ઇટ્સ કોમ્પ્લિકેટેડ:એક નાનકડી ગેરસમજ વર્ષો જૂના સંબંધોને પૂરા કરવા માટે પૂરતી હોય છેઃ ગેરસમજથી બચવા માટે ઘણી બધી સાવધાની જરૂરી છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમજદારી, સમજફેર અને ગેરસમજ.. આ ત્રણ બાબતો સંબંધોમાં મોટી અસર કરતી હોય છે. એક નાનકડી ગેરસમજ જૂના અને મજબૂત સંબંધને પૂરો કરી નાખવાની શક્તિ ધરાવતી હોય છે.

નેત્રા અને આલયની સગાઈ થઈ. બન્ને ખુશ હતાં. નેત્રાની માસીની દીકરી આયેશાને સિંગાપોરની કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાનો હતો. આલયનો એક મિત્ર સ્ટુડન્ટ વિઝા માટેનું કામ કરતો હતો. નેત્રાએ આલયને કહ્યું કે મારી બહેનને તું મદદ કર. નેત્રાના કહેવાથી આલયે આખો કેસ સરસ રીતે હેન્ડલ કર્યો. જે યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હતું ત્યાંની થોડી તપાસ કરવાની હતી. એક-બે એવી એરર આવી કે જે દૂર કરવી પડે તેમ હતી. આલયનો સ્વભાવ એવો હતો કે એકવાર જે કામ હાથમાં લે તેને પૂરેપૂરો ન્યાય આપે. ખૂબ જ ચોકસાઈથી કામ કરે. તેણે પોતાના પૂરા પ્રયાસો કર્યા અને છેવટે કામ પાર પડ્યું. આયેશાએ આલયનો આભાર માન્યો. તેણે આલયનો આભાર માન્યો અને એક ભેટ આપી.

નેત્રાના મનમાં એવું થયું કે આલય અને આયેશા વચ્ચે કંઇક છે. આવી ગેરસમજ થાય તેવું એક-બે વખત કંઈક બન્યું પણ હતું. ઘણી વાર એવું બનતું હોય છે કે કાગનું બેસવું અને ડાળનું પડવું બંને એક સાથે જ થાય. એક-બે વખત એવી ઘટના બની કે નેત્રાની ગેરસમજ પાકી થઈ.

તેને થયું કે ચોક્કસ આલય બેવફા છે અને તે આયેશાના પ્રેમમાં પડી ગયો છે. હકીકત એ હતી કે આયેશા કોઈ અન્યના ગળાડૂબ પ્રેમમાં હતી અને તેને આલય માટે આવી કોઈ ફીલિંગ જ નહોતી.

ગેરસમજમાં સમજદારી કરતાં વધારે શક્તિ હોય છે. એ શક્તિ ઘાતક હોય છે. એ શક્તિમાં ગમે તેવા મજબૂત સંબંધને હચમચવાની નાખવાની ક્ષમતા હોય છે. નેત્રાએ જો નિખાલસતાથી આલય સાથે ચર્ચા કરી લીધી હોત તો પ્રકરણ આગળ લંબાયું જ ના હોત, પણ નેત્રા મનમાં ને મનમાં મૂંઝાતી રહી. મૂંઝાવા સામે કોઈ વાંધો નથી હોતો, પણ મનમાં ને મનમાં મૂંઝાવાનાં પરિણામો ખતરનાક હોય છે. નેત્રાએ એમ જ ધારી લીધું કે મારી કઝીન આયેશા પણ દગાબાજ નીકળી. મારો ફિયાન્સ પણ એવો જ નીકળ્યો.

તેણે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો. સગાઈ તોડી પણ નાખી. જોકે આલયને નેત્રા માટેના પોતાના પ્રેમ પર ભરોસો હતો તેથી તેણે ધીરજ રાખી. શાંતિથી રાહ જોઈ. છ મહિના પછી નેત્રાને પ્રતીતિ થઈ કે પોતે ગેરસમજ કરી હતી.

જોકે દરેક કિસ્સામાં આવો સુખદ અંત આવતો નથી. આજુબાજુમાં તપાસ કરીએ તો જણાય છે કે સેંકડો સંબંધો ગેરસમજને કારણે અકાળે મૂરઝાઈ જાય છે.

સંબંધોમાં ગેરસમજ થવાનાં ચોક્કસ કારણો હોય છે.

