પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકોને પ્રોત્સાહન આપો તો જ તેમની ફીલિંગ્સ બહાર નીકળશે અને બાળકમાં સહાનુભૂતિ કેળવાશે...

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં એમ્પથી (સમાનુભૂતિ)ની જરૂરિયાતને લઈને જાગૃતિ વધી રહી છે અને ઘણા લેખો અને ટીવી શોઝમાં પણ એમ્પથી શીખવાડવા અને શીખવા પર જોર અપાઈ રહ્યું છે. સાચું કહું તો આ એક પ્રકારનું ક્લીશે (અતિ-સામાન્ય મંતવ્ય) બની ગયું છે. એમ્પથી એ બીજાની ભાવનાઓ સમજવાની અને શૅર કરવાની ક્ષમતા છે પણ આ કહેવું જેટલું સહેલું છે તેને અમલમાં મૂકવું એટલું જ આકરું છે. શું આપણે ખરેખર પોતાને બીજી વ્યક્તિની જગ્યાએ મૂકીને તેની ભાવનાઓ સમજી શકીએ છીએ? શું આપણે બાળકોને એમ્પથી શીખવાડી શકીએ? ભલે બધા સહમત હોય કે એમ્પથી એક ખૂબ મહત્ત્વનો ગુણ છે અને તેને સ્કૂલોમાં શીખવાડવો ઘણો જરૂરી છે પણ આ વિષય પર ટિપ્સ આપી શકે એવા બહુ જ ઓછા નિષ્ણાતો છે.

એમ્પથી કેળવવા માટે સૌથી પહેલાં આપણે એક સારા શ્રોતા કેવી રીતે બનવું તે શીખવું પડશે. આ વાંચવામાં તો સાવ સહેલું લાગે છે પણ ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેમને ખરા અર્થમાં સાંભળતા આવડે છે. સાંભળવું એ એક એવી ક્રિયા છે જેમાં આપણે બોલનાર વ્યક્તિ માટે પછી તે બાળક હોય કે પુખ્તવયની હોય તેમાં પૂર્ણ રીતે હાજર રહીએ છીએ.

સાંભળતી વખતે આવતા અવરોધો
સાચું કહું તો મોટાભાગે જ્યારે બીજું કોઈ બોલતું હોય ત્યારે આપણે એને અડધું જ સાંભળતા હોઈએ છીએ. તે સમયે આપણે કોઈ બીજી જ પ્રવૃત્તિ કે વિચારોમાં બિઝી હોઈએ છીએ. દાખલા તરીકે, જ્યારે કોઈ તમારી સાથે વાત કરી રહ્યું હોય ત્યારે તમે તમારી આગલા દિવસની મિટિંગ અથવા અધૂરા કામ વિશે વિચારતા હો છો અને કમાલ તો અહીં એ છે કે આ બધા દરમિયાન તમે બોલનારની વાતને વ્યવસ્થિત ઈશારા અને શબ્દોથી પ્રોત્સાહન પણ આપવાનું ચાલુ રાખો છો. આવું ખાસ કરીને બહેનો જોડે થાય છે, કારણ કે અમે હંમેશાં મલ્ટિ-ટાસ્કિંગ કરતા હોઈએ છીએ.

એક બીજો પ્રોબ્લેમ છે સમયની અછત. બાળકોને અટેન્શન બહુ ગમે છે અને એ અટેન્શન માટે તેઓ ઘણી વખત બહુ વધારે પડતું બોલતા હોય છે અને ઘણી વાતો રિપીટ પણ કરતા હોય છે. આ ખાસ કરીને વાતોડિયાં બાળકો પર લાગુ પડે છે અને બીજી બાજુ છે એવાં બાળકો જેમને તેમની ફીલિંગ્સ શેર કરાવવા માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે. આ બાળકો વધુ પડતાં સચેત સ્વભાવનાં હોય છે અને પોતાની લાગણીઓને જાણે એક સુરક્ષિત પડદામાં રાખવા ટેવાયેલાં હોય છે અને કદાચ એટલે જ તેઓ એકલા રહેવાનું વધુ પસંદ કરતાં હોય છે.

‘પૂર્ણ રીતે હાજર રહેવું’ આનો અર્થ શું છે?
જ્યારે આપણે પૂર્ણ રીતે હાજર નથી હોતા ત્યારે આપણે એકમેકને સમજવાની એક અમૂલ્ય તક ગુમાવી બેસીએ છીએ. તો ‘પૂર્ણ રીતે હાજર રહેવું’ આનો અર્થ શું છે? આનો ખરો અર્થ એ છે કે આપણે સામેવાળી વ્યક્તિને આપણું સંપૂર્ણ ધ્યાન અને તે પણ એક નોન-જજમેન્ટલ (અનિર્ણાત્મક) રીતે આપી રહ્યા છીએ. ચાલો હું આ વાતને એક દાખલા સાથે સમજાવું...

