સુખનું સરનામું:અગવડતાઓના પર્વતને ઓળંગશો તો જ સપનું સાકાર કરી શકશો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડામાં રહેતો એક બાળક કેન્સરના રોગનો ભોગ બન્યો. કેન્સરને આગળ વધતું અટકાવવા માટે એનો એક પગ કાપી નાખવામાં આવ્યો. નાની વયમાં જ એક પગ ગુમાવવાથી આ બાળક નિરાશ થઇ ગયો હતો. હોસ્પિટલની પથારીમાં પડ્યો પડ્યો એ પોતાના ધુંધળા ભવિષ્યનો વિચાર કરીને ગભરાઈ રહ્યો હતો. બાળકની ખબર પૂછવા માટે એના એક શિક્ષક આવ્યા. શિક્ષક પોતાની સાથે એક સામયિક લાવ્યા હતા. સામયિકમાં ન્યૂ યોર્ક મેરોથોન પૂરી કરનાર ડીક ટોમની જીવન કહાની છપાયેલી હતી. ડીક ટોમ એક પગે અપંગ હતો તેમ છતાં આત્મવિશ્વાસ અને હિંમતના સહારે એણે મેરેથોન જેવી લાંબા અંતરની દોડ પૂરી કરી હતી એની રસપ્રદ વાતો આ સામયિકમાં છપાયેલી હતી.

ડીક ટોમની આ આત્મવિશ્વાસની કથા વાંચીને પેલા બાળકને પણ કંઇક નવું કરવાની ઇચ્છા થઈ. જો ડીક ટોમ અપંગ હોવા છતા દોડી શકતો હોય તો હું પણ જે ધારું તે કરી શકું! આવા વિચારે એ બાળકમાં એક નવી ચેતના જન્માવી. એ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં હોવાથી અહીં એણે કેન્સરથી પીડાતા અનેક બાળ દર્દીઓની વ્યથા પોતાની સગી આંખે જોઈ હતી. એણે વિચાર્યું કે મારે કેન્સર નિદાનના સંશોધન માટે 1 મિલિયન ડોલરનું ભંડોળ એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. એનો એક પગ તો કાપી નાખવામાં આવ્યો હતો. તેથી, કૃત્રિમ પગ લગાવીને એની મદદથી દોડવાની પ્રેક્ટિસ એણે શરૂ કરી.

શરૂઆતમાં તો ખૂબ જ તકલીફ પડી. દોડે એટલે અસહ્ય પીડા થાય. કેટલીક વખત તો પીડા એટલી વધી જાય કે દોડવાનો વિચાર પડતો મૂકવાનું મન થાય પણ ડીક ટોમની વાત યાદ આવતાં જ પીડાને ભૂલી જઇને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરે. આ બાળક બહુ પ્રયાસ કરે ત્યારે રોજ એક કિલોમીટર માંડ દોડી શકે જ્યારે એને તો સમગ્ર કેનેડામાં દોડ લગાવાવી હતી. હિંમત હાર્યા વગર લક્ષ્યને નજર સમક્ષ રાખીને એણે પ્રયાસો ચાલુ રાખ્યા જેના ફળ સ્વરૂપે એ ધીમે-ધીમે રોજના 20 માઇલ જેટલું દોડતો થયો.

1980ના એપ્રિલ માસમાં એણે પોતાના સ્વપ્નને સાકાર કરવા દોડ શરૂ કરી. આ દોડને નામ આપ્યુ 'મેરેથોન ઓફ હોપ.' એક કૃત્રિમ પગ સાથે શરૂ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ એકાદ બે દિવસ નહીં પણ પૂરા 143 દિવસ સુધી ચાલી અને રોજના સરેરાશ 23 માઇલનું અંતર કાપ્યું. કેન્સર પીડિત આ બાળકે બીજા કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે શરૂ કરેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે 24 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું, એણે નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં 24 ગણું વધારે. અનેક લોકો માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર આ જગપ્રસિદ્ધ કેનેડિયન બાળકનું નામ છે ‘ટેરી ફોક્સ.’

ગુજરાતીમાં એક કહેવત છે ‘મન હોય તો માળવે જવાય’. પરમાત્માએ પ્રત્યેક માણસને અદ્ભુત શક્તિઓનો સ્વામી બનાવ્યો છે પણ માણસ નાની-નાની મુશ્કેલીઓની સામે હાર માનીને પોતાના હથિયાર હેઠાં મૂકી દે છે. જિંદગીની સામે લડાઇ લડવાની ઇચ્છા જાણે કે સાવ મરી પરવારી હોય એવું લાગે છે. જે માણસ જિંદગી સામે જંગ માંડે છે એ અવશ્યપણે એમાં સફળ થાય જ છે એના ઘણાં ઉદાહરણો તમારી આસપાસ જ જોવા મળશે.

હેઠે પડ્યા પછી જે પડી જ રહે એને માટી કહેવાય, પણ જે પડ્યા પછી પડી રહેવાને બદલે ફરીથી ઊભો થવાનો પ્રયાસ કરે એને માણસ કહેવાય. આપણને માણસ મટીને માટી થઇ ગયા હોય એવું લાગે, કારણ કે નીચે પડ્યા પછી ઊભા થનારાની સંખ્યા કરતાં નીચે પડ્યા પછી પડી જ રહેનારાઓની સંખ્યા વધુ છે. જે માણસ ઊભો થવાનો પ્રયાસ કરે છે એને ભગવાન પણ પરોક્ષ રીતે મદદ કરતા જ હોય છે. મારા ગામમાં ગોરધનભાઇ શામજીભાઇ ચાંગેલા નામના એક સજ્જન હતા. એ ગામના સરપંચ તરીકે પણ પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા હતા. એમને કેન્સર થયું અને ડોક્ટરોએ એ હવે લાંબું નહી ખેંચે એવી આગાહી કરી દીધેલી, પણ હાર માનીને બેસી જાય એવો આ માણસ નહોતો. એમણે મજબૂત મનોબળ સાથે કેન્સર સામેની લડાઇ ચાલુ કરી. આ લડાઇમાં એમની હાર થઈ, પણ એ એમના અંતિમ શ્વાસ સુધી હિંમતપૂર્વક જીવ્યા અને ડોક્ટરે જે આગાહી કરી હતી એના કરતાં તો ખૂબ લાંબું જીવ્યા.

આજના માનવને જે કંઇ શારીરિક તકલીફો છે એમાં મોટાભાગની તકલીફો તો માનસિક જ છે. નબળા મનોબળની અસર શરીર પર થાય છે. જેનું મનોબળ મજબૂત હોય એ ટેરી ફોક્સ કે ડીક ટોમની જેમ પોતાની શારીરીક નબળાઇઓને સબળાઇઓમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. માણસનું મન મજબૂત હોય તો એ એકલા હાથે પણ તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. ટીવી પર આવતા એક પ્રોગ્રામમાં એક બાબાને મોટી ફી ભરીને આવેલા લોકોને એમના સમસ્યાના નિવારણ માટે વિચિત્ર પ્રકારના ઉપાય બતાવતા તમે જોયા હશે. કોઇને લીલી ચટણી સાથે સેન્ડવિચ ખાવાથી નોકરી મળી જશે એવા આશીર્વાદ આપે તો વળી કોઇને બટેટાવડા ખાવાથી પુત્રપ્રાપ્તિ થશે એવું વચન આપે. તમને આ વાત વાંચીને હસવું આવતું હશે પણ આ ખરેખર સત્ય છે અને લોકો હજારો રૂપિયાની ફી ભરીને આવે છે એટલે એમને ફાયદો પણ ચોક્કસ થતો જ હશે, પણ કોઈ એ નથી વિચારતું કે આ ફાયદો સેન્ડવિચ ખાવાથી કે બટેટાવડા ખાવાથી નથી થયો, પણ હકારાત્મક વિચારોની મન પરની અસરને કારણે થયો છે. માણસ મનથી જેટલો હકારાત્મક હોય શરીર એને એ પ્રમાણે સાથ આપે જ એમા શંકાને કોઇ સ્થાન નથી.

મનની તંદુરસ્તી માટે આપણા ઋષિમુનિઓએ આપણને એક અદ્ભુત ભેટ આપી છે અને તે છે ‘યોગ’. ‘યોગ’ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને અદ્ભુત ભેટ છે, જેના માધ્યમથી માણસ પોતાનું મનોબળ મજબૂત બનાવીને વિવિધ રોગોથી શરીરને મુક્ત રાખી શકે છે. કોરોનાના કપરા સમય દરમિયાન આપણે સૌએ જોયું છે કે જે મનથી હારી ગયા હતા એ કોરોના સામેનો જંગ જીતી ગયા અને જે મનથી મજબૂત હતા એમને વધુ ઇન્ફેક્શન હોવા છતાં કોરોનાને હરાવીને રહ્યા. જેનું માનસિક સ્વાસ્થ્ય સારું હશે અને મનથી હકારાત્મક હશે એ બધું જ કરી શકશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)