• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • On World Environment Day, A Glimpse Of Open Forest Gardens Across The Country Whose Magic Can Overwhelm Every Creature Is So Meaningful!

એક્સપ્લોર ઇન્ડિયા:વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશભરના ખુલ્લા વન વગડાની એક ઝલક, જેનો જાદુ દરેક જીવોને અભિભૂત કરી શકે એટલો સાર્થક છે!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે જ્યારે યાત્રા કરતા હોઇએ ત્યારે હંમેશાં બે યાત્રા થતી હોય છે, એક જે સ્થૂળ રીતે આપણે કરીએ છીએ અને એક ભીતરની યાત્રા જે સતત ચાલ્યા જ કરે છે. જંગલની કે પ્રકૃતિપથ પરની મારી યાત્રામાં હંમેશાં હું કોઈ ને કોઈ વાર્તા સૂક્ષ્મ રીતે સાથે લઈને ચાલુ છું અને એ ભીતરની યાત્રા જ મને જે તે સ્થળ સાથે અલગ રીતે જોડેલો રાખે છે. મારે માટે ક્યારેય પ્રવાસ કોઈ સ્થળે પહોંચવા માત્રથી પૂર્ણ નથી થતો, પણ ખરો પ્રવાસ ત્યાં જ શરૂ થાય છે. સૂરજની સોનેરી ઝાંય, નંદાદેવી અને પિંડારીના ઠંડાગાર પવનો, સતત નીચે જતું તાપમાન અને વધારે જામતો જતો બરફ વગેરે હોવા છતાં ભીતરની યાત્રા મને આગળ ધપતો રાખે છે. જંગલ એવો તો શું જાદુ કરે છે કે અહીં આવનાર જનો અહીંના જ બનીને રહી જાય છે? અત્યંત ભયપ્રેરક પણ મનમાં ઘર કરી જાય એવાં ભારતનાં દરેક જંગલ અઢળક વાર્તાઓ સંગોપીને બેઠાં હોય છે અને સતત અહીં અવનવી વાર્તાઓ સર્જાતી જ રહેતી હોય છે. સોનાનું નસીબ લઈને આવેલ વ્યક્તિ જ અહીંની ઘટનાઓનો સાક્ષી બની શકે છે. અહીંની વાર્તાઓ પણ ખૂબ જ રોચક છે. દેશભરનાં વિવિધ નેશનલ પાર્ક વિશેની આવી રોચક વાર્તાઓની ઝલક જોઈએ તો કુદરતનો નિખાલસ પરિચય મેળવી શકીએ.

પ્રકૃતિનું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહિ, પણ અનુભવથી જ મેળવી શકાય છે. એ અનુભવ જેમ જેમ વધતો જાય એમ એમ પ્રકૃતિ આપણાં મનમાં ઘર કરતી જાય છે. પ્રકૃતિનાં પુસ્તકનો કોઈ આદિ કે અંત નથી હોતો, ગમે તે પાનું ઉઘાડો તમને રસ પડશે જ અને તમે ચોક્કસ કંઈક ને કંઈક શીખી શકશો. પ્રકૃતિમાં જેટલો વિશેષ રસ વધુ ખંતપૂર્વક લેશો એટલી જ એ તમારી ઉપર ઓળઘોળ થતી જશે એ મારો જાત અનુભવ છે. સતત બદલાતા રહેતા પ્રકૃતિના રંગોને અલગ અલગ રીતે રંગવામાં કુદરતનાં દરેક તત્ત્વ એક સાથે મહત્ત્વનો ભાગ ભજવે છે. તાજા લીલા ઘાસના છેડે ઝાંકળની બૂંદો કોઈ ઘરેણાંની માફક સજાઈ જાય છે, તો ઊગતો સૂરજ ચોતરફ સોનેરી રંગ ઢોળે છે. ભૂરા આકાશમાં જાણે કોઈ ચિત્રકારે સ્પષ્ટ રીતે એક રંગની પીંછી ફેરવી હોય એમ કંઈક નવું સર્જન વર્તાય છે તો વળી ક્ષિતિજ પર ધુમ્મસ અને સૂર્યનાં કિરણો વચ્ચે એકબીજાને હરાવવાની સ્પર્ધા સ્પષ્ટપણે દેખાય છે. ચપળતા અને સ્ફૂર્તિથી એકલદોકલ કૂદતાં હરણાંઓ અણિયાળી આંખો અને કાન સરવા કરીને જંગલની નિરંતરતાનો હિસ્સો બને છે. એ જ માસૂમ દીસતાં હરણાંઓ કેટલાયે પહાડો, કેટલાયે પથ્થરો, નદીઓ અને મેદાનો કૂદીને ક્યાંના ક્યાંય નીકળી જતા હોય, છતાં ચહેરા પર હંમેશાં માસુમિયત લઈને જ ફરતા જોવા મળે છે. ક્યાંક કોઈક સૂકા વૃક્ષની ડાળી ઢળી પડે છે તો નવી જ કૂંપળો એની જગ્યા લઇ લે છે અને પક્ષીઓ એના પર કિલ્લોલ કરે છે. એ નીચે પડેલી ડાળીને ઊધઈ પોતાનું ઘર બનાવે છે અને એ ઊધઈને પાછું રીંછ પોતાનો ખોરાક બનાવે છે. આ જ તો કુદરત છે જેને હું હંમેશાંથી શોધતો હતો...