પહેલું કારણ છે ઓછો ભરોસો. કોઈ પણ સંબંધની ઈમારત છેવટે તો વિશ્વાસના પાયા પર જ ઊભેલી હોય છે. જ્યારે વિશ્વાસ ઘટે છે ત્યારે ગેરસમજને ફાવતું મળે છે. કોઈ પણ સંબંધમાં પરસ્પરનો પ્રેમ જેટલો મહત્ત્વનો છે તેના જેટલો જ મહત્ત્વનો છે પરસ્પરનો વિશ્વાસ.

અનેક પત્નીઓને પોતાના પતિઓ પર અતૂટ વિશ્વાસ હોય છે. તેઓ ખાતરી સાથે કહે કે ગમે તેવું પ્રલોભન આવશે તો પણ મારા પતિ ડગશે નહીં. મને તેમના પર ભરોસો છે. આ ભરોસો કંઈ રાતોરાત ઊભો નથી થતો. આવા વિશ્વાસની પાછળ પણ અનેક પરિબળો હોય છે. જેમ કે કેટલાંક ઘર ખાનદાન હોય છે. ત્યાં સંસ્કારની ગંગા-જમના વહેતી હોય છે. આવા ઘરના સભ્યોમાં આભિજાત્યનો સતત અનુભવ થતો હોય છે. આવા કુટુંબોમાં વિશ્વાસ પણ મજબૂત હોય છે. એ ઘરના સભ્યો જો ધારે તો પણ ભરોસો કે વિશ્વાસ તોડી શકતા નથી.

એની સામે ઘણી પત્નીઓને પોતાના પતિદેવો પર પાકો ભરોસો હોય છે કે તેઓ ગમે ત્યાં લપસી જશે. શાક લેવા જશે તો પણ પ્રેમમાં પડવાનો પ્રયાસ કરતા આવશે અને કોઈને સ્ટેશન મૂકવા જશે તો પણ દિલ આપીને આવશે. આ પણ ભરોસો જ છે. આવા કિસ્સામાં પત્નીઓને પોતાના પતિને સાચવી રાખવા પડે છે. જુદી જુદી રીતે બાંધી રાખવા પડે છે.

આવાં બંધનો જોકે ખાસ કારગત નીવડતાં નથી.

દુનિયાનો દરેક સંબંધ એક યા બીજા પ્રકારના બંધનથી જ બંધાતો હોય છે. એ બંધનને ક્યારેક નામ અપાયું હોય અને ક્યારેક નામ ના અપાયું હોય, પણ બંધન, સ્વાર્થ અને અપેક્ષાની સંપૂર્ણ ગેરહાજરીવાળો કોઈ સંબંધ શક્ય જ નથી. તેની સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે એ બંધન જેટલું ઓછું, જેટલું નામ માત્રનું, જેટલું ભરોસો સાથેનું એટલો જ સંબંધ પ્રસન્ન અને નવપલ્લિત.

 • જ્યારે સંબંધના બંધનમાં ભરોસો ભળે છે ત્યારે જ બંધન ઢીલું પડે છે અને સ્વજનોને સંબંધને માણવાની મજા આવે છે.
 • સંબંધમાં બંધન કાયમ નુકસાનકારક હોય છે તેવું માનવું ભૂલભરેલું છે અને ખોટું પણ છે. વિશ્વનાં બધાં બંધનો કંઈ ખરાબ કે નકામાં હોતાં નથી.
 • કેટલાંક બંધનોને કારણે જ જીવન જીવવા જેવું બને છે.
 • અનિયંત્રિત સ્વૈરવિહારથી ફાયદો ઓછો થાય છે અને નુકસાન વધારે થાય છે.
 • નિયમનો સમાજને સ્વસ્થ રાખવામાં ઉપયોગી થાય છે અને સંબંધોને યોગ્ય રીતે માણવામાં મદદ પણ કરે છે.
 • જેમ ઈશ્વરે આપેલા અવાજને પરોટીને-રિયાઝ કરીને તેમાંથી સુંદર સ્વર નિપજાવી શકાય છે અને એ જ અવાજથી ઘાંટો પણ પાડી શકાય છે.
 • નિયમનોને કારણે સંબંધો સુંદર સ્વર જેવા બને છે અને સ્વૈર વિહારથી તે ઘાંટા જેવા બેફામ બની જાય છે.
 • કોઈ પણ નિયમન જો યોગ્ય માત્રામાં હોય તો તેનો મહત્તમ લાભ લઈ શકાય છે.
 • સંબંધોનાં ઉચિત નિયમનોના ઘણા ફાયદા થાય છે તે જ રીતે જ્યારે અમર્યાદિત નિયમનો આવે છે ત્યારે સંબંધોને મોટો ગેરફાયદો થાય છે.
 • કોઈ પણ સંબંધમાં અંકુશ અનિવાર્ય હોય છે, પરંતુ શરત એ છે કે એ અંકુશ અંદરનો હોય, વ્યક્તિનો પોતાનો હોય, સમજણપૂર્વક સ્વીકારાયેલો અંકુશ હોય.
 • મહાત્મા ગાંધી કહેતા કે બહારનો અંકુશ કાયમ ઝેરી જ નીવડે.
 • જે અંકુશ સ્વેચ્છાએ સ્વીકારેલો હોય તે સંબંધોને ધબકતા અને તાજામાજા રાખવામાં મદદ કરે.
 • જે અંકુશ બહારથી લદાયેલો હોય તે સંબંધોનો લય ખોરવી નાખે.

