીના કાંઠે પહોંચીને પણ પાણી પીધા વગર રહી ગયા હોય એવું બધાને લાગ્યું. એક સૈનિકે કહ્યું, 'આ દુકાનનો માલિક ક્યાંય દેખાતો નથી. આજુબાજુ કોઇ રહેતું પણ નથી. મેજર સાહેબ સંમતિ આપે તો આપણે દુકાનનું તાળું તોડી નાંખીએ. મને ચા બનાવતા આવડે છે હું બધા માટે ચા તૈયાર કરી આપીશ.' બીજા સૈનિકે કહ્યું, 'અલ્યા તાળું તોડ્યા પછી જો દૂધ જ નહીં હોય તો ચા કેવી રીતે બનાવીશ?' પ્રથમ સૈનિકે કહ્યું, 'મારી પાસે બેગમાં દૂધના પાઉડરનાં પાઉચ છે એટલે દૂધની કોઇ ચિંતા નથી.'

મેજરને સૈનિકની તાળું તોડવાની દરખાસ્ત યોગ્ય ન લાગી. તેમ છતાં ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ બહુ હતી એટલે મેજરે નાછુટકે છુટ આપી. સૈનિકોના મનોબળને તોડવા કરતાં દુકાનનું તાળું તોડવું એને વધુ યોગ્ય લાગ્યું. તાળું તોડીને અંદર પ્રવેશ્યા. સદનસીબે ચા બનાવવા જરૂરી બધો સામાન હતો અને નાસ્તા માટે બિસ્કિટની સાથે બીજી પણ કેટલીક નાની-મોટી વસ્તુઓ હતી. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે ચા નાસ્તાના ખર્ચ પેટે તથા તાળું તોડવાની ગુસ્તાખી કરવાની માફી માગવાની ભાવનાથી મેજરે એના પાકિટમાંથી 500ની 4 નોટ કાઢીને કાઉન્ટર પર મૂકી અને ઊડી ન જાય એટલે એના પર વજન પણ મૂક્યું.

સૈનિકોની આ ટીમ દુર્ગમ પર્વત પરની ચોકી ખાતે ફરજ બજાવીને બેઝ કેમ્પ પરત આવતી હતી ત્યારે આ જ ચાની દુકાન પર રોકાયા. આ વખતે દુકાન ખુલ્લી હતી અને એક વૃદ્ધ દાદા દુકાનમાં બેઠા હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. સૈનિકોએ કપરી પરિસ્થિતિમાં દેશ માટે તેઓ બધા કેવી રીતે ફરજ બજાવે છે એની વાતો કરી. સૈનિકોની વાતો સાંભળીને દાદાને ખૂબ આનંદ થયો. એમણે કહ્યુ, 'મને ખબર જ નહોતી કે અમારા જેવા સામાન્ય લોકોના રક્ષણ માટે તમે આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે પરિવારથી દૂર રહીને ફરજો બજાવો છો. મને તમારા બધા પર ખૂબ ગર્વ છે અને હવેથી હું રોજ બધા સૈનિકોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરીશ.' એક સૈનિકે કહ્યુ, 'કાકા, ભગવાન જેવું આ જગતમાં કંઇ નથી. જો ભગવાન હોય તો તમે આવી વૃદ્ધાવસ્થામાં આમ હેરાન ન થતા હોત!'

દાદાએ કહ્યુ , 'ના સાહેબ, ખરેખર ભગવાન છે જ અને આપણી પ્રાર્થના પણ સાંભળે છે એના મારા એક અનુભવની તમને વાત કરું. ત્રણ મહિના પહેલાં મારા દીકરાને અકસ્માત થયેલો. મને સમાચાર આપવા માટે એક ભાઇ મારી દુકાને આવ્યો એટલે દુકાન બંધ કરીને હું ફટાફટ એ ભાઇ ભેગો જ હોસ્પિટલ પહોંચ્યો. મારી પાસે દવાના પૈસા નહોતા. આવી મુશ્કેલભરી પરિસ્થિતિમાં માર્ગ બતાવવા મેં પ્રભુને પ્રાર્થના કરી. હું ત્યાંથી દુકાન પર આવ્યો તો તૂટેલું તાળું જોઇને મને ધ્રાસકો પડ્યો. અંદર જઇને જોયું તો મારો કેટલોક સામાન ઓછો થયો હતો પણ કાઉન્ટર પર 500ની 4 નોટ પડી હતી. મેં ભગવાનનો ખૂબ આભાર માન્યો કે એણે મને મુશ્કેલીના સમયે મદદ કરી. ભગવાનની આ મદદથી હું મારા દીકરા માટે દવા લાવી શક્યો. સાહેબ, હવે તમે જ કહો કે આ 2000 રૂપિયા જેવી મોટી રકમ ભગવાન સિવાય બીજું કોણ અહિંયા મૂકવા આવે?'