કુદરતનો ક્રમ નિરંતર જંગલમાં ચાલુ જ રહે છે જો માણસ એમાં ફેરબદલ કરવાની કોશિશ ન કરે તો અને તો જ.. ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં તાજેતરમાં જ મારી જિપ્સી ઢીકાલાના સાંભર રોડ પર નીકળી પડી. એક સમયે આખા ઢીકાલાને ધ્રુજાવતી પારોનો વિસ્તાર હવે પારોનું જ સંતાન - ‘પેડવાલી’ લઇ ચૂકી છે અને પારોના કોઈ જ સમાચાર નથી! કુદરતનાં આ વિશ્વમાં જે વધુ પ્રયત્નો કરે, વધારે સક્ષમ રીતે લડી શકે એ જ જીવી શકે! અહીં દરેક જાનવર પોતાનો રોલ અદભુત રીતે નિભાવે છે અને તેઓ જીવનને ખૂબ જ સારી રીતે જીવી જાણે છે. વાઘણ પોતાનાં બચ્ચાંઓને ત્યાં સુધી સાથે રાખશે જ્યાં સુધી તેઓ પોતાનાં બળ પર શિકાર કરતા ન શીખી જાય, જ્યાં સુધી તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ ન થાય. એ પછી તેઓની સહુથી પહેલી લડાઈ પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે હોય છે. એટલે માને જ પોતાની દુશ્મન બનાવીને તેઓ માને જંગલમાંથી હાંકી કાઢે છે અને પોતાનો વિસ્તાર વસ્તારે છે. અહીં જે હારે છે તે હાર સ્વીકારીને ચૂપચાપ બીજા વિસ્તારમાં નીકળી જાય છે. ત્રણે બહેનોમાંથી ‘પેડવાલી’ રામગંગાના પટમાં સંતાઈને સાંભર પર એકધારી નજર રાખીને યોગ્ય તકની રાહમાં બેઠી છે. એટલામાં મોરની નજર વાઘ પર પડે છે. તેઓ ઊંચા ચેતવણી સૂચક ટહુકારથી સાંભરને સૂચિત કરે છે. એક બાજુ વાઘ છલાંગ લગાવે છે, પણ અફસોસ! સાંભર યોગ્ય સમયે નદીને સામે કાંઠે ભાગી છૂટે છે. આ પ્રયત્ન પણ વ્યર્થ… પોતાની ભૂખ સંતોષવા માટે અહીં વાઘે સતત પ્રયત્ન કરતા જ રહેવા પડશે, તો સામે હરણાંઓએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સાવચેત રહેવું પડશે, ભાગતા રહેવું પડશે અને બીજા જીવો સાથે એકતા કેળવવી જ પડશે. અહીં સાંભરની મદદ વાંદરાઓ કરે છે. ખૂબ ઊંચાઇએથી જોઈ શકવાની ક્ષમતા ધરાવતા હોઈ દૂરથી આવતા વાઘ કે દીપડાને જોઈ લઈ વાંદરાઓ સાંભર અને ચિત્તલને ચેતવણી સૂચક કૉલ્સ આપે છે અને બધા જ સાંભર કે ચિત્તલ ટોળામાં સુરક્ષિત સ્થળે ખસી જાય છે. બીજી બાજુ સાંભરને સૂંઘવાની સારી શક્તિ હોવાના લીધે તેઓ દીપડાની હાજરીની સંવેદના પારખી લે તો વાંદરાને સૂચિત કરે છે અને વાંદરો પોતાનો જીવ બચાવવા પાતળી ડાળી પર સ્થાન જમાવી લે છે જ્યાં દીપડો ન પહોંચી શકે. આમ જંગલ એકમેકનાં સહયોગથી ચાલે છે તો વાઘની ધીરજ, અસંખ્ય નિષ્ફળ પ્રયત્નો પછી પણ સતત પ્રયત્નશીલ રહેવાની વૃત્તિ જેવા ગુણો જંગલમાંથી માત્ર નિરીક્ષણથી જ મેળવી શકાય છે. જંગલ સાચા અર્થમાં એક ખુલ્લી પાઠશાળા છે જે હંમેશાં દરેક જીવ માટે સમાન હકથી જ ઉપલબ્ધ છે. બહુ બહુ તો આપણે જંગલના સાક્ષી બની શકીએ અને સાક્ષીભાવે એને નિહાળી શકીએ તો પણ પૂરતું છે.