એક કોલેજની યુવતી પોતાનો અનુભવ એક બીજી પુખ્તવયની વ્યક્તિ જોડે શૅર કરી રહી હતી. યુવતી કહે છે કે તે જ્યારે ગઈ કાલે રાત્રે બહાર ગઈ હતી ત્યારે કઈ રીતે 4-5 છોકરાઓએ તેની છેડતી કરી હતી. સામેવાળી વ્યક્તિ તેને પૂર્ણપણે સાંભળવાની જગ્યાએ મનમાં વિચારે છે તો વળી રાત્રે બહાર જવાની જરૂર શું હતી? તેણે કપડાં કેવાં પહેર્યાં હશે? એ કેમ એકલી બહાર ગઈ હશે? વગેરે. આનો અર્થ એ છે કે સાંભળનાર વ્યક્તિએ આ વિષય ઉપર પોતાના અનુમાન અને પૂર્વગ્રહોના આધારે મંતવ્ય બનાવી લીધું છે. એટલે બીજા શબ્દોમાં કહું તો આ વ્યક્તિ એ યુવતીને સાંભળીને તેની ફીલિંગને સમજવાનો પ્રયત્ન કરવાના બદલે તેને જજ કરી રહ્યો છે. એ યુવતી કદાચ દુઃખ, અપમાન અને ક્રોધ અનુભવી રહી હશે. જો આપણે એવું સમજી જઈએ કે તે ક્ષણે તે યુવતી આ બધી ફીલિંગ્સમાંથી પસાર થઇ રહી છે તો ખરા અર્થમાં આપણે એમ્પથી કેળવી રહ્યા છીએ.

એમ્પથી શું છે?
જજમેન્ટ, અભિપ્રાય અને આપણા પોતાના પૂર્વગ્રહો સામેવાળી વ્યક્તિને સમજવાની આપણી ક્ષમતાને બ્લોક કરી દે છે. એમ્પથીનો અર્થ એ નથી કે આપણે એ જ વસ્તુનો અનુભવ કરીએ જે સામેવાળો શૅર કરી રહ્યો છે. એમ્પથીનો અર્થ એ પણ નથી કે આપણે આપણી જાતને સામેવાળાની જગ્યાએ મૂકીએ, કારણ કે ઘણી વખત આવું કરવું લગભગ અશક્ય છે.

એમ્પથીનો ખરો અર્થ છે પૂર્ણપણે સામેવાળાને સાંભળવું અને તે સમયે તે જે ફીલિંગ અનુભવી રહ્યું હોય તેને સ્વીકારવું.

બાળકોમાં એમ્પથી કેવી રીતે કેળવી શકાય?
તો એમ્પથી કેવી રીતે કેળવી શકાય? જે રીતે બાળકો પોતાના દૃષ્ટિકોણ શેર કરે છે એ જ રીતે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેઓ પોતાની ફીલિંગ્સ શેર કરે. જ્યારે બે બાળકો વચ્ચે ઝઘડો થાય તો તેઓ કઈ વાત પર ઝઘડી રહ્યાં છે ફક્ત તે જાણવાના બદલે તેઓ તે સમયે કેવું ફીલ કરી રહ્યાં છે તે પણ પૂછવું જોઈએ.

આવું કરવાથી આપણે બાળકને ફીલિંગ્સ તરફ વાળી શકીએ અને તેમને પ્રોત્સાહન આપી શકીએ કે તે કલ્પના કરે કે સામેવાળી વ્યક્તિ કેવું ફીલ કરી રહી છે. દાખલા તરીકે, જાપાનમાં જ્યારે બાળકો પોતાની પ્લેટ પર પીરસેલું જમવાનું પૂરું નથી કરતા અને તેને ફેંકવા માંડે છે ત્યારે તેની માતા તેમને કહે છે કે, એકવાર કલ્પના કરો કે તમારા આ ખાવાનાને ફેંકી દેવાથી તે ખેડૂતને કેવું લાગશે જેણે આ અનાજ અને શાકભાજી ઉગાડવામાં ખૂબ જ મજૂરી કરી છે? પણ આવું દરેક પરિસ્થિતિમાં કરવું શક્ય નથી. ખાસ કરીને સાવ નાનાં બાળકો માટે કારણ કે તેની કલ્પનાશક્તિ સીમિત છે. એટલે કદાચ આની શરૂઆત બાળકને એમ કહીને કરી શકાય કે તે પોતાની ફીલિંગ્સ શૅર કરે. બાળકને એમ પૂછી શકાય 'તમને કેવું લાગે જ્યારે કોઈ તમારી જોડે કડવા શબ્દોમાં વાત કરે છે?’ આનાથી બાળકને ખ્યાલ આવશે કે બીજાને પણ ખોટું લાગી શકે છે. જો બાળક કોઈ જાનવર પર પથ્થર ફેંકે તો તેને પહેલા એમ કહો કે તે યાદ કરે કે જ્યારે એને પોતાને શારીરિક ઇજા થઇ હતી ત્યારે તેને કેવું લાગ્યું હતું... પછી જ બાળક જાનવરની પીડા સમજી શકશે.

છેલ્લે ફક્ત એટલું કહીશ કે કમનસીબે આપણે આપણી ફીલિંગ્સ શેર કરવા ટેવાયેલા નથી પછી ભલે તે ક્લાસરૂમ હોય કે ઘર હોય. આપણે બધું જ આપણી અંદર દબાવીને રાખીએ છીએ. એટલે પરિણામે સામેવાળી વ્યક્તિને ક્યારેય ખબર જ નથી પડતી કે આપણને તેના શબ્દો કે કાર્યથી દુઃખ થયું છે અને એટલે જ ખાસ જરૂરી છે કે આપણે બાળકોને પ્રોત્સાહન આપીએ કે તેઓ ખરા અર્થમાં શૅર કરતા અને પૂર્ણપણે સાંભળતા શીખે... અને તે પણ જજમેન્ટ વિના.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...