સંબંધોમાં ગેરસમજ થવાનું બીજું કારણ છે સામેની વ્યક્તિને સમજવામાં ભૂલ કરવી. આમ તો સંબંધોમાં સમજવા કરતાં ચાહવાનું જ વધારે મહત્ત્વ છે, પણ સમજણ વિના કોઈ સંબંધ ચાલતો નથી. જ્યારે તમે સામેના પાત્રને ખોટી રીતે સમજો છો ત્યારે ગેરસમજ થવાની શક્યતા ઘણી વધી જાય છે. માટે કોઈ પણ વ્યક્તિ વિશે જજમેન્ટ નહીં આપવાનું. અભિપ્રાય અને માન્યતાઓ સંબંધોના મોટા વેરી છે.

ગેરસમજ થવાનું ત્રીજું કારણ છે સંવાદનો અભાવ. મનોચિકિત્સકો વારંવાર, પોકારી પોકારીને કહે છે કે સંબંધમાં સંવાદ સતત ચાલુ રહેવો જોઈએ. ગમે તેવો વાદવિવાદ ઊભો થાય તો પણ સંવાદ ક્યારેય બંધ ના કરવો. દુનિયાના તમામ વાદનો ઉકેલ સંવાદમાં જ છે. જ્યારે સંવાદ અટકી જાય છે ત્યારે ગેરસમજનું ઝૂંડ સંબંધ પર તૂટી પડે છે.

ગેરસમજ થવાનું ચોથું કારણ હોય છે શંકાશીલ સ્વભાવ. વહેમની કોઈ દવા હોતી નથી. શંકા અને શ્રદ્ધા. કોઈ પણ સંબંધમાં આ બે વાનાં અવશ્ય હોય છે. બંને સામસામા છેડા પર સ્થિત હોય છે. જો શંકાનું જોર વધે તો સમજણ ઘટે અને ગેરસમજ વધે. એ જ રીતે જો શ્રદ્ધા મહત્તમ હોય તો સમજણની હાજરી પણ ચોક્કસ જ હોય.

હવે કારણ પાંચમું. ગેરસમજનું એક મોટું કારણ એ હોય છે કે વ્યક્તિ પોતાના પાર્ટનર વિશે સતત બીજાને વાત કરવી. અને એ પણ ટીકાના સ્વરૂપમાં. ઘણી સ્ત્રીઓ પોતાના પતિ વિશે સતત બીજા કોઈને, બહેનપણીને કે પછી પોતાની મમ્મીને વાત કરતી જ રહે છે. આવો સ્વભાવ ઘણા પુરુષોનો પણ હોય છે. આ સ્વભાવ યોગ્ય નથી. સુધારી લેવા જેવો સ્વભાવ છે આ. ક્યારેય પોતાના પ્રિયજન કે જીવનસાથી વિશે કોઈને વધુ વાતો ન કરવી જોઈએ. તેના કારણે પણ ગેરસમજ થવાની શક્યતા વધી જાય છે.

છેલ્લે મરીઝની કવિતા માણીએઃ ભલે ને પ્રેમનું બંધન સદા છે, નીકળવું હોય તો રસ્તા ઘણા છે…

ખુશી જેના મિલનમાં ખાસ નહોતી, ગયા તો મારા દિલમાં વેદના છે…

નહિંતર સાંભળી હસવા ન લાગું, કદાચિત મારી આ જૂની કથા છે…

હજી કાચી હશે સમજણ અમારી, હજી અમને અનુભવ થઈ રહ્યા છે…

હતી પ્રેમાળ તારી બેવફાઈ, તને ખટકી રહી મારી વફા છે…

‘મરીઝ’ આ હાલ, કે લે બોધ દુનિયા, હવે કહેજો, અમારો પણ ખુદા છે… – ‘મરીઝ’

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...