કુદરત સાથે વાત કરવા પ્રયત્નો કરીએ તો એ આપણી વાત હંમેશાં સાંભળે પણ છે જ. સૂર્યોદય મને ખૂબ જ આકર્ષે. મને વહેલા ઊઠવાનું એક માત્ર કારણ જોઈએ - જંગલ, પહાડો કે ગગનચુંબી વૃક્ષોનાં પર્ણો વચ્ચેથી ધસી આવતો સૂર્ય પ્રકાશનો શેરડો. જેમ રિસાયેલું બાળક માની સોડમાં લપાઈને હળવેકથી જોતું હોય એમ ક્યાંક કોઈક પહાડ વચ્ચેથી ઊગતો સૂરજ ધીરે ધીરે લાલાશ પકડે અને સમગ્ર સૃષ્ટિ જીવંત થાય. આવું દૃશ્ય મને જોવું અને જીવવું ખૂબ જ ગમે. ઢીકાલાનાં ઘાસનાં મેદાનોમાં સૂર્યોદય થવાનો હોય કે આ રીતે ઘાસ પર મોતીની માફક ઝાકળની બૂંદો દેખાય અને એ દરેક ઝાકળનો પોતાનો અલાયદો સૂરજ પણ એમાં જ દેખાય. કુદરતના આવાં દૃશ્યોમાં મને વારંવાર મહાલવાની હવે આદત છે. જો એવું દૃશ્ય ન જોવા મળે તો કુદરત મારાથી રિસાઈ હોય એમ જ હું એને ફરિયાદ કરું અને એ મારું સાંભળીને મને ફરી કંઈક નવીનતમ વિશ્વમાં લઇ જાય.

ચંદ્રને હંમેશાં રઢિયાળી રાત સાથે જ સંબંધ હોય છે પણ વહેલી સવારે ચંદ્રની છેલ્લી ઝલક જોઈને ધરણીને વિદાય આપતી વખતેનો એનો અને ધરણીનો નાતો કેટલો સુંદર હોય છે એ જોવા માટે જો જંગલનો ઊઘડતી પરોઢનો મિજાજ અચૂક જોવો પડે, દોસ્ત. જિમ કોર્બેટના ઢીકાલામાં ફ્રાગમીટિન અને સચરૂમ જાતિના ઘાસનાં મેદાનોમાં વહેલી સવારે ચોતરફ ધુમ્મસે ઘેરો ઘાલ્યો હોય, ઘાસનાં દરેક પાંદડા પર મોતીઓની માફક ઝાંકળની બૂંદો દેખાતી હોય, સૂરજ રિસાયેલા બાળકની માફક ક્ષિતિજ પર વાદળો વચ્ચેથી જરાતરા ડોકિયાં કરતા હોય અને ચંદ્ર એની સોળે કળાને સમેટીને ઓઝલ થવાની તૈયારીમાં હોય એવા સમયે જો આપણી હાજરી ત્યાં હોય તો કુદરત કેટલી ગજબ કલાકાર છે એ બધું વિચારતાં વિચારતાં જ નતમસ્તક થઈને મંત્રમુગ્ધ થઇ જવાય… આને જ તો પ્રકૃતિ કહેવાય ને દોસ્ત..!

