મનન કી બાત:સફળ થવાની એક ફોર્મ્યૂલાઃ તમારી જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારી પાસે અમુક સમય પહેલાં એક 115 કિલો વજનવાળો યુવાન સારવાર માટે આવ્યો. ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ શાર્પ, પરંતુ એટલો જ આળસુ. આજકાલની પેઢીમાં ‘પ્રોકાસ્ટિનેશન’ (કામને ઠેલવાની વૃત્તિ) ફેશનમાં છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણને એવા કેટલાક વિદ્યાર્થી મળતા જે કહેતા કે ‘હું તો કશું નથી વાંચતો’, ‘હું તો કશી મહેનત નથી કરતી’ અને એવા વિદ્યાર્થીના સહુથી સારા માર્ક્સ આવે. આ એક જાતની ડિફેન્સ છે જેમાં અપેક્ષાઓનો બોજો આપણા ખભે ન લેવો પડે એટલે આપણે બધાને આવું કહેતા હોઈએ છીએ. મહેનત કરવી આજકાલ બહુ ફેશનમાં નથી. મારો આ દર્દી આ પેઢીનું એવું જ એક એક્સ્ટ્રીમ હતું. એ હસીને મસ્તીમાં આરામથી એકદમ ભોળપણથી કહે કે, ‘સર, મને તો બસ પિત્ઝા ખાવો હોય અને ચિલ કરવું હોય.’ હું એને એવું કહું કે તારે મોટા થઈને શું બનવું છે? તો કહે, ‘સર, મારા પપ્પાએ આટલું બધું બની તો લીધું, મને કોઈ ફર્ક નથી પડતો કે મારા જવા પછી દુનિયા મને કઈ રીતે યાદ કરે. હું જેટલો સમય અહીંયા છું, એટલો સમય મજા કરવી છે અને જીવનનો દરેક આનંદ અનુભવવો છે. મારા પપ્પા ખૂબ કમાયા, પરંતુ એમને વાપરતા નથી આવડતું અને નથી અમારી સાથે વીતાવવા માટે એમની પાસે કોઈ સમય. તો આ પૈસા શું કામના?’ એનું ભોળપણ અને નિખાલસતા જોઈને એક વાર તમને પણ આ બધી મોહ-માયા ત્યાગીને આનંદથી જીવવાનું મન થઇ જાય.

આપણે બધા વીડિયો ગેમ રમીએ છીએ. આ છોકરાને પણ વીડિયો ગેમ રમવાનો ખૂબ શોખ હતો. એક વસ્તુની તમે નોંધ લીધી છે? આ વીડિયો ગેમમાં, આપણાં પિક્ચરનાં હીરો- હિરોઇનોમાં બધામાં એક વસ્તુ સમાન છે? બધા સારા ફિઝીકવાળા ફિટ લોકો હોય છે. આપણા ફિટ બનવાના જેટલાં પણ સપનાંઓ છે એ આ વીડિયો ગેમ થકી ક્ષણિક આનંદ માટે પૂરાં થાય છે અને આપણું મોટિવેશન તૂટી જાય છે. આ કરવામાં એ લોકો કરોડપતિ બને છે અને આપણે આપણા સોફા પર બેઠા રહીએ છીએ. જેટલી સારી ગેમ અથવા જેટલું સારું પિક્ચર એટલો જ વધારે ક્ષણિક આનંદ અને એટલા જ વધારે પૈસા, પછી એ ‘સૂર્યવંશી’ હોય કે ‘પબજી’.

તો મેં આ છોકરાને એ જ પૂછ્યું, જે તમારા મનમાં ચાલે છે કે ભાઈ તું આટલો સ્પષ્ટ છે કે તારે જીવનમાં જલસા કરવા છે તો મનોચિકિત્સક પાસે કેમ આવ્યો છે? તને કોઈ મુશ્કેલી તો નથી લાગતી. એનો આ પછીનો જવાબ એનાથી પણ સરળ હતો. ‘સાહેબ, પણ આવા જલસા તો ક્યાં સુધી કરીશ? આવી રીતે કેટલું જીવીશ..? આમ ને આમ તો પપ્પાના બધા પૈસા વાપરી લઈશ. તમે કંઇક એવું કરો કે મને મોટિવેશન જાગે. કંઇક એવું કરો કે મારામાં જુસ્સો ભરાઈ જાય. હું ‘લક્ષ્ય’ જેવાં પિક્ચર જોઉં તો 3-4 દિવસ જિમ જઈ શકું. પછી વળી પાછું જ્યાં હતું ત્યાંનું ત્યાં. આ સાયકલ તોડવા માટે મારે મનોવૈજ્ઞાનિકની મદદ જોઈએ છે.’