બધા સૈનિકોએ મેજર સામે જોયું. મેજરના આંખના ઇશારાથી સૈનિકો સમજી ગયા કે કોઇએ કંઇ બોલવાનું નથી. વિદાય લેતી વખતે મેજર દાદાની નજીક જઇને પ્રેમથી ભેટ્યા અને કહ્યું, 'દાદા, તમે બિલકુલ સાચા છો. ભગવાન છે અને જો એના પર પૂરો વિશ્વાસ હોય તો જ્યારે જરૂર પડે ત્યારે આવીને આપણને મદદ પણ કરે છે.' મિત્રો, આપણે આપણા કાર્ય દ્વારા બીજા કોઇ માટે ભગવાન જેવા બની શકીએ છીએ. મેજર દ્વારા ચા-નાસ્તાના બદલામાં દુકાનમાં રોકડ રકમ મૂકીને જવાનું કાર્ય (જે ખરેખર એની નૈતિક ફરજ જ હતી) સ્ટોરના માલિક માટે તો ભગવાને કરેલું કાર્ય જ હતું. હવે ધારો કે, મેજર એમની ટીમ સાથે એમ જ ચાલ્યા ગયા હોત તો દુકાનમાં થયેલા નુકસાન બદલ દુકાનનો માલિક ભગવાનને જ જવાબદાર ગણત. માણસને એવી ટેવ છે કે એ એમના જીવનમાં બનતી સારી ઘટનાઓને ભગવાનની કૃપા ગણે છે અને જો ખરાબ ઘટના બને તો એને ભગવાનનો કોપ ગણે છે. ઘણીવખત કોઇના જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટના માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે પણ જવાબદાર હોઇએ છીએ. ભગવાનને આપણે હજાર હાથવાળા કહીએ છીએ. ભગવાનના આ હજાર હાથ આપણે જ છીએ. આપણે જ આપણાં યોગ્ય કાર્યો દ્વારા ભગવાનના હાથને મજબૂત કરવાના છે.

ઘણીવાર આપણને એમ થતું હોય કે ‘ભગવાન આ ધરતી પર આવીને આટલાં આટલાં કામ કરી જાય તો કેવું સારું.’ ‘ભગવાન પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને જો આવું આવું કામ કરે તો આ ધરતી સ્વર્ગ બની જાય!’ ભગવાન આવીને કંઇક બદલાવ લાવે એવું ઇચ્છતા આપણે ભગવાન વતી એના કામ શરૂ કરીશું એટલે ચોક્કસ બદલાવ આવશે અને આવા કામ કરવામાં ભગવાન આપણને મદદ પણ કરશે. જો ભગવાન આ દુનિયામાં હાજર હોય તો એ બધા સારાં કાર્યો જ કરે એ સ્વાભાવિક છે તો એ જ ભગવાનના પ્રતિનિધિ તરીકે આપણે પણ જો સારાં કાર્યો કરીએ તો લોકોને લાગશે કે ભગવાન છે અને મને મદદ કરે જ છે. આપણે ક્યારેય ભગવાન ન બની શકીએ પણ એના પ્રતિનિધિ તરીકે ચોક્કસ કામ કરી શકીએ.

જીવનમાં એવાં કાર્યો કરવાં કે જેથી લોકોનો ભગવાન પરનો વિશ્વાસ વધે. કદાચ એવું ન થાય તો કંઇ વાંધો નહીં, પણ એવા કામ તો ન જ કરવાં કે જેથી ભગવાન પરનો વિશ્વાસ ઘટી જાય.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...