છેક નેપાળની સરહદે આવેલું દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન એક સમયે ‘સોનારીપુર વાઇલ્ડલાઇફ સેન્કચ્યુરી’ તરીકે ઓળખાતું હતું. આ જંગલ કોઈકના પ્રયત્નોથી રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું અને આજે અહીં વિલુપ્તિના આરે આવેલાં જાનવરો ખુશીથી મુક્તપણે મહાલે છે. વાઘની ત્રાડથી જંગલનો સમગ્ર પંથક ધ્ર્રૂજે છે, છતાં વારંવાર અહીં આવવાનું મન થાય છે. દૂધવા નેશનલ પાર્કના રસ્તાઓ પર સૂર્યપ્રકાશ પણ સાલનાં મહાકાય વૃક્ષોમાંથી માંડ કરીને રસ્તો શોધીને ઘરણી લગી પહોંચે છે. અહીં સુહેલી નદી અને તરાઈનાં જંગલોમાં સોનેરી સાંજને માણતાં માણતાં અઢળક પક્ષીઓના સૂરને સાંભળ્યા જ કરીએ કે જાણે ઘોંઘાટથી અલિપ્ત વિશ્વમાં એવું ચોક્કસ અનુભવી શકાય કે આ જ જગ્યા છે જ્યાં હંમેશ માટે સ્થાયી થઇ જવું જોઈએ. અહીંયાની રાત્રિનો અનુભવ ખૂબ જ મનમોહક છે. સામાન્ય રીતે કોઈપણ જંગલમાં જાઉં હું રાત્રિના આનંદને માણવાનું ક્યારેય ન ચૂકું. આ વખતે મેં મારા ગાઈડને સાથે લીધો. માંડ વીસેક વર્ષનો છોકરડો, પણ જંગલ સાથે આગવો લગાવ. એના હાથમાં ડાંગ અને ટોર્ચ અને મારા હાથમાં કેમેરા. અમે બંને ચાલી નીકળ્યા શારદા નદીના કિનારે, ગાડારસ્તે, જંગલની ધાર પર પ્રાણીઓનો અવાજ સાંભળતાં સાંભળતાં. કડકડતી ઠંડી, સાલનાં વૃક્ષોનાં પર્ણો સાથે અથડાઈને કાનમાં કશુંક કહી જતો ઠંડો પવન, જંગલના સન્નાટા વચ્ચે કાનમાં અથડાતાં પક્ષીઓના અને રાની પશુઓના અવાજ અને છેલ્લે વાઘનો શિકાર બનેલા કોઈ હરણની કારમી ચીસ. ચંદ્રની રોશનીમાં માર્ગ જોઈ શકાય એવા આછેરા ઉજાસના સહારે શારદા નદીના કિનારે આગળ વધ્યો, જ્યાં પોતાના પગરવ સિવાય કંઈ પણ સંભળાય તો પણ ભયની લહેરખી હૃદયના ધબકારાની ગતિ આપોઆપ વધારી દે. શેરડીના ખેતરના પાકનું રક્ષણ કરતા ખેડૂતો ઘાસમાંથી બનાવેલી આડાશમાં બેસીને પ્રાણીને દૂર રાખવા કે ચેતવવા માટે આગ પેટાવીને બેઠા હતા. ત્યાં જઈને થોડાંક લાકડાં લઈને તાપણું કર્યું અને નિરાંતે જંગલની રાત્રિનો આનંદ માણ્યો. ત્યારે સમજાયું કે ભયને ભગાડવા માટે પણ ભયની છેલ્લી હદ સુધી જાતે જ જવું પડે છે. ભયની ભયાનકતાને ખૂબ જ નજીકથી અનુભવવી પડે છે. બાકી જંગલની રાત્રિને હંમેશાં લોકોએ અનુભવ્યા વિના જ ડર સાથે જોડી દીધી છે. ખરેખર તો જંગલ એટલે ડરામણું જ હોય એવું જરાયે નથી હોતું. પ્રકૃતિ સાથે નિખાલસતા કેળવવાથી પ્રકૃતિ આપોઆપ તમને એનામાં ઓળઘોળ કરી જ મૂકે છે અને તમે પ્રકૃતિના થયા વિના નથી રહેતા.