એનો જવાબ મેં ખાલી એટલો જ આપ્યો કે સહુથી પહેલાં તો આપણે પોતાની જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરવું પડશે. આપણે જ્યાં સુધી પોતાને અરીસામાં જે છે એ રીતે નહીં જોઈએ ત્યાં સુધી આગળ કોઈ પણ પગલું નહીં ભરી શકીએ. એક વાર અરીસામાં પોતાને જોઈ અને જે વાસ્તવિકતા છે એની સંપૂર્ણ સ્વીકૃતિ કરવી પડશે. એના માટે એ વસ્તુ સ્વીકારવી કે જલસા કરવા છે, મહેનત નથી કરવી એ બધા એવા ઓછાડ હતા જે એણે પોતાની ફેલ થવાની બીકને પહેરાવ્યા હતા. એના મનમાં એક સતત ડર હતો, ‘હું કોશિશ કરીશ, પરંતુ મારા પિતા જેટલો સફળ નહી થઈ શકું તો?’ આ સત્ય એણે પોતાને કદાચ ક્યારેય પણ કહ્યું જ નહોતું. પરંતુ આ સત્યના કારણે જે ડર હતો એ ડર એને કોશિશ કરવાથી જ રોકતો હતો.

આ ડિફેન્સને વૈજ્ઞાનિક ભાષામાં ‘રિએક્શન ફોર્મેશન’ કહેવાય. બીજું ઉદાહરણ એક એવો ટીચર હોય જેના વિદ્યાર્થીઓ એને જરાય પસંદ ન કરતા હોય. એને એ પોતાના વિદ્યાર્થીઓ પાસેથી મળતો અણગમો સહેજ પણ ન ગમતો હોય. એના કારણે એ ખૂબ અંદર ને અંદર ખવાતા પણ હોય, પરંતુ એની પ્રકૃતિ વધારે ને વધારે કડક બનતી જાય. એમનું મગજ એક એવી વિકૃત પરિસ્થિતિ અપનાવી લે કે જેટલું મારા વિદ્યાર્થી મને નફરત કરે એટલો જ સારો હું ટીચર કહેવાઈશ કારણકે અંતે હું એમના માટે સારો છે કે સારું કરું છું. એ વાતની સ્વીકૃતિ એ લાવતા જ નથી કે કદાચ એમણે પોતાની વાત કરવાની શૈલી સુધારવી જોઈએ કારણકે એમાં ડર છે. ડર છે કે હું એ કરીશ અને બાળકો મારો મજાક ઉડાવશે તો? હું અસફળ રહીશ તો? નિષ્ફળતાની બીકથી આ બંને લોકો ક્યારેય કોશિશ જ નથી કરતા અને એમનું મગજ એમને એ વસ્તુનો એહસાસ પણ નથી થવા દેતું.

જે દિવસે એણે પોતાની જાતને એકદમ સાચું બોલવાનું શરૂ કર્યું એ દિવસ એના જીવનનો નિર્ણાયક દિવસ હતો. એને અરીસામાં પોતાને જોયું એને કહ્યું કે આજથી હું પોતાને જુઠ્ઠું નહીં બોલું. એણે જિમ જવાનું ચાલુ કર્યું અને 3 મહિનામાં એણે 30 કિલો વજન ઉતાર્યું. શું તમે માનશો? એ માણસ આજે આપણી નેવીમાં દેશની સેવા કરે છે. એક એવો વ્યક્તિ કે જે પાણીનો ગ્લાસ પણ નોકર પાસે મંગાવતો, એ આજે આપણી નેવીમાં દેશની સેવા કરે છે. બસ… રાહ એટલી જ હતી કે એ પોતાને જૂઠું બોલવાનું બંધ કરે.

મન: એક પેપર પર લખો, તમે પોતાને કઈ વસ્તુઓમાં જૂઠું બોલો છો અને જુઓ રસ્તા કેમ ખૂલતા જાય છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)