બળતાં લાકડાંના એક અવિરત સંગીત થકી હૃદયને શાતા મળી અને પ્રકૃતિની હૂંફ થકી ક્યારે છેલ્લો પ્રહર આવ્યો એ જ ખ્યાલ ન રહ્યો. ચંદ્ર અને તારાઓ ધીરે ધીરે ક્યાંક ઓગળી ગયા અને સવારનું પ્રાકૃતિક સંગીત ફરી મને નવી મુસાફરીનું પ્રલોભન આપી રહ્યું હતું.

સદીઓથી આ ધરતી પર રાજ કરતા અને આકાશમાં ઊંચાઈએ ઊડતાં યાયાવર પક્ષીઓની ઉડાનની તોલે કશું ન આવે... સહુથી આગળ લીડર હશે, ત્યાર બાદ બીજું પક્ષી એની જગ્યા લેશે એટલે લીડર પાછળ જશે પણ બધા જ એક સાથે હાર બંધ સંપીને ઊડશે જેથી કોઈ એકને થાક ન લાગે અને અસ્તિત્વની યાત્રા આગળ ધપતી રહે. આ લોકોની ઉડાન અને જીવવાની પદ્ધતિ જોઈને પણ જીવનના ઘણા ખરા પાઠ શીખી શકાય. પ્રકૃતિ એ કુદરતે જાતે જ ખુલ્લી મૂકેલી જીવનની પાઠશાળા છે દોસ્ત, જલ્દીથી એડમિશન લઇ લો. આ પાઠશાળા હવે કદાચ એના અંતિમ પડાવમાં છે.

કુદરત ક્યાંક ખજાનો ખુલ્લા દિલથી વેરે છે એને યોગ્ય સમયે નિહાળીને સાક્ષીભાવે માણવો જોઈએ. આ જ અદભુત ઘટનાઓ રજૂ કરતાં જંગલ, વન, પ્રાણી-પંખીઓ અને નદીઓને જેમ છે એમ જ રહેવા દઈને જાળવણી કરવી જોઈએ. એના માટે આપણે ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી. બસ, શું ન કરવું જોઈએ એટલું સમજીએ તો પણ બહુ બહુ. મિનરલ વૉટરની બોટલ્સનો આગ્રહ ન રાખતાં પોતાની બોટલ સાથે રાખીને ભરવી જોઈએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે પોતાની નાનકડી થેલી અચૂક રાખવી જોઈએ. આવાં જંગલોમાં જંગલને અનુરૂપ કપડાં જ પહેરવા જોઈએ અને જંગલનાં માહોલમાં ભળી જવું જોઈએ. જંગલમાં રહેતા વન વગડાનાં પશુ - પંખીઓને ચણ આપો ત્યાં સુધી ઠીક, પણ એનાથી વિશેષ કશું જ ખવડાવવું ન જોઈએ. તેઓનું અસ્તિત્વ તેઓ કુદરતી રીતે જ ટકાવી શકે તેવી ક્ષમતા કુદરતે એમને બક્ષી જ છે, તો એમાં બાધા ન બનતા. બસ, એમને સંવર્ધનની કુદરતી તકો જ આપવી જોઈએ!

ખરેખર, પ્રકૃતિના ખભે હાથ મૂકીને ચાલીએ તો એ આપણને ના તો માર્ગથી ભટકવા દે ના તો છટકવા દે...